પત્રલાલસા/વ્યવહાર

વિકિસ્રોતમાંથી
← બુલબુલનો ભૂતકાળ પત્રલાલસા
વ્યવહાર
રમણલાલ દેસાઈ
૧૯૩૧
સૂનાં સિંહાસન →



૧૨
વ્યવહાર

બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે !
આધાર સૌને સહુનો રહ્યો ક્યાં !
કલાપી

રફીકે કરેલો જખમ જલદી રૂઝાય એમ નહોતું. સનાતન બુલબુલની કથની ઉપર વિચાર કર્યો જતો હતો, અને ભલો નિશાળિયો મટી જગતનો અનુભવી બનતો હતો. ચિતરંજનની વિચિત્ર અને અનિયમિત રીતભાતથી તેને આનંદ થતો અને મેનાની સારવારથી તે પોતાનું ઘર પણ ભૂલી જતો.

બુલબુલે તેને રોજ ગાયન શીખવવા માંડ્યું. કંઠમાંથી સૂર કાઢવા એ કેટલું મુશ્કેલ છે તેની હવે તેને સમજ પડી. ભૂમિતિના સિદ્ધાન્તો રટવા એના કરતાં પણ રાગનું સ્વરૂપ રટવું તેને વધારે કપરું લાગ્યું. તે ગળામાંથી पનો સૂર કાઢવા જાય તો घ નીકળે. અગર સાતે સૂરમાંથી એકે સાથે ન મળે એવો જ કોઈ ધ્વનિ નીકળે. જે સહેલાઈથી અને સરળતાથી બુલબુલ ગાતી હતી તે સહેલાઈ અને સરળતાની પાછળ કેટલી મહેનત અને કેટલો અભ્યાસ સમાયાં હતાં તેનું તેને હવે ભાન થયું. તેની ખાતરી થવા લાગી કે સંગીત એ એક શાસ્ત્ર જ છે.

પતિતઆશ્રમની બીજી યુવતીઓ સાથે પણ તેને થોડો વધારે પરિચય થયો. અનીતિમાં ફસાયેલી, અનીતિથી કંટાળેલી અગર અનીતિનો માર્ગ ગ્રહણ કરવા તત્પર થયેલી અનેક સ્ત્રીઓનાં સંબંધમાં તે આવ્યો. તેની ખાતરી થઈ કે પાપીઓને પણ હૃદય હોય છે, અને તે હૃદય કદાચ જગતના શેઠ સદ્દગૃહસ્થો, શુષ્ક નીતિમાનો અગર દંભી ડાહ્યા પુરુષો કરતાં વધારે કુમળું હોય છે.

તેનો મિત્ર એક-બે વખત આવીને તેને મળી ગયો. સ્ત્રીઓથી ભરેલા ઘરમાં એક યુવાને રહેવું એ પાપમાં અચૂક પડવા જેવું છે એમ તેને લાગ્યું, અને સનાતનને તેણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે જણાવ્યો પણ ખરો.

ચિતરંજને એક વખત હાજર હતો. તેનો દેખાવ જોઈને પેલા મિત્રને લાગ્યું કે ખરેખર આ બદમાશની સોબતમાં સનાતન બગડતો જાય છે. ચિતરંજનને દુનિયાની પરવા ન હતી. તે કેવો દેખાય છે, તે સામા માણસ ઉપર કેવી અસર કરે છે, તેનો વિચાર કરવા તે કદી અટકતો નહિ. સનાતનના વિદ્વાન મિત્રને તેણે એક વખત પાપ સંબંધી વાર્તાલાપમાં ઘણો જ ચમકાવ્યો :

'હું તો પાપને માનતો જ નથી. પાપ જેવી વસ્તુ જ દુનિયામાં નથી, તમારા જ નીતિવેત્તાઓની બીકણ કલ્પના સિવાય પાપને રહેવા માટે બીજું સ્થાન જ નથી.' ચિતરંજને કહ્યું.

'છેક એમ તો કેમ કહેવાય ?' પેલા મિત્રે જવાબ આપ્યો. 'કોઈ પણ ખોટું કામ કરવું એ પાપ જ છે.'

‘કબૂલ કરું છું. અને તમારાથી જરા આગળ વધું છું.' ચિતરંજને જણાવ્યું. ‘ખોટું કામ કરવું એમાં કશું જ પાપ નથી, પરંતુ ખોટું કામ કરી તેને છુપાવવું એનું નામ પાપ. નહિ તો ખોટું કામ કોને કહેવું અને કોને નહિ એ પણ એક ન સમજાય એવો પ્રદેશ છે.'

'ખોટું કામ ન સમજાય એવું હોત તો તમારાં રાજ્યો કાયદા કરી ખોટાં કામને અટકાવત નહિ.' મિત્રે જણાવ્યું.

'રાજ્યોના પાયા લોહીથી પુરાયેલા છે, અને કપટના ચણતરથી રાજ્યોનાં બંધારણ રચાયેલાં છે. એ રાજ્યો પુણ્યને શું સમજે ? પુણ્યના પાયા ઉપર રચાયેલાં રાજ્યો તો હજી સ્વપ્નામાં જ દેખાય છે. માટે ખોટા ભ્રમમાં ન પડશો અને કાયદાની વાત જ ન કરશો. વકીલોની શબ્દજાળ, ન્યાયાધીશની ભ્રમજાળ અને ન્યાય ખોળનારાઓની દુઃખજાળ એનું જ નામ કાયદો.' ચિતરંજને જણાવ્યું.

પેલા મિત્રને લાગ્યું કે આ ગાંડા માણસને સમજાવવો એ અશક્ય વાત છે. તિરસ્કારથી તેણે પાપપુણ્યની ચર્ચા છોડી દીધી. સનાતન હસ્યો. ચિતરંજનને તે બરાબર ઓળખી ગયો હતો. આ હાસ્યથી પેલા મિત્રને લાગ્યું કે સનાતન આ દુષ્ટ વૃદ્ધ માણસની પૂરી અસર નીચે આવી ગયો છે. સનાતનના આત્મા માટે એક પ્રાર્થના કરી મિત્રે રજા લીધી, અને કોઈને ન કહેવાની શરતે પોતાના બીજા એક મિત્રને વાત કરી કે સનાતન ન બોલાય એવે સ્થાને રખડે છે, લફંગાઓની સોબતમાં ફરે છે, મારામારીમાં ઊતરી લોહીલુહાણ થાય છે અને બીજાને કરે છે.

બીજા મિત્રે શોકભરી મુખમુદ્રા બનાવી નિઃશ્વાસ નાખ્યો : 'પ્રભુ એને જેલથી બચાવે ! આમાંથી સનાતન કયે વખતે ફાંસીને લાકડે લટકે તે કોણ કહી શકે ?'

દિવસો જતાં સનાતનનો ઘા રુઝાવા લાગ્યો. ચિતરંજનનો પરિચય તેને અદૂભૂત રસમાં નિમગ્ન કરતો, અને તેની સંગતથી સનાતને એટલું બધું નવું જાણ્યું કે તે ચિતરંજન સરખી જિંદગી ગુજારવા તત્પર થયો.

‘તારી તબિયત હવે સારી થવા માંડી છે. તારે માટે હું કોઈ સારી નોકરીની ખોળમાં જ છું.' એક દિવસ ચિતરંજને સનાતનને જણાવ્યું.

'મારે નોકરી નથી કરવી. હું તમારી સાથે જ રહીશ અને પતિતોદ્ધારમાં મારી જિંદગી ગુજારીશ.' સનાતને જવાબ આપ્યો.

'તે દિવસે તો તું કહેતો હતો કે તારે એકદમ લક્ષાધિપતિ થવું છે. મારી સાથે રહ્યે પૈસો મળે એમ નથી.' ચિતરંજને કહ્યું. 'ઉપરાંત મારા જેવી જિંદગી ગુજારવાની હું તને સલાહ પણ નહિ આપું.'

'કારણ ?'

'કારણ એટલું જ કે પ્રથમ તો પથ્થર જેવું શરીર જોઈએ. તારું શરીર મારી જિંદગીની વ્યથા સહન કરી શકે એવું નથી. વજ્ર જેવું મન જોઈએ એ બીજી વાત. તારું મન તેવું નથી. તું ધારે તોપણ તારાથી લોહીવાળા હાથ નહિ થાય. કટાર ભોંકાશે નહિ ને તલવાર ઊપડશે નહિ. ફક્ત એક ગુણ છે: તું રડી શકે છે. પણ એટલું બસ નથી. હજી જગતનો અનુભવ મેળવ અને પછી જો મારા જીવનમાં રસ હોય તો આવજે.' ચિતરંજને જણાવ્યું. 'આશા રહિત જીવન થાય ત્યારે મને સંભારજે; ત્યાં સુધી નહિ.'

સનાતનને આ સલાહમાં સત્ય લાગ્યું. તેને હજી આશા અને ઉત્સાહ વળગેલાં હતાં. તે ધનવાન થવા માગતો હતો. ધનવાન બનીને તેને હજી મંજરીને દુઃખમાંથી ઉગારવી હતી. એ કાર્ય હજી શરૂ થયું નહોતું. પછી તે પૂરું કર્યા સિવાય બીજા માર્ગમાં જવું એ તેને કાયરતા લાગી. મંજરી પ્રથમ અને બીજું બધું પછી. એક વખત મંજરીના પગ પાસે લક્ષ્મીનો ભંડાર ઠલવાય ત્યાર પછી બીજું કાર્ય થાય ત્યાં સુધી કાંઈ જ નહિ.

પણ મંજરી ક્યાં ?

સનાતનના હૃદયમાં તે હજી એમ જ માનતો હતો કે મંજરી તેની ખાતર બેસી રહી છે. ધીમે ધીમે ધનસંચય કરી સનાતન લાવશે, તેના પગ આગળ મૂકી દેશે અને પછી સનાતનના દ્રઢ નિશ્ચય અને બીજા ગુણો ઉપર વારી જઈ તે એક સ્મિત કરશે, એટલે પૂરતો બદલો મળી જશે !

એ સ્મિત કદાચ પોતાનું વર્તુલ લંબાવે અને સનાતનના જીવનને તેમાં ભેળવી દે. મંજરી સનાતનની પણ થાય !

આવી આશા સનાતને કદી છોડી નહિ અને ચિતરંજનની સોબત છોડી તે ફરી જગતમાં ઝંપલાવવા તૈયાર થયો.

પણ મંજરી ક્યાં ?