લખાણ પર જાઓ

પત્રલાલસા/દ્વિતીય લગ્નની જરૂરિયાત

વિકિસ્રોતમાંથી
← સ્નેહનું સ્વપ્ન પત્રલાલસા
દ્વિતીય લગ્નની જરૂરિયાત
રમણલાલ દેસાઈ
૧૯૩૧
પ્રથમ ભેટ →


દ્વિતીય લગ્નની જરૂરિયાત

જરી તો શાન્ત લજ્જા ધાર !
ફૂલગુલાબી તારી ઓઢણી તેમાં છુપલી છાયા મોર !
ખાલી દૃષ્ટે પ્રેર ના એ તો મુગ્ધ હૃદયના ચોર !
હૃદયપટ તુજ પર નર્તતા !
નાનાલાલ

વ્યોમેશચંદ્ર જાગીરદારનાં પત્ની ગુજરી ગયાં. પૈસો છતાં અભિમાન ન રાખવાથી તેઓ ગામમાં અને ખાસ કરી પડોશીઓમાં પોતાને માટે સારી લાગણી ઉપજાવી શક્યા હતા. તેમના પૈસાને લીધે સરકાર દરબારમાં પણ તેમનું માન હતું. દીનાનાથને પોતાની મિલકત વેચવાનો પ્રસંગ આવ્યો ત્યારે તે મિલકત રાખવા વ્યોમેશચંદ્ર આગળ આવ્યા, અને તેથી દીનાનાથ અને વ્યોમેશચંદ્ર વચ્ચે સારો ભાવ રહ્યો હતો. તેમનાં પત્નીને પણ નંદકુંવર સિવાય ચાલે જ નહિ એવી સ્થિતિ થઈ હતી.

બે વર્ષથી વ્યોમેશચંદ્રનાં પત્ની માંદાં પડ્યા હતાં. અલબત્ત તે પહેલાં માંદાં નહોતાં થતાં એમ માનવાનું કારણ નથી. ગરીબ વર્ગ સિવાયના સર્વ વર્ગોને માંદા પડવાનો હક છે, અને તેમાંય શ્રીમંતની ગણનામાં ગણાવા માટે નબળાઈ અને માંદગીની ખાસ જરૂર પડે છે. આમાં શ્રીમંતો કે મધ્યમવર્ગના ગૃહસ્થોનો વાંક નથી શારીરિક મહેનતના પ્રસંગો ઓછા થઈ જતાં આહાર અને વિહાર તેમના જીવનમાં સામ્રાજ્ય ભોગવે છે. પરિણામ માંદગીમાં આવે છે.

વ્યોમેશચંદ્રનાં પત્નીને પણ એમ જ થયું. ત્રીસ વર્ષની ઉંમરમાં તેમનો સ્વર્ગવાસ થયો. પાછળ ચાર બાળકો મૂકેલાં હતાં અને બે બાળકો દુર્ભાગ્યે ગુજરી ગયાં હતાં. છેલ્લા એક વર્ષથી તેમને ક્ષયનો રોગ લાગુ પડ્યો. અને ડૉક્ટરોએ છેવટની વાત કહી દીધી કે તેઓ બચશે નહિ.

વ્યોમેશચંદ્રના મનને ઘણો આઘાત લાગ્યો. પત્ની તરફ તેમને મમતા હતી અને તેને બચાવવા માટે પૈસો જેટલું કરી શકે તેટલું કરવા તેમણે સહજ પણ આનાકાની કરી નહોતી. પરંતુ ડૉક્ટરોની વાણી ફળી, અને ચાળીસીમાં પ્રવેશ કરતા આ ધનાઢ્ય જાગીરદારને પત્નીવિહોણા થવું પડ્યું.

નંદકુંવર અને દીનાનાથ વારંવાર તેમને આશ્વાસન આપતાં. ‘દુઃખનું ઓસડ દહાડા' એ કહેવત જેણે ઘડી કાઢી હશે, તેણે જનસ્વભાવને સારી રીતે પિછાન્યો લાગે છે. અલબત્ત, આ કહેવત અત્યંત ક્રૂર છે; દુઃખ સમયે તે કહેવત આશ્વાસન આપી શકતી નથી. પ્રેમી, સ્નેહી અને ભાવનાશીલ સ્ત્રીપુરુષો આ કહેવતને મિથ્યા ઠરાવવા સતયુગથી મથી રહ્યાં છે, છતાં તે કહેવત ખરી જ છે એમાં શક નથી.

વ્યોમેશચંદ્ર પત્નીના અવસાનથી અતિશય દુઃખી થઈ ગયા. તેમનું જીવન જાણે શૂન્ય થઈ ગયું હોય એમ લાગ્યું. મા વગરનાં રડતાં બાળકો દેખી તેમનું હૈયું વારંવાર ભરાઈ આવતું. ઘરમાં અણગમતું આવવાથી તેઓ વારંવાર દીનાનાથને ત્યાં જઈ બેસતા. પત્નીવિહોણા અને લક્ષ્મીવિહોણા આ બે જાગીરદારોને પોતપોતાની કથની કહેવા અને દિલાસા આપવા-લેવા આથી સારું સાધન મળ્યું.

થોડે દિવસે વ્યોમેશચંદ્રે પોતાનાં ગત પત્નીની છબી મોટી (Enlarge) કરાવી. એક પોતાના સૂવાના ખંડમાં અને એક પોતાના દીવાનખાનામાં મોખરાની જગાએ મુકાવી. પત્ની જીવતાં હતાં ત્યારે સમભાવ હતો. હવે પૂજ્યભાવ પ્રગટ્યો. એ પૂજ્યભાવને આધીન થઈ ઉત્તમ રેશમ અને હીરાના હાર ખાસ તૈયાર કરાવી પત્નીની છબીઓ ઉપર લટકાવ્યા. પત્નીની છબી તરફ તેઓ વારંવાર જોયા કરતા. અને જેટલી વાર જોતા તેટલી વાર તેમની આંખ અશ્રુથી ભરાઈ આવતી અને અંતે તેઓ એક ઊંડી હાય મારી બેસી જતા.

કેવો અપૂર્વ પ્રેમ !

લોકો આ જોઈ ચકિત થતા. આવાં પ્રેમી યુગલોને પ્રભુ કેમ વિખૂટાં પાડતો હશે ? કેટલાક ડાહ્યા, અનુભવી અને સંસારમાં ઘડાયેલા પુરુષો આને એક જાતની ઘેલછા કહેતા. 'આ વળી નવીન જમાનાનું તૂત છે. વહુની પાછળ આવી ઘેલછા કઢાતી હશે ?' આમ તેઓ ટીકા કરતા.

આજે અતિશય દુઃખિત હૃદયે વ્યોમેશચંદ્ર દીનાનાથને ઘેર આવ્યા.

મંજરીનું મુખ આજે પ્રફુલ્લ જણાતું હતું. તેની આંખમાં કાંઈ નવો ચમકાર જણાતો હતો. ચહેરા ઉપર છવાયેલી હંમેશની ગંભીરતા બદલાઈ તેને સ્થાને ચાંચલ્ય જણાતું હતું. તેના પગ ઉતાવળા ચાલતા. જ્વલ્લે જ હસતી બાલાના હોઠ ઉપર સ્મિત રમવાની તૈયારી થતી હોય એમ લાગતું હતું. સહજ વાતમાં હસી પડવા માટે મનની હલકી ફૂલ જેવી વૃત્તિ થાય છે તેવી વૃત્તિ તે આજે અનુભવતી હતી. પરંતુ તે હસી તો નહિ જ. વ્યોમેશચંદ્ર સાથે તે કદી બોલતી નહિ. ઘરમાં આવી માતાપિતા સાથે વાત કરી જાય. મંજરીના ખબર પૂછે, પરંતુ મંજરીએ કદી વ્યોમેશને સંબોધન કર્યું નહોતું.

આજે તેની રીત બદલાઈ. હસતે ચહેરે તેણે વ્યોમેશને આવકાર આપ્યો અને પોતાના પિતાને ઘરમાંથી બોલાવી લાવી.

દુઃખી વ્યોમેશ સહજ નવાઈ પામ્યો. મંજરીએ તેને બોલાવ્યો તે સારું લાગ્યું. ‘છોકરીનો સ્વભાવ સારો છે !' તેમણે મનમાં વિચાર્યું. 'દેખાવડી પણ ઘણી છે !'

દીનાનાથ આવી વ્યોમેશચંદ્ર સાથે બેઠા.

'નંદુબહેન ઘરમાં નથી ?’ વ્યોમેશચંદ્ર પ્રશ્ન કર્યો.

‘આવતાં હશે હવે, જરા વાર થઈ ગયો.' દીનાનાથે જવાબ આપ્યો.

'કંઈ ગયાં હશે '

'હા, અમારી પાસે રહે છે એમનો ભત્રીજો પાસ થયો તેથી ખુશી થવા ત્યાં ગયાં છે. બહુ ઉમદા છોકરો !' દીનાનાથે જણાવ્યું.

'એ કોણ ?'

'સનાતન. એ નામમાં કાંઈ ખાસ આકર્ષણ હોય તો તે નામ ધારણ કરનાર જાણે અગર તે નામથી આકર્ષનાર વ્યક્તિ જાણે પરંતુ દીનાનાથે તેના નામનો ઉચ્ચાર કર્યો તે સાથે મંજરીએ આડું જોઈ સાળુને માથા ઉપર આગળ લાવવાનો ચાળો કર્યો. વ્યોમેશને આ સુંદર અભિનય નિહાળતાં પોતાનો પૂર્વાશ્રમ યાદ આવ્યો, પોતાની ગત પત્ની યાદ આવી, પત્નીના વિલાસ યાદ આવ્યા, અને ગત પત્ની અને જીવંત મંજરીના સૌંદર્યની તુલના તેમનાથી સહજ થઈ ગઈ.

'હા જી, એ છોકરાને જોયો પણ છે. ચાલો, ગરીબ કુટુંબને એનો આધાર મળી જશે. એના કાકાની સ્થિતિ બહુ સારી નથી.' જાગીરદારે સ્વાભાવિક રીતે જ કહ્યું. સઘન માણસોની તુલનામાં લક્ષ્મી પ્રધાનપદ ભોગવે છે. દીનાનાથે કોઈ જવાબ ન આપ્યો. મંજરીની ભમ્મરો સહજ ઊંચી થઈ. મંજરીને નિહાળતાં વ્યોમેશચંદ્રને એ ભમ્મરોમાં અલૌકિક સૌંદર્યનો નિવાસ લાગ્યો. રોજ કરતાં તેઓ આજે વધારે બેઠા. પોતાના બંગલાઓની, ગાડીઘોડાઓની, મિજલસોની, મોટા માણસોની મુલાકાતોની એમ પોતાની મહત્તા જણાઈ આવે એવી વાતો કરવા માંડી. એટલામાં નંદકુંવર આવી પહોંચ્યાં.

'સનાતનના કાકાની તો બદલી થઈ.' તેમણે આવી વધારાની માહિતી આપી. 'બહુ સારાં પાડોશી.’

મંજરીના મુખનો રંગ ઊડી ગયો. એ કુટુંબ અહીં રહેત તો સનાતન પણ આવત. હવે સનાતન શા માટે આ ગામમાં આવે ? ઉદાસ મુખ સાથે તે ઊભી થઈ ઘરમાં ગઈ. જાગીરદાર વ્યોમેશચંદ્ર પણ બહુ વારથી બેઠા હતા એટલે હવે પોતાને ઘેર જવા નીકળ્યા.

ઘેર જઈ જુએ છે તો રોજ કરતાં આજે વધારે અવ્યવસ્થા તેમણે જોઈ. છોકરાં ભૂખ્યાં સૂઈ ગયાં હતાં, પથારીઓ પણ વખતસર થઈ નહોતી. ચાકરો ભેગા મળી ગપ્પાં હાંકતા હતા અને રસોઇયો તેમનાથી સહજ દૂર બેસી મોટા કટોરામાં દૂધ પીતો હતો. ગાડીવાળાએ દારૂ પીધેલો હતો અને તેની ધૂનમાં પોતાની બૈરીને મારવા નિષ્ફળ પ્રયત્ન કરતો હતો, તેની જબરજસ્ત બૈરી તેને ખાટલા સાથે બાંધી ઉપર જાગીરદાર પાસે ફરિયાદ કરવા આવી. છોકરાને સંભાળવા માટે રાખેલી એક બાઈ છોકરાને મૂકીને ચાલી ગઈ હતી, તે કાંઈક બહાનું કાઢતી આવી પહોંચી.

વ્યોમેશચંદ્ર અકળાઈ ગયા. ‘આ તે સંસાર છે ?’ તેઓ બૂમ પાડી ઊઠ્યા. 'કોઈ કોઈને જવાબદાર જ નહિ. હું આ બધામાં ક્યાં સુધી જોયા કરું? હું એકેએક માણસને કાઢી મૂકીશ.'

આખું ઘર શાંત થઈ ગયું.

થોડીવારે બાળકોને રીતસર સુવાડી, બધી વ્યવસ્થા કરી, પેલી બાઈ જાગીરદારને જમવા બોલાવવા આવી, તેની આંખ ચમકતી હતી અને હોઠ હસતા હતા. બહુ જ લલચાઈને તેણે જાગીરદારની માફી માગી, અને પોતાના ગળાના સોગન ખાઈ જમવા આગ્રહ કર્યો.

આ બાઈ આટલી બધી ચબરાક ક્યાંથી થઈ ગઈ ? ગળાના સમ ખાવા જેટલું વહાલ વ્યોમેશ ઉપર ક્યાંથી આવ્યું? વ્યોમેશે પોતાની પત્નીની છબી તરફ જોયું. છબી હસતી લાગી. મંજરી યાદ આવી.

'હું ફરી પરણું તો?' વ્યોમેશના મનમાં પ્રશ્ન ખડો થયો.

સામેથી પત્નીની છબી હસતી હતી. પાસે પેલી બાઈ હસતી હતી. માત્ર મંજરીની મૂર્તિ ભમરો ઊંચી કરી બેઠેલી તેના જોવામાં આવી.

પ્રથમ તો તેમને આ વિચારથી શરમ ઉત્પન્ન થઈ. કેટલીવાર તેમણે પોતાની પત્નીને વચન આપ્યાં હતાં કે તેઓ કદી કાળે ફરી પરણશે નહિ ! કેટલી વાર તેમનાં પત્નીએ હસીને મશ્કરી કરી હતી કે એ વચન વાણીમાં જ રહેશે ! અને પોતાના મૃત્યુ બાદ તરત તેમને પરણવા વિચાર થશે ! તેમને લાગ્યું કે તેઓ પોતાની ગત પત્નીને અન્યાય કરે છે. 'મારે ચાર છોકરાં છે. ફરી શા માટે પરણવું ?' તેઓએ મનમાં વિચાર્યું. પરણવાનો વિચાર કરવા જેવી નબળાઈ બતાવવા માટે તેમને પશ્ચાત્તાપ થયો.

‘લક્ષ્મી ! જા, મારે જમવું નથી.' છોકરાંને સાચવવા રાખેલી બાઈને ઉદ્દેશી તેમણે કહ્યું. પોતાને એકલા જ બેસવાની વૃત્તિ થઈ.

'હાય, હાય ! એમ રોજ શું કરો છો ? શરીર કેમ પહોંચશે?' લક્ષ્મીએ પોતાના શેઠને માટે કાળજી બતાવી.

લક્ષ્મીનો વર્ણ ગોરો નહોતો, પરંતુ તેનું શરીર ભરાવદાર હતું અને તંદુરસ્તીની ચમકથી તેનું મુખ આકર્ષક લાગતું હતું. તેના સામું જોવું કોઈને ન ગમે એમ નહોતું - બલકે તેના સામે જોવાનું કોઈને પણ મન થાય એમ હતું.

‘તું ઊંચો જીવ ન કરીશ. મહારાજને જઈને કહે કે મને દૂધ આપી જાય. જા, જઈને છોકરાં પાસે બેસ.' વ્યોમેશે જવાબ વાળ્યો.

લક્ષ્મી ગઈ. વ્યોમેશચંદ્ર પાછા વિચારમાં પડ્યા. થોડીવારમાં પાછી લક્ષ્મી દૂધ લઈને આવી. વ્યોમેશચંદ્રને લક્ષ્મીનો ડર લાગ્યો. કેમ ઘડી ઘડી આવતી હશે ? તેમને વિચાર થયો. તેનું કારણ કલ્પતાં હૃદય ધડકી ઊઠ્યું.

'રસોઇયાનું તે કાંઈ ઠેકાણું છે ? હું હતી તો આટલું દૂધ રહ્યું.' એમ બોલી પોતાનું મહત્ત્વ અને કાળજી બતાવી દૂધનો પ્યાલો તેણે વ્યોમેશના હાથમાં મૂક્યો. પ્યાલો મૂકતાં તેણે બની શકે તેટલો વ્યોમેશના હાથનો સ્પર્શ કર્યો, અને બની શકે ત્યાં સુધી સ્પર્શ જારી રાખ્યો. હસતું મુખ રાખી વ્યોમેશ ઉપર શી અસર થાય છે તે જાણવા તેણે ધારીધારીને વ્યોમેશ સામે જોયા કર્યું. વ્યોમેશને કપાળે પરસેવો વળ્યો.

દુનિયા ઘણી સારી છે એમાં શક નથી. દુનિયાનાં માણસો પણ ઘણાં સારાં છે એમાં શંકા નથી. પરંતુ સંજોગોની અસર અદ્દભુત છે. મહાત્માને તે ખૂની બનાવે છે, અને વ્યભિચારીને તે પતિતપાવન કરે છે. આટલી ઉમર વ્યતીત કર્યા છતાં વ્યોમેશચંદ્ર ઘણા જ સારા માણસ રહ્યા હતા. પુરુષો પાપમાં પ્રવૃત્ત થાય એમ તેઓ કદી માનતા નહિ ! લક્ષ્મીનું વર્તન આજે બહુ જ આશ્ચર્યજનક તેમને લાગ્યું.

'આજે તબિયત સારી નથી, ખરું?' લક્ષ્મીએ ખબર પૂછી.

'ના, એવું કાંઈ નથી.' ટૂંકાણમાં વ્યોમેશે પતાવ્યું. પાસેના દીવાને તેમણે વધારે ઝગઝગાટ કર્યો. પ્રકાશથી વધારે હિંમત આવશે એમ ધારી તેમણે તેમ કર્યું. પોતાના ડરતા મનને દ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો, અને મુખ ઉપર સખ્તાઈનો ભાવ પ્રદર્શિત કર્યો. લક્ષ્મી હસી. તેના હાસ્ય પાછળ શું હતું?

'પીઈ જાઓ ને?' હસીને તેણે કહ્યું.

વ્યોમેશચંદ્રને થયું કે આ બાઈને ધક્કો મારી બહાર કાઢવી જોઈએ; પરંતુ તેઓ ઘણા સારા માણસ હતા, અને સારા માણસોનાં અંતઃકરણ ખરાબ માણસો કરતાં વધારે મૃદુ હોય છે. તેઓ પોતાના વિચારને અમલમાં મૂકી શકે એમ નહોતું.

દૂધ પી રહીને પ્યાલો લક્ષ્મીના હાથમાં પાછો મૂક્યો. લક્ષ્મીએ જવાની ઉતાવળ બતાવી નહિ. પ્યાલો તેણે ભોંય ઉપર મૂક્યો, અને અતિશય મૃદુતાથી વ્યોમેશને પૂછ્યું :

'સહજ માથું દબાવું ?'

તેમને કદી નહિ લાગ્યો હોય એવો ડર લક્ષ્મીને જોતાં હવે લાગ્યો. તેમના હૃદયમાં થતું મહાભારત યુદ્ધ તેમનાથી ખમાયું નહિ. લક્ષ્મીને હા પણ પાડી ન શક્યા અને ના પણ પાડી ન શક્યા. લક્ષ્મીએ આગળ વધી કપાળ ઉપર હાથ ફેરવ્યો અને જાગીરદારનું હૃદય પીગળી વહી ગયું.

અચાનક પાસેની ઓરડીમાંથી બાળક રડી ઊઠ્યું. જાગીરદારે ચમકીને જોયું તો લક્ષ્મી પોતાને કપાળે હાથ ફેરવતી હતી. બાળકની ચીસથી તેમનું હૃદય ઠેકાણે આવ્યું.

'નકામી અહીં બેસી રહી છે. જા, જો છોકરાં રડે છે !' કહી તેમણે લક્ષ્મીને આઘી ખસેડી. લક્ષ્મી ગઈ અને તેઓ પલંગ ઉપર પડ્યા.

'મારે ફરી પરણવું પડશે.’ તેઓ બોલી ઊઠ્યા.