પત્રલાલસા/મજૂરો

વિકિસ્રોતમાંથી
← પત્રદર્શન પત્રલાલસા
મજૂરો
રમણલાલ દેસાઈ
૧૯૩૧
નઠારો વિચાર →




૨૫
મજૂરો

નથી તકસીર તારી એ
ગુનેહગારી હમારી છે.
કલાપી

સનાતનને કુસુમે ઘેર પહોંચાડ્યો. લાંબે રસ્તેથી ફરતાં ફરતાં મોટર સનાતનના ઘર આગળ આવી ત્યારે લગભગ અંધારું થયું હતું. ગરીબોથી ધનિકને આમંત્રણ આપી શકાતું નથી. સનાતનને ઘણીયે ઈચ્છા થઈ કે પોતાના ઉપર સદ્ભાવ રાખી ઘર સુધી પહોંચાડી જનાર યુવતીને ઘેર બોલાવી તેનો સત્કાર કરવો જોઈ. પરંતુ એવી સાંકડી ગલીમાં - કુસુમનું એક ચંપલ પણ ન માય એવી ઓરડીમાં તે આખી કુસુમને કેવી રીતે લઈ જઈ શકે ?

'કુસુમબહેન ! આપે બહુ તકલીફ લીધી.' સનાતને ઉપકાર માન્યો.

'ઓહો ! એમાં શું ? હું તો હવે રોજ તમને અહીં મૂકી જઈશ. સાંજે ફરવા નીકળાશે, અને તમને જવામાં સુગમતા થશે.' કસુમ ગળે પડી.

સનાતનને આ નિત્યનો ઉપકાર રચ્યો નહિ. છતાં એ ઉપકાર નિત્યનો થયે જોઈ લેવાશે એમ માની તે કશું બોલ્યો નહિ. કુસુમે પાછું જોઈ 'આવજો' કહેવાના ભાવને વ્યક્ત કરતો હાથનો અભિનય કર્યો અને મોટર જોતજોતામાં ચાલી ગઈ. યુવાન સ્ત્રીપુરુષોનો સંસર્ગ પૂર્વયુગની માફક આ યુગમાં પણ ભયંકર જ છે એમ તેને લાગ્યું. શિષ્યા અને શિક્ષકની પ્રથા આ યુગમાં પ્રચાર પામતી ચાલી છે. શિષ્યા કે શિક્ષક બેમાંથી એકે ઘણા વૃદ્ધ હોવું જોઈએ એમ તેને વિચાર આવ્યો. યૌવન ભરોંસાપાત્ર હોતું નથી. તેમાં બે યૌવનો ભેગાં મળે ત્યારે જગતની દ્રષ્ટિએ વિપરીત લાગતા પ્રસંગો બનવા સંભવ છે એમ માની પોતાના હૃદયને દ્રઢ બનાવતા સનાતને ઓરડી ઉઘાડી દીવો સળગાવ્યો.

'કાં માસ્તર ! શું ચાલે છે ?' એક પડોશીએ તે જ વખતે ઓરડીના બારણા આગળ આવી પૂછ્યું. 'ઓહો ! આવો, આવો, મિસ્ત્રી ! તમને ક્યાંથી નવરાશ મળી ?' સનાતને પડોશીને બોલાવ્યો.

'અમે તો મજૂરલોક ! કામ ન મળે એટલે નવરા જ બેસીએ ને?'

‘એમ કેમ? તમે તો મિલમાં જ છો ને ?' સનાતને પૂછ્યું.

'આ જ સુધી તો મિલમાં હતા. કાલે જે થાય તે ખરું. અમારા મજૂરો અને કારીગરો ઓછા ફાટ્યા છે ? ભાઈસાહેબ ! ખાવાનું તો પૂરું મળે નહિ, અને ત્રીજે દહાજે હડતાલ પાડવા તૈયાર ! એ એક પવન વાયો છે. લોકોને બીજી ગમ જ પડતી નથી.' મિસ્ત્રી બોલ્યા.

'પણ એ હડતાલ તો તમારા બધાના લાભ માટે છે ! તમે બધાય સામેલ થાઓ ત્યારે એ બને !' સનાતને કહ્યું. તેની ચાલમાં કારીગર વર્ગના ઘણા માણસો રહેતા હતા. સનાતન સાથે કોઈ કોઈ કારીગર ઘણુંખરું રાતે ગપ્પાં હાંકતો જ હોય.

'સામેલ ન થઈએ તો શું કરીએ ? એકલદોકલનું ચાલે કેટલું ? હડતાલમાં લાભ શો મળે છે તે તો અમે જાણીએ છીએ. આમથી આમ રખડવું, સરઘસમાં ધાંધલ મચાવવાં, મારામારી કરવી, રોજી ખોવી, પોલીસનો માર ખાવો, અને રાત પડ્યે ઘેર આવી ભૂખ્યાં બૈરાંછોકરાંની ગાળો ખાવી ! છેવટે જખ મારીને પાછા કામે જોડાવું. આ અમારી હડતાલ !' મજૂરોનાં તોફાનથી કંટાળેલા મિસ્ત્રી બોલ્યા.

‘ત્યારે મદનલાલ શેઠની મિલમાંયે હડતાલ પડશે કે શું? શેઠ આજ ઊંચો જીવ કરતા હતા.' સનાતને કહ્યું.

'ભાઈ ! શેઠિયાઓને શું ? લાખોની મિલકત ભેગી કરેલી હોય. ચાર દહાડા મિલ બંધ રહી તેમાં એમને શો ધોકો લાગવાનો ? અમારા જુવાનિયાઓ સમજતા નથી, અને શેઠને હડતાલ પાડવાની ધમકી આપી બેઠા છે.' મિસ્ત્રીએ જણાવ્યું.

‘ત્યારે શેઠિયાઓ પણ સહેજ પોતાનો નફો ઓછો કરે તો તેમને કઈ ભારે ખોટ જવાની છે? એકાદ વરસ અડધું કમિશન લે તો સેંકડો મજૂરો પૂરું અનાજ પામે; અને તેથી શેઠિયાઓની મોટર બંધ રહેવાની નથી.' સનાતને ગરીબ મજૂરોનો પક્ષ લીધો.

જેની પાસે પૈસો નથી તેને પૈસાની કિંમત સમજાતી નથી. પાઈ પણ ન બચાવનારને નફોતોટો સરખો જ છે. પરંતુ લાખો રૂપિયાનો સંચય કરનાર સહજ જાણે છે કે એક પાઈની બચત એ ભવિષ્યના લાખો રૂપિયા સંઘરવાનો માર્ગ ખુલ્લો કરી આપે છે. એક બદામના નફા ઉપર લાખોનો સંગ્રહ રચાય છે. ધનવાનો એ સત્યને સારી રીતે પિછાને છે એટલે જ તેમનાથી એક પાઈ સરખી પણ ફેંકી દેવાતી નથી. એટલા જ કારણથી બદામ જેટલો નફો પણ જતો કરતાં તેમનું લોહી ફટકી જાય છે. પાઈ ફેંકવાની વૃત્તિમાંથી આર્થિક વિનાશની જવાળા ફેલાય છે એમ ધનિકો માને છે, એટલે તેઓ પાઈને પ્રિયતમા જેટલા વહાલથી - તેથીય વધારે વહાલપૂર્વક પકડી રાખે છે. એ પાઈમાંથી પૈસાનું ઝાડ ઊગે છે, અને એ ઝાડમાંથી ધનિકોને લણવા માટે રૂપિયા ખરી પડે છે. સનાતનની પાસે પૈસા ન હતા; હજી તેણે નફો કરવા માંડ્યો ન હતો. તેને પાઈ કે બદામમાં રહેલું સામર્થ્ય શી રીતે સમજાય ?

સનાતનના આવા ઉદ્દગારથી મિસ્ત્રીને નવાઈ લાગી. મિસ્ત્રી જાણતો હતો કે સનાતન શેઠાણીને ભણાવવા જાય છે. મજૂરોની વિરુદ્ધ બોલવાની લાલચ પણ મિસ્ત્રીને આ જ કારણે થઈ હતી. મજૂરોના લાભની વાત સનાતન કરશે એમ તેને લાગ્યું ન હતું. તે આશ્ચર્ય પામી બોલ્યો :

'વાહ, વાહ ! શેઠિયાઓ એટલું સમજે તો પછી જોઈએ શું માસ્તર ! અમે તો અમારાં હાડકાં દળી નાખીએ છીએ અને લોહીનું પાણી કરી, નાખીએ છીએ ત્યારે માંડ સૂકો રોટલો ખાવા મળે છે.'

'મદનલાલ શેઠની મિલે તો ઘણો નફો આપ્યો છે. તમને એ નફામાં શા સારું ભાગ ન મળે ? તમારી મહેનત ન હોય તો એમને નફો ક્યાંથી મળે?' નફામાં રહેલું મજૂરીનું મહત્ત્વ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ સનાતને મિસ્ત્રીને સમજાવ્યું.

'પણ એવું કરે કોણ ? શેઠિયાઓના મહેલ અને મોટર પછી જતાં રહે ને !' મિસ્ત્રીએ કહ્યું.

‘કાલે શેઠને વાત કરી જોઈશ.' સનાતને કહ્યું.

આ ભાવનાશીલ યુવક ભૂલી ગયો કે તે પોતે મિસ્ત્રીની માફક શેઠનો નોકર હતો. મિસ્ત્રીની મહેનત અને આવડતની માફક તેની મહેનત અને આવડત. પણ શેઠે વેચાતી રાખી હતી. બીજા મજૂરોની માફક સનાતન પણ પગાર મેળવતો હતો. ફેર એટલો જ કે મજૂરોની મુખ્ય મહેનત, અંગમહેનત હતી અને સનાતનની મહેનત મગજની મહેનત હતી. મહેનતના પ્રકારફેર સિવાય મજૂર અને સનાતનમાં ઝાઝો ફેર નહોતો. આ સ્થિતિમાં શેઠ જેવા ઘડાયેલા ધનિક સનાતનની ધૃષ્ટતાભરી સલાહ ચલાવી લેશે કે કેમ તેનો પણ એને ખ્યાલ આવ્યો નહિ.

'પણ કાલે જ હડતાલ છે. શેઠે આજ કશો જવાબ ન આપ્યો.' મિસ્ત્રીએ મજૂરોનો નિશ્ચય જણાવ્યો. 'કાલનો દિવસ હડતાલ બંધ રાખો તો ?' સનાતને પૂછ્યું.

મિસ્ત્રીએ સનાતનની બુદ્ધિનો વિચાર કર્યો; શેઠ અને તેમનાં પત્ની સાથેના સનાતનના સંબંધનો વિચાર કર્યો, આજે જ હમણાં શેઠાણી સનાતનને પોતાની મોટરમાં મૂકવા આવેલાં મિસ્ત્રીએ જોયાં હતાં. સનાતનના કહેવા ઉપર વિશ્વાસ રાખવાનું મિસ્ત્રીને મન થયું.

મિસ્ત્રીનું માન મજૂરવર્ગમાં ઘણું ભારે હતું. જૂના વખતથી પ્રામાણિકપણે કામ કરતા આ કારીગરે મજૂરવર્ગની અનેક ઊથલપાથલો ભાળી હતી. જોરજુલમથી, લાલચથી, ગામડામાંના પકડાઈ આવતા મજૂરોને તેણે જૂની ઢબે કેળવ્યા હતા. શહેરમાં વધારે પગાર મળવાની લાલચે દેખાદેખીથી મિલમાં ઘસડાઈ આવતા મજૂરોની તેણે દયા ખાધી હતી, સારાં કપડાં પહેરવાની ટેવ પાડતા મજૂરોને જોઈ તેણે નિઃશ્વાસ નાખ્યા હતા; નાટકસિનેમા જોવા જતા મજૂરોને તેણે ઘણી શિખામણ દીધી હતી. દારૂની લતમાં પડતા મજૂરોનો તો તે કાળ હતો. તેનું ચાલે ત્યાં સુધી દારૂ પીનારની તે એટલી કફોડી સ્થિતિ કરી મૂકતો કે કાં તો તેવા મજૂરને મિલ છોડવી પડતી, અગર દારૂ છોડવો પડતો. પરંતુ તેમ છતાં દારૂ પીનારા વધ્યે જતા હતા એમ થોડા વખતથી તેણે લાચારી સાથે અનુભવ્યું હતું. અને જ્યારથી સ્ત્રીમજૂરે મિલમાં મજૂરીની શરૂઆત કરી ત્યારથી તો તેણે પોતાને કપાળે હાથ દીધા : મજૂરોને શિખામણ આપવી મૂકી દીધી.

તોય મિસ્ત્રીનું માન ભારે હતું. તેમનો બોલ ઉથામવો અશક્ય હતો. પોતાની જવાબદારી મિસ્ત્રી સારી રીતે સમજતા હતા. તેમણે જરા વિચાર કરી જવાબ આપ્યો :

'ચાલો ત્યારે, કાલે હડતાલ ઉપર લોકો નહિ ઊતરે, હું સમજાવીશ. પણ તે એક શરતે : તમારે શેઠને વાત કરવાની.'

સનાતને હા પાડી અને મિસ્ત્રી જરા ખુશી થઈ ઊઠ્યો.

નાનીશી, ઓછા ભાડાની ઓરડીમાં સગડી સળગાવી સનાતને રસોઈ શરૂ કરી. એકલા માણસને રસોઈ કરવી મુશ્કેલ નથી. ચિતરંજનની સોબત પછી તેને જાતમહેનત માટે માન ઉત્પન્ન થયું હતું. બંધુભાવની બાંગ પોકારવા ઇચ્છનાર યુવકે એકે કામથી કંટાળવું જોઈએ નહિ - રસોઈથી પણ નહિ.

શેઠને કેવી રીતે સમજાવવા તેની યોજના ઘડતો સનાતન પુસ્તક બાજુએ મૂકી આડો પડ્યો. નીચે ચાલના ચૉકમાં મિલમજૂરો ભેગા મળી કંઈક ગાતા સંભળાયા. ગીત પ્રથમ તો ધીમું શરૂ થયું, પરંતુ ધીમે ધીમે તેમાં અવાજ પુરાવા લાગ્યા અને સનાતને સ્પષ્ટ ગીત સાંભળ્યું.

[૧]ચાલ્યો તે તો શહેરમાં કોડે હો !
ભલા શાને ગામડું છોડે ?
અલ્યા શું ઉતાવળો દોડે હો ?
ફૂટ્યું ભાગ્ય શાનો ફોડે ? - ચાલ્યો.

શહેર મંહી મિલ મેલડી ફૂંકે ધૂમના ગોટેગોટ;
હૈયે ભર્યો અંગાર, રખે તને લાગસે એની ચોટ.

એને જોઈએ માણસ ખાવા,
ઉનાં ઊના લોહીમાં નાવા - ચાલ્યો.

વીજાળિયાં કંઈ ગાડાં દોડે, કચરે માનવી રોજ;
દોડતાં ના'વું, દોડતા ખાવું, દોડતાં સૂવું એ મોજ !

ઘડી ના બેસાય પગને વાળી
બધી મોજ મૂકી બાળી ! - ચાલ્યો.

મોટા મોટા મહેલ ઊંચે કરતા વાદળ સાથે વાત,
તો ય તસુ તને ભોંય મળે નહિ, ભિડાય તારી જાત.

માથાં પગ ભીંતે અડકે,
સુવું પડે કાં તો સડકે - ચાલ્યો.

રસ્તા પહોળા ને હૈયાં ટૂંકાં પોસાય ના મહેમાન;
સગું વહાલું ભૂલચૂકથી આવ્યું; નીકળી જાયે જાન.

બધા જીવ બલિયલ પાપી,
પરોણાગતને ઉથાપી - ચાલ્યો.

નાટક, ખેલ, સિનેમા ને સટા હોટલી ખાણાં ને ચહા,
ઊજળા ઠગ ને હસતી વંત્રી જોઈએ તો શહેરમાં જા !

રોગે પછી રોજ તું સડસડજે;
વિના મોતે એક દિ' મરજે - ચાલ્યો.

ખેતર ઝુંપડી ગામડું છોડી શહેરમાં ખોળે સુખ !
ભૂલ્યા ! ન સમજે શહેરને લાગી બ્રહ્મરાક્ષસની ભૂખ.

તને કાચો કાચો ગળશે !
તો ય એની ભૂખ ન ટળશે. - ચાલ્યો

સનાતનને આ ગીતમાં રસ પડ્યો. મજૂરોની દ્રષ્ટિએ દેખાતી શહેરની એક બાજુ શું વિચારવા સરખી નહોતી ?


  1. રાહ : મારે ઘેર આવજો માવા.