પંકજ/ગુનાની કબૂલાત

વિકિસ્રોતમાંથી
← મૂર્તિપૂજા પંકજ
ગુનાની કબૂલાત
રમણલાલ દેસાઈ
૧૯૩૫
આંસુના પાયા →






ગુનાની કબૂલાત


હું ગુનો કબૂલ કરું છું.

મને મારવાની જરૂર નથી; અંગૂઠા પકડાવવાની જરૂર નથી; અદ્ધર ટીંગાડવાની જરૂર નથી; મારા નખ નીચે ટાંકણીઓ ભોંકવાની જરૂર નથી. ગુનો કબૂલ ન કરવો એટલે શું તે હું જાતઅનુભવથી જાણું છું.

નહિ સાહેબ, એમાં હું આપનો દોષ નથી કાઢતો. ગુનો કરનાર કાંઈ સતવાદી નથી હોતા; અને બંદોબસ્ત ખાતાના સિપાઈ – અમલદારની દિવ્ય દૃષ્ટિ હોતી નથી કે ગુનેગારોનાં હૃદયને વાંચી શકે. વગર માર્યે ગુનો કબૂલ કરાવવો એ કેટલું મુશ્કેલ છે તે હું સમજી શકું છું. એટલે તમે મારો નહિ તો બીજું શું કરો?

પરંતુ મારે માર ખાવો નથી. હું હવે થાક્યો છું, હાર્યો છું. શરીરમાં બળ નથી એ એક વાત. અને મારા હૃદયમાં બળ રહ્યું નથી એ બીજી વાત. જેના હૈયામાં બળ નથી એનાથી માર શી રીતે જીરવાય?

હા, આપના એક ફટકાથી હું મરી જતો હોઉં તો હું બહુ ખુશીથી આપનો ફટકો આવકારીશ. પણ એક ફટકો કે દસ ફટકા માનવીને મૃત્યુની શાંતિ આપી શકતા નથી. મારે મૃત્યુ જોઈએ — મૃત્યુની શાંતિ જોઈએ. જીવતરથી હું હવે કંટાળી ગયો છું. કેદખાનાના સળિયા બહાર મારે ઊભા રહેવાનું પણ સ્થાન નથી. સમાજ કરતાં સરકાર સારી છે. સરકાર ગુનેગારને બે ટંક રોટલો અને સૂવા માટે પાંચ હાથ જમીન પણ આપે છે. સમાજમાં તો એટલી સંકડાશ છે કે ગુનેગારને વેંત જગા પણ મળતી નથી ! પછી રોટલાની તો વાત જ શી ? ગુનેગારને માટે બે જ સગવડ હોઈ શકે : જીવવું હોય તો કેદ અને છૂટા રહેવું હોય તો મૃત્યુ ! મને હવે કેદનો યે કંટાળો આવ્યો છે. મને મૃત્યુ અપાવી શકશો ? આ જીવતરથી હું છૂટવા તલપું છું.

આ ગુનાની વાત ઉડાડી દેવા હું માગતો નથી. તે તો મારે કબૂલ છે. પોલીસને હાથ પડ્યા પછી ગુનો ઉડાડી દેવાનું મારું શું ગજું? નિર્દોષ માણસને માથે આરોપ આવ્યો હોય તો તેને પણ તે દૂર કરતાં નવનેજા થાય છે. હું તો ગુનેગાર રહ્યો. મેં ગુનો કર્યો છે. મારાથી તેની વાત કેમ ઉડાડી દેવાય? હું ઈચ્છું તો ય તે શક્ય નથી. હું ગુનો કબૂલું છું. આ એક જ નહિ પણ બીજા ગુના ય હું કબૂલ કરું છું. મેં કંઈક ગુના કર્યા છે. એ બધા ય આજ આપની આગળ કબૂલ કરીશ. મૃત્યુ માગતા થાકી રહેલા જીવને શું કરવા કશું સંતાડવું પડે ? સાંભળો ત્યારે મારા ગુનાની આખી યે નોંધ.

જેને આપ ગુના કરનારી જાત તરીકે ઓળખાવો છો તેવી જાતમાં મારો જન્મ થયો ન હતો. મારો જન્મ ઊજળી કોમમાં થયો હતો. કોમો તો બધી યે ગુના કરે છે, એટલે ગુના કરનારી જાતની સરકારે કરેલી યાદી ખોટી છે; બધી જાતો તેમાં આવવી જોઈએ. પરંતુ એટલું ખરું કે ઊજળી જાતની હોશિયારી તેના ગુનાને પકડાવા દેતી નથી; અને ગુના કરનારી તરીકે ઓળખાયેલી જાત બિચારી તેના પ્રામાણિકપણાને લઈને સરકારી દફતરે ચડી વગોવાય છે. એવી ઊજળી જાતમાં જન્મ્યા છતાં મેં ગુનાની શરૂઆત મોડી – બહુ મોડી કરી હતી. હું ગરીબ હતો, પરંતુ મારી પ્રામાણિક વૃત્તિમાંથી હું કદી સ્ખલિત નહોતો થયો. ગરીબીને લીધે હું ઝાઝું ભણી શક્યો નહિ; મેટ્રિકમાંથી તો મારે ઊઠી જવું પડેલું. પરંતુ મારા સારા કે ખોટા નસીબે મને એક શેઠને ત્યાં ગુમાસ્તીનું કામ મળી ગયું. વીસ રૂપિયાનો માસિક પગાર મને મળ્યો એટલે મારી ખુશાલીનો પાર રહ્યો નહિ. સાહેબ, ગરીબ બહુ થોડેથી રીઝે છે !

હું અત્યારે દેખાઉં છું તેવો તે વખતે નહોતો. અત્યારે જંગલનો ભીલ, ગામડાંમાં વસતો રોંચો અને હું એ ત્રણેમાં આપને કશો ફેર જણાશે નહિ. પરંતુ તે વખતે મારી ચામડી સહેજ ગોરી અને સુંવાળી હતી; મારું મુખ અત્યારના જેવું કદરૂપું નહોતું. મારી ફાટી આંખમાં આપને અત્યારે દેખાતી ઘેલછા કે બહાવરાપણું તે વખતે નહોતાં. આપને એ ખરું નહિ લાગે તો ય હું કહું છું કે મને ઘણાં માણસો રૂપાળો કહેતાં.

હશે. રૂપની વાત બાજુએ મૂકીએ.

ગુમાસ્તા તરીકે મારું કામ ચોપડા અને કાગળ પત્રો લખવાનું હતું. થોડા જ વખતમાં મારું કામ મુનીમ અને શેઠ બનેને ગમ્યું હોય એમ લાગ્યું, જોકે મારે મોઢે તેમણે એવું કદી કહ્યું નથી. પરંતુ મારા સારા કામની કદર તરીકે તેમણે મને બીજું વધારે કામ સોંપ્યું. એટલું જ નહિ, શેઠના ઘરનું કેટલુંક ખાનગી કામ કરવાનું પણ મારે માથે પડ્યું.

કામથી હું કદી કંટાળ્યો નથી. શેઠની કૃપાના ચિહ્ન તરીકે મેં વધારાના કામ આવકારી લીધાં. જે કામ સોંપાય તે હું ગમે તેમ કષ્ટ વેઠીને પણ સારી રીતે કરતો.

શેઠને રીઝવવાનું કામ જેટલું સહેલું છે તેટલું શેઠાણીને રીઝવવાનું કામ સહેલું નથી, હો ! ખાનગી કામના મોટાભાગની વ્યવસ્થા શેઠાણીના હાથમાં હતી. શેઠાણી બહુ જબરદસ્ત હતાં. શેઠ અને શેઠાણી સાથે બેઠા હોય ત્યારે શેઠ આપણને ઝાંખા પડી ગયેલા લાગે. શેઠાણી બહુ કપરાં હતાં. આખું ઘર તેમનાથી થરથરતું. તેમનાથી શેઠને પણ મેં થરથરતા જોયેલા. તેમની નજર ચારે કોર ફરતી. તેમનો અવાજ બંગલાને ખૂણેખૂણે ગાજી રહે. ખાનગી કામ માથે પડતાં મારે એ ઉગ્ર સ્ત્રીશક્તિની ઝપટમાં આવવું પડ્યું.

મારું નામ તે વખતે કુંદનલાલ હતું; આજ મને કુંદનિયો, કુનિયો, કુંદો એમ ગમે તે નામે બોલાવાય છે એ જુદી વાત છે. મારી ફોઈએ શા માટે એ નામ પસંદ કર્યું તે હું સમજી શક્યો નથી. નામ પ્રમાણેનો ગુણ મેં કદી કેળવ્યો નથી.

પહેલું જ ખાનગી કામ સોંપતાં શેઠાણીએ મોટે સાદે ફૂલેલી ગરદન વધારે ફૂલાવી. આંખો કાઢી મને કહ્યું :

'જો કુંદન, મારી પાસે કશી ગરબડ નહિ ચાલે. હું કહું તેમ થવું જ જોઈએ; નહિ તો તારે ઘરે બેસવું પડશે.'

શેઠ સિવાય બીજાં બધાંયને શેઠાણી તુંકારીને બોલાવતાં હતાં. મને ભય લાગ્યો. શેઠાણી પાસે કામ કરનાર ભલભલા હોશિયાર માણસો ઘેર બેસી ગયા હતા. ધ્રુજતાં ધુજતાં મેં જવાબ આપ્યો :

'બાઈ સાહેબ, આપને કહેવું પડે એમ નહિ રાખું.'

મેં શેઠાણીને આપેલું વચન બરાબર પાળ્યું. સોની, સાળવી, ધોબી, ઝવેરી, કાપડિયો, ચુડગર એમ જાત જાત અને ભાત ભાતના કારીગર તથા દુકાનદારની સાથે મારે કંઈ કામ હોય જ. ઘણી વખત રાતના બાર વાગી જાય તો પણ મારા ધક્કા પૂરા થયા ન હોય. દિવસના દફતરનું કામ તો મારે કરવાનું હતું જ. મેં કામના ભારણને ગણકાર્યું નહિ. શેઠ અને શેઠાણી બન્ને રીઝે એવું કામ કરવામાં મેં મારી ફરજ બજાવાતી જોઈ; એટલું જ નહિ, પણ ભાવિ ચડતીનાં ચિહ્નો પણ જોયાં - જોયાં નહિ, કલ્પ્યાં.

શેઠાણીએ મને ઘેર બેસાડ્યો નહિ એટલા ઉપરથી હું કહી શકું કે શેઠાણીને મારું કામ ગમ્યું હોવું જોઈએ. અલબત્ત, વચ્ચે વચ્ચે પ્રસંગ ઉપજાવી તેઓ મને મારું નોકરપણું ભૂલવા દેતા નહિ. નોકરને વગર વાંકે પણ ધમકાવી શકાય છે. વગર વાંકે પણ નોકરને ધમકાવી દબડાવી ભયભીત રાખવા એ સુવ્યવસ્થાનું સૂત્ર મનાય છે. તે ધોરણે બીજાઓના દોષ ઉપર ગુસ્સે થયેલાં શેઠાણી મને પણ તેવો દોષ ન કરવાનું કહી ધમકાવતાં.

પરંતુ જ્યારે શેઠાણીએ શેઠને એક હુકમ કર્યો ત્યારે મને લાગ્યું કે મારું જીવતર અને મારી મહેનત સફળ થયાં.

'સાંભળો છો ને? આ કુંદનને આપણા બગીચામાં જ રાખીએ. પાસે હોય તો કંઈ કામ બતાવાય, આ તો દૂર રહે એટલે એને કાંઈ કામ બતાવાતું નથી.'

મારા દૂર રહ્યાના કાણે કામ ઓછું બતાવાતું હતું એ અભિપ્રાય શેઠાણીનો ભલે હોય, મારો અભિપ્રાય તેવો નહોતો. છતાં શેઠાણીના કથનથી મને સંતોષ અને ગર્વ થયાં. મારા કામથી તેમને તુષ્ટ કરી શક્યો છું એની મને ખાતરી થઈ.

'પણ એને રાખીશું ક્યાં ?' શેઠે પૂછ્યું.

‘એને રહેવાને વળી કેવડી જગા જોઈએ? બેત્રણ ખોલડાં કાઢી અપાશે.' શેઠાણી બોલ્યાં.

પાળેલા કૂતરાને રોટલીને વધ્યોઘટ્યો ટુકડો ફેંકાતો હોય તેમ આ વધારે પડતી ખોલડીઓ મારા તરફ ફેંકાતી હતી. કૂતરાની માફક નોકરને પણ સ્વમાન હોતું નથી.

'પણ એ તો બૈરાંછોકરાંવાળો છે. હમણાં જ મેં એના પગારમાં પાંચ રૂપિયા વધારી આપ્યા.' શેઠે કહ્યું.

છ-સાત વર્ષની સખત નોકરી પછી શેઠે મારા વીસના પગારમાં પાંચ રૂપિયા પગાર વધારવાની ઉદારતા બતાવી હતી ખરી.

'તે એનાં બૈરાંછોકરાંને અહીંથી કોઈ લઈ જવાનું નથી ને ? ખોલીઓનું ભાડું ન લેશો. એટલી એને રાહત આપો !'

મારાં બૈરાંછોકરાં મેં અહીં આવીને જ ખોયાં એનો મને વિચાર આવે છે ત્યારે મારું લોહી અત્યારે પણ ઊછળી આવે છે. પરંતુ તે વખતે મને કાંઈ લાગેલું નહિ હોય. ઊલટું મેં તો આનંદની લાગણી અનુભવી. મારા સરખા ધનરહિત મનુષ્યનું કુટુંબ શેઠશેઠાણીની મહેરબાની વગર આવા સુંદર બંગલાની જોડાજોડ રહી બાગ બગીચાનો લહાવો લેવાની કયે જન્મ તક મેળવી શકે એમ હતું ? સ્વચ્છ હવાના લાભ સમજી શકું એટલો હું નવા જમાનાનો માણસ હતો. બૈરાંછોકરાને સ્વચ્છ હવા અને ખુલ્લી જગા મળશે એ વિચારે મેં જબરદસ્ત શેઠાણીનો પડોશ આનંદથી – સાભાર સ્વીકાર્યો.

હું બૈરાંછોકરાંવાળો હતો એ બહુવચનથી ઉભરાતા વાક્યનો અર્થ એટલો જ કે મારે એક જ પત્ની હતી અને એક જ છોકરી હતી. આપણા હિંદીઓને રોજગાર ન મળે પણ પત્ની મળે એવી સ્થિતિ હોય છે. હું ભણતો ત્યારથી જ મારાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. મારી પત્ની પણ મારી માફક ગરીબ કુટુંબમાંથી આવી હતી. ભારે ખર્ચ કે લેવડદેવડ કર્યા વગર મારાં લગ્ન થઈ ગયાં હતાં. મારી પત્ની થોડું ગુજરાતી ભણી હતી એટલે મને ભણેલી પત્ની મળ્યાનો ગર્વ પણ હતો.

એ પત્ની માત્ર ભણેલી હતી એટલું જ નહિ; તે બહુ શાંત, કહ્યાગરી, મહેનતુ અને સુશીલ હતી. તેનો દેખાવ પણ આકર્ષક હતો. મને તો તે બહુ ગમતી. તેણે મારી નિર્ધન સ્થિતિન્ કદી અસંતોષ બતાવ્યો નહોતો. હું ઘણી વખત મારાં નસીબને ગાળો દેતો. મારી પત્નીને મારે ક્યાં ક્યાં સુખ તથા આનંદ આપવો જોઈએ તેની યાદ કરી. તેમાંથી એક પણ સુખ કે આનંદ પૂરાં ન આપી શક્યા બદલ હું શોક કરતો. પરંતુ મારી પત્ની સામું મને આશ્વાસન આપતી અને કહેતી :

“બળ્યું શું આવો અસંતોષ ! મારે તો કાંઈ ન જોઈએ : મારું કંકુ કપાળે અખંડ રહે એટલે બધું સુખ અને સાહ્યબી આવી ગયાં.

મરવા ઈચ્છતા માનવીનાં યે આંસુ જીવતાં રહે છે. પત્નીને સંભારું છું ત્યારે આજે પણ આંસુ આવે છે. પરંતુ એ આંસુની મને એકલાને જ કિંમત છે. એ તો સ્વર્ગે ગઈ ! એની વાત નહિ કરું. આપના હુકમ મુજબ હું મારા ગુનાને લગતી જ વાત કરીશ. હું જાણું છું કે આપને મારા લવાર સાંભળવાની ફુરસદ નથી.

શેઠાણીની ઈચ્છા મુજબ શેઠે મને આજ્ઞા કરી અને હું બગીચામાં રહેવા આવ્યો. બંગલા પાસેની કોટડી મને તો બંગલા સરખી જ લાગી. પરંતુ મારી પત્નીએ આ સારા રહેઠાણ માટે બહુ ઉત્સાહ બતાવ્યો નહિ.

'બહુ મોટા માણસનો પાડોશ સારો નહિ. આપણે અહીં શોભીએ નહિ.' એમ તેનું કહેવું થયું. તેના કથનને મેં હસી કાઢ્યું, અને ઉત્સાહપૂર્વક હું ત્યાં રહેવા લાગ્યો.

મારે એક દીકરી હતી. સાતેક વર્ષ તેને થયાં હતાં. શેઠને પણ લગભગ એવડી - ઉમરની દીકરી હતી. મારી દીકરીનું નામ સરિતા; શેઠની દીકરીનું નામ પ્રિયબાળા. અહીંથી હવે મારા ગુનાની ખરેખરી વાત શરૂ થાય છે.

પ્રિયબાળા કરતાં સરિતા ઓછી દેખાવડી ન હતી. માબાપની નજરે કયું બાળક કદરૂપું લાગે છે? બાળકો બહુ ઝડપથી મિત્ર બની શકે છે. સ્થિતિનો તફાવત આ ઉંમરને અદ્રશ્ય હોય છે. સરિતા અને પ્રિયબાળા કોણ જાણે કેવી રીતે પરસ્પરનાં મિત્રો બની ગયાં. જ્યારે ત્યારે હું તેમને બગીચામાં કે બંગલામાં ભેગાં રમતાં નિહાળતો અને ખુશ થતો.

પરંતુ હવે લાંબો વખત ખુશ રહેવાને સર્જાયો નહોતો. બંગલાના એક વિશાળ ખંડના એક ખૂણામાં બેસી શેઠે આપેલાં શેરનાં કાગળિયાં જોઈ હું વ્યાજ ગણતો હતો. શેઠ અને શેઠાણીને મારા ઉપર એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે તેમની તિજોરી કે દાગીનાની પેટીની કૂંચી ઘણી વખત મને સોંપાતી; શેઠ દૂર એક સેફા ઉપર પડ્યા પડ્યાં છાપું વાંચતા હતા. જોરભેર ખંડનું બારણું ઊઘડ્યું. શેઠાણી તેમના રિવાજ મુજબ ધસી આવ્યાં. અને મોટેથી બોલ્યાં :

'આ તો એક ભારે દુઃખ થયું !'

શેઠાણીનાં અગણિત દુઃખોમાં એકાદ વધ્યું તેની શેઠ ઉપર ઝાઝી અસર થઈ નહિ. છતાં કાળજી બતાવતાં તેમણે પૂછ્યું :

'કેમ એવું શું છે?'

'તે તમે જોઈ શકતા નથી? આપણી પ્રિયબાળા હલકાં છોકરાં ભેગી રમે છે. કેટલી ખરાબ અસર થાય?'

'એવાં કોણ હલકાં છોકરાં અહીં છે? નોકરોનાં બાળકો તો આ બાજુ આવતાં જ નથી – તેં ના કરી છે ત્યારથી.'


'આ કુંદન તમારો નોકર નહિ, ખરું ?' શેઠાણીએ મને બેઠેલા જોયો નહિ હોય એમ મેં ધાર્યું – જો કે મારા સરવાળામાં એ વાક્યે ભૂલ પાડી.

'તેનું શું છે અત્યારે?' શેઠના અવાજમાં સંકોચ હતો. વાત લાંબી ન વધારવાનું સૂચન હતું. તેઓ તો જાણતા જ હતા કે હું વાતચીત સંભળાય એટલો પાસે બેઠો હતો.

'તેનું શું છે એમ પૂછો છો? જોતા નથી રાતદહાડો એની છોકરી જોડે પ્રિયબાળા રખડ્યા કરે છે તે ? એમ તો એ તદ્દન બગડી જશે.'

'ઠીક છે. જોઈશું.' કહી શેઠ ઉતાવળા ખંડની બહાર ચાલ્યા ગયા. શેઠાણી તેમની પાછળ ધસ્યાં. હું એકલો પડ્યો.

હું જરૂર નોકરવર્ગમાં હતો. હું શેઠથી પૈસેટકે હલકો હતો; એટલે પ્રતિષ્ઠામાં યે હલકો હતો એ કબૂલ કરું છું. પરંતુ મારી હલકી સ્થિતિ મારી પુત્રીને શેઠની પુત્રી જોડે રમવા માટે અપાત્ર બનાવે એ માનવાની મારી જરા પણ તૈયારી નહોતી. હું શેઠાણીના બોલથી દાઝી ઊઠ્યો. શું એક પ્રામાણિક નોકર અપ્રામાણિક શેઠથી ઊતરતો લેખાય? તેનાં છોકરાં પણ શેઠનાં છોકરાં કરતાં હલકાં મનાય ? એ કયો ન્યાય ? કયાંનો ન્યાય ? અપમાન સહન કરવા ટેવાયેલા ગરીબોને અપમાન વિસારે પાડવાં પડે છે. એ વાતચીત મેં સાંભળી જ ન હોય એવો દેખાવ કરી હું આખો દિવસ કામે લાગ્યો. પરંતુ હું ઘેર આવ્યો અને એ વાત તાજી થઈ, મારી દીકરી એક બાજુએ રડતી હતી. સદા યા શાન્ત દેખાતી મારી પત્ની ઉગ્ર મુખ કરી બેઠી હતી.

'શું થયું ?' મેં પૂછ્યું.

'કાંઈ નહિ.' પત્નીએ જવાબ આપ્યો.

'સરિતા રડે છે ને !'

'બા મારા પગ કાપી નાખવાનું કહે છે !' રડતે રડતે સરિતાએ મા વિરુદ્ધ ફરિયાદ કરી. વાતચીતમાં છેવટે જણાયું કે શેઠાણીએ મારી પત્નીને બોલાવી. પ્રિયબાળા સાથે રમી સરિતા તેનો દરજ્જો અને તેનું માનસ ખરાબ કરતી હતી તે માટે ધમકાવી, શેઠ નોકરની મર્યાદા બાળકો સુધી લઈ જવાની તેને આજ્ઞા આપી હતી. ગરીબ અને તેમાં સ્ત્રી ! એ કોની ઉપર પોતાનો રોષ કાઢે ? તેણે કોટડીમાં આવી સરિતાને ધમકાવી કહ્યું :

'હવે જો બંગલામાં પગ મૂક્યો છે તે તારા પગ કાપી નાખીશ.'

‘બાળકીના પગ કાપી નાખવા કરતાં શેઠાણીનો બંગલો બળી નાખવો એ શું વધારે વાજબી નહોતું ? પરંતુ હું કાંઈ બેલ્યો નહિ. હસીને બાળકીને મારી પાસે લીધી. પરંતુ મને અને મારી પત્નીને એ અપમાનની યાદમાં આખી રાત ઊંઘ આવી નહિ.

બેત્રણ દિવસ પ્રિયબાળા અને સરિતા સાથે જોવામાં ન આવ્યાં. પરંતુ એક દિવસ સંધ્યાકાળે બાગની ઘટા પાછળ બન્ને જણ રમતાં હતાં એવું મેં શેઠાણીની બૂમ ઉપરથી જાણ્યું. હું તત્કાળ તે બાજુએ દોડી ગયો. શેઠાણી સરિતાને ધમકાવવાનું મૂકી મને ધમકાવવા માંડ્યાં :

“કુંદન ! તમને લોકોને કેટલું કહેવું ? બાગમાં જગા ઓછી છે કે સરિતાએ પ્રિયબાળાની પાછળ પાછળ જ જવું જોઈએ? આ ટ્રાઈસીકલ એણે ભાંગી નાખી. છોકરીને રીતમાં રાખતાં શું થાય છે?' શેઠાણીને જવાબ આપવા માટે મારા હૃદયમાંથી અનેક શબ્દો ઊછળી આવ્યા. પરંતુ મારી જીભને ખબર હતી કે મારું પોષણ શેઠે આપેલા પગારમાંથી થતું હતું. હું સરિતાને ઊંચકી પાછો ફર્યો. પાછળથી મેં શેઠાણીને બોલતાં સાંભળ્યાં :

'શુ લડાવી મૂકી છે છોકરીને? એક અક્ષર પણ એને કહેતો નથી.'

અને ખેર, મેં સરિતાને એક અક્ષર પણ કહ્યો નહિ. શા માટે કહું ? તેને શેઠના બંગલામાં પેસવાની મનાઈ કરી નહોતી. છતાં મારી પત્નીએ જરા કડક ઢબે રોતી સરિતાને કહ્યું :

'હવે પ્રિયબાળા સાથે રમીશ નહિ.'

'હું મારી મેળે રમવા જતી નથી. પ્રિયબાળા જ મને બોલાવે છે.'

'એ બોલાવે તો ય તું જઈશ નહિ.'

એકાદ દિવસ શાન્તિ રહી. મને અગર મારી દીકરીને આપેલું અપમાન એ અમારી માલિકી હતી. એમાં શેઠાણીને શું ? કાંઈ ન બન્યું હોય એમ તેઓ પ્રથમની માફક મારી સાથે વાતો કરતાં અને હુકમો પણ આપતાં. તેમણે કહેલા બોલમાં અપમાન રહ્યું છે કે કેમ તેનો પણ કદાચ તેમને ખ્યાલ નહિ હોય. પરંતુ જગતના ધનિકો તેમના આશ્રિતોને તેમના બોલથી અને તેમની રીતભાતથી સતત વીંધ્યે જ જાય છે એ તેમને કોણ સમજાવે?

બીજે દિવસે સાંજે શેઠાણી અને પ્રિયબાળા ફરવા જતાં હતાં. મારી દીકરી એારડીના ઓટલા ઉપર રમતી હતી. પ્રિયબાળાએ તેને બૂમ પાડી :

'સરિતા !'

છોકરીએ તેની સામે જોયું, પરંતુ માની શિખામણ પ્રમાણે તે કશું બોલી નહિ. ઊલટી તે ઘરમાં આવતી રહી. આખો બગીચો સાંભળે એવા મોટા અવાજે શેઠાણી બોલ્યાં :

'શો ઘમંડ છે આવડી છોકરીને ? ના બોલે તો ના બોલાવીશ ! ઓછું પાત્ર ને અદકું ભણ્યો...'

હું કાંઈ બોલ્યો નહિ, પરંતુ તે જ ક્ષણથી હું શેઠ શેઠાણીનો દુશ્મન બન્યો. શેઠાણીનું ખૂન કરવાને મને વિચાર આવ્યો; તેને રીબીરીબીને મારવાની મેં કલ્પનાઓ કરી; તેના ધનમાલને લૂંટાવી તેને અને તેની દીકરીને ભીખ માગતાં ટળવળતાં જોવાનું દ્રશ્ય રચી મેં મારી વૈરવૃત્તિ સંતોષી. પરંતુ માસિક ત્રીસ રૂપિયાના પગારે મને એટલો નમાલો બનાવી દીધો હતો કે ઉગ્ર કલ્૫નાઓ ઘડવા છતાં એક પણ ઉગ્ર શબ્દ હું શેઠ શેઠાણીને કહી શક્યો નહિ.

બિચારી પ્રિયબાળા ! એક દિવસ સહજ લપાઈને તે અમારી ઓરડીમાં આવી. તે બાળકી સંસ્કાર શું તે જાણતી નહોતી એટલે તેના સંસ્કાર ઘમંડને સરિતા અસ્પૃશ્ય નહોતી લાગતી. તેને રમવું હતું - એટલે તેની બાળક ઢબે હૃદય ખોલવું હતું. ઉમ્મરની સાથે ઊંચી વધતી – સખ્ત થતી જતી સ્વાર્થની – મારા તારાની – દીવાલ હજી પ્રિયબાળાની આસપાસ ઓળંગાય એવી નીચી અને મૃદુ રહી હતી.

'મારે સરિતા જોડે રમવું છે.' જરા વિલાઈને તેણે કહ્યું. તેને શી રીતે ના કહેવાય? માતાનો અન્યાય તે અસ્પષ્ટ રીતે સમજતી હતી. માને અને નોકર બાઈને ચૂકવી તે તેની સમવયની સરિતા સાથે રમવા આવી હતી. બાળકોને સમોવડિયાં સાથે જેવું ફાવે છે એવું કોઈની જોડે ફાવતું નથી. સરિતા એટલામાં ત્યાં દોડતી આવી જ હતી. અમારી પરવાનગીની જરૂર જ ન હોય એમ તેમણે રમવાની શરૂઆત કરી દીધી.

૫ંદર વીસ મિનિટમાં નોકર બાઈએ ઓરડીની બહાર આવી પ્રિયબાળાને ધીમી બૂમ પાડી. પ્રિયબાળાના મનસ્વીપણાની શિક્ષા તેના નોકરોને કરવામાં આવતી. પ્રિયબાળા ઝટ બહાર નીકળી. રમકડાંની ઝાંપી તે સાથે લાવી હતી તે બાઈએ મંગાવી લીધી. કોઈક સ્થળે રમતમાં મૂકી રાખેલાં બે પૂતળાં મારી ઓરડીમાં રહી ગયાં હતાં.

એક કલાકે તેની ખબર પડી. પેલી બાઈ બે પૂતળાં શોધતી મારી ઓરડીમાં આવી, અને ખોળી કાઢી તે લઈ બબડતી ચાલી ગઈ. થોડી ક્ષણોમાં મને તેડું આવ્યું, હું શેઠાણી પાસે ગયો. શેઠાણીને ભાગ્યે જ નોકરોએ સૌમ્ય સ્વરૂપમાં જોયાં હશે. મને જોતાં બરાબર તેઓ બોલી ઊઠ્યાં :

'કુંદન, છોકરાંની વાત તો ઠીક છે. પણ તમે યે ચોરી કરવા માંડી ?'

'હું સમજ્યો. રમકડાં રહી ગયેલાં તેને ઉલ્લેખ હતો. છતાં મારી આંખમાં અને કંઠમાં ઉષ્મા આવી ગઈ.

‘બાઈ સાહેબ, તમે શું બોલો છો? શાની ચોરી ?'

'લ્યો. આ તો વળી ચોરી ઉપર શિરજોરી ! આ તારી વહુ છોકરીને ચોરવાનું શીખવે છે ! પ્રિયબાળાનાં રમકડાં આ બાઈ જઈ ને તારી ઓરડીમાં કઢાવી લાવી. હવે સમજ્યો ?'

'એ રમકડાં તો મારાં છે – મેં મંગાવ્યાં છે.' ગુસ્સામાં હું બોલ્યો, અને ગુનામાં એક ડગલું આગળ વધ્યો.

'એમ કે ? ત્રીસ રૂપિયાના પગારમાં તું પાછો રમકડાં પણ વસાવે છે કે ?'

વીજળી સરખો કોઈ પ્રકાશ મારા અંતરમાં ઝબક્યો. કાંઈ નહિ તો આજ સુધી મારી પ્રામાણિક નોકરીથી શેઠના આઠ દસ હજાર રૂપિયા મેં બચાવ્યા હતા. શેઠને ખોટ જવાની નહોતી. બીજા ગુમાસ્તાઓ દલાલોની દ્રષ્ટિએ પ્રામાણિકપણું અને મૂર્ખાઈ એ શબ્દોનો સરખો અર્થ થતો હતો. તેમનાં મેણું સાંભળવા છતાં હું મારા માર્ગમાંથી ચલિત થયો નહિ તેનો આ બદલો મને મળતો હતો ! હું ગરીબ ગણાઈ તુચ્છકાર પાત્ર બન્યો એટલું જ નહિ, પણ મારી છોકરી અને મારી પત્ની ચોર ગણાયાં !

મેં તે જ દિવસે મારી બાળકી માટે એક ટ્રાઈસીકલ અને ટોપલો ભરીને રમકડાં આણ્યાં. બાળકી ખુશ થઈ – બહુ જ ખુશ થઈ. એની ખુશાલીને વિચાર કરતાં શેઠના મને સોંપાયેલા પૈસામાંની આ ખાનગી ખરીદીમાં કરેલો ઉપયોગ મને જરા ય સાલ્યો નહિ; ઊલટું જે પૈસા મારી બુદ્ધિથી બચ્યા હતા તેમાં મને મળવો જોઈતો ફાળો હુ લેતો હતો એમ મને લાગ્યું. પરંતુ મારી પત્નીએ આ ખર્ચ કરી શેઠાણીના બોલનો બદલો વાળવાની મને મના કરી. એ એમ જ જાણતી હતી કે મારા ત્રીસ રૂપિયામાંથી આ બધો ખર્ચ હું કરતો હતો !

મને હવે શેઠના પૈસામાં મારા પૈસા દેખાવા લાગ્યા. દલાલી કમિશન, ભાવફેર વગેરેમાં મને પગાર કરતાં વધારે સારી રકમ મળવા લાગી. કોઈને કશી ખબર પડી નહિ; ઊલટું શેઠ સાથે સંબંધમાં આવતા વ્યાપારીઓને વધારે અનુકૂળતા થઈ.

વળી એક દિવસ પ્રિયબાળા હીરાની બંગડીઓ પહેરી મારી ઓરડીમાં રમવા આવી. હું ત્યાં નહોતો. પરંતુ રાત્રે મને ખબર પડી. મારી પત્નીએ સરિતાને માર માર્યો હતો. સરિતાને પ્રિયબાળા સરખી હીરાની બંગડીઓ જોઈતી હતી. ગરીબ માનવીનાં બાળકને સારુ પહેરવાની ઈચ્છા થાય ત્યારે માર મળે એ ક્યાંનો ન્યાય ? પ્રિયબાળા અને સરિતા બન્ને વચ્ચે બંગડીઓ વહેંચાય એમ વારાફરતી પહેરાય એમ હતી. પ્રિયબાળા તેની ના પાડે એમ ન હતું. માત્ર તેનાં માબાપની માલિકીની ભાવના તેમ કરવા દે એમ ન હતું. અર્થશાસ્ત્ર કાનું ખરું ? ગરીબનું ? બાળકનું ? કે ધનિકનું ? વહેંચીને વાપરવું એ ઠીક કે મિલકતોની વપરાશ માટે ઈજારાઓ ઊભા કરવા ?

મેં મારી પત્નીને કહ્યું :

'પણ એમાં મારે છે શાની ? છોકરાંને મન ન થાય?'

'તમે શું બોલો છે? છોકરીને બગાડવાની છે !'

હું કાંઈ જ બોલ્યો નહિ. મને મારી ગરીબી સાલતી ન હતી, એ ગરીબી હું બહુ ખુશીથી ચલાવી લેત, અત્યાર સુધી ચલાવી જ લેતો હતો. પરંતુ એ ગરીબી જ્યારે મારાં બાળકની આંખમાં આંસુ આણતી ત્યારે તે મને અસહ્ય થઈ પડતી. બાળકને માટે ગરીબી ટાળવાના બધા જ પ્રયત્ન પાપરહિત બની જતા હતા.

શેઠની તિજોરી મારી પાસે હતી. તિજોરી ઉઘાડવાના પ્રસંગો મારે જ આવતા. પ્રિયબાળાની બંગડીઓ મેં ઉપાડી લીધી અને મારી પત્નીને તે આપી કહ્યું :

'કાલે પહેરાવી એને ગામમાં લઈ જજે. બગીચામાં કોઈ જુએ નહિ એટલી કાળજી રાખજે.'

છળી ગયેલી મારી પત્નીએ પ્રથમ તે બંગડી હાથમાં જ ન ઝાલી અને મારી કપરી આંખ જોઈ બંગડી હાથમાં લેતાં તે દાઝી હોય એમ ચમકી. ક્ષણ પછી તે બોલી :

'આ ક્યાંથી લાવ્યા ?'

'તારે શી પંચાત ? તું તારી મેળે હું કહુ તેમ કર.'

‘આમાંથી કોઈ વાર આપણે બધાં યે મરીશું. પત્નીએ કહ્યું. એનું કથન કંઈક અંશે – પૂર્ણ અંશે ખરું પડ્યું. અમે તો જીવીએ છીએ, પણ એ તો મરી ગઈ, આમાંથી જ.'

બીજે દિવસે એકાએક શેઠે મને પરગામ મોકલ્યો. હું રાત્રે જ પાછો આવવાને હતા, પરંતુ કામના રોકાણને લીધે આવી શક્યો નહિ. બીજે દિવસે હું આવ્યો ત્યારે મારી કોટડી આગળ પોલીસનાં માણસો ઊભેલાં મેં જોયાં. મારું હૃદય થરથરી ઊઠ્યું. આખા શરીરમાં કંપ ફેલાયો. મારો થરથરાટ શમે તે પહેલાં પોલીસે મને પકડી લીધો. બધે જાણ થઈ ગઈ હતી કે મેં શેઠની હીરાની બંગડીઓ ચોરી હતી.

શેઠાણી મારા કરતાં વધારે ચબરાક હતાં એ હું ભૂલી ગયો હતો. રમકડાંની તેમણે માનેલી ચોરીનો પ્રસંગ બન્યા પછી – અને ખાસ કરી ટ્રાઈસીકલ જોઈને તેમણે અમારા ત્રણે જણ ઉપર પહેરા મૂકી દીધા હતા તેની અમને ખબર ન હતી. અમારી બધી જ હિલચાલ ઉપર નજર રાખવામાં આવતી. અબલત્ત, એવું કશું કરતો ન હતો કે જેથી પકડાઉં. છતાં પુત્રીને હીરાની બંગડીઓ પહેરાવવાની મમતામાં મેં સાહસ કર્યું એ અક્ષમ્ય હતું. હીરાની બંગડીઓ પહેરી દેવદર્શને ગયેલી મારી પુત્રીને શેઠાણીના એક બાતમીદારે જોઈ લીધી. સકંજામાં ન સપડાતા ચોરને પકડવાનું માન મેળવવા તેણે શેઠાણીને એ સમાચાર આપ્યા. શેઠાણીએ તિજોરી ઊધડાવી ખાતરી કરી. બંગડીઓ ન હતી. પોલીસમાં ખબર અપાઈ. પોલીસ આવતાં બરોબર બંગડીઓ રજૂ થઈ. ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ થઈ હું આવતાં બરાબર પકડાયો. મેં બહુ દલીલ કરી કે હું વિશ્વાસપાત્ર તિજોરી સાચવનાર નોકર હતો. અવ્યવસ્થિત મુકાયલી બંગડીઓ ઠીક મૂકવા ખાતર કાઢેલી ખિસ્સામાં જ રહી ગઈ. ઉતાવળ હોવાથી પરગામ જતાં તે મૂકવી રહી ગઈ. અજાણતાં–ભૂલથી મારી પત્નીએ છોકરીને હોંશ ખાતર બંગડીઓ પહેરાવી હતી. ચોરવાનો જરા પણ ઉદ્દેશ ન હતો.

અને ખરે, મારે બંગડીઓ ચોરવાને તો વિચાર હતો જ નહિ. કૂંચી મારી પાસે હતી એટલે છોકરીનું મન માને એટલે બંગડીઓ પાછી મૂકવાને મારો નિશ્ચય જ હતો એટલી વાત ખરી હતી.

પરંતુ મારી ખરી ખોટી હકીકત કોઈએ માની નહિ. મને પોલીસની અટકમાં લીધો. તે જ રાતે મારી પત્નીએ ઝેર ખાઈ આપઘાત કર્યો. કચેરીમાં કામ ચાલ્યું. મેં ખરી હકીકત જણાવી. બીજો કશો બચાવ કર્યો નહિ. બચાવ કરવાની મારામાં શક્તિ જ નહોતી. ન્યાયાધીશે ન્યાય આપ્યો અને મેં બે વરસ કેદમાં કાઢ્યાં.

સાહેબ, મારી વાતથી આપને કંટાળો આવ્યો? આવે જ. તેથી જ મેં માત્ર મુદ્દાની હકીકત કહી છે. પરંતુ મારી વાતમાં આપને શા માટે રસ પડે ?

આ ગુનાને અને મારા ચાલુ કામને શું સંબંધ એમ પૂછો છો? એ સમજાવવા માટે જ મેં મારો પૂર્વ ઈતિહાસ કહ્યો. હું એ સબંધ આપને સમજાવું ?

કેદમાં હું બળઝળી રહ્યો હતો. કેદમાં મારી મૃત પત્ની અને મારી જીવંત પુત્રી મારી નજર આગળ જાગતાં અને ઊંઘતાં ખડાં રહેતાં. હું આખી દુનિયાનો–દુનિયાના ધનિકોનો દુશ્મન બની ગયો હતો. શેઠાણીની પુત્રીને હીરાની બંગડીઓ ! મારી પુત્રીને બંગડીની ઈચ્છાનો અધિકાર પણ નહિ ? શેઠની બુદ્ધિથી તેમને ધન મળ્યું એમ કોઈ કહેશે પરંતુ એ બુદ્ધિ પોતાની આસપાસ ધનનો ઢગલો ઊભું કરવા જ વાપરવાની ? એ ઢગલા ઉપર શેઠશેઠાણી ગંજીનાં કૂતરાં સરખાં ઘૂરકતાં ઊભાં રહે અને તેને આખો સમાજ સહાય કરે — સત્તા સહાય કરે? હું પણ મારી બુદ્ધિ વાપરી રાજપાટ, ધન મિલકત ગમે તે રસ્તે ભેગાં કરું તો હું કોનો ગુનેગાર ?

કેદમાંથી છૂટ્યો અને પુત્રી તરફ દોડવાની વૃત્તિ થઈ. પરંતુ પુત્રી પાસે શું મારે ખાલી હાથે જવું ? મેં રમકડાં દુકાનેથી ચોર્યાં અને કાપડની દુકાનેથી થોડું સારું કાપડ ચોર્યું. બહુ સફાઈથી ચોર્યા છતાં હું પકડાયો. ફરી એક વર્ષ કેદમાં ગયો.

આ વખતે મારે હૃદયાગ્નિ મારા હૃદયને બાળી રહ્યો હતો. મારામાં ઉત્સાહ, વૈર કે શક્તિ રહ્યાં જ નહોતાં, છતાં એક ધ્રુવ તરફ જોવા જેટલી એ હૃદય-માછલી જીવતી હતી. મારી પુત્રી એ મારો ધ્રુવ. કેદમાંથી બહાર નીકળતાં જ મારા પગ પુત્રી તરફ દોડવા ઉત્સુક બન્યા.

પણ મને ભાડું કોણ આપે ? ભાડા વગર ગાડીમાં બેસવાનું જોખમ કેટલું? ફરી પકડાઉં તો પુત્રીને દીઠા વગર પાછું જવું પડે તો?

સ્ટેશન પાસે એક ટોળું હતું અને આ ફરિયાદ કરનાર ગૃહસ્થ ટોળામાં કંઈ જોવા માટે ઊભા હતા. તેમનું ખિસ્સું મેં દીઠું અને મારું મન તે તરફ દોડ્યું. ટોળામાં ઘૂસવાનો દેખાવ કરી મેં તેમના ખિસ્સામાંથી આ પાકીટ કાઢી લીધું. આ ભાઈને તો કશી ખબર ન હતી. પરંતુ ટોળા પાછળ એક માણસ ઊભો હતો તેણે તે જોયું અને તેણે મને પકડ્યો. આ ભાઈને ખબર આપી તેમણે મને પોલીસને સ્વાધીન કર્યો. એટલે હું આપની પાસે આવ્યો.

સાહેબ, ચોરી સિવાય હવે મને પૈસા મળે એમ નથી. પૈસા વગર મારું પૂરું થાય એમ પણ નથી. પૂરું કરવાની વાત બાજુએ રાખો. હું તો મરવાને આતુર છું. માત્ર એક ઈચ્છી રહી છે. મારી પુત્રીનું મુખ મરતાં પહેલાં જોઈને હું સુખેથી મરીશ. પછી પોષણની પણ મને ઈચ્છા રહેવાની નથી.

પરંતુ એ પુત્રી ક્યાં હશે ? કોઈ સગું એને પોતાને ઘેર ઘસડી ગયું હતું એટલી મહામહેનતે મને ખબર પડી હતી. પરંતુ ત્યાં તપાસ કરવાને માટે ભાડું જોઈએ, ખાવાનું જોઈએ એ તો હું કહેતો જ નથી. છોકરીના હાથમાં મૂકવા કંઈ ચીજ જોઈએ એ પણ હું કહેતો નથી. ગરીબને છોકરીનું મન તાપવાનો આ જગતમાં અધિકાર નથી. પરંતુ તેને જોવાનો અધિકાર પણ જગત લૂંટી લેશે?

આ ફરિયાદ કરનાર ભાઈનું પાકીટ એટલા જ માટે મેં ચોર્યું. એને હું ચોરી માનતો નથી. મારી પુત્રીનું મુખ મરતાં પહેલાં નિહાળવાની સગવડ મને હોવી જ જોઈએ. એ સગવડ સરકાર આપે ! સરકાર ન આપે તો સમાજ આપે. અને એ કોઈ ન આપે તો હું મારી મેળે સગવડ મેળવી લઉં !

આપને એ કથન વાસ્તવિક નહિ લાગે. આપ મને ફરી કેદમાં મોકલવાને મુખત્યાર છો. પરંતુ તે પહેલાં એક મારા મનને સંતોષતું ન્યાયનું કામ નહિ કરો ? મારી પુત્રી સાથે મારો મેળાપ નહીં કરાવી આપો?

એ જ પુત્રીનું મુખ જોવા મેં આ બધું સાહસ કર્યું. આપ એને ગુનો કહેશો એ હું જાણું છું. પરંતુ આપ મને એટલું કહો. ગરીબોનાં હૃદયને ચીરતા, તેમનાં ચિરાયેલાં હૃદયમાં પોતાની ઘમંડ ભરી દીપ્તિથી ઘડીઘડી મીઠું ભરતા ધનિકોની એકાદ-અલ્પ મોજ –મોજ નહિ–જરૂરિયાત પણ–ગરીબને નહિ પરંતુ ગરીબનાં કુમળાં બાળકોને પણ મેળવવાનું ગુના વગર ક્યું સાધન છે ?

આપને લાગે છે કે મેં ખરેખર ગુનો કર્યો છે?