પંકજ/ચંદા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કીર્તિ કેરાં કોટડાં પંકજ
ચંદા
રમણલાલ દેસાઈ
૧૯૩૫
ઘેલછા →ચંદાગામડાં શહેરો કરતાં વધારે કદરૂપાં છે એમ કહેનારે ગામડાંને ચાંદની રાત્રે નીરખવા જોઈએ. સરકારી કામકાજ સાંજે પૂરું કરી ચોરાની આગળના ચોગાનમાં હું આરામખુરશી ઉપર પડ્યો અને ચંદ્ર ઊગ્યો. ઊગતાં બરોબર ચંદ્ર કાંઈ આકર્ષક લાગે નહિ, એટલે મને ચંદ્રવિજ્ઞાન સાંભર્યું. એ તે ઍટલાંટિક મહાસાગરમાંથી ઊડેલો ગોળો ? પૃથ્વીએ ફેંકેલી તેજકણી? પૃથ્વીને એક મહાસાગર આપી પર્વતો અને નદીઓ સાથે નાસી ગયેલી એ પૃથ્વીદુહિતા? કે પૃથ્વીની અગ્નિમય સ્થિતિમાં જ ઊડી ગયેલો એ તણખો? તણખા તરીકે એ ઊડ્યો હોય તો પર્વતો અને નદીઓ પછીથી વિકાસ પામ્યાં હોય ! પરંતુ ચંદ્ર તો શીતમૂર્તિ બની ગયો છે ! ત્યાંના જવાળામુખી તો ટાઢા પડ્યા છે !

એકાએક શીતલ પવનની લહરી મારા દેહને સપર્શી ગઈ. મને કંપ થયો. થોડેક દૂર એક ડાકલું વાગતું હતું તે મારા સાંભળવામાં આવ્યું. ડાકલું ભયંકર અને કર્કશ અવાજ કરી રહ્યું હતું. મેં ચંદ્ર સામે જોયું. એ સુંદર તેજભર્યું આકાશમુખ હસતું હતું. તેના શાંત સ્મિતમાંથી વહેતી તેજધારાઓ ગામડાંના આખા રૂપને ફેરવી નાખતી હતી. ચંદ્ર જુદી સૃષ્ટિ જ રચતો ન હોય જાણે !

'હો...હો..હો' મોટો અવાજ આવ્યો અને ડાકલું વધારે ડમક્યું. આ કર્કશ અવાજ શો ?

'અરે જમાદાર, આ કોણ બૂમો પાડે છે?' મેં કંટાળીને મારાથી દૂર બેઠેલા મારા જમાદારને પૂછ્યું.

'સાહેબ, એ તો ભૂવો ધૂણે છે.' જમાદારે કહ્યું.

'આ ગામડાનું અજ્ઞાન ક્યારે ટળશે ? ' મારાથી બોલાઈ ગયું.

'એ તો હમણાં બંધ થઈ જશે. ભૂત બોલ્યું હોય એમ ડાકલા ઉપરથી લાગે છે.' જમાદારે કહ્યું.

'અરે શું જમાદાર, તમે પણ વાત કરો છો ? '

'જાનની કસમ, સાહેબ, જીન તો મેં પણ જોયો છે.'

‘તમે જ જીન જેવા છો ને ! આ તમારું ડાકલું તો કાંઈ બંધ રહેતું નથી. જરા ચાંદનીમાં ફરી આવું.' ચાંદની આકર્ષક બનતી જતી હતી. તેનું ખેંચાણ પણ અજબ હોય છે. તેમાં પાસેની ઝૂંપડીમાંથી ભયંકર હોકારા અને ડાકલાના ડમકારા વધ્યે જતા હતા. તેનાથી છૂટવાની પણ મને ઈચ્છા થઈ.

'ચાલો, સાહેબ. જમાદારે સાથે આવવાની તૈયારી કરી. પરંતુ દરવખતે પહેરો લઈ લઈ ફરવું મને જરા પણ ગમતું ન હતું. તેમાં ચંદ્રસ્નાન તો એકલાથી જ થાય. હા, પ્રિયતમાનો સાથ હોય તો ચંદ્રસ્નાનમાં મઝા જુદી જ આવે, અને રસભર છબછબાટ પણ થઈ શકે. કોઈ મિત્ર હોય – સ્ત્રીમિત્ર હોય તો ખુશીથી ચલાવી લેવાય. પરંતુ જમાદારનો સાથ તો હરગીઝ નહિ.

મેં જમાદારને સાથે આવવાની ના પાડી; પરંતુ તેણે આગ્રહ કર્યો :

'સાહેબ, એક કરતાં બે ભલા. હું ફાનસ લઈ લઉં.'

ચાંદનીમાં ફાનસ ? ચંદ્રનું અપમાન કરવા સરખી અરસિકતા મારામાં નથી. મેં ફાનસ અને જમાદાર બન્નેનો ઈનકાર કર્યો. 'રસ્તો જરા સંભાળવા જેવો છે.' ફાનસ મૂકતેમૂકતે જમાદારે કહ્યું.

'વાઘવરુ તો નથી ને?' મેં હસીને પૂછ્યું.

'ના રે ના. એ તો વખતે કાંઈ ચમક હોય.'

'ચાંદનીની ચમકમાં બધી ચમક હોલવાઈ જશે.' કહી હું આગળ ચાલ્યો.

બન્ને પાસનાં ખેતરોમાં ચંદ્રતેજ ઊભરાતું હતું. સમીરની લહરીમાં આછા આછાં ડોલતાં વૃક્ષ પણ તેજ પીને મસ્ત બનતાં હતાં. પવનનો આછો સુસવાટ, અને ન સંભળાય એવો તમારાંનો રવ બે ભેગાં મળી જગત જાગતું હોવાનો ભ્રમ પેદા કરતાં હતાં ગામડાંની રાત એટલે એકાંત. દિવસે જ વસતિનો ભાર ન લાગે તો રાત્રે તો ક્યાંથી જ લાગે ? પાંચદસ ક્ષણ હું ચાલ્યો એટલામાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. હુ આનંદમાં આગળ વધ્યો.

મારાથી થોડે દૂર રસ્તામાં જ મેં એક ચમકારો થતો જોયો. એકાએક મારા પગ ચાલતા અટકી ગયા. શું હશે | ધારીને જોતાં જણાયું કે એક સ્ત્રી માથે બેડું મૂકી આગળ ચાલી જતી હતી એ ઊજળાં બેડાંનો ચમકાર મારી આંખને ઝંખવતો હતો.

મને નવાઈ લાગી. આ વખતે એ સ્ત્રી આ બાજુ પાણી ભરવા કેમ જતી હશે ? તે સ્ત્રીના કરતાં મારી ચાલમાં વધારે ઝડપ હતી એટલે હું તેની લગોલગ આવી પહોંચ્યો. તેને પણ લાગ્યું કે કોઈ માણસ તેની પાછળ આવે છે, એટલે મુખ ફેરવી તેણે મારી સામે જોયું, અને તત્કાળ ઘૂમટામાં મુખને સંતાડી દીધું.

છતાં એ મુખ એક ક્ષણ માટે મારી નજરે પડ્યું, અને મને ચંદ્ર સાંભર્યો. ખરે, એ ગામડિયા ઘૂમટામાં સંતાયેલું મુખ ચંદ્રનું સ્મરણ કરાવે એવું સુંદર હતું. ગામડાંની સ્ત્રીઓમાં સૌન્દર્ય હોઈ શકે છે એ હું જાણું છું. પરંતુ આટલું બધું રૂપભર્યું મુખ મેં કદી દીઠું ન હતું. મને શંકા પડી કે ચંદ્રનો પ્રકાશ અને ઘૂમટો મારી કલ્પનાને બળ આપતાં હશે.

હું સામાન્યતઃ સારો માણસ છું. પરણેલો છું એટલે તે ઘટના મને સારો રહેવામાં સહાય કરે છે, અને અમલદાર છું એ સંજોગ મને રહીસહી નઠારા થવાની ઈચ્છા ફલિભૂત કરવામાં આડે આવે છે. તો ય મારાથી પુછાઈ ગયું :

'બાઈ, અત્યારે પાણી ભરવા જાઓ છો ?'

‘શું કરીએ ? વહુવારુને કાંઈ છૂટકો છે?'

'પણ આ બાજુ કુવો ક્યાં છે?'

'છે ભાઈ, છે. અમારા ખેતરમાં.'

'ગામના કૂવામાં પાણી સારાં નથી?' હું અમલદાર હતો. લોકસ્થિતિ જાણવાનો મને અધિકાર હતો. સ્ત્રીઓને–ખાસ કરી આવી દેખાવડી સ્ત્રીને-હરકત પડતી હોય તો ગામમાં નવો કુવો ખોદાવવા, અગર જૂના કૂવામાં શાયડો મુકાવી પાણી મીઠું બનાવી આપવાનો મને અધિકાર હતો એટલે મેં પૂછ્યું.

'સારાં તો બહુ યે છે, પણ મારાં સાસુને ફાવતાં નથી.’

'ખેતરના કૂવાનાં પાણી કેવાં છે?' આટલી બધી લાંબી વાત એકાંતમાં અજાણી સ્ત્રી સાથે કરવાની મારે જરૂર હતી કે કેમ એ પ્રશ્ન કોઈ નહિ જ કરે. જેવું તેનું મુખ આંખને ગમે એવું હતું તેવો જ તેનો કંઠ કાનને સાંભળવો ગમે એવો હતો.

'માંહ્ય પડવા જેવાં !' સહજ છણકાઈને પેલી સ્ત્રીએ કહ્યું, અને મુખ ફેરવી બાજુએ ઊભી રહી.

પરાઈ સ્ત્રી છણકો કરે તો ય તેની જોડે વાત કરવા મથું એવો હું મૂર્ખ નથી. સારાં મુખ તરફ સર્વત્ર સદ્ભાવ રહેલું હોય છે. એ સદ્ભાવ ઉપરાંત બીજો મને સ્વાર્થ નહોતો. અને કોઈ સ્ત્રી વગર કારણે બૂમાબૂમ કરી મારી અમલદ્દારીને લાંછન લગાડવા પ્રવૃત્ત થાય એટલે સુધી જવાની હલકાઈ મારામાં ન હતી. સ્ત્રીને ત્યાં જ ઊભી રહેવા દઈ હું આગળ ચાલ્યો.

રસ્તા ઉપર જ એક ખેતરની હદે કૂવો આવેલો મેં જોયો. પેલી સ્ત્રી આ કૂવામાંથી પાણી લેવા તો નહિ આવતી હોય? મને વિચાર આવ્યો. પરંતુ હવે મારે શું ? હું તો ચંદ્રની રંગેલી સૃષ્ટિ જોતો-અનુભવતો આગળ વધ્યો. આવા સુંદર ચંદ્રમાં જવાના માર્ગ આપણને કેમ જડતા નથી ? ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ હવે અધૂરું મનાય છે. સાપેક્ષવાદ –Relativity – સ્થલકાલનાં અતંત્ર ભ્રમણને શક્ય નહિ બનાવે ?

એક કારમી ચીસ સાંભળી અને મારા વિચાર થંભી ગયા. કૂવામાં કોઈ પડ્યું હોય એવો આછો ધબકાર પણ મને સંભળાયો. મને સહેજ કંપ થયો. આવ્યો હતો એ જ રસ્તે ઝડપથી પાછો ફર્યો. પેલી સ્ત્રી કૂવામાં પડી હશે તો ? ચીસ સાંભળી કોઈ આવે અને મને આ રસ્તેથી જતો જૂએ તો ? મારા ઉપર જરૂર વહેમ લાવે. માણસ લીધા વગર હવે એકલા ફરવું નહિ. ચંદ્ર પણ સંકોચાઈ જતો લાગ્યો.

પરંતુ કૂવા ઉપર પેલી સ્ત્રીને બેઠેલી જોઈ મનને શાંતિ થઈ. તેનો ઘડો કૂવાની બાજુમાં પડ્યો પડ્યો ચમકતો હતો. તે સ્ત્રીનાં કપડાં ભીંજાઈ ગયેલાં હતાં. કૂવાના થાળા ઉપર બેસી કૂવામાં પગ લટકાવી તે બેઠી બેઠી રડતી હતી.

'બાઈ, શું થયું ? ચીસ તમે પાડી ?'

'હા. ડૂસકાં ખાતાં તેણે કહ્યું.

'શા માટે ?' મેં પૂછ્યું.

'મને ભૂત બીવડાવે છે'

ભૂતનું નામ સાંભળી મારાં પણ રૂંવાં ઊભાં થઈ ગયાં. હિંમત લાવી મેં કહ્યું :

'તો તમે આમ કેમ બેસી રહ્યાં છો?'

'મારે તો કૂવે પડવું છે.'

'શા માટે ?' ભય પામી મેં પૂછ્યું 'પાણી અંદર પડવા જેવું છે. કંઈ કેટલી ય વહુવારુએ કૂવાનાં શરણ લીધાં છે.'

'અરે એમ હોય? ચાલો હું તમને ઘેર પહોંચાડું. આવી સુંદર સ્ત્રીને નજર આગળ કૂવે પડતી કેમ જોવાય?

'ના ભાઈ, ના. મને ઘરમાં કોઈ નહિ પેસવા દે.' તેણે કહ્યું.

'હું જોઉં છું કે કોણ તમને ઘરમાં પેસવા નથી દેતુ. હું અમલદાર છું; ધારીશ તે કરીશ.'

અમલદારો એમ જ માને છે. પરંતુ પેલી સ્ત્રીએ શંકા બતાવી.

'સાહેબ, હું ખરું કહું છું. નહિ માને !'

'શું તમારો વર એટલો બધો જુલમી છે?' મેં પૂછ્યું.

મારા પ્રશ્નમાં વરનો ઉલ્લેખ થતો સાંભળી તે સ્ત્રીની આંખમાં તેજ ઊભરાયાં અને તેના મુખ ઉપર લાલિત્યભરી લજજા છવાઈ. જાણે ચંદ્ર એના મુખમાં ઊઘડ્યો ન હોય !

શરમાતે મંજુલ સ્વરે તેણે જવાબ આપ્યો :

'મારો વર જુલ્મી ! ના, ના. હું તો ભવોભવ એને માગું છું.'

'ત્યારે તમારાં સાસુ કેવાં છે ?' યુવાન સ્ત્રીઓને કૂવેપડવાનું એક કારણ તેમની સાસુઓ હોય છે એ હું જાણતો હતો તેથી પૂછ્યું :

'ઠીક, બધે હોય છે એવાં.'

'ચાલો, ચાલો ગમે તેમ હશે તોય હું તમને ઘેર પહોંચાડીશ, અને તમારા કુટુંબીઓને સમજાવીશ.'

'એ બનવાનું નથી, સાહેબ !' એમ કહ્યા છતાં તે સ્ત્રીએ કુવામાંથી પગ બહાર કાઢ્યા, અને ધીમે રહી નીચે ઊતરી. તે મારી સાથે આવવા તત્પર થઈ.

એમ બન્ને ગામ તરફ ચાલવા લાગ્યાં. પેલી સ્ત્રી મારાથી સહજ પાછળ ચાલતી હતી. તેનો ઘૂમટો કાયમ હતો. માત્ર વચ્ચે વચ્ચે તે પોતાનું મુખ ખુલ્લું કરતી હતી; અને તે મારી સાથે જ છે કે કેમ તે જોવા હું પાછળ જોતો ત્યારે તે ક્વચિત્ સ્મિત કરતી અને ક્વચિત્ પોતાનાં આંસુ લોહતી. કદાચ મુખ ઉપરની ભીનાશ તે ભીના કપડાં વડે દૂર કરવા પણ પ્રયત્ન કરતી હોય.

મારાથી બોલ્યા વગર રહેવાયું નહિ. જરા દૂર જઈ મેં પૂછ્યું:

'બાઈ, તમારું નામ?'

'મારુ નામ ચંદા.'

'કેટલું સુયોગ્ય નામ ! નામ પ્રમાણે ગુણ ન હોય એ તો ઠીક, પરંતુ નામ પ્રમાણે રૂપ પણ જગતમાં મળવું દુર્લભ છે.'

'ઉપર આકાશમાં ચંદ્ર અને પૃથ્વી ઉપર તમે ચંદા. બન્ને બહું મળતાં આવો છો.' આવું કહી તેના રૂપને વખાણવાનું મને બહુ જ મન થયું. પરંતુ પરપુરુષને મુખે થતાં રૂપનાં વખાણમાંથી હિંદી સ્ત્રીઓને શંકા ઊપજે છે. વિલાયતમાં જનમ્યા વગર એ લહાવો લઈ – લેવરાવી શકાતો નથી. એટલે મેં પૂછ્યું :

'ચંદાબાઈ, તમારું ઘર ક્યાં?'

'ગામમાં.'

'પણ ગામમાં કઈ જગાએ?'

'ચૉરા સામે.’

કૂતરાં ભસતાં હતાં. ચોરાનો દીવો ઝગઝગતો દેખાતો.

'જુઓ, હવે ગામ તો આવી ગયું.' મેં કહ્યું.

'હા, સાહેબ.'

'ચંદાબાઈ ! તમારા વરનું નામ શું ?'

'છે તો બહુ રૂપાળું. પણ નામ તે કાંઈ દેવાય?' મીઠું મીઠું હસીને તેણે ના પાડી.

'ત્યારે તેમને બોલાવી કેમ શકીશ?'

'સાહેબ, હું અહીં બેઠી છું, તમે પેલી ઝૂંપડીમાં જઈને કહો કે ચંદા આવી છે.' 'તમે સાથે જ ચાલો ને!'

'મને ઘરમાં પેસવા દેશે તો આવીશ.'

'અરે કોની મગદૂર છે કે તમને ના કહે ?'

'સાહેબ, એટલું જ મારું કામ કરો ને વખતે મારી સાસુ ના પાડે તો એમને એટલું કહેજો કે ચંદા કૂવે બેઠી વાટ ભાળે છે.'

'નહિ, નહિ. કૂવેસૂવે જવું નથી. કહો તો હું તમને ચૉરામાં બેસાડું.' મારું સ્ત્રીસન્માન બહુ ખીલી નીકળ્યું હતું.

'હું તો અહીં જ બેસું છું.' કહી ચંદા એક ઝાડના થડ પાસે બેસી ગઈ.

ત્યાંથી પચાસેક કદમ દૂર એક ઝૂંપડી આવેલી હતી. ઝૂંપડી મૂકીને રસ્તાથી દૂર સો-દોઢસો કદમ જેટલે ચોરો દેખાતો હતો. ઝૂંપડીનાં બારણાં બંધ હતાં. મેં જઈ બારણું ઠોક્યું.

'ઓ બાપરે !' અંદરથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો. મે બૂમ પાડી :

'બારણું ખોલો.'

મારા સત્તાદર્શક અવાજનો અંદરથી જવાબ મળ્યો :

'કોણ હશે ?'

'સાહેબ છું.' મેં કહ્યું. અમલદારને બીજાઓ એટલા બધા સાહેબ બનાવી મૂકે છે કે છેવટે તેઓ જાતે પોતે પોતાને સાહેબ તરીકે ઓળખાવતા થઈ જાય છે.

'બાપજી, ઉઘાડું છું.' કહી એક યુવાન ગામડિયાએ બારણું ખોલ્યું અને તે બહાર આવ્યો. તેના મુખ ઉપર એક જાતનું ખાલીપણું દેખાઈ આવતું હતું. તેની આંખમાં નશો હતો. કદાચ ઊંઘની અસર હોય, અગર ચાંદનીમાં એવો ભ્રમ પણ થાય.

'કેમ, સાહેબ, શેા હુકમ?' તેણે પૂછ્યું.

'અરે, તમે માણસ છો કે કોણ છો ?' મેં કડકાઈથી પૂછ્યું.

'માફ કરો, મહેરબાન, પણ અમારો શું ગુનો થયો?' 'ગુનો? બિચારી તમારી સ્ત્રીને કાઢી મૂકતાં તમને શરમ નથી આવતી?'

'મારી સ્ત્રી ? મેં ક્યાં કાઢી મૂકી છે?'

'રાતને વખતે એક ગાઉ દૂર પાણી ભરવા મોકલો છો એ કેવું કહેવાય?'

ગામડિયાના ખાલી મુખ ઉપર મૂંઝવણ ઊભરાઈ. તેણે જરા વાર મારી સામે ટીકી ટીકીને જોયું, અને પછી પૂછ્યું :

'મારી સ્ત્રી શા ઉપરથી ?'

'એણે મને આ જ ઝૂંપડી બતાવી.'

'બીજું કોઈ હશે.'

'તમારી સ્ત્રીનું નામ ચંદા કે બીજું કાંઈ?' મેં ખાતરી કરાવી.

'ઓ બાપ રે!' કરીને વૃદ્ધ સ્ત્રી અંદરથી બહાર ધસી આવી.

'હા સાહેબ. પણ એને મરી ગયે તો એક વર્ષ થયું.'

'ખોટી વાત. હું હમણાં મારી સાથે એને લાવ્યો છું. પેલા ઝાડ નીચે બેઠી.' મેં ચાંદનીમાં પડછાયો પાડતા એક વૃદ્ધ તરફ આંગળી કરી. મારી ખાતરી જ હતી એટલે ચંદા સરખો આકાર તે વૃક્ષની છાયામાં બેઠેલા મને દેખાયો.

'એ તો ભૂત ! ભૂત ! મોઈ મરીને પણ અમારો કેડો છોડતી નથી.' પેલી વૃદ્ધ સ્ત્રી ફાટી ગયેલે અવાજે બોલી ઊઠી.

'ભૂત હોય તોયે મને બતાવો; સાહેબ. ચંદા, ઓ ચંદા !' કહી પેલો પુરુષ ઘેલાની માફક બૂમ પાડવા લાગ્યો. તેણે એક ક્ષણ રહીને મારો હાથ પકડી ખેંચ્યો, અને તે મને પૂછવા લાગ્યો :

'સાહેબ, ક્યાં છે મારી ચંદા? તમે ક્યાં જોઈ?'

'પેલી રહી ઝાડ નીચે.ચાલ બતાવું.' કહી હું ઝડપથી તેને ઝાડ તરફ લઈ ગયો. જતાં જતાં પેલી વૃધ્ધ સ્ત્રીના ઉદ્ગાર સાંભળી મને આશ્ચર્ય થયું : 'રોયાને ફરી પરણાવ્યો તો ય ચંદાનું નામ મૂકતો નથી. એ તો ઝોડ થઈને વળગી છે.'

ઝાડ આગળ તો ચંદા નહોતી ! મેં આમતેમ જોયું પણ તેનો આકાર ક્યાં ય જોવામાં આવ્યો નહિ. હું મૂંઝાયો.

'ક્યાં છે ચંદા?' પેલા ગામડિયાએ પૂછ્યું :

'હું તો અહીં બેસાડીને આવ્યો હતો !'

'એ તો અલોપ થઈ ગઈ. બાપા !'

'એ કેમ બને? કૂવે પાછી ચાલી ગઈ હશે તો ?'

'કયે કૂવે?'

'આ રસ્તે; ખેતરને માથે છે તે કૂવે.'

'શા ઉપરથી આપ કહો છો?'

'તમને કહેવાનું મને કહ્યું હતું'.

'શું ?'

'કે ચંદા કૂવે બેઠી વાટ ભાળે છે.'

પેલા પુરુષનું મુખ એકાએક તંગ બની ગયું. મને ડર લાગ્યો કે એ ધૂણવા તો નહિ માંડે. તે નીચે બેસી ગયો, અને મુખ હાથમાં ઢાંકી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. બે પુરુષોને લઈ પેલી બાઈ ત્યાં આવી પહોંચી. ફાનસ લઈ મારા જમાદાર અને બે વરતણિયા પણ ત્યાં આવી પહોંચ્યા. પેલી બાઈ તથા તેની સાથેના પુરુષો ચંદાના વરને લગભગ ઊંચકીને લઈ જવા લાગ્યા.

મેં પૂછ્યું:

'કેમ આમ કરો છો ?'

'સાહેબ, જોયું નહિ વળગાડ છે તે ?'

અને એકદમ મારું ભાન જાગૃત થયું. મારા દેહમાં કંપ વ્યાપી ગયો. એનો વળગાડ મને તો નહિ વળગે ? મને એક જ વિચાર આમા આવ્યા કર્યો :

'શું મેં ભૂત જોયું ? ભૂત સાથે વાતો કરી ? આવી રૂપાળી ચંદા શું ભૂત હશે ?'

હું પડી જઈશ એમ લાગવાથી, કે ગમે તે કોઈ કારણે, જમાદારે મારો હાથ ઝાલી લીધો. એક જ વિચારમાં મશગૂલ થયેલું મારું મન આખી રાત ચંદાના પ્રસંગને જ જોઈ રહ્યું. વચમાં વચમાં પેલી ઝૂંપડીમાંથી ડાકલાંના ભયાનક અવાજો આવતા ફરી સંભળાયાં.

સવારે હું જાગ્યો ત્યારે એની એ આરામ ખુરશી ઉપર જ હું બેઠેલો હતો. હું સૂતો હતો કે નહિ ? હું રાત્રે ફરવા નીકળ્યો હતો કે કેમ? પેલી ચંદાને જોઈ એ પ્રસંગ ખરેખર બન્યો હતો કે માત્ર મને સ્વપ્ન આવ્યું હતું ?

ચૉરાના એ ચોગાનમાં હું આમતેમ ફરવા લાગ્યો. એક વરતણિયો મને જોઈ ચલમ મૂકી ઊભો થઈ ગયો. મારાથી તેને પુછાઈ ગયું.

'અલ્યા, પેલી ચંદા કોણ?'

'એ તો સાહેબ, કા’નાની વહુ.' તેણે કહ્યું.

'જીવતી છે ?'

'ના સાહેબ, ગઈ સાલ ગુજરી ગઈ.'

'શાથી?'

'ઘરના ખટરાગ. રાતે સાસુએ પાણી લાવવા કહ્યું. એકલાં જવાની એણે ના પાડી, એટલે એના ધણીએ જરા ગાળો દીધી એ તો જઈને કૂવે પડી.'

'ધણીધણિયાણીને નહોતું બનતું ?'

'બનતું'તું તો ખાસ્સું. પણ સાસુવહુના ઝઘડામાં કોઈ દહાડો માનવી કંટાળે પણ ખરો ને ?'

'એ કેવી હતી?' 'હાય, હાય ! આખા ગામને ઘેલું બનાવે એવી રૂપાળી હતી.' વરતણિયાએ દિલગીરીથી જણાવ્યું.

છ માસ સુધી આ ચંદા મારા મગજમાંથી ખસી નહિ. એ વાત મેં કોઈને કહી પણ નહિ. વરસેક દિવસ વીતતાં એ બનાવની રોચકતા ચાલી જવા માંડી. પરંતુ એક દિવસ કેટલાક સરકારી કાગળો મારા હાથમાં આવ્યા. ઘેલછાના આવેશમાં કોઈનું અકસ્માત મૃત્યુ થયું હતું તે કામ નિકાલે રહેવા મારી પાસે આવ્યું. મેં શિરસ્તેદારને પૂછયું :

'માણસ શાથી મરી ગયો?

'અકસ્માત કૂવામાં પડ્યો.'

'એનાં સગાંવહાલાંના જવાબ છે ? '

'હા, જી. એની વહુ મરી ગયા પછી એ ઘેલો બની ગયો હતો.'

હુ ચમક્યો. મેં આગળ પૂછ્યું :

'એની માનો કશો જવાબ છે?'

'હા. જી. એ તો કહે છે કે એની બૈરી કૂવે પડી ભૂત થઈ. હતી. તે એને વળગી અને એને કૂવામાં ખેંચી ગઈ, એટલે અકસમાતની કલમમાં કામનો નિકાલ થઈ શકશે.'

'મરનારનું નામ કાનો છે ને?'

'હા, જી.'

'ઠીક. કાગળ મૂકો. હું ઠરાવ લખી નાખીશ.'

પરંતુ ઠરાવ લખતાં પહેલાં આ આખી નોંધ મેં લખી કાઢી. કાયદામાં ભલે એ અકસ્માત ઘેલછાનું પરિણામ મનાય, પરંતુ મને તો એમાં જીવંત પ્રેમનું સ્પષ્ટ પરિણામ જણાયું.

પ્રિયતમ જીવતો હોય તો પ્રિયતમા કેમ મરી શકે ? દેહ ભલે લુપ્ત થાય પરંતુ પ્રેયસી સૂક્ષ્મ દેહે આસપાસ ફર્યા જ કરે ને?

અને પ્રિયતમાનો દેહ ન દેખાય તો પ્રિયતમમાં ઘેલછા કેમ ન ઊપડે ? એ ઘેલછા સિવાય આસપાસ ફરતો સૂક્ષ્મ દેહ તેને કેમ દેખાય? અને એ સૂક્ષ્મ દેહ દેખાય એટલે એણે પણ સ્થૂલ દેહને ફેંકવો જ રહ્યો. બન્ને સૂક્ષ્મદેહી ન બને ત્યાં સુધી ભેટાય શી રીતે ?

જગત ભલે એને મૃત્યુ કહે. હું તો એને સુંદર, અદ્ભુત સંયોગ કહીશ. ગ્રામ્ય પ્રેમીઓ પણ એ પામી શકે.

જીવન ભોગવવું એ સ્થૂલ દેહ વગર ન જ બની શકે? ચંદ્ર લોક સરખી અમૃત વરસતી કોઈ ભૂમિ–કે ભૂમિકા–નહિ હોય જ્યાં દેહવિલય પામેલાં પ્રેમીઓ અનંતકાળનું આલિંગન પામી એક બની જાય ?

પૃથ્વી ઉપરના જવાલામુખી ચંદ્રલોકમાં ટાઢા પડ્યા. હૃદયના જ્વાલામુખી ટાઢા પાડવા કશી અદ્દભુત યોજના હોવી જ જોઈએ, નહિ?