પત્રલાલસા/અકસ્માતનાં પરિણામ
← તરસી નજર | પત્રલાલસા અકસ્માતનાં પરિણામ રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
અસ્થિર મનોદશા → |
સૂનાં મંદિર, સૂનાં માળિયાં
ને મ્હારા સૂનાં હૈયાના મહેલ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
નાનાલાલ
આજુબાજુએથી ખુરશીઓ અને ખાટલાઓ લઈ માણસો આવી પહોંચ્યા. જાગીરદારની પ્રતિષ્ઠા અને તેનો પૈસો આવી ચીજોને ખેંચી લાવે એમાં નવાઈ નથી. પરંતુ તે ઉપરાંત જાગીરદાર વ્યોમેશચંદ્રનો મળતાવડો - સહુને ઉપયોગી થઈ પડવાનો - સ્વભાવ પણ લોકોમાં તેને માટે સારી લાગણી ઉપજાવી શક્યો હતો. તેમાં આવો અકસ્માતનો પ્રસંગ બને ત્યારે તો જનહૃદયની કુમળી લાગણીઓ ખાસ આગળ તરી આવે છે. દુશ્મનને પણ ઘવાયેલો જોઈ હસનાર રાક્ષસો જગતમાં ભાગ્યે જ હશે ! રડતાને જોઈ રડવાનો હૃદયનો સ્વભાવ છે. માટે જ માનવી મનુષ્ય છે.
સહુએ મળી જાગીરદારને એક ખાટલા ઉપર સુવાડ્યા. નંદકુંવરે આગ્રહ કર્યો કે વ્યોમેશચંદ્ર પોતાને ઘેર આવવું, પરંતુ વ્યોમેશચંદ્ર બેવકૂફ ન હતો. માંદગીમાં પારકે ઘેર રહેવાથી સામા માણસને કેટલો ત્રાસ પડતો હશે તેનો તેને પૂરો ખ્યાલ હતો. તે કાંઈ દીનાનાથનો સગો નહોતો કે જે આધારે પોતે સારવારનો હક્ક ધરાવી તેમના ઘરમાં દર્દી તરીકે રહી શકે. ઉપરાંત પોતાની અનુકુળ આર્થિક સ્થિતિ હોવાથી તે પોતાના જ મકાનમાં સર્વ પ્રકારની સગવડ મેળવી શકે એમ હતું. પછી દીનાનાથને ત્યાં શા માટે રહે ?
નંદકુંવરને વ્યોમેશચંદ્ર ના પાડી.
‘ના, જી ! આપને ઘેર આવવાનું કારણ નથી. નકામી તકલીફ આપને પડે !'
‘અરે ! એ શું બોલો છો ? તકલીફ કેવી? માંદા માણસને ઘરમાં લઈ જવાય નહિ તો અમારો ખપ શો !' નંદકુંવરે કહ્યું.
'ઘેર બધી સગવડ છે, માણસોને પણ ત્યાં જ ફાવે. હું તો ઘેર જ જઈશ.’
'આપને હરકત નહિ પડે ! કદાચ આપના જેટલી સગવડ અમારે ત્યાં નહિ હોય અગર એટલાં માણસો નહિ હોય પણ...'
વ્યોમેશચંદ્રને લાગ્યું કે તેણે ભૂલથી આ સન્નારીના હૃદયનું મર્મસ્થાન વીંધ્યું હતું. તે દિલગીર થયો અને વાત સુધારવા માંડ્યો.
‘એમ નહિ. આપને ત્યાં તો મને વધારે જ ફાવે ! પણ છોકરાંને અડચણ લાગ્યા કરે. અને ઘરમાં મારી હાજરી ન હોય તો બધી અવ્યવસ્થા થઈ રહે ! અને તમે ક્યાં દૂર છો ! તમારા વગર ક્યાં ચાલવાનું છે ?'
વ્યોમેશચંદ્રે આવા શરીરે વધારે વાતચીત કરવી એ નંદકુંવરને વાસ્તવિક ન લાગ્યું. મંજરી હજી વ્યોમેશચંદ્રની પાસે જ ઊભી રહી હતી. તેના સામું જોવું તેમને ઘણું ગમતું હતું. તેમને આ અકસ્માતનું પણ કારણ હવે જડ્યું. દીનાનાથ રાહ ન જુએ એ માટે નહિ પણ એ બહાને મંજરીને જોવા ખાતર તેઓ અહીં આવ્યા હતા. તેમને લાગ્યું કે ભલે અકસ્માત થયો ! મંજરીની હાજરી અને સારવારથી તેઓ પોતાનું અડધું દુઃખ ભૂલી ગયા હતા, અને લોકોની મેદનીમાં મંજરીના સામું તેમનાથી બહુ જોવાય એમ નહોતું, છતાં પણ તે પાસે ઊભી રહી છે એ ખ્યાલથી તેઓ જાણે ગુલાબનાં ફૂલની ઘટામાં ઊભા હોય એવો ભાસ થતો. પરંતુ હવે ઘેર ગયા સિવાય ચાલે એમ નહોતું. નંદકુંવરને ત્યાં જવું એ મૂર્ખાઈની પરિસીમા હતી એટલે તેમને એક પલંગ ઉપર સુવાડી બહુ કાળજીથી ઘેર લઈ જવામાં આવ્યા.
મંજરી અને નંદકુંવર પણ મેદની બહાર નીકળ્યાં. જૂના પ્રતિષ્ઠિત કુટુંબની સ્ત્રીઓને યોગ્ય માન આપવું લોકો ભૂલતા નથી. તેમણે મર્યાદાથી બંને સ્ત્રીઓને માર્ગ આપ્યો અને તેઓ ઘર પહોંચ્યાં.
એટલામાં દીનાનાથ બહારથી આવી જુએ છે તો ચોગાનમાંથી માણસો વેરાતાં નજરે પડ્યાં. નાનાં નાનાં ટોળાં મળી લોકો વીખરાતા હતા. આછો આછો થઈ જતો કોલાહલ કાંઈક ભારે બનાવ બન્યાની સાક્ષી પૂરતો હતો. કાંઈ મારામારી થઈ હશે એમ પ્રથમ દીનાનાથને ખ્યાલ આવ્યો. લોકોએ તેમને ઓળખી નમસ્કાર કરવા માંડ્યા.
“શું થયું, ભાઈ ?' એક જણને તેમણે પૂછ્યું. . 'પેલા જાગીરદારને વાગ્યું.' તેણે જવાબ આપ્યો.
'કોને ? વ્યોમેશચંદ્રને ?'
'હા, જી.'
દીનાનાથને ધ્રાસ્કો પડ્યો. પૈસાદાર માણસોની જિંદગી હંમેશા જોખમમાં જ હોય છે. કોઈએ ખૂનનો પ્રયત્ન તો નહિ કર્યો હોય, એમ ધારી તેઓ અધીરા બની ગયા.
'શાથી વાગ્યું ?'
'ઘોડા ઉપરથી પડી ગયા. વધારે વાગ્યું છે. હમણાં જ ખાટલામાં નાખીને તેમને લઈ ગયા.'
'ક્યાં ?'
‘તેમને ઘેર.'
આટલું સાંભળતાં દીનાનાથ પોતાને ઘેર ન જતાં વ્યોમેશચંદ્રના ઘર તરફ ગયા. પોતાનાં જૂનાં વેચાઈ ગયેલાં મકાનો તરફ તેમને જવું બહુ ગમતું નહિ, પરંતુ તેમાં તેમના પોતાના નસીબનો વાંક હતો. વ્યોમેશચંદ્ર શું કરે ? તેણે તો અણીને વખતે મિલકત વેચાતી લઈ પૈસાની રકમ આપી હતી ! એમ મનનું સમાધાન કરી તેઓ પોતાના જૂના – પણ ફેરવાઈ ગયેલા મકાનમાં ગયા.
આખા મકાનમાં ધમાલ થઈ રહી હતી. દરેક માણસને એમ લાગતું કે આટલું બધું ધાંધલ કર્યા સિવાય ઘરના માલિક માટેની લાગણી પૂરતી વ્યક્ત થયેલી નહિ ગણાય ? સહુ કોઈ દોડાદોડ કરતું હતું. છોકરાં રડતાં રડતાં આમતેમ ફરતાં હતાં. કોઈ વૈદ-દાક્તરને બોલાવવા તજવીજ કરતું જણાતું. કોઈ ગરગથ્થુ ઓસડની તૈયારી કરતું. માત્ર વ્યોમેશચંદ્રની જાતને જ કોઈ સંભાળવાની તસ્દી લેતું નહિ. પેલી લક્ષ્મી પાસે બેઠી હતી.
'હું હજી મરી ગયો નથી. આટલું બધું ધાંધલ કેમ કરો છો ? છોકરાં રડે છે તે તમારા કોઈના ધ્યાનમાં નથી આવતું ?' વ્યોમેશચંદ્ર અત્યંત અકળાઈને બોલ્યા.
'છોકરાં તો રડતાં હમણાં છાનાં રહેશે, પણ તમને વાગ્યું છે તે તો જુઓ, લોહી નીકળ્યું. ઉઠાતું નથી. જરા શાંત પડો. હમણાં દવા આવે છે.' લક્ષ્મીએ બહુ જ કાળજી બતાવી જણાવ્યું.
'તમે લોકો જ મને શાંત પડવા દેવાનાં નથી.' વ્યોમેશે જવાબ આપ્યો. 'મને અહીં એકલો સૂઈ રહેવા દે, જઈને છોકરાંને સંભાળ !'
લક્ષ્મી ઊઠીને જવા લાગી. એટલામાં દીનાનાથનો વૃદ્ધ પરંતુ ગૌર, લાંબો, ભવ્ય દેહ ઓરડામાં પેસતો દેખાયો. વ્યોમેશને જરા સાંત્વન મળ્યું.
'આવો ભાઈસાહેબ ! હું તો જરા પડી ગયો. વધારે નથી વાગ્યું.'
વ્યોમેશની પાસે ભારે મિલકત હતી. પરંતુ તેની વ્યવસ્થા કોણ કરે? અને તેમાંયે એ જાતે અશક્ત હોય ત્યારે અવ્યવસ્થાનો પાર જ શાનો હોય? દીનાનાથને પણ આ ઘરમાં ગૃહિણીનું સ્થાન ખાલી લાગ્યું અને તે ખાલી હોવાના કારણે ઘરમાં અસાધારણ અવ્યવસ્થા અને ધાંધલ જણાયાં.
દીનાનાથે સાત્ત્વન આપ્યું. વૈદ્ય-ડૉક્ટરોને વ્યોમેશચંદ્ર તરફ ઘણો જ સદ્દભાવ હતો, કારણ, નાનીમોટી બાબતમાં સલાહ માટે વૈદ્ય ડૉક્ટરને ત્યાં જવું એ તેમના આખા ઘરને સુગમ પડી ગયું હતું. વ્યોમેશચંદ્ર દવાઓના મોટા ગ્રાહક હતા. ઘરમાં એક નાના દવાખાના જેટલી દવાની શીશીઓ તેમણે ભેગી કરી હતી. રોગ અને દવાઓનાં નામ તેમને મોઢે થઈ ગયાં હતાં, અને પોતાના તે જ્ઞાનનું પ્રદર્શન કરવું તેમને ગમતું પણ ખરું. અલબત્ત પત્નીની લાંબી બીમારી આમાં કારણરૂપ હતી. છતાં ડૉક્ટરોની વિઝીટ અને તેમના બિલ ચાલુ જ રહેતાં. એટલે સહુની માફક આ ધંધાદારી વર્ગને પણ વ્યોમેશચંદ્ર માટે કુમળી લાગણી રહેતી.
ખબર પડતાં વૈદ્ય અને ડૉક્ટરો પણ આવ્યા. બની શકે તે ઉપાયો સૂચવી દવાઓ આપી તેઓ ચાલ્યા ગયા. એક નાની છોકરી એટલામાં રડતી રડતી ઓરડીમાં ચાલી આવી ! લક્ષ્મી તેની પાછળ ઘણી જ ઉતાવળથી આવી તેને ઊંચકી જવા લાગી.
'ના, મારે બાપાજી પાસે જવું છે !'
એમ કહી રડતી છોકરીએ પોતાનો વાંધો જાહેર કર્યો. વ્યોમેશચંદ્રને બાળકો ઉપર ઘણું વહાલ હતું, અને તેમણે પોતાની પાસે બાળકને બેસાડવા લક્ષ્મીને સૂચના કરી જ હોત ! પરંતુ એટલામાં દીનાનાથનું કુમળું હૃદય દ્રવી ઉઠ્યું અને સહજ અણગમો જણાવી આવે એવી ઢબથી તેમણે કહ્યું :
‘આવવા દે, એ છોકરીને ! નકામી કેમ ખેંચી જાય છે ?'
સહુના માનને પાત્ર વૃદ્ધ દીનાનાથને પોતાની આશા લોપાયલી જોવાના ભાગ્યે જ પ્રસંગ આવતા. પોતાની જાહોજલાલીમાં જ નહિ, પણ પોતાની પડતી હાલતમાં પણ એ જ પ્રકાર બનતો. ચાલે ત્યાં સુધી તેઓ કોઈને આજ્ઞા આપતા જ નહિ; અને આજ્ઞા કરવાનું કારણ બને ત્યારે તે કારણ હંમેશ સત્ય હોય, એટલે સહુ કોઈને તેમનું કહેવું માન્યા વગર ચાલતું નહિ. પરંતુ લક્ષ્મીને સર્વદા દીનાનાથના ઘર સાથેનો પરિચય ગમતો જ નહિ. બને ત્યાં સુધી દીનાનાથનું ભૂંડું બોલવાને તે ચૂકતી નહિ. તેમની છોકરી મોટી થઈ હતી તે માટે તે ઘણી જ સખત ટીકા કરતી, અને સ્ત્રીની અંતર દ્રષ્ટિએ તેને ખાતરી આપી હતી કે દીનાનાથ સાથેનો વધતો જતો પરિચય વ્યોમેશચંદ્રને મંજરી માટેની કોઈ લાગણીનું જ પરિણામ હતું. પોતે તો એક નોકર બાઈ હતી. શા માટે તેને મંજરી સાથેનો વ્યોમેશચંદ્રનો પરિચય ગમતો નહિ ? એ ચાલાક નોકરડીની અભિલાષાઓ વ્યોમેશચંદ્રને વશ કરી ઘરમાં સત્તા ચલાવવા તરફ વળતી હતી.
એણે દીનાનાથનું કહેવું ગણકાર્યું નહિ. અને છોકરીને લઈ ઓરડીમાંથી બહાર જવા માંડ્યું. દીનાનાથની આંખમાં આ પ્રતિકારની અસર જણાઈ, અને તેમની ભમ્મરો વળી ! મંજરીની અને દીનાનાથની ભમરો ઊંચકવાની લઢણ સરખી જ હતી એમ વ્યોમેશચંદ્રને ભાસ થયો. વળી તેમણે જાણ્યું કે દીનાનાથ આવા પ્રકારના લક્ષ્મીના વર્તનથી તદ્દન અપરિચિત હતા !
તેમણે એકદમ બૂમ પાડી :
'ભાઈસાહેબ કહે છે તે સાંભળતી નથી ? બહેરી થઈ છે શું ?'
દીનાનાથની આજ્ઞા લોપી શકાય, પરંતુ માલિકની આજ્ઞા લોપાય એમ નહોતું. છણછણતી લક્ષ્મી આવી, છોકરીને મૂકી ગઈ. જતે જતે દીનાનાથને ન સંભળાય એમ બબડતી ગઈ. લક્ષ્મી સાથે કેટલાક વખતથી વ્યોમેશચંદ્ર બહુ જ અણગમાથી વાત કરતો. તેને પેલી રાતના અનુભવ પછી લક્ષ્મીનો ઘણો જ ડર લાગતો.
છોકરી પાસે બેઠી અને રડતી છાની રહી !
‘બાપુજી ! બહુ વાગ્યું છે ?'
'ના ના, એ તો હવે મટી જશે.'
બાપા અને દીકરીને વાત કરતાં છોડી જવા દીનાનાથ ઊભા થયા.
‘વ્યોમેશભાઈ ! હું હવે રજા લઈશ.'
‘જશો ? મારી તો આ દશા છે ! નંદુબહેનને મોકલતા રહેશો તો બહુ સારું. મારી તો સારવાર કરવા કોઈ જ નથી. આપ પણ આવતા રહેશો તો મને ગમશે અને મારો વખત જશે.' વ્યોમેશચંદ્ર જણાવ્યું.
‘જરૂર હું આવીશ. આપ જરાયે જુદાઈ ન માનશો. હું મોકલીશ ઘરમાંથી. ગભરાશો નહિ. જરૂર હોય તો હું અહીં જ રહું.'
'ના, જી. એમ કાંઈ નથી. પણ આપ જુઓ છો ને, ઘરમાં કાંઈ ઠેકાણું છે ?'
દીનાનાથ ઊઠ્યા અને ઘરમાંથી નીકળ્યા. લક્ષ્મીએ તેમની પાછળ બારણું બંધ કર્યું, અને અણગમતાપણાનો ચાળો કર્યો. દીનાનાથને પણ રસ્તામાં જતાં વિચાર આવ્યા કરતો હતો કે પત્નીવિહીન વ્યોમેશ બહુ જ દુઃખી થાય છે. મંજરી યાદ આવી. એને અહીં આપીએ તો શું ખોટું ? એમ તેમને વિચાર આવ્યો.
ઘેર જઈ નંદકુંવરને તેમણે વાત કરી. 'આપણે મંજરીને વ્યોમેશચંદ્ર સાથે પરણાવીએ તો ?'
‘મને પણ કેટલાક દિવસથી એમ જ થતું હતું. પણ તે સાંભળશે? એ તો શ્રીમંત રહ્યા !'
દીનાનાથનું મોં પડી ગયું.
‘આપણે પણ શ્રીમંત હતા, હવે નથી, પણ મને એમ લાગે છે કે આપણે પૂછીશું તો ના નહિ પડે.'
'મને ડર લાગે છે. ઘણાં માગાં આવી ગયાં, પણ તેમણે ના પાડી છે. આપણને ના કહેશે ?' નંદકુંવરે શંકા બતાવી.
‘મંજરીની મરજી પૂછવી પડશે. એને ન ગમવાનું કારણ નથી, જો વ્યોમેશચંદ્રની મરજી હોય તો !'
‘એ તો વિચિત્ર સ્વભાવની છોકરી છે. એને શું ગમશે અને શું નહિ તે કોણ જાણે !'