પત્રલાલસા/મિત્રોનો મેળાપ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
પત્રલાલસા
મિત્રોનો મેળાપ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
ખાનદાની →


મિત્રોનો મેળાપ

હતું તેનું હૈયું કમલ સરખું કોમળ,અને -
હતો તેમાં દેવી પ્રણયરસ મીઠો ટપકતો;
હતું તેને મ્હોયે મધુર સ્મિત કાંઈ ચળકતું
દીસે તેનાં ગાત્રો પુલકિત થતાં હર્ષ મય સૌ.
કલાપી

ચિતરંજનની આંખમાં આંસુ આવ્યાં કે નહિ તે જણાયું નહિ. પરંતુ તેની આંખમાં કાંઈક ચમક દેખાઈ ન દેખાઈ અને તેણે પોતાના બંને હાથ પોતાના મોં ઉપર ફેરવ્યા. દીનાનાથને તેણે હીંચકે બેસાડ્યા અને તે પણ જોડમાં બેઠો.

'ચિતરંજન ! હું તો ગરીબ થઈ ગયો છું.' દીનાનાથે થોડી વારમાં ઉદ્દગાર કાઢ્યો.

'તેની હરકત નહિ, પણ તું ગાંડો ન થાય એ જોજે.' ચિતરંજને જવાબ આપ્યો. ‘તારે ત્યાં મિજબાનીઓ ઊડતી ત્યારે હું શું કહેતો હતો તે યાદ છે? દીનુ ! હું હજીયે કહું છું કે દુનિયા ગરીબોની છે. મોટા ઘરમાં રહેતો ત્યારે તારું સગુંવહાલું કોણ હતું તે યાદ આવે છે? જો ખુરશી, મેજ, જાજમ, રેશમ, ગાડી, ઘોડા, કૂતરા અને બહુ બહુ તો ફૂલ એ તારાં સગાંવહાલાં હતાં. હવે એ બધાં ગયાં એટલે નંદુભાભી અને મંજરી તારાં સગાં થયાં. કહે, ખુરશી અને નંદુભાભીમાં તું શું વધુ પસંદ કરીશ ? ગાડી અને મંજરી એ બેમાંથી તું કોને છોડી દઈશ? અરે હાં, પણ નંદુભાભી ક્યાં છે ?'

એકવચનથી પરસ્પરને સંબોધતા આ વૃદ્ધોને જોઈ મંજરીને નવાઈ લાગ્યા કરતી હતી, અને ચિતરંજનની વિચિત્ર બોલીથી તેને વધારે નવાઈ લાગી. પોતે લગભગ સોળેક વર્ષની થઈ હતી, પરંતુ પોતાના પિતાનો આવો મિત્ર તેણે જોયો સાંભરતો નહોતો.

'એ તો વ્યોમેશચંદ્રને ત્યાં ગઈ છે.' મંજરીએ ચિતરંજનને જવાબ આપ્યો.

'અહીંથી થોડે દૂર આપણા જૂના મકાનમાં તેઓ રહે છે. મારી મિલકતનો મોટા ભાગ તેમણે વેચાતો રાખ્યો છે. સજ્જન માણસ છે. તેમનાં પત્નીની માંદગી હોવાને લીધે તેમને ત્યાં કદી કદી જવું પડે છે.' દીનાનાથે પૂર્તિ કરી.

'અને આ મંજરી તો ઓળખતી પણ શાની હશે ?' ચિતરંજને પ્રશ્ન કર્યો. આ પ્રદેશ છોડ્યે મને બારેક વર્ષ વીતી ગયાં. મંજરી તો ત્યારે બહુ નાની.'

મંજરીએ હસતે મોંએ નીચું જોયું. સ્વાભાવિક સૌંદર્ય અને સંસ્કાર-શોભનકલા, એ ઉભયથી શોભતી આ બાલા અજાણ્યા મંડળમાં બેસવાથી સંકોચ વ્યક્ત કરતી હતી.

'બેટા !' ચિતરંજને કહ્યું, 'હું તો એક ખાખી છું. જમાતમાં રખડવું અને જોવું એ બે સિવાય ત્રીજું કામ મેં કર્યું નથી. જિંદગીમાં કોઈને સગાં કર્યા નથી. સ્વાર્થની જાળો ગૂંચવી તેમાં આપણે જકડાઈ રહેવું એ કદી મને ગમ્યું નથી. કેમ, એ પીડામાં પડ્યો નહિ એ ઠીક કર્યું ને ?'

મંજરીને વાતમાં દોરવાનો તેણે પ્રયત્ન કર્યો, પરંતુ હસતું મુખ રાખી મંજરી બેસી રહી.

નંદકુંવર એટલામાં દાખલ થયાં. ચિતરંજનને જોઈ પ્રથમ તો તેઓ ચમક્યાં. બાર વર્ષનો ગાળો મનુષ્યની સ્મૃતિ ઉપર કંઈ કંઈ પડદા પાડે છે; પરંતુ પહેલાંનો નિત્યસંબંધ સ્મૃતિપટ ઉપર અંકાઈ ગયેલો હોય તો બાર વર્ષમાં કાંઈ પાછલી વાત ભુલાય નહિ.

'નંદુભાભી ! હું જીવું છું હો. મારું આ ભૂત ન હોય !' ચિતરંજને નંદકુંવરને કહ્યું.

'રંજનભાઈ !' નંદકુંવરે સંબોધન કર્યું. તેના મુખ ઉપર હર્ષ છવાઈ રહ્યો. ઘણે વર્ષે પોતાના ભાંડુને મળતાં નયનોમાંથી જે અમૃત વરસે, તે અત્યારે નંદકુંવરની આંખમાંથી વર્ષવા માંડ્યું. 'જોયે તો જુગ થઈ ગયા ! હવે તો અહીં આરામ લો !'

એનો એ જ સ્વભાવ, એની એ મૃદુતા અને એની એ સરળતા ચિતરંજને નંદકુંવરમાં જોઈ. દુઃખે તેના સ્વભાવમાં કટુતા આણી નહોતી, અને સ્વભાવમાં કટુતા ન હોવાથી તેના મુખ ઉપરનું સ્વાભાવિક માધુર્ય કાયમ રહ્યું હતું. ક્લેશી સ્વભાવનાં પ્રતિબિંબ રૂપ કરચલી પડેલી ન હોવાથી તેનું મુખ ઉંમર છતાં સોહામણું લાગતું હતું.

‘હજી મહેમાનોનો શોખ નથી ગયો શું ?' ચિતરંજને આમંત્રણનો જવાબ વાળ્યો.

ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી. દીનાનાથનું મહેમાનપ્રિય હૃદય ઊછળ્યું : 'શું તું મહેમાન થઈને આવ્યો છું?'

'અરે ભાઈ ! તને કોણ કહે છે ? આખા ગામને નોતરજે ને? હું તો નંદુભાભીને કહું છું.' ચિતરંજને કહ્યું.

બાર વર્ષથી ચિતરંજન ફરતો હતો. દીનાનાથનો આ પરમ મિત્ર છેક બાળપણની મૈત્રી સાચવી શક્યો હતો. અડધો મશ્કરો, અડધો અબધૂત, એવી જગતમાં એની ગણના થતી હતી. દીનાનાથના અન્ય મિત્રમાં તેની કડક ભાષા, નીડર અભિપ્રાય અને બેદરકાર વર્તન ઘણાં જ અપ્રિય થઈ પડ્યા હતાં. પરંતુ દીનાનાથ અને નંદકુંવરને તેના વગર ચાલતું નહિ. સ્વાર્થી મિત્રોના સ્વાર્થના પ્રસંગો ગણાવી સગાંવહાલાંની પકડાઈ જાય એવી હલકી યુક્તિઓનાં વર્ણન આપી તે ઘણી વાર એ બંને જણને હસાવતો. તેઓ તેની ટીકા સાંભળી રહેતાં, હસતાં, વખતે સંમત થતાં, પરંતુ પોતાના વર્તનમાં તેથી જરા પણ ફેર પડવા દેતાં નહિ. ચિતરંજનની વિદ્વાનમાં ગણના થતી. તે એકલો જ હતો - લગ્ન કર્યું નહોતું, અને અતિશય રખડવાની અને લાંબી મુસાફરી કરવાની તેને ટેવ પડી ગઈ હતી.

'દિનુ ! મને દસેક હજાર રૂપિયા ન ધીરે ?' બાર વર્ષ ઉપર ચિતરંજને દીનાનાથ પાસે માગણી કરી હતી. તેને પહેલે જ દિવસે તેણે દીનાનાથની સાથે કરકસરની બાબતમાં ખૂબ તકરાર કરી હતી.

'તારે પૈસો હવે ગમેતેમ કરીને બચાવવો જ જોઈએ. દેવું ઘણું થવા માંડ્યું છે, અને અત્યારથી નહિ અટકે તો બૂરી દશા આવશે. પૈસો ખૂટતાં જગતમાં કોઈ જ સહાય નહિ કરે.'

દીનાનાથને આથી રીસ ચડી અને આવેશમાં આવી તેણે કહ્યું :

'ચિતરંજન ! આની આ વાત કરવી હોય તો બહેતર છે કે તું ન આવે.'

'ભલે, હું નહિ આવું.' કહી ચિતરંજન ઊઠી ચાલ્યો ગયો. દીનાનાથને પસ્તાવો થયો. નંદકુંવરને તેમણે વાત કહી. પત્નીએ દીનાનાથને સહજ ઠપકો આપ્યો, અને બીજે દિવસે તેને બોલાવવા માણસ મોકલતાં હતાં એટલામાં જ ચિતરંજને આવી માગણી કરી કે :

‘તું બધાં ઉપર ઉપકાર કરે છે. મારે આજે ખાસ જરૂર પડી છે. તો દીનુ ! મને દસેક હજાર રૂપિયા ન ધીરે ?'

પૈસા તેને મળ્યા, અને તે જ રાતના તે ચાલી નીકળ્યો. એક પત્ર ફક્ત તેણે દીનાનાથને લખ્યો, અને તેમાં જણાવ્યું તે પોતે જગતની પરિક્રમા કરવા નીકળે છે. તે વાતને બાર વર્ષ થઈ ગયાં. બાર વર્ષમાં દીનાનાથના જીવનમાં અજબ પરિવર્તન થઈ ગયું. તે રાયના રંક થઈ ગયા. એ રંક અવસ્થાની હાડમારી વખત જતાં વધારે વધારે અનુભવવા લાગ્યા. હવે માત્ર નંદકુંવરમાં તેમનું સુખ હતું અને મંજરીમાં તેમનો આનંદ હતો. ચિતરંજન ઘણી વખત યાદ આવતો. તેનાથી મળતો વિનોદ હજી પણ સંભારીને કુટુંબ ઘડી આનંદ કરતું, મિલકત વેચી તે દિવસથી દીનાનાથે પોતાની સિતારનો સ્પર્શ પણ કર્યો ન હતો, માત્ર સંગીતનો અતિશય નાદ હોવાથી નાની મંજરીને તેઓ હવે ઈશ્વરસ્તુતિનાં ગીતો શીખવાડતા. રહીસહી જમીનમાંથી જે કાંઈ ઉત્પન્ન આવતું એમાંથી ગુજરાન ચાલતું. એટલામાં કેમ પૂરું થતું તે માત્ર નંદકુંવર જ જાણતાં.

આજે એકલા પડી જવાથી દીનાનાથ વિચારે ચડ્યા હતા. ગત વર્ષોનાં ચિત્રોની પરંપરા તેમની દ્રષ્ટિ આગળ ખડી થયે જતી હતી. હીંચકે ઝૂલવાથી તરંગોને બળ મળતું હતું. મંજરી બારીએ બેસી કાંઈ ભરતી હતી. મંજરીનો વિચાર આવતાં તેઓ અતિશય દુઃખી થઈ ગયા, અને એટલામાં બાર વર્ષથી વિખૂટો પડેલો મિત્ર આવી મળ્યો. તેમના આનંદનો પાર રહ્યો નહિ.

નંદકુંવર પણ બહાર ગયાં હતાં તે આવી પહોંચ્યાં અને ચારે જણ મળી વાતોએ ચઢ્યાં. મંજરીએ રસોઈ કરી રાખેલી હતી, પરંતુ વાતમાં ને વાતમાં જમવાની ઉતાવળ કોઈને હતી નહિ.

‘હજી આખા ગામનાં માંદાંની માવજત તમે જ કરો છો કે શું ?'

ચિતરંજને નંદકુંવરને પૂછ્યું. 'માણસ તો આટલો પૈસાદાર છે પછી બોલાવે ડૉક્ટરને કે પરિચારિકાને ! તમારે આ ઉમરે હવે આટલી મહેનત શું કામ લેવી પડે ?'

'શું કરું, ભાઈ !' નંદકુંવરે જવાબ વાળ્યો. ‘વ્યોમેશચંદ્રની વહુને ક્ષય થયો છે. બધાંએ આશા છોડી છે. મારા વગર એ બાઈ રહેતી નથી. રાત દહાડો રડ્યા કરે છે. હું જઈને ધીરજ આપું છું ત્યારે કાંઈક તેનો આત્મા પ્રફુલ્લ રહે છે. એને તો મારું વ્યસન જ લાગ્યું છે.'

'લાગે, કેમ ન લાગે !' કટાક્ષમાં ચિતરંજને કહ્યું, 'તમારાં જેવાં મફતનાં મા મળતાં હોય તો લાવો ને હુંયે માંદો પડું !'

દીનાનાથ હસ્યા. 'ચિતરંજન ! તું દુનિયામાં આટલું બધું ફર્યો છતાં દુનિયાના લોકો તરફ તને કદી સદ્દભાવ કેમ ન થયો ?'

'હું જેમ દુનિયામાં વધારે ફરું છું તેમ મારી વિશેષ ખાતરી થતી જાય છે કે લોકો સ્વાર્થી જ છે. સ્વાર્થી જનસમાજ તરફ મને કેમ સદ્ભાવ ઊપજે?'

આમ વાતચીતમાં વખત ચાલ્યો ગયો. જમીને કલાક આરામ લેવાની દીનાનાથની અસલની ટેવ હજી પણ ગઈ નહોતી, પરંતુ આજે તેમણે એ ટેવને વિસારે મૂકી. પોતાની બાર વર્ષની લાંબી મુસાફરીમાં ચિતરંજનને ઘણા પ્રસંગો વીત્યા હતા. અફઘાનિસ્તાન, તાર્તરી, રશિયા વગેરે દેશોની પગે કરેલી મુસાફરીનાં, તેમ જ જાપાન, અમેરિકા, યુરોપ વગેરે જળપ્રવાસનાં રમૂજી વર્ણનો પોતાની અજબ શૈલીમાં ચિતરંજન વર્ણવ્યે જતો હતો. સાંજ પડતાં ચિતરંજને વાત બદલી.

'પેલો છોકરો કોણ હતો ? સવારે જેણે તમારું ઘર બતાવ્યું?'

'મને ખબર નથી એ કોણ હતું. મંજરીને ખબર હશે. એ બારીએ બેઠેલી હતી.' દીનાનાથે કહ્યું.

'સનાતન.' ધીમેથી મંજરીએ કહ્યું. આ નામનો ઉચ્ચાર કરતાં તેનું હૃદય સહજ ધડક્યું. સનાતન તેની જોડેના જ મકાનમાં રહેતો; તેને તે નિત્ય જોતી, પરંતુ તેની સાથે તે કદી બોલી નહોતી. તેના નામનો ઉચ્ચાર પણ તેણે આજ પ્રથમ કર્યો. ઓછા જાણીતા યુવકોનાં નામ દેતાં યુવતીઓને કદાચ નહિ ફાવતું હોય.

'બહુ સારો છોકરો છે.' નંદકુંવરે પ્રમાણપત્ર આપ્યું.

'તમારી દુનિયામાં કોઈ ખોટું જ ક્યાં છે ?' ચિતરંજને કહ્યું. 'એ છોકરાને હું બહુ વિચિત્ર લાગ્યો હોઈશ. મેં એને અહીં આવવા કહ્યું છે. બોલાવો ને એને ? ભણેલાઓને હું બુઢ્ઢો છું છતાં ચમકાવી શકીશ.'

નંદકુંવરે બારીએથી ટહુકો કર્યો અને સનાતન આવ્યો.

આ ગૃહમાં તેનો પ્રથમ જ પ્રવેશ હતો. સહજ સંકોચ અને વિનયથી નમસ્કાર કરી તે બેઠો.

દીનાનાથે ઘરના માલિક તરીકે વિવેક કર્યો: ‘કેમ ભાઈ ! કૉલેજમાં જઈ આવ્યા ? પડોશમાં રહો છો અને કોઈ દહાડો આવતા પણ નથી ?'

'શું આવે બિચારા !' ચિતરંજને કહ્યું, ‘આજનું ભણતર તો જુઓ ? બોચી ઉપર કાંકરી મૂકી ભણે. આંખો ખૂએ, અને ભણી ઊતરે ત્યારે એક કામના તો નહિ જ.'

'આપનું કહેવું કાંઈક ખરું છે.' સનાતને જવાબ આપ્યો.

'કાંઈક નહિ, બધું જ ખરું છે.' ચિતરંજને સામો જવાબ વાળ્યો. 'કહો જોઈએ, ભણેલા માણસને વેચવા કાઢ્યો હોય તો એને કોણ લે? અને કેટલી કિંમતે ?' ‘ભણ્યાનો આનંદ એ જ ભણતરની કિંમત છે.' સનાતને જવાબ આપ્યો.

'શું ધૂળ ભણ્યાનો આનંદ છે ? નિબંધ લખવો હોય તો તમારું વાક્ય ખરું છે, બાકી ભણતરના આનંદની વાત કાં તો મિથ્યાભિમાન અને કાં તો ગપ છે. ભણેલાથી ન હસાય, ન રમાય, ન બોલાય, ન રખડાય, ન ગવાય, અને ન ખવાય. તમારા ભણતરમાંથી આનંદને દેશપાર કર્યો છે. કહો, આપ ગાઈને પોતાને રીઝવી શકો છો ?' ચિતરંજને ભણતરની કિંમત આંકી.

‘ના જી, મને ગાતાં તો નથી આવડતું.' સનાતને જવાબ આપ્યો.

'થયું, ત્યારે અમે તમને ભણેલા નહિ માનીએ. એ રીતે તમારા કરતાં આ મારી મંજરી વધારે ભણેલી છે. સનાતન તરફ વારંવાર ચોરીછુપીથી જોયા કરતી મંજરી ઉપર આંખ પડતાં ચિતરંજને કહ્યું. મંજરી લેવાઈ ગઈ.

'ના ના. મને કાંઈ આવડતું નથી.' ગાવું પડશે એ બીકે મંજરીએ કહ્યું.

‘બહુ રાગદારી તો એને નથી શીખવી, પણ પદ-કીર્તન બહુ સારી હલકથી ગાય છે. કંઠ મધુર છે, અને બતાવેલી ચીજ ઝટ ઉપાડી લે છે.' મંજરીના વહાલસોયા પિતાએ દીકરીના ગુણ ગાયા.

'બધાં વચ્ચે આમ ન કહ્યું હોત તો, ન ચાલત?' મંજરી મનમાં બોલી.

તેને ખરેખર ડર લાગ્યો કે હવે તેને ગાવાની ફરમાશ થશે જ. ના શી રીતે પાડવી તેનાં બહાનાં તે શોધવા લાગી, એટલામાં દીનાનાથે જ કહ્યું :

'મંજરી ! કાંઈક ગા હવે.'

પરાયાં માણસો વચ્ચે ગાવું કેટલું મુશ્કેલ છે એ સહુ કોઈ જાણે છે. તેણે ઘણી આનાકાની કરી, બહાનાં કાઢ્યાં, કંઠ ખરાબ થઈ ગયો છે, ગીત યાદ આવતું નથી વગેરે કારણો રજૂ કર્યો, પણ કોઈએ તેને ન્યાય આપ્યો નહિ, અને એક મતે તેને શિક્ષા ફરમાવી કે તેણે ગાવું જોઈએ.

મંજરી ન ચાલ્યે એકચિત્ત થઈ, તેના મુખ ઉપર ગાંભીર્ય છવાયું, અને તેનું સુંદર મુખ નીચું વળ્યું. કંઠમાં મધુરતાની રેલ આવી અને સોરઠના સૂરમાં ગીત વહ્યું :

મારા અંતસમય અલબેલા, મુજને મૂકશો મા !
મારા મદનમોહનજી છેલા, અવસર મૂકશો મા !

સનાતન સ્તબ્ધ થઈ ગયો. સ્વરોનું રમણીય વાતાવરણ બંધાતું હતું અને અચાનક ચિતરંજનના કઠોર હાસ્યનો ધ્વનિ સંભળાયો. મંજરી ગાતી ગાતી અટકી. સનાતનને એમ થયું કે આ અવિવેકી વૃદ્ધને ખરેખર રીતભાત આવડતી જ નથી.

ચિતરંજનને હસતો જોઈ દીનાનાથને પૂર્વની વાત યાદ આવી. જ્યારે જ્યારે આ ગીત કોઈ ગાતું ત્યારે ચિતરંજન સખત વાંધો જાહેર કરતો. દીનાનાથે કહ્યું : 'મંજરી ! આ નહિ; બીજું કોઈ ગીત ગા. ચિતરંજનને આ ગીત નથી ગમતું.'

સનાતનથી રહેવાયું નહિ. 'હું નથી સમજી શકતો કે આ ગીત કેમ નહિ ગમતું હોય. આથી વધારે મધુર ગીત બીજું મળવું દુર્લભ છે.'

'આ જ તમારું ભણતર.' ચિતરંજને કહ્યું. 'હજી તો ઊગો છો અને એટલામાં અંત સમયે અલબેલાનાં દર્શન કરવાની લાલસા થઈ આવી ? અંત સમય આવશે ત્યારે આ ગીત ગાઈશું. હમણાં તો કાંઈ ઊછળતું, ઉત્સાહ પ્રેરતું ગીત સાંભળવું જોઈએ. મંજરી ! એવું કાંઈક ગા.'

મંજરીએ બીજું ગીત શરૂ કર્યું :

પરમ ધન પ્રભુનાં લેજો. લોક !
રૂપ ધન, ધન સોનું
હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો લોક !

સ્વરમાધુર્યથી સહુ મુગ્ધ બન્યા. સાધુતાનું વાતાવરણ જાણે બંધાયું હોય એમ સર્વનાં મન સાત્ત્વિક થઈ ગયાં. ચિતરંજન પોતાનું ડોકું આમતેમ હલાવી પોતાના સ્વભાવની નિરંકુશતા સાથે ગાન તરફ પસંદગી બતાવતો હતો.

નીચેથી કોઈએ બૂમ પાડી: ‘મંજરીબહેન ! હું ઉપર આવું?'

અવાજ સાંભળી મંજરીના મુખ ઉપર ભય જણાયો. ચિતરંજને તે પારખ્યો. દીનાનાથે પૂછ્યું : 'અત્યારે તને બોલાવતું કોણ આવ્યું ?'

'કોઈ નહિ એ તો. હું હમણાં મળી આવું છું.' કહી ભયના નિવારણ અર્થે મંજરી નીચે જવા લાગી. એટલામાં જ એક અપરિચિત મનુષ્ય ઉપર ચઢી આવ્યો.

મંજરીનું મોં તદ્દન પડી ગયું. ચિતરંજન આ મૂંઝવણ પારખી ગયો પણ તેનું કારણ ન જડ્યું. દીનાનાથે પૂછ્યું: ‘કોનું કામ છે ?'

‘મારે મંજરીબહેનનું કામ છે.' તેણે જવાબ આપ્યો.

‘તમને બીજો કોઈ વખત ન મળ્યો તે આમ સંધ્યાકાળે મંજરીને મળવા આવો છો ?' દીનાનાથ ગુસ્સે થઈ ગયા.

'સાહેબ ! પંદર દિવસ થઈ ગયા અને મંજરીબહેન મળ્યાં નહિ એટલે મારે આવવું પડ્યું.' નવીન આવનાર માણસ પણ છોભીલો પડી ગયો. 'મંજરીબહેનને રૂપિયા આપવાના હતા. હું મારી પાસે ક્યાં સુધી રાખી મૂકું ?'

'મંજરીને તમારે રૂપિયા આપવાના હતા ?' દીનાનાથે પ્રશ્ન કર્યો. હજારો વિચાર તેમના મગજમાં આવી ગયા અને આંખ કપરી થઈ.