પત્રલાલસા/તરસી નજર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સૂનાં સિંહાસન પત્રલાલસા
તરસી નજર
રમણલાલ દેસાઈ
૧૯૩૧
અકસ્માતનાં પરિણામ →


૧૪
તરસી નજર

એક ચાંદરણું આભમાં લ્હેરાય રે !
પાણીડાં હેલે ચઢ્યાં, હેલે ચઢ્યાં !
નાનાલાલ

જાગીરદાર વ્યોમેશચંદ્રને ખાતરી થઈ ગઈ કે સ્ત્રી વગર મિલકત,ઘર, પૈસો બધું બગડી જાય છે. તેમને વિશેષ ખાતરી એ થઈ કે તેમનું ચારિત્ર્ય પ્રત્યેક ક્ષણે જોખમમાં આવી પડેલું છે. લક્ષ્મી ઘરમાં જ હતી. પોતાના માલિકનું હૃદય વશ કરવા માટે તેના પ્રયત્નો ચાલુ જ હતા. કઈ ક્ષણે પોતાનું પતન થાય એનો વ્યોમેશચંદ્રને ભરોંસો નહોતો.

લોકોમાં પણ આવા સુખી અને સારા પુરુષની સાથે સંબંધ બાંધવાની સ્પર્ધા ચાલી હતી. ઉંમરલાયક અને નાની ઉંમરની કન્યાઓનાં માબાપ વ્યોમેશ તરફ હવે કહેણ મોકલવા લાગ્યાં. જુદી જુદી કન્યાઓ માટે જુદે જુદે સ્થળેથી સિફારસો પણ આવતી, અને કન્યાઓનાં રૂપ, ગુણ, કન્યાઓનાં માબાપની લાયકી, ને લાયક માણસોની સાથે સંબંધ બાંધવામાં થતા લાભનાં વર્ણનો દરરોજ તેમની પાસે ચાલતાં હતાં. પોતાનો માલ ખપાવવાની દુકાનદારો સરખી તીવ્ર અભિલાષા કન્યાઓનાં માબાપમાં વ્યક્ત થતી. શા માટે ? પોતાની કન્યા વ્યોમેશ જેવાને ત્યાં ખપે એટલા માટે ! કન્યા એ શું જેમતેમ ખપાવી દેવાની ચીજ છે ? લગ્ન એ શું વેચાણનો વ્યવહાર છે? કોણ કહેશે ?

પરંતુ વ્યોમેશચંદ્રનું મન માન્યું નહિ. શા માટે પરણવું ? લક્ષ્મી હવે બધી કાળજી રાખતી હતી. પરંતુ લક્ષ્મીને કાંઈ ગાડીમાં સાથે લઈ જવાય? તેની સાથે કાંઈ છબી પડાવાય ? તેને કાંઈ મિલકત સોંપાય? તે તો ચાકરડી હતી. માત્ર દીનાનાથની છોકરી મંજરી આંખ ઠારે એવી હતી. પોતાની ગત પત્નીને ભુલાવી દે એવું તેનામાં સ્વરૂપ હતું. મુખ સામું જોવું ન ગમે એવી છોકરીઓને કેમ પરણાય ? દીનાનાથ અને નંદકુંવર એ બેમાંથી કોઈ પણ વ્યોમેશચંદ્રની વિરુદ્ધ જાય એમ નહોતું. એટલું જ નહિ, પણ તેમણે મંજરીને પોતાની વર્ષગાંઠ નિમિત્તે ભેટ આપવાની પણ સંમતિ આપી હતી. આ બધું શું સૂચવતું હતું ? પોતે મંજરીને કેમ પરણી ન શકે ? પોતાના કરતાં વધારે સારો વર મંજરીને કોણ મળવાનો હતો ? મંજરીને બીજા કોઈ ભાગ્યે જ સુખી કરી શકશે !

આમ પોતાના સ્વાર્થમાંથી મંજરીને સુખી કરવા માટે તેની સાથે લગ્ન કરવાના વિચારો કરતાં વ્યોમેશચંદ્ર પરમાર્થનો રસ્તો શોધ્યો. દરેક વ્યક્તિને પોતાની મહત્તાનો ખ્યાલ હોય છે જ. અને એ મહત્તા સામાના સુખને માટે જ વાપરવાની હોય છે. બાળકને સોટી ચમચમાવનાર શિક્ષક એમ જ બચાવ કરે છે કે તેથી બાળકોનો અવતાર સુધરે છે. શિક્ષક ભૂલી જાય છે કે સોટીના વપરાશમાં બાળકને સુધારવાની અશક્તિનું પ્રદર્શન થાય છે !

વ્યોમેશચંદ્રના ગત પત્નીની મોટી છબી હસતી હોય એમ ફરી તેમને ભાસ થયો. છબીની હાજરી તેમના વિચારોમાં હરકત રૂપ થવા લાગી હતી. તે ઘડી ઘડી દુઃખમય વિચારો ઉપજાવ્યા કરતી હતી.

લગ્નના વિચારમાં તે પ્રતિકૂળ શરમની ભાવના ઉપજાવતી હતી એ સત્ય તે કહી શકે એમ નહોતું.

'છબીને દીવાનખાનામાં મૂકીએ તો કેવું ? વ્યોમેશચંદ્રે લક્ષ્મીની સલાહ લીધી. 'આ ખંડમાં આવડી મોટી અને આવી સારી છબી દીપતી નથી.'

લક્ષ્મી સર્વ વાતે અનુકૂળ જ હતી. તેણે સંમતિ આપી.

જે પત્ની જીવતાં પોતાનાં બાળકો સાથે આ ખંડમાં સમાઈ જતી હતી. તે પત્ની મૃત્યુ પામતાં તેના કદથી પા ભાગની છબીના સ્વરૂપમાં ભીંત ઉપર ટીંગાયલી પણ સમાઈ શકી નહિ !

લગ્નનો વિચાર વૃદ્ધોને પણ યુવાન બનાવે છે. વ્યોમેશચંદ્ર બિચારા વૃદ્ધ નહોતા. અને જોકે પોતે ચાર બાળકોના પિતા હતા છતાં તેમને પોતાની ગત પચીશીના ભણકારા વાગવા માંડ્યા. તેમના પોષાકમાં સફાઈ અને નવીનતા આવવા લાગ્યાં. તેઓ નાનપણમાં ઘોડાનો ઘણો શૉખ ધરાવતા હતા. કેટલાંક વર્ષોથી ગાડીમાં ફરવાની પડી ગયેલી સુસ્ત ટેવનો તેમને કંટાળો આવ્યો. આજે ઘોડા ઉપર ફરવા જવાની ઊર્મિ થઈ આવી હતી.

‘સાહેબ ! ઘોડો તૈયાર છે.' સાઈસે જણાવ્યું.

'ઠીક.' વ્યોમેશચંદ્ર નીચે ઊતર્યા. ઘોડાને બરાબર નિહાળ્યો, પંપાળ્યો અને થાબડ્યો. સુંદર જાનવર મગરૂરીમાં ઊભું રહી પોતાની કિંમત અંકાતી જોઈ ખુશાલીમાં આવી ગયું. ‘ઘોડો જરા ભારે થઈ ગયો, ખરું ?' વ્યોમેશે ઘોડાવાળાને પૂછ્યું.

'સાહેબ, એને મહેનત ક્યાં છે ? છોકરાં કોઈક દિવસ બેસે, કે હું પાણી પાઈ આવું, એટલું જ.' સાઈસે જવાબ આપ્યો. ઘોડો બાંધ્યો રહે અને ઘાસચંદી ખૂબ મળે એટલે એમ જ થાય.'

‘એને તો ફેરવતા જ રહેવું જોઈએ. હવેથી હું જ એને હાથમાં લઈશ.' એમ બોલતાં બોલતાં તેઓ પેંગડે પગ મૂકી ચપળતાથી ઘોડા ઉપર બેસી ગયા. બહુ જ દિવસે આવડતવાળા માણસને પોતાના ઉપર સવાર થયેલો જોઈ ઘોડો આનંદમાં આવી ગયો. થનકથનક કરતો આ ઊંચો ઘોડો, શહેનશાહોના ગુમાનને પણ વિસરાવી દે એવી મરોડભરી ગરદન રાખી અભિમાનભર્યા ડગલાં મૂકતો આગળ વધ્યો.

'સાહેબ ! બહુ દિવસે કાઢ્યો છે, એટલે જરા સંભાળજો. આજે બહુ દૂર ન લઈ જશો.' ઘોડાવાળાએ શિખામણ દીધી.

વ્યોમેશચંદ્રે નાનપણમાં કંઈક ઘોડાઓને થકવી દીધા હતા. એ ઘોડાઓને થકવનારો જૂનો જુસ્સો આજ તેમનામાં પ્રગટ્યો હતો. તેમને આ શિખામણની જરૂર નહોતી. સાઈસ કરતાં અલબત્ત તેઓ વધારે કુનેહવાળા હતા. તેમણે તેમની શિખામણનો ઉત્તર આપવાની દરકાર જ ન કરી.

‘લાવ, દીનાનાથને કહેતો આવું કે તેઓ આજે રાહ ન જુએ.' એમ વિચાર કરી તેમણે ઘોડાને દીનાનાથની શેરી તરફ વાળ્યો. જાગીરદારને ત્યાં માણસો પૂરતાં હતાં. એકાદ માણસ સાથે કહેવડાવ્યું હોત તો ચાલી શકત. તેમણે જાતે જઈને શા માટે કહેવું પડે, તે તેઓ જાણે.

દીનાનાથના ઘર પાસે આવી તેમણે એક તરસી નજર બારી અને અગાસી તરફ ફેંકી. ઘોડાનાં પગલાં સાંભળી મંજરીએ કુતૂહલથી બારીએ જોયું. ભારે છટાથી ઘોડા ઉપર બેઠેલા વ્યોમેશચંદ્રના મનથી ઘોડાની કિંમત વસૂલ થઈ ગઈ, અને પોતાની આવડત સફળ થઈ એમ લાગ્યું. જરા નજર કરી મંજરીએ ભમરો ઊંચી ચઢાવી. પરંતુ તે સાથે કાંઈક સ્મિતની રેખા તેના મુખ ઉપર દોરાઈ અને તેણે ડોકું અંદર લઈ લીધું.

એ સ્મિતમાં અણગમો અને હાંસી હતાં કે આવકાર અને આહ્વાન? સ્મિત કરનાર વ્યક્તિ તે સંબંધમાં સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી ગમે તે ધારી લેવાની છૂટ હોય છે.

વ્યોમેશ બૂમ મારી :

'ભાઈસાહેબ !' દીનાનાથનું માનવંતું ઉપનામ હજી લોકો ભૂલ્યા નહોતા.

મંજરી ફરી બહાર આવી. તેણે જવાબ આપ્યો :

'ઘરમાં નથી.'

આટલા ટૂંકા જવાબથી તેમને સંતોષ વળે એમ નહોતું. તેમણે આગળ પૂછ્યું આગળ પૂછ્યું :

'ક્યારે આવશે ?'

મંજરી બોલી :

'એ તો ખબર નથી.'

વ્યોમેશચંદ્રને વાત લંબાવવાનો અણગમો નહોતો. મંજરીના ટૂંકા જવાબો પણ તેમને મીઠાઈના ટુકડા જેવા મિષ્ટ લાગતા હતા. અને ઉપરાંત મંજરીને જોવાનો વધારે વખત મળ્યે જતો હતો.

'નંદુબહેન છે ?' તેમણે પૂછ્યું.

મંજરીને વિચાર થયો કે આ બધી વંશાવળી તેઓ કેમ પૂછતા હશે? જરૂર હોય તો ઘરમાં આવી બધાંને મળી જાય. ઘરમાં આવવાની કાંઈ નવાઈ હોતી નથી, છતાં જવાબ આપ્યા સિવાય ચાલે એમ નહોતું.

‘હા, જી. ઘરમાં જ છે. બોલાવું ?'

પોતાની માને બોલાવી જાગીરદાર સાથે વાતે વળગાડવાથી પોતે છૂટી થઈ શકશે એમ ધારી તેણે પૂછ્યું.

'ના, ના. એમને તકલીફ આપવાની જરૂર નથી. હું જ ઘરમાં આવત, પણ આ ઘોડા ઉપર છું એટલે ઊતરતો નથી.' જાગીરદારે સજ્જનપણું બતાવ્યું અને સાથે ઘરમાં ન આવવાના કારણ તરીકે પોતે ઘોડેસ્વાર થયા હતા તે વાત સ્પષ્ટ કરી આપી.

ઘોડો આમતેમ પગ ઉપાડી રહ્યો હતો. તેનાથી સ્થિર ઊભા રહેવાતું જ નહિ ! તેને કાબૂમાં રાખી મંજરી સામું જ જોયા કરાય એવી રીતે ઘોડાને ઊભો રાખવાનો વ્યોમેશનો પ્રયત્ન હતો. ઘોડાને દોડવાની ઈચ્છા હતી. તે ખસી ગયા અને મંજરી દેખાતી બંધ થઈ.

પરંતુ હજી આ બધી પૂછપરછ કરેલી તેનું ખરું રહસ્ય તો જણાયું નહોતું. પોતે આજ રાતે ન આવી શકે તો દીનાનાથ રાહ ન જુએ એ કહેવાનું તો રહી જ ગયું ! આગળ વધવાને આતુર ઘોડાને તેમણે પાછો ફેરવ્યો. મંજરી હજી ઊભી જ રહી હતી. તેને ઘોડામાં કે સવારમાં ગમ્મત પડી લાગતી હતી. નહીં તો ઘોડો ફરતા બરાબર તે પાછી ઘરમાં જતી રહી હોત. સવારને લાગ્યું કે પોતાના સૌંદર્યનું અવલોકન થતું હતું. ઘોડેસવાર થવું એ નાનીસૂની વાત નથી. એ આવડત મનુષ્યને જેટલો મગરૂર બનાવે એટલો મગરૂર પરીક્ષામાં પહેલો આવનાર વિદ્યાર્થી પણ નહિ થઈ શકતો હોય ! અને તેમાં જો કોઈ રૂપવાન સ્ત્રી જોઈ રહી છે એમ ખ્યાલ આવે તો જરૂર ઘોડેસવાર નેપોલિયન કે શિવાજીનો અવતાર બની જાય છે.

ઘોડાને પાછો ફેરવતાં તેણે ઘણો જ અણગમો દેખાડ્યો. પોતાની અધીરાઈ અને જુસ્સો તેણે વધારે કડક સ્વરૂપમાં દેખાડ્યો. તોફાને ચઢેલા ઘોડાને વશ રાખનાર વિશ્વવિજયનો આનંદ અનુભવે છે. ઘોડાને વ્યોમેશચંદ્રે પાછો ફેરવ્યો અને કુતુહલથી નિહાળી ઊભી રહેલી મંજરીને જણાવ્યું :

'કદાચ રાત્રે ન અવાય તો રાહ ન જુએ એમ ભાઈસાહેબને જણાવશો ?'

'હા, જી !' મંજરીએ જવાબ વાળ્યો.

'બનશે ત્યાં સુધી તો આવીશ.'

'ઠીક' કહી મંજરી શાંત રહી. દીનાનાથ વ્યોમેશચંદ્રની આટલી બધી રાહ શા માટે જોશે કે તેને માટે આમ ઘોડા ઉપર બેસી તેમને કહેવા આવવું પડ્યું ? તેમાંયે બનતાં સુધી આવવાની જ ઈચ્છા હોય તો આ બધી વાત જ નિરર્થક છે એમ મંજરીને લાગ્યું. પરંતુ વ્યોમેશચંદ્રની આંખમાં જ આ સઘળાનો ઉદ્દેશ લખેલો હતો. મંજરી તે વાંચી શકી. 'સ્ત્રીઓની પાછળ આમ ફાંફાં મારવા પડતાં હશે ?' તેને વિચાર આવ્યો. પરંતુ તે ભૂલી ગઈ કે સનાતનના પત્રની રાહ જોતી તે દરેક સવાર વિતાવે છે અને પત્ર ન મળતાં ટપાલીને શાપ આપતી તે હજી એક નિસાસો નાખે છે.

વિચારમાં ઊભેલી મંજરી એકદમ ચમકી. કડકાશથી પાછો ફેરવાયેલો ઘોડો આગળ વધતાં વધારે આવેશમાં આવ્યો, અને બેદરકારપણે પોતાને એડી ભોંકાતા આ સુંદર જાનવરનું પાણી ઊછળી આવ્યું. ભય પમાડે એવો હણહણાટ કરી તેણે બેલગામ થઈ જઈ દોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને એક ઠોકર લાગવાથી ઘોડો અને સવાર બંને જમીન ઉપર ઢળી પડ્યા.

મંજરી ચમકી. આવા ઓળખીતા ગૃહસ્થને અકસ્માત થાય છતાં તે એમ ને એમ બેસી રહે એ અસંભવિત હતું. તેનું માનવહૃદય ઝણઝણી ઊઠ્યું, અને પ્રેમી તરીકે અસંભવિત મનાયલા પુરૂષને અકસ્માતના પ્રસંગે ખરેખર સહાયને પાત્ર માની તે નીચે દોડી આવી. નીચે આવતાં આવતાં તેણે પોતાની માને બૂમ મારી :

‘બા ! જો, જલ્દી આવ, વ્યોમેશચંદ્ર પડી ગયા છે.”

નંદકુંવર પણ આ બૂમ સાંભળી બહાર આવ્યાં. બારીએથી જુએ છે તો ઘોડો ઊભો થઈ રહ્યો હતો, અને બેભાન અવસ્થામાં પડેલા વ્યોમેશચંદ્રની પાસે મંજરી ઊભી રહી હતી. વ્યોમેશના માથામાંથી સહજ લોહી નીકળતું હતું, તે મંજરીએ પોતાના લૂગડામાંથી કડકો ફાડી સાફ કરી નાખ્યું, અને આછો આછો પવન નાખતી તે વ્યોમેશના જાગૃત થવાની રાહ જોઈ રહી હતી.

દસ-બાર માણસો પણ આજુબાજુએથી ભેગાં થઈ ગયાં હતાં. નંદકુંવરે આવી વ્યોમેશચંદ્રના મુખ ઉપર સહેજ પાણી છાંટ્યું. વ્યોમેશચંદ્ર શુદ્ધિમાં આવ્યા, અને આસપાસ માણસો ઊભેલાં જઈ પોતે પડી ગયા હતા તેનું તેમને ભાન આવ્યું.

'હું પડી ગયો !' નંદકુંવરને જોઈ એક માતા આગળ નિરાધારપણાની લાગણી દર્શાવતું બાળક બોલે તે પ્રમાણે તે બોલ્યા.

‘હોય ! એ તો ઘોડાનું કામ છે. એ પણ ઘણી વખત માથું ફોડી આવતા.' દીનાનાથ પણ ઘોડે બેસતાં જાણતા હતા તેની યાદ લાવી નંદકુંવરે આશ્વાસન આપ્યું.

‘મને બહુ વાગ્યું નથી. મારે ઘેર કહેવડાવશો?” વ્યોમેશચંદ્રે વિનંતી કરી.

'ના ના, હમણાં કાંઈ ઘેર જવું નથી. હું થોડી દવા કરું. તમે સહજ અમારા ઘરમાં આરામ લ્યો અને પછી જાઓ.’

એટલામાં તો પેલો સાઈસ અને વ્યોમેશચંદ્રના માણસો આવી પહોંચ્યા. તેમના ઘર સુધી વ્યોમેશચંદ્ર પડ્યાની વાત ફેલાઈ ગઈ, અને તે સાંભળતાં જ તેઓ દોડતા આવ્યા.

સાઈસે ઘોડાને પકડ્યો. તેની ઇચ્છા હતી કે ઘોડાને ચાબુકના બે ફટકા લગાડી કાઢવા. પરંતુ જાનવરના શોખીન વ્યોમેશે જણાવ્યું કે :

'એને મારીશ નહિ, ખબરદાર !'

મંજરી આ સાંભળી ખુશ થઈ. વેર વાળે એવો સ્વભાવ વ્યોમેશચંદ્રમાં નહોતો એ જોઈ તેને સારું લાગ્યું.