લખાણ પર જાઓ

પત્રલાલસા/ખાનદાની

વિકિસ્રોતમાંથી
← મિત્રોનો મેળાપ પત્રલાલસા
ખાનદાની
રમણલાલ દેસાઈ
૧૯૩૧
સ્નેહનું સ્વપ્ન →


ખાનદાની

ચિતરંજને જોયું કે આમાં ગેરસમજ થાય છે. મંજરીનું વિકળ થતું મુખ અને નવીન આવનાર માણસને થતું આશ્ચર્ય એ બે ઉપરથી તે કળી શક્યો કે દીનાનાથને આમાં ગુસ્સે થવાનું કારણ રહેશે નહિ. આથી તે પોતે જ વાતમાં ઊતરી પડ્યો.

'શી બાબતમાં પૈસા આપવાના છે? ઉછીના લઈ ગયા હશો ?'

'ના ના, એ તો મને કેટલીક કોર અને ટોપીઓ ભરી આપી હતી તેના આપવાના છે.' તેણે જવાબ આપ્યો.

દીનાનાથનું મોં પડી ગયું, તેનો ગુસ્સો જતો રહ્યો, પરંતુ તેને સ્થાને મુખ ઉપર વિષાદ ફેલાયો. જાગીરદારની છોકરીને લોકોની કોરો અને ટોપીઓ ભરવા સમય આવ્યો ?

સનાતન સ્તબ્ધ થઈ ગયો. શું આ બાળા કુટુંબનું પોષણ કરવામાં સહાયભૂત થાય છે ? અલૌકિક !

ચિતરંજન દીનાનાથની ચિંતા પારખી શક્યો. એકદમ તે હસી પડ્યો. 'મંજરીએ તો પેલી જર્મનીની ઉમરાવજાદી જેવું કરવા માંડ્યું છે. બડી જિદ્દી છોકરી ! બાપની લાખો રૂપિયાની મિલકત છતાં પોતાનું ભરતશીવણનું કામ દુકાનદારોને વેચી તેના પૈસા બાપને આપે. બર્લિનની એક દુકાનમાં હું ગયો ત્યાં તે બેઠેલી, અને દુકાનદાર જોડે ભાવની તકરાર કરતી જોઈ. પછી તો મારે એની સાથે ઓળખાણ થયું. હજી પણ કાગળો લખે છે.'

‘સાથે ન આવી એટલું સારું થયું !' દીનાનાથે મજાકમાં કહ્યું.

'સાથે તો ઘણીયે આવે, પણ એ પીડા સંઘરે કોણ ?' ચિતરંજને જવાબ આપ્યો. 'મંજરી ! લઈ લે તારા પૈસા. એ ભાઈને ખોટી ન કરીશ.'

સનાતને પણ રાત પડવાથી રજા માગી. મંજરી તેના હૃદયમાં ખટકવા લાગી.

કેવી અનુપમ બાલા ! સુંદર સ્વરૂપ; આટલી બધી આવડત, અને ઉમદા હૃદય ! પોતાના ગરીબ થઈ ગયેલા પિતાને જાતમહેનત કરીને પણ સહાય કરે છે. અને તે સહાય જણાવા પણ દેતી નથી ! એને હું આવી તંગીમાંથી ન બચાવી શકું ?

લાખો રૂપિયા કમાઈ તેને ચરણે ઢગલો કરી દેવાનો તેને વિચાર આવ્યો. એ વિચારથી તેના શરીરમાં વીજળી પ્રગટી. જરૂર, મંજરીને આમ ભરીશીવીને ગુજારો ચલાવવો પડે છે, એ હાલતમાંથી એને મુક્ત કરવી જોઈએ. અને તે હું મુક્ત કરીશ.

આમ વિચારતરંગે ચઢતો સનાતન પોતાને ઘેર આવ્યો.

દીનાનાથની વ્યગ્રતા અને ચિંતા ઓછી થતી જણાઈ નહિ. ચિતરંજનની વાતો સાંભળી તેઓ હસતા, પરંતુ વચમાં વચમાં નિઃશ્વાસ મૂકતા. મુખ ઉપરની દિલગીરી દૂર ન થઈ. રાત પડી અને બધાં સૂતાં, પરંતુ આજે દીનાનાથને નિદ્રા ન હતી.

'શું મારી હાલત છેક આવી થઈ ગઈ કે મારી દીકરીને કમાવા જવું પડે છે ? એનો જન્મ થયો ત્યારે કેવી કેવી હોંશ અને આશા રાખી હતી ? આજે એ છોકરીને મારું પોષણ કરવા સમય આવ્યો ?'

તેના મનમાં અનેક વિચારો થવા લાગ્યા. રાત્રીનો અંધકાર અને એકાંત વિચારોને પ્રેરે છે. લાગણીઓને ઉશ્કેરે છે, અને દિવસના પ્રકાશમાં અશક્ય લાગતાં કાર્યોને શક્ય બનાવે છે. ખૂન, ચોરી, વ્યભિચાર વગેરે ગુનાઓના તે પોષક છે, અને દુઃખી મનુષ્યો તેમની છાયામાં દુઃખને ભયંકર રંગોથી રંગી, હોય તે કરતાં વધારે ભયાનક બનાવે છે. એ અંધકાર અને એકાંતની ગૂઢ અસર નીચે દીનાનાથ આવી ગયો. તેણે અગાસીમાં આવી ટહેલવા માંડ્યું.

અગાસીમાં ફરતાં ફરતાં તેણે અનેક નિશ્ચયો કરી નાખ્યા. કોઈ નોકરીમાં જોડાઈ જવું ? જેણે અનેકની સલામી ઝીલી છે, કલેક્ટરો અને કમિશનરો સાથે બરોબરીનો દાવો કરેલો છે, તે હવે સલામો કરતો બીજાઓના દરવાજા ખોળશે ? નોકરી કરવા કરતાં ભીખ માગવી બહેતર છે. પરંતુ ભીખ માગવી એ શું સહેલ વાત છે ? જગત છોડીને - સંસાર તજીને – ઘણા માણસો જંગલમાં ચાલ્યા જાય છે. એ માર્ગ કેવો ? એનો અર્થ એ કે પોતાના નાનકડા કુટુંબને મૂકી ચાલ્યા જવું. જીવતા રહીને પોતાના કુટુંબથી જુદા પડાશે ખરું? તેને એ વાત અશક્ય લાગી; તો પછી જીવતા જ કેમ રહેવું?

આ ભયાનક વિચાર આવતાં તેની આંખો વિકસી, નસોમાં રુધિર ઝડપથી વહેવા માંડ્યું. લાગણીઓમાં તીવ્રતા આવી ગઈ, અને આખા શરીરમાં ન અનુભવેલું બળ આવી ગયું. શું તે આત્મઘાતના ક્રૂર નિશ્ચય ઉપર આવતો હતો ?

'અગાસીમાં કોણ ફરે છે ?' જોડેના મકાનની એક જાળી અગાસીમાં પડતી હતી. એ જાળીમાંથી કોઈએ અવાજ દીધો.

'કોઈ નહિ, એ તો હું છું. ભાઈ સનાતન ! વાંચવાની તૈયારી ચાલે છે કે ?' દીનાનાથના ભયંકર વિચારો ઓસરી ગયા, એકાંત મટી ગયું, અને તેની લાગણીઓએ સ્થિરતા ધારણ કરવા માંડી. સનાતન અભ્યાસ કરવા માટે અત્યારે જાગી ગયો હતો. તેણે દીનાનાથને આમ ફરતો જોઈ પ્રશ્ન કર્યો, અને તેનો જવાબ મળ્યો.

'જી હા, પરીક્ષા પાસે આવી છે એટલે સહજ મહેનત કરવી પડે છે.' આમ કહી તે ઘરમાં ગયો.

દીનાનાથને શરમ આવી. પોતે આવા વિચારોને વશ થયો એ તેને યોગ્ય ન લાગ્યું. તેની મરદાઈને ધક્કો લાગ્યા જેવો ભાસ થયો અને તે ઘરમાં જ જવા પાછો ફર્યો.

પાછા ફરતાં જ તેણે નંદકુંવરને પોતાની પાસે ઊભેલાં જોયાં. તે ચમક્યો. શું તે એકલો નહોતો ? પોતાની પત્નીએ પોતાના વિચારો પારખ્યા હશે શું ?

'આજે જાગરણ કરવું છે કે?’ નંદકુંવરે પૂછ્યું.

‘કેમ ?' દીનાનાથે કહ્યું.

'કેમ શું ? આજે તો સૂતા જ નથી ને ! હવે ઉજાગરા કરવા જેવી ઉંમર નથી !' નંદકુંવરે જવાબ આપ્યો.

પત્નીની સાચવણીમાંથી તે બચ્યો ન હતો એમ એને હવે જણાયું. તે એકલો જ જાગ્યો હતો એમ નહિ, તેની પત્ની પણ તેની જોડે જ જાગતી હતી એમ હવે તેને ભાસ થયો.

આર્યપત્નીઓ પતિની સંભાળ લેવામાં જ પોતાનું કર્તવ્ય સમાપ્ત થયું ગણે છે, પરંતુ તે એવી ગુપ્ત રીતે, એવી સરળ રીતે કરે છે કે પતિને તેનું ભાન પણ હોતું નથી.

'આજે કેમ એકદમ આમ ચિંતા થઈ આવી છે ?' નંદકુંવરે આગળ પૂછ્યું.

'કાંઈ નહિ. મંજરીનો હવે વિવાહ કરવો પડશે, મોટી થઈ. સહેજ એના વિચારે ચઢી ગયો એટલે ઊંઘ ન આવી.' દીનાનાથે જવાબ આપ્યો.

'એ ચિંતા આજની નથી, હું જાણું છું તમને શાની વ્યગ્રતા થઈ આવી છે તે.’ નંદકુંવરે કહ્યું. ક્ષણભર બંને શાંત રહ્યાં. વળી નંદકુંવરે કહ્યું :

'મંજરીનો એક પણ પૈસો આપણે ઘરમાં નથી લીધો એની ખાતરી રાખજો. હું શું નથી જાણતી કે તેનો પૈસો લેવો એ મહાપાપ છે ? આ તો એને ભરતગૂંથણનો શોખ છે, અને કંઈક સંજોગોમાં એ વેપારીની જાણમાં આવ્યું એટલે એ ખરીદે છે. એમાંથી તો લગભગ બારસો રૂપિયા એણે ભેગા કર્યા છે. તમને કહ્યું નથી, પણ એ જુદા જ રાખ્યા છે.'

દીનાનાથનું કાંઈક સાન્ત્વન થયું. સવાર પડવા આવ્યું હતું. મંજરીએ ઊઠી પ્રભાતિયાં ગાયાં, ચિતરંજન પણ ઊઠ્યો, અને સહુ સહુના કામમાં પરોવાઈ ગયાં. ચિતરંજન અને દીનાનાથ એકલા પડ્યા અને ગપોએ ચડ્યા. દીનાનાથની વ્યગ્રતા ચિતરંજનની જાણ બહાર નહોતી. એટલે તેણે અનેક તવંગર માણસો કેમ ગરીબ થઈ ગયા હતા તેના સ્વાનુભવનાં વર્ણનો આપી દીનાનાથને ઉત્સાહી કરવા માંડ્યો.

'દીનુ ! તું જાણે છે મેં પણ કેટલા દિવસો ભૂખમરામાં કાઢ્યા છે તે ? પૈસા સંઘરવાનું પાપ તો મેં કદી કર્યું નથી.' ચિતરંજન આગળ વધ્યો, 'અને છતાં આખી દુનિયાની મુસાફરી કરી, લોકો જોયાં, લોકોનાં જીવન જોયાં, તેમનાં સુખ પણ જોયાં અને દુઃખ પણ જોયાં. દુઃખ દેખતાં મનુષ્યો કેમ હારી બેસે છે તે મને સમજાતું નથી. કોઈને ઓટલે સૂતો હોઉં અને મને કાઢી મૂકે તો એમાં મને અપમાન લાગતું નહિ. રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરું અને હું પકડાઉં ત્યાં ઉતારી મૂકે. બહુ ભૂખ લાગી હોય તો કોઈ દુકાનદારને ત્યાં જઈને બે ચીજો ખિસ્સામાં પણ મારી લઉ. દુઃખમાં જેવી મજા આવે છે તેવી બીજા કશામાં આવતી નથી.'

દીનાનાથે હસતાં હસતાં કહ્યું : 'હજી એવો ને એવો જ રહ્યો. તારે તારી જાત સંભાળવાની. આગળ પાછળ કોઈ હોય તો દુ:ખનો સવાલ રહે ને ?'

'ત્યારે તું મને મારા દુઃખને હજી સમજી શક્યો જ નથી.' ચિતરંજને કહ્યું. 'એક વખત ઘર છોડ અને છ માસ મારી સાથે રહે એટલે દુઃખ શું તે સમજાશે.'

'મારે કાંઈ સમજવું નથી. મારે મારું દુઃખ બસ છે.' હસીને દીનાનાથે કહ્યું.

‘હા, પણ દીનુ ! મારે આજે તો જવું પડશે તે પહેલાં જે વાત કહેવા આવ્યો છું તે તને કહી લઉં, બીજું કોઈ નથી એટલે ઠીક છે.' ચિતરંજને કહ્યું.

આ બહુબોલા મિત્રને એવી એકાંતમાં શી મહત્ત્વની વાત કરવી હશે તે દીનાનાથ કળી શક્યો નહિ.

'એવું શું કહેવાનું છે ?' દીનાનાથે પૂછ્યું.

‘તું ચમકે નહિ તો જણાવું.' ચિતરંજને કહ્યું.

'ચમકવા જેવું હોય તો ચમકું પણ ખરો.'

‘તો ભલે, ચમકવાને હરકત નથી; હું તને પકડી રાખીશ, પણ મારું વચન ઉથાપે નહિ તો જ કહું.' ચિતરંજને પહેલેથી વચનમાં બાંધવાની તજવીજ કરી.

'અરે પણ એવું શું છે ?' દીનાનાથની ગૂંચવણ વધતાં તેણે પૂછ્યું.

'હું દુઃખમાં જ કદાચ હોઉં તો તું છોડાવે ખરો ?' ચિતરંજને પૂછ્યું.

'જરૂર. મારાથી બને તેટલું હું કરું જ.'

'શાબાશ ! ત્યારે મારી ખાતરી છે કે તું મારો મિત્ર મટ્યો નથી.'

ચિતરંજને દીનાનાથને ચઢાવવા માંડ્યો. હું તારો દેવાદાર છું તેની તને ખબર તો છે ને ?'

દીનાનાથ ને શક ગયો બાર વર્ષ ઉપર ચિતરંજનને આપેલા દસ હજાર રૂપિયાની સ્મૃતિ થઈ. તેના ગૃહસ્થ હ્રદયને આ સ્મૃતિ ગમી નહિ; તે સંબંધી સહજ પણ ઉલ્લેખ થાય એ તેને રુચ્યું નહિ.

'હશે તેની પંચાત શી છે ? અત્યારે તારે શી મદદ જોઈએ એ જ કહે ને ?'

'મારે હવે ખરી મદદ શોધવાનો સમય આવ્યો છે. તેં મને દસ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા, નહિ ?' ચિતરંજને કહ્યું.

'જા જા, હવે એ વાતને મારે શું કરવી છે ?' દીનાનાથે તિરસ્કારથી એ વાતને બંધ કરવા સૂચના કરી. આ તિરસ્કાર એટલો સ્વાભાવિક અને અકૃત્રિમ હતો કે ચિતરંજન જેવા ફરંદા માણસને પણ આ ગરીબ મિત્રની ખાનદાની ઉપર પ્રેમ આવ્યો. તેણે મનમાં સિદ્ધાન્ત રટ્યો કે આવા જ માણસો દુઃખી થાય છે.

‘તારે નહિ પણ મારે વાત છે.' ચિતરંજને કહ્યું. હું એક માગણી કરવા આવ્યો છું.'

'બનશે તેટલી સગવડ હું કરી આપીશ. પાછું કાંઈ રખડવા જવાનો વિચાર છે ? કેટલા જોઈએ ?' દીનાનાથે કહ્યું.

ચિતરંજન હસી પડ્યો. 'ઓ ભલા માણસ, સાંભળ તો ખરો? મેં તો બહુયે પ્રયત્ન કર્યો, પરંતુ તેમાંથી એક પણ પાઈ વરી નથી. એ પૈસા હું પાછા મૂકવા આવ્યો છું.' દીનાનાથ ખરેખરો ચમક્યો. તેણે મોં ફેરવ્યું, અણગમો સ્પષ્ટ બતાવ્યો અને વાંધો રજૂ કર્યો કે 'પાછા લેવાને એ પૈસા આપેલા નહોતા.'

‘તે હું ક્યાં કહું છું ?' ચિતરંજને કહ્યું, ‘પરંતુ મારે મારી થાપણ સલામત જગાએ મૂકવી જોઈએ ને ?'

‘તું શું મારા ઉપર ઉપકાર કરવાને આવ્યો છે ?' દીનાનાથ હવે ગુસ્સે થયા. 'તારી યુક્તિ હું ન સમજું એવો બાળક નથી. મારા ઉપર દયા કરવા તું આવ્યો છે ?'

'અરે ભાઈ ! દયા તો તારે કરવાની છે!' ચિતરંજને કહ્યું. પૈસો મારો, પણ તે તું સુરક્ષિત રીતે રાખીશ કે નહિ ? મારે ઘર નથી, કુટુંબ નથી, મિત્ર નથી - તારા સિવાય. માટે હું એ દસ હજાર અહીં મૂકવા આવ્યો છું.'

અકસ્માત કોઈ માણસે આવી નંદકુંવરને બૂમ પાડી. બૂમ પાડી તે માણસ ઉપર આવ્યો. દીનાનાથે પૂછ્યું : 'શું કામ છે ?'

તેણે કહ્યું : 'જાગીરદાર સાહેબનાં પત્ની બેભાન થઈ ગયાં છે, અને નંદકુંવરબહેનને બધાં ત્યાં બોલાવે છે.'

'કોણ, વ્યોમેશચંદ્રનાં પત્ની ?' દીનાનાથે પૂછ્યું.

'હા જી.'

'એ બિચારી બચે એમ નથી.'