પત્રલાલસા/સ્નેહનું સ્વપ્ન
← ખાનદાની | પત્રલાલસા સ્નેહનું સ્વપ્ન રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
દ્વિતીય લગ્નની જરૂરિયાત → |
એક જ્વાલા જલે તુજ નેનનમાં
રસજ્યોત નિહાળી નમું હું નમું !
એક વીજ ઝલે નભમંડલમાં
રસજ્યોતિ નિહાળી નમું હું નમું !
નાનાલાલ
સનાતનને પણ ઊંઘ નહોતી આવી. પરીક્ષાની ચિંતા એવી જાતની છે એમ માની મનનું સમાધાન કરવા તેણે પ્રયત્ન કર્યો. પરંતુ ચિંતાની મુખ કરમાવતી અસર તેને થઈ નહોતી. જાગ્યાનો થાક તેને જણાયો નહિ. ઊલટી પ્રફુલ્લપણાની લાગણીથી તેનું મન અને શરીર હલકાં લાગતાં હતાં. મંજરીનો વિચાર ઘડી ઘડી કેમ આવતો હતો ? તેનું ગીત જાણે ઘડી ઘડી ફૂટી નીકળતું હોય એમ કેમ થતું હતું ? તેની આસપાસ એક આછું સુંદર અને વિવિધરંગી માનસિક વાતાવરણ બંધાવા માંડ્યું. અને આ ગંભીર છોકરાના મુખ ઉપર ન સમજાય એવા કોઈ સ્મિતની રેખાઓ દોરાવા લાગી. શું મંજરીની દ્રષ્ટિએ આ ફેરફાર કર્યો ?
મંજરીને સુખી કરવાના વિચારથી જ આ બધું થયું. પારકાનું દુઃખ ટાળવું એ શા માટે પુણ્ય ગણાય છે તે આજે સનાતનને સમજાયું. બીજાને સુખી કરવાનો વિચાર જ આટલી સ્ફૂર્તિ આણી દે તો પછી સુખ પ્રાપ્ત કરાવ્યાનો આનંદ કેટલો થાય તેનો સનાતન વિચાર કરવા લાગ્યો. માત્ર એક જ વિચાર એણે ન કર્યો કે મંજરીને જ સુખી કરવા તે કેમ ઉત્સુક થયો હતો ? જગતમાં ઘણાંય દુખિયાં વસે છે ! અને એકલી મંજરીનું જ દુઃખ કેમ ટાળવું પડે છે એ પ્રશ્ન એને સૂઝ્યો નહિ.
સનાતનનાં માતાપિતા તેને નાનો મૂકી ગત થયાં હતાં. તેનો પિતા એક સારી આશા આપતો યુવક હોઈ, વિદ્વત્તા મેળવી નાની ઉંમરમાં સારી પાયરીએ પહોંચ્યો હતો. પરંતુ સનાતનને માતા-પિતાની દૃષ્ટિ નીચે ઊછરવાનું લખાયું નહોતું. જોતજોતામાં તેનો કાળ થયો, અને તેના શોકમાં ઝૂરતી તેની પત્નીએ પણ થોડા સમયમાં તેની પાછળ પ્રયાણ કર્યું. બાલક સનાતન માબાપ વગરનો થયો. તેના કાકાએ તેને ઉછેર્યો. તેની સ્થિતિ અતિશય સામાન્ય હતી. નાની સરકારી નોકરીથી શરૂઆત કરી તે જેમ તેમ કરી આગળ વધ્યો હતો. પરંતુ અતિશય સ્પષ્ટવક્તાપણું અને પ્રામાણિકતાનો આશ્રય લીધેલો હોવાથી તેની જોઈએ તેવી ચઢતી થઈ નહિ. બાલક સનાતન તરફ તેને અને તેની પત્નીને અપૂર્વ લાગણી હતી, અને તેમને કંઈ જ સંતાન ન હોવાથી સનાતન તરફ તેમનું વાત્સલ્ય વહ્યે ગયું. ચાલુ જમાનામાં ભણ્યા સિવાય બીજો રસ્તો નથી એમ તેમની માન્યતા દ્રઢ થઈ ગઈ હતી. અને તે માન્યતા પ્રમાણે સનાતનના વિદ્યાભ્યાસ તરફ તેમણે ઘણી જ કાળજી રાખી.
પરિણામે ચાલાક સનાતન ભણવામાં ઘણો જ આગળ વધ્યો. વીસ વર્ષની ઉંમરે હવે તે વિદ્યાલયની છેલ્લી પરીક્ષા માટે તૈયારી કરતો હતો, અને તેના શિક્ષકોએ તેમ જ મિત્રોએ તેને માટે મોટી મોટી આશાઓ બાંધવા માંડી.
એ આશાઓ ખોટી નહોતી. હાઈસ્કૂલ અને કૉલેજમાંની શિષ્યવૃત્તિઓ તેને જ મળતી. પારિતોષિકો પણ તેને જ ચરણે પડતાં અને સારી સ્થિતિનાં માબાપો પોતાના છોકરાંના અભ્યાસ માટે પણ એને જ રોકતાં. તેનું ભણતર તેના કાકાને બોજરૂપ ન થતાં ઊલટું સહાયરૂપ થઈ પડ્યું. મોજશોખ માટે તેને વખત નહોતો અને સાધન પણ નહોતું. અને જે કાંઈ સમય મળતો તેમાં શરીર કસવા માટે તે પ્રયત્નશીલ રહેતો. કસરત એ ભણતર કરતાં પણ વધારે ઉપયોગી કેળવણી છે એમ નાનપણથી તેના કાકાએ તેને શીખવ્યું હતું.
કૉલેજમાં કેટલીક બાલાઓ ભણતી હતી. સનાતનની સરલતા સામાને આકર્ષતી, પરંતુ તેની જાતનું તે રક્ષણ કરતી.
છતાં એ બધી બાલિકાઓને મૂકી તેને મંજરીનો વિચાર કેમ આજે આવ્યા કરતો હતો ?
તે વારંવાર જાળી તરફ જોયા કરતો હતો. એ જ જાળીમાંથી એણે રાત્રે દીનાનાથને ટહૂકો કરી તેના ભયંકર વિચારોમાંથી બચાવ્યો હતો.
તુલસીની પૂજા કરવા રોજ મંજરી અગાસીમાં આવતી હતી. સનાતનને આજ સુધી એમાં કાંઈ જ લાગ્યું નહોતું. પરંતુ આજે? આજે તો એ પ્રસંગનું મહત્ત્વ ઘણું વધી ગયું. 'મંજરી ક્યારે પૂજા કરવા અગાસીમાં આવશે ?... આજે કેમ એને વાર લાગી ?.. પેલા ડોસાએ એને વાતોમાં રોકી રાખી હશે.’ આમ સનાતનને મંજરીની કાળજી થવા લાગી.
પારકી છોકરી એનું નિત્યકામ કરશે યા નહિ કરે તેમાં આટલી બધી પંચાત સનાતને શા માટે કરવી જોઈએ ? તુલસીપૂજાનું ફળ સનાતનને મળવાનું નથી. અને મંજરીને તે મળશે કે નહિ તે માટે ઊંચો જીવ સનાતને કેમ કરવો ? આવી નિરર્થક અને પારકી બાબતમાં તેણે કદી માથું માર્યું નહોતું અને આજે તે જુદી જ બાજુએ ઘસડાતો હતો; તેના હૃદયના ઊંડાણમાંથી મંજરીને જોવાની લાલસા તેને થઈ આવતી. હૃદય તે કબૂલ કરતાં સંકોચાયું. હૃદય કબૂલ કરે યા ન કરે, પણ સનાતનની આંખોમાં આજે કોઈ જાદુઈ અંજન અંજાયું હતું.
'હવે કોણ વાંચે ! પરીક્ષા માટે આજ રાતે તો જવું છે. એક દિવસમાં શું વધારે ઓછું થશે ?' એમ કહી સનાતને હાથમાં વગરવાંચ્ચે રાખી મૂકેલું પુસ્તક બાજુએ મૂક્યું.
પુસ્તક મૂકતાં મૂકતાં માધુર્ય રેલતો સૂર તેને કાને પડ્યો અને તેનાં રોમ ઝબકી ઊઠ્યા. તેણે પાછું ફરી જાળીમાં દૃષ્ટિ કરી તો જોડેની અગાસીમાં મંજરી તુલસીપૂજા કરવા આગળ આવતી હતી. ધીમું ધીમું ગાતી ગાતી તે આગળ વધી.
'હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું ?[૧]
વારે વારે સામું ભાળે
મુખ લાગે મીઠું
હું શું જાણું જે વહાલે ભુજમાં શું દીઠું ?'
અજ્ઞાત યૌવનની અનુપમ વાણી મંજરીના કંઠમાં બરાબર દીપી નીકળી, અને વિદ્યાર્થી સનાતન - સરળ અને સખત સનાતન - મુગ્ધ થઈહતો ત્યાં જ ચોંટી ગયો.
મંજરી ગાતે ગાતે અટકી, સંકોચાઈ, અને જાણે રખે ને કોઈએ તેનું આ અમર્યાદ ગીત સાંભળી તો નહિ લીધું હોય, એવી શંકાથી તેણે પણ પાછાં ફરી જાળી તરફ જોયું.
સનાતન એકીટસે મંજરીને જોતો હતો અને તેનું ગીત પીતો હતો.
મંજરી અતિશય લજ્જા પામી, તેણે દ્રષ્ટિ નીચી કરી દીધી અને માથે ઓઢેલું લૂગડું સહજ નીચું આણ્યું.
સનાતને પહેલી જ વાર જોયું અને જાણ્યું કે સ્ત્રીઓમાં સૌંદર્ય હોય છે, અને તેમના પ્રત્યેક હલનચલનમાં સૌંદર્યસાગરની લહરીઓ ઊછળે છે.
મંજરીનો ક્ષોભ તે પારખી શક્યો, અને એવી સ્થિતિમાં જ મંજરીને રાખી ચાલ્યા જવું એ તેના પુરુષહૃદયને ગમ્યું નહિ. મંજરીના કુટુંબ સાથે
- ↑ ૧દયારામ
'મંજરી ! મને પાસ થવા નથી દેવો, ખરું ?' સનાતને હિંમત કરી પૂછ્યું. બોલતાં બોલતાં જાણે તે પોતે સ્વપ્નસૃષ્ટિમાં હોય એમ તેને ભાસ થયો.
મંજરી પણ સ્વપ્નાવસ્થામાં હોય એમ બોલી :
'શા માટે નહિ ?'
મંજરીને પુરુષો સાથે બોલવાની ટેવ નહોતી એમ કહી શકાય નહિ. યુવકો સાથે બોલતાં લાજવાનું તેને કારણ નહોતું. કૃત્રિમ લજ્જાનો દેખાવ કરી સામા માણસને આકર્ષવાનો તેણે કદી પ્રયત્ન કર્યો નહોતો. છતાં સરળ, નિર્દોષ અને નિર્ભય મંજરી આજે સનાતન સાથે વાત કરતાં ખરેખર સંકોચ અનુભવતી હતી.
'તમે એવું સુંદર ગાઓ છો કે ગીત સાંભળ્યા પછી મારું મન અભ્યાસમાં પરોવાતું જ નથી.' સનાતને કારણ જણાવ્યું.
'તો હું હવેથી નહિ ગાઉં !'
‘નહિ નહિ,’ સનાતન બોલી ઊઠ્યો, ‘એટલો ભારે ગુનો મેં નથી કર્યો કે જેથી આવી સખત સજા તમે કરો.'
'આપે હમણાં જ કહ્યું ને કે આપના અભ્યાસમાં હરત થાય છે !' મંજરીએ પૂછ્યું.
'હું તો હસતો હતો.' સનાતને કહ્યું. 'મારો અભ્યાસ હવે પૂરો થાય છે અને પરીક્ષામાં પસાર થઈશ એટલે હવે આવી જાતના અભ્યાસની જરૂર પણ નહિ રહે.'
'ક્યારે પરીક્ષા છે ?' મંજરીને લાગ્યું કે તે વાતે ચઢે છે છતાં તેનાથી પુછાઈ ગયું.
'ચારેક દિવસમાં.' સનાતને જવાબ આપ્યો. 'કાલે પરીક્ષા માટે જવાનો છું.'
મંજરીને આ હકીકત સાંભળવી કેમ ગમી નહિ ? સનાતન જવાનો છે એમાં એને શું ? આટલા દિવસથી તે પાડોશમાં રહેતો હતો. આજે જ કેમ સનાતનના જવાથી અણગમો આવ્યાનો ભાસ થયો ?
મંજરી અને સનાતન પરસ્પરને આકર્ષતાં હતાં !
'પાછા ક્યારે આવશો ?' મંજરીએ આર્જવભર્યા સૂરથી પૂછ્યું. ‘તમે બોલાવશો ત્યારે !' પુરુષની નફટાઈનો ભાસ કરાવતાં સનાતન બોલી ઊઠ્યો. વિવેક અને સારી રીતભાતના શીખેલા પાઠ તેણે ક્ષણભર વિસારી દીધા. તેની એક આંખ સહજ ઝીણી થઈ અને મુખ ઉપર સ્મિતની છાયા જણાઈ. સ્ત્રીઓને કફોડી સ્થિતિમાં મૂકી આનંદ મેળવવાની ટેવ એ પુરુષનો વંશપરંપરાનો વારસો હોય એમ લાગે છે. નહિ તો આવો સભ્ય છોકરો એકલી ઊભેલી બાળાને આવો જવાબ આપે ?
મંજરીને આ જવાબ ગમ્યો કે નહિ તે કોણ કહેશે ? તે કશું જ બોલી નહિ, અને સહજ ઊભી રહી. પાછી ફરી તે સૂર્ય અને તુલસીની પૂજા કરવા લાગી. સનાતન હજી ત્યાં જ ઊભો હતો.
પૂજા કરી તે પાછી ફરી. તેને ખાતરી જ હતી કે સનાતન ત્યાં જ ઊભો રહ્યો હશે. સહજ સંકોચ સાથે તે તદ્દન જાળીની નજીક ગઈ, અને પૂછ્યું :
'સનાતન ! કાલે જ જવું છે ?'
‘ગયા સિવાય ચાલે એમ નથી.' સનાતને જવાબ આપ્યો.
‘પાસ થશો ત્યારે કાગળ લખી જણાવશો ને ?' મંજરીએ પૂછ્યું.
'પાસ તો થઈશ જ એ નક્કી માનજો.' સનાતનનું અભ્યાસી તરીકેનું અભિમાન આગળ તરી આવ્યું. 'કાગળ લખું અગર ન લખું તોપણ.'
'એટલે પત્ર બિલકુલ નહિ લખો ?' મંજરીએ બધી હિંમત વાપરી નાખી પ્રશ્ન કર્યો.
‘પત્ર લખીશ.' સનાતને જવાબ આપ્યો.
‘ક્યારે ?'
'મેં એક પણ લીધું છે. એ પણ પૂરું કરીશ ત્યારે જરૂર કાગળ લખીશ.'
'એવું શું પણ છે ?' મંજરીએ પૂછ્યું.
'એ હું પત્રમાં જ જણાવીશ.'
'હું રાહ જોઈશ. પત્રની.' મંજરીએ કહ્યું. સનાતન સામે નજર નાખી તે અગાસીમાંથી ઘરમાં ચાલી ગઈ. જતે જતે તેણે ગાયેલું ગીત સાંભરી આવ્યું.’ હૂ શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું.' તેણે તે લીટી ફરીથી ગુંજી.
સનાતન જાળીમાં ઊભો જ હતો. તેને શું સ્વપ્ન આવ્યું?
'ભાઈ !' સનાતનને જાગૃત કરતો અવાજ આવ્યો. તેના કાકા તેની પાસે આવી તેને સંબોધતા હતા.
'જી.'
'હું વ્યોમેશચંદ્રને ત્યાં જરા જાઉ છું. તે બિચારાની પત્ની ગુજરી ગઈ.' એમ કહી તેણે સનાતનને ખબર આપી.
મૃત્યુ સર્વદા દુ:ખદ છે. જગતને કાળો બુરખો ઓઢાડતું આ ભયંકર સત્ય કોને કંપાવતું નથી ? સનાતને ફિલસૂફીમાં મૃત્યુનું સ્થાન શોધવા પ્રયત્ન કર્યો.
द्राष्ट्राकरालानि च ते मुखानि ।
दष्ट्वैव कालानलसनिभानि ।।
ગીતામાં વર્ણવેલું ભયંકર સ્વરૂપ યાદ આવ્યું. તેણે મનમાં સંતોષ વાળ્યો કે મૃત્યુ એ પણ ઈશ્વરનું રૂપ છે. તત્કાળ મંજરી યાદ આવી અને સાથે જ ગીતાનું વાક્ય યાદ આવ્યું :
विरांति वक्त्राष्यभिविज्जलंति ।
તે થથરી ઊઠ્યો. શું સૌન્દર્ય પણ એ જ કરાલ મુખમાં ખેંચાય છે ? તેણે પોતાના મનથી જગતના ક્રમમાં એક સુધારો સૂચવ્યો : 'કોઈની પણ પત્ની મરવી ન જોઈએ' તે લવ્યો.
રસ્તે જતાં કોઈનું ખડખડાટ હસવું તેના સાંભળવામાં આવ્યું. તે બેસી ગયો.