પત્રલાલસા/શરમાળ પુરુષ

વિકિસ્રોતમાંથી
← કુસુમાવલિ પત્રલાલસા
શરમાળ પુરુષ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
પરિણીત મંજરી →




૨૦
શરમાળ પુરુષ

વહાલાની વાગે દૂર વાંસળી !
નાથ, આવો બોલો એક બોલ રે !
સ્નેહધામ સૂનાં સૂના રે !
નાનાલાલ

બહુ જ શરમાઈને સનાતને જણાવ્યું કે પોતે પરણેલો નહોતો. તેને સમજાયું નહિ કે પરણવાની વાત કરતાં શા માટે શરમાવું જોઈએ. કુસુમે લગ્નની વાત કરતાં શરમાઈ જતાં પુરુષો જોયા જ નહોતા. તેનો પતિ તો વધારે વાર લગ્ન કરવાથી તેમાં રહેલી મનોહર શરમ વીસરી જ ગયો હતો. એટલે સનાતનના મુખ ઉપર પ્રગટી નીકળેલો આ સુંદર શરમનો શેરડો કુસુમને ઘણો જ ગમ્યો. તેણે આગ્રહ કર્યો કે જ્યારે મુંબઈમાં કોઈ જ તેનું હોય નહિ તો સનાતને આ બંગલામાં જ રહેવું.

સનાતને કુસુમનો ઉપકાર માન્યો, પરંતુ એ બંગલામાં રહેવાની આનાકાની કરી.

'મને એકાંત બહુ પ્રિય છે. દિવસનો કેટલોક ભાગ હું મારા ખાનગી અભ્યાસમાં અને વિચારમાં ગાળું છું.'

'એવું એકાંત તમને અહીં મળી શકશે.' કુસુમે જવાબ આપ્યો.

'બંગલો ઘણો મોટો છે.'

'પરંતુ જમવું અને સૂવું મને કોઈને ત્યાં ફાવતું જ નથી. બીજે મને બહુ જ અતડું લાગે છે.' સનાતને જવાબ આપ્યો. કુસુમ પણ વિચારમાં પડી.

આગ્રહ કર્યા છતાં પોતાના બંગલામાં રહેવાની આનાકાની કરનાર આ વ્યક્તિ પ્રથમ જ તેના જોવામાં આવી. ઘણા આગ્રહ વગર જ રહેતા; કેટલાક બંગલાનો ભાગ માગી લેતા; અને આ યુવક પોતાનો આગ્રહ છતાં રહેવાની ના પાડે એ વિચિત્ર હતું. કુસુમને લાગ્યું કે પોતાનો બંગલો મોટો છે એમ અભિમાનભર્યા સૂચનથી સનાતનને કદાચ ખરાબ લાગ્યું હોય. ભણેલાઓની સ્વમાનની લાગણી તેને ગમી.

'બંગલો તમારો જ માનીને રહો. હું તમને બધી સ્વતંત્ર ગોઠવણ કરી આપીશ.'

'જી, હું થોડા દિવસ આપને શીખવીશ, અને પછી આપને મારું શીખવવું ગોઠી જાય તો હું આપને ત્યાં રહેવાની તજવીજ કરીશ.' એમ કહી સનાતને પતાવ્યું.

પગારની વાત તો કુસુમે કાઢી જ નહિ. સનાતનને પણ લાગ્યું કે પગાર સંબંધમાં વાત કરવી એ હલકાઈનું લક્ષણ છે, એટલે તેણે રજા માગી.

કુસુમે તેને જવાની ન છૂટકે હા પાડી, અને સનાતન ત્યાંથી ચાલ્યો.

તેને આ ધનવાન સ્ત્રીનો સ્વભાવ સહજ વિચિત્ર લાગ્યો. સ્ત્રીઓને કેળવણી આપવી જોઈએ એમ સનાતનની પૂરી માન્યતા હતી. પરંતુ તેમની રસિકતા સંતુષ્ટ ન થાય તો શું પરિણામ આવે તેનો વિચાર તેણે કદી કર્યો નહોતો. કેળવણી સ્વતંત્રતા માગી જ લે છે અને એ સ્વતંત્રતા પરાપૂર્વથી ચાલી આવતી રહેણીકહેણી કરતાં કાંઈ નવીન, સુંદર અને આકર્ષક જીવન ઉપજાવે છે. એ જીવનમાં ચોખ્ખી કડક જૂની નીતિ પોતાની કડકાઈ સહજ બાજુએ મૂકે છે.

પરંતુ નીતિને ડર શો ? માટે કેળવણીથી પ્રાપ્ત થતી સ્વતંત્રતા નીતિને ન પોષે ? સનાતને આ પ્રયોગ પૂરો ઉતારવા નિશ્ચય કર્યો અને નિત્ય કુસુમને શીખવવા તેણે જવા માંડ્યું. ચિતરંજન ઘણે દૂર રહેતો હતો એટલે તેને ત્યાં દરરોજ જવું-આવવું ફાવે નહિ એ માટે તેણે એક જુદું મકાન રાખ્યું અને અઠવાડિયામાં એકાદ વખત ચિતરંજન પાસે જઈને તે પોતાની હકીકત કહેતો અને બુલબુલનું ગાન સાંભળી આવતો.

કુસુમનો અભ્યાસ બહુ ઝડપથી વધ્યે જતો હતો. શિક્ષક સારો મળવાથી અંગ્રેજી તેમ જ ગુજરાતી વાંચન બહુ રસભરી રીતે થતું. કુસુમ સનાતનને ઘડી ઘડી પોતાની પાસે રહેવા આગ્રહ કરતી હતી. પરંતુ કોઈ ન સમજાય એવી બીકને લીધે તે રહેવાનું કબૂલ કરતો નહિ.

મદનલાલને તો ઘરમાં રહેવાનો વખત ભાગ્યે જ મળતો. તેની પત્ની કુસુમ સનાતનની વિદ્વત્તાનાં ઘણાં જ વખાણ કર્યે જતી, છતાં ધનમદવાળા મદનલાલ તેનાં વખાણ સાંભળી 'એમ કે ?' 'વાહ !' 'બહુ સારું' એવા એવા જવાબો આપી પોતાની શ્રેષ્ઠતાથી નીચે ઊતરતા નહિ. પૂતળીનાં વખાણ કરતાં બાળકને જોઈ કોઈ મોટી ઉંમરનો મનુષ્ય બાળકને ખુશ રાખવા ખાતર તેના વખાણમાં સામેલ થાય એવો ભાવ મદનલાલ બતાવતા.

કુસુમે કેટલાંક વ્યાખ્યાન કર્યા; લેખો લખ્યા; કવિતાઓ પ્રગટ કરી, અને તે સર્વમાં તેને પ્રશંસા પ્રાપ્ત થઈ. ધનની કુસુમને પરવા ન હતી : તે તેની પાસે અખૂટ હતું એટલે તેને તેની નવાઈ નહોતી. પરંતુ તેના વ્યાખાનમાં કોઈ સુંદર વાક્યસમૂહ ઉપર તેને તાળીઓ મળતી ત્યારે તે કૃતાર્થ થઈ છે એમ માનતી. કોઈ કવિતાનાં વખાણ કરતું ત્યારે તેના હર્ષનો પાર નહોતો રહેતો. તેના લેખની માગણીઓ કરવામાં આવતી ત્યારે તેને ગર્વ થતો. પરંતુ આ સર્વેમાં સનાતનનો હાથ હતો એ તેનાથી ભૂલાતું નહિ. અને ધીમે ધીમે પોતાનાં વખાણ થાય કે તરત કહેતી : 'જુઓ સનાતન ! તમે સુધાર્યા પ્રમાણે કવિતા મોકલી ત્યારે કેટલી વખણાઈ ?'

મદનલાલની પત્નીને મદનલાલ તરફ આકર્ષણ થવાના પ્રસંગો હતા જ નહિ અને તેમાં સનાતન આવતાં તેની વિદ્વત્તા, રસિકતા, સૌન્દર્ય અને મનને ગમે એવી શરમનો પરિચય થતાં તેમને સનાતનની જ રઢ લાગી.

કુસુમને સનાતનની લાગેલી રઢ અનેક સ્વરૂપે વ્યક્ત થતી. સનાતનને ખુશ રાખવા તે પોતાનો અભ્યાસ પણ બહુ જ સારી રીતે કરતી. સનાતનને પણ આ સ્વરૂપવાન યુવતીમાં ઘણી નવીનતા લાગી, અને તેની રીતભાત, બોલચાલ અને વર્તનમાં નિર્દોષ અને મનોહર ભાસતી સ્વતંત્રતા નિહાળી સ્ત્રીવર્ગ માટે તેને જે માન હતું તે. એકદમ વધી ગયું. પરંતુ તેનું હૃદય સર્વથા સરખામણીમાં પડેલું જ રહેતું.

એક દિવસ બપોર પછી શીખવવા માટે સનાતન આવી મદનલાલના બંગલામાં બેઠો. કુસુમ ઘરમાં નહોતી. મદનલાલ પણ નહોતા. તેણે પાછા જવા વિચાર કર્યો. પરંતુ ઘરમાંથી એક નોકરે જણાવ્યું કે બાઈસાહેબ તેને બેસવાનું કહી ગયાં હતાં. સનાતન બેઠો અને વિચારમાં ઊતરી પડ્યો.

એના વિચારમાંથી મંજરી કદી પણ ખસી નહોતી. તેણે પોતાનો પાછલો ઇતિહાસ સંભાર્યો. મંજરી અને કુસુમની તેણે સરખામણી કરવા માંડી. સાથે સાથે અંધ બુલબુલ પણ સાંભરી. એકનું હૃદયમાધુર્ય, બીજીનું બુદ્ધિચાપલ્ય અને ત્રીજીનું કંઠસૌન્દર્ય એમ ત્રણેની વિશિષ્ટતા તેના મન આગળ તરી આવી. કયું વધારે સારું ? તેને શું વધારે ગમે ? હૃદયને પસંદ કરે કે બુદ્ધિને ? જગતમાં હૃદય તો ઘણાંનાયે સારાં હોય છે, પરંતુ બુદ્ધિની તીવ્રતા વિના સારાં હૃદય પણ વખત જતા અણગમતાં થઈ પડે છે ! પરંતુ મંજરીમાં બુદ્ધિ નથી એમ કોણે કહ્યું? અલબત્ત, કુસુમ જેવી મનોહર ભભક તેનામાં ન હતી. પરંતુ એ અટપટી નવીનતા સદાય સુંદર લાગે ખરી ? તેનો પણ કંટાળો આવે ત્યારે ? બહુ જ આગળ પડનારી બહુ જ બુદ્ધિમાન સ્ત્રીઓ ચોવીસ કલાક પોતાની શક્તિનું પ્રદર્શન કરે તો તેમના હૃદયની કુમાશ ભોગવવાનો અવસર ક્યારે ?

પરંતુ બુલબુલ બિચારી બહુ સારી અને સાદી હતી. તે ગાતી ત્યારે જગતમાં સ્વર્ગ ઊભું થતું. તેનું સંગીત સાંભળી પાવન થવાતું, પવિત્ર થવાતું. રાગદ્વેષ અને વિકારથી પર રહેલી કોઈ ભૂમિકામાં ઊંચકાઈ અવાતું. પરંતુ બુલબુલ કોણ ? એક પતિત અંધ અંબળા ! ત્યારે કુસુમ કોણ ? મદનલાલ સરખા ધનાઢ્ય ગૃહસ્થની પત્ની ! અને મંજરી ? સનાતનનું હૃદય પોકારી ઊઠ્યું : 'હા હા, એ જ મારી. એ જ મારી મંજરી.'

બહાર મોટરનો અવાજ સંભળાયો, અને સનાતન તેના જાગૃત સ્વપ્નમાંથી ચમકી સ્વસ્થ થયો. પારકી સ્ત્રીઓના વિચાર અને સરખામણી શા માટે તેણે કરવાં જોઈએ તે તેને સમજાયું નહિ. સ્ત્રીઓના સૌંદર્યનું પૃથક્કરણ શા માટે તેણે કરવું જોઈએ તે તે સમજી શક્યો નહિ પરંતુ તેનું પુરુષહૃદય તેની શરમ અને નીતિની કડક ભાવના સામે બંડ ઉઠાવવાની તૈયારી કરતું હતું તે વાત સનાતન સમજી શક્યો. તેને પોતાના ઉપર ચીડ ચઢી. ચઢે યા ના ચઢે, પરંતુ પુરુષહૃદય સ્ત્રી સૌંદર્ય પાછળ એક ભિખારીની માફક ઘસડાયા કરે છે એમ ધીમે ધીમે સહુ કોઈ સમજે છે. સ્ત્રીઓ સહુથી પહેલી સમજી શકે છે, પછી એ સૌંદર્ય હૃદયનું હોય, બુદ્ધિનું હોય કે શરીરનું હોય.

કુસુમ એકદમ ઓરડામાં દાખલ થઈ. સનાતનને જોતાં જ તેની આંખ હસી ઊઠી. હસતી આંખનો પડઘો આખા મુખ ઉપર પડ્યો, અને સ્મિતથી કુસુમનું મુખ ઊભરાઈ ગયું.

'આજે બહુ વાર થઈ ગઈ. માફ કરજો, સનાતન !' સનાતનની પાસે બેસતાં કુસુમે જણાવ્યું. 'વહેલા આવવાનું બહુયે ધાર્યું, પણ લોકો ઊઠવા દેતા નથી. મને લાગ્યું કે તમે તો ગયા હશો !'

'ના, જી.' સનાતને જણાવ્યું, 'હું જતો હતો, પણ આપના માણસે મને બેસવાનું કહ્યું.'

'એ બહુ જ સારું કર્યું. આજે કાંઈ વાંચવું નથી, બહુ મોડું થયું છે, વાતો જ કરીશું.' કહી કુસુમ ઊભી થઈ અને પાસના મેજ ઉપર પડેલા કાગળો લીધા. 'સવારથી ટપાલ પણ જોઈ નથી.' કહી એકેએક કાગળો ફોડવા માંડ્યા. કાગળોમાં એક નાનું પારસલ સુવ્યવસ્થિત રીતે આવેલું તેણે ઉઘાડ્યું. તેમાંથી એક છબી બહાર કાઢી. થોડી વાર તેણે છબી સામું જોયું અને સહજ ન જણાય એવી રીતે ભમ્મરો ઊંચી કરી તેને પાછી મેજ ઉપર મૂકી દીધી. સનાતને નજર કરી. નજર કરવી ન જોઈએ એમ સારા માણસો કહે છે પરંતુ મનુષ્ય સારી રીતભાત કઈ વખતે બાજુએ મૂકતો નથી ? મનુષ્યસ્વભાવ જ એવો છે. અને સનાતન તેના અપવાદ રૂપ નહોતો. નજર કરતાં જ તે ચમકી ઊઠ્યો. એ તો મંજરીની છબી હતી ! તેને ઘણી ઈચ્છા થઈ કે તે છબી માગી લઈને બરાબર જુએ. પરંતુ જેને તે પોતાની માનતો હતો તે મંજરીની છબી આ ઘરમાં કુસુમની પાસે માગી શકાય એમ નહોતું. વાચાળ પુરુષે કાંઈ બહાનું કાઢી છબી જોઈ લીધી હોત, પરંતુ શરમાળ અને સભ્ય સનાતન એવી અમર્યાદા બતાવી શક્યો નહિ. છબીમાં તેને મંજરીનો પૂરો ભાસ થયો, પરંતુ તે ખાતરી કેવી રીતે કરી શકે ?

એ બહાર બીજી મોટર આવતી સંભળાઈ. ક્ષણવારમાં મદનલાલ અંદર આવ્યા. તેમના મુખ ઉપર ઉતાવળ હતી. સુંદર ચિત્રો, સુંદર સરસામાન, અને સુંદર સ્ત્રી તેમને આકર્ષી શક્યાં નહિ. સનાતન શેઠને આવતા જોઈ ઊભો થયો, અને તેણે નમસ્કાર કર્યા. ઉતાવળથી સામું હસી, ઉતાવળથી નમસ્કાર ઝીલી શેઠ બોલ્યા :

‘વાચન ચાલે છે ? ચાલવા દો. હું હરકત નહિ કરું. તમારાં બહુ વખાણ કરે છે.'

એમ બોલી તેમણે આગળ ચાલવા માંડ્યું. કુસુમને આ ઉતાવળ ગમી નહિ.

‘તમે જરા બેસો તો ખરા !' કુસુમે કહ્યું.

'હું તરત પાછો આવું છું. જરા કામ છે. પછી હું બેસું છું.' શેઠે પોતાની પત્નીને વહાલથી જવાબ આપ્યો.

'પછી નહિ, હમણાં જ બેસો. હું તમારી મિલો ને ઑફિસોને એક દિવસ સળગાવી મૂકવાની છું. આ શો રઘવાટ ?' કુસુમે કહ્યું.

શેઠ સાહેબ કુસુમને સારું લગાડવા ખાતર હસ્યા. ખોટું હસવું સર્વદા કમકમાટ ઉપજાવે છે. કુસુમના મુખ ઉપર એ કમકમાટ સહજ ફરકી ગયો.

સનાતનને પણ લાગ્યું કે આટલા વહાલથી આગ્રહપૂર્વક બેસાડવા છતાં મદનલાલ બેસતા નથી એ બરોબર નહિ. શેઠ હસી અંદર ગયા. કુરુમે ભાગ્યે જ પરખી શકાય એમ મોં મચકોડ્યું અને ચઢેલા મોં સાથે કાગળો વાંચી બાજુએ મૂક્યા. અંદરથી કેટલાક કાગળો લઈ મદનલાલ પાછા ઓરડામાં આવ્યા.

કુસુમે આ વખતે તેમના સામું પણ જોયું નહિ અને તેમની સાથે વાતચીત પણ કરી નહિ. મદનલાલને લાગ્યું કે કુસુમને ખોટું લાગ્યું છે. એટલે બારણા સુધી જઈ પાછા આવી કુસુમ પાસે ઊભા. કુસુમે બીજી તરફ ફરી લખવાનું શરૂ કર્યું. સનાતનને લાગ્યું કે આ માનપમાનનો ખેલ પોતાના દેખતાં ભજવાવો ન જોઈ. એટલે તે ઊઠીને બહાર જવા લાગ્યો.

'સનાતન ! બેસો ને ! આપણે હમણાં ફરવા જઈશું.' સનાતનને જતો જોઈ કુસુમે કહ્યું. શેઠ મદનલાલને લાગ્યું કે કુસુમને ખરેખર સમજાવવી જ જોઈએ. તેઓ ફરી હસ્યા, અને કુસુમને ખભે હાથ મૂકી સમજાવવા લાગ્યા:

'જો, કુસુમ ! આજે હું અહીં બેસત, તારું વાચન સાંભળત અને આપણે બધાં ફરવા જાત, પરંતુ શું કરું ? જો કોઈ સારો માણસ મળે તો આ બધી જંજાળ જતી કરું. આજે બધી મિલોમાં હડતાલ પડી છે. મજૂરો વધારે પગાર માગે છે. હવે આપણી મિલમાં પણ એ જ તોફાન થવા સંભવ છે. મારે પાછા ત્યાં જવું જ જોઈએ, નહિ તો વાત હાથમાં નહિ રહે. તમારે ફરી આવવું હોય તો બીજી મોટર છે. હું એટલામાં પાછો આવું છું.'

કુસુમ બોલી નહિ. મદનલાલને મિલની ચિંતા હતી, પરંતુ મિલમાં બેકારી ઘટાડવા જતાં તેમના જીવનમાં બેકારી વધી જશે તેનો તેમને ખ્યાલ નહોતો. મિલ ચાલશે તો લાખો રૂપિયાની આમદાની થશે. કુસુમ નહિ બોલે તો શું નુકસાન ? એટલો વખત બચશે. મિલની સાચવણી થશે અને લાખો રૂપિયા જતા અટકશે. કુસુમ આજે નહિ બોલે તો કાલે બોલશે. ફુરસદના વખતમાં તેને મનાવી લેવાશે. બહુ સારા શબ્દો વપરાશે, જરૂર પડ્યે માફી મંગાશે. આવો કાંઈ વ્યવહાર-વિચાર મદનલાલના મનમાં ચાલતો હતો.

પરંતુ આવી બેદરકારીથી બંને હૃદયો કેવા જુદા જુદા પ્રવાહોમાં ખેંચાઈ જાય છે તેની આવા પતિને ખબર પડતી નથી. શરીર સાથે સાથે એક જ સ્થળે હોવા છતાં હૃદયનાં છેટાંનો પાર રહેતો નથી. પ્રત્યેક બેદરકારીએ બંને હૃદયો વધારે અને વધારે છૂટાં પડતાં જાય છે. ધનવાન અને બહુ કામમાં રોકાયેલા ગૃહસ્થોએ પત્નીની દૃષ્ટિનો વિચાર કરવા જેવો છે. જિંદગીની સહજ બેદરકારીનાં પરિણામ અણધાર્યા આવે છે.

અને તેમાં સનાતન સરખા મોહક યુવાન સાથે મૈત્રી થતાં કુસુમ સરખી યુવતીના, મદનલાલના સંસર્ગમાં દબાઈ કચરાઈ રહેલા હૃદયતરંગો મર્યાદા રહિત થઈ ઉછાળા મારે તો તેમાં કોનો દોષ ?

‘ત્યારે જઉ છું.’ કહી મદનલાલે જવા માંડ્યું.

'ઠીક.' કહી કુસુમે પ્રત્યુત્તર આપ્યો.

હવે સનાતન પણ જવા તૈયાર થયો.

'ચાલો, હું તમારી સાથે જ આવું છું. તમારા ઘર આગળ તમને મૂકી દઈશ અને પાછી આવીશ.' કહી કુસુમે મોટર મંગાવી. સ્ત્રીઓને સનાતન કદી અડક્યો નહોતો. તેને ભારે ડર લાગ્યો. મોટરમાં કુસુમની સાથે જ બેસવું પડશે તો શું થશે ? એ વિચારથી જ તે સંકોચાઈ ગયો. મોટરમાં બેસવા માટે અમુક જાતનું માનસિક વલણ જોઈએ : જગત તરફ તિરસ્કાર અને તોછડાઈ; પગે ચાલનાર તરફ દમામ અને દબદબા ભરેલી દયાવૃત્તિ; હવે બીજું કાંઈ જ દુનિયામાં મેળવવા જેવું રહ્યું નથી એવી માન્યતાવાળો સંતોષ; હાથ અને પગનો સુખમય વિસ્તાર; અને સાથે સ્ત્રી હોય તો કોઈની ટીકાને ન ગણકારતું છટેલપણું ? આટલાં વાનાની તૈયારી સિવાય મોટરમાં બેસી શકાતું નથી. આવું વાતાવરણ મોટર ઉત્પન્ન કરે છે કે કેમ એ પ્રશ્ન વિવાદગ્રસ્ત હશે, પરંતુ મોટરમાં બેસનાર સર્વને જોઈ સનાતનને એવો જ ખ્યાલ આવતો.

છતાં તેનાથી ના પાડી શકાઈ નહિ. મોટર આવતાં કુસુમ બહુ જ છટાથી અંદર બેસી ગઈ. દુઃખમાં આવી પડેલો સનાતન શૉફરની સાથે બેસવા ગયો, તેની આવી અતિશય સરળતા જોઈ કુસુમને હસવું આવ્યું. વિવેકી અને શરમાળ માણસો પોતાને માટે ખરાબમાં ખરાબ જગા પસંદ કરે છે, અને સારું સ્થાન બીજાઓ માટે રહેવા દે છે.

'ત્યાં ક્યાં બેસો છો ? અહીં આવો ને !' હસતી હસતી કુસુમ સનાતનની મુશ્કેલી વધારવા લાગી. મોટરમાં બેસવાથી ફેર આવે છે એવું બહાનું નીકળી શકતું હોત તો સનાતન જરૂર તેમ કહેત. પણ હવે તેનાથી કાંઈ જ બોલાય એમ નહોતું. કુસુમની સાથે તે બેસી ગયો.

બેઠકની પોણાભાગની જગા કુસુમ અને તેનાં સુશોભિત વસ્ત્રોએ રોકી દીધી હતી. બેઠકની એક બાજુએ, કિનારી ઉપર, અઢલ્યા સિવાય ટટારપણે બેઠેલા સનાતનને લઈ મોટર ઊપડી. કુસુમનાં લૂગડાંનો ઊડતો ભાગ એને અડકતાં સનાતન ચમકી ઊઠતો. માલિકની સ્વતંત્રતા, શોખીનની સરળતા, અને મસ્તીખોરના સ્વચ્છંદથી બેઠેલી, મોટરથી ટેવાઈ ગયેલી કુસુમના હાથપગ ક્વચિત્ સનાતનને અડતા અને તે વધારે ચમકી ઊઠતો. કુસુમે સનાતનની અસ્વસ્થતા પારખી લીધી. નવવધૂની વિચિત્રતા ઉપર હસતી કોઈ મોટી સાહેલીની માફક કુસુમને હસવું આવતું. છેવટે તેનાથી રહેવાયું નહિ અને તે ખડખડાટ હસી પડી. સનાતન ઝંખવાણો પડી ગયો. તેને કોઈ પણ પૂછવાનો સમય મળે તે પહેલાં તો ચાલતી મોટરે સનાતનનો હાથ પકડી, ખભો પકડી તેની મરજી વિરુદ્ધ ગાદીએ અઢેલી શકાય એમ તેને બેસાડી દીધો.

હસતે હસતે બેસાડતાં કુસુમ બોલી :

'અરે તમે તે કેવા માણસ છો ? મોટરમાં આમ બેસાતું હશે? કોઈ તમને ખાઈ જવાનું નથી. આમ આરામથી બેસી ને ?'