લખાણ પર જાઓ

પત્રલાલસા/કુસુમાવલિ

વિકિસ્રોતમાંથી
← પૈસાની શોધ પત્રલાલસા
કુસુમાવલિ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
શરમાળ પુરુષ →




૧૯
કુસુમાવલિ

જોઈ હસે મુજ આંખ, ઠરે મુજે આત્મન,
પ્રેમની ભરતી ચઢે;
દાખવ દેવી ! ઓ ! ભાખ સખી !
મુજ વલ્લભ એ કોણ? ક્યાંહી જડે ?
નાનાલાલ

કુસુમાવલિ બહુ રંગીલી હતી. તે પણ ધનવાન પિતાની પુત્રી હતી. ધન જોઈને મદનલાલની સાથે તેને પરણાવી હતી. કુસુમાવલિને વાંચવાનો ઘણો જ શોખ હતો. અંગ્રેજી નવલકથાઓ વાંચી શકે એટલો અંગ્રેજી અભ્યાસ તેણે કર્યો હતો. અંગ્રેજી તેમ જ ગુજરાતી વર્તમાનપત્રો નિયમિત રીતે તે વાંચતી. સારા ભાષણકારોને સાંભળવા સભાઓમાં પણ તે જતી, અને કોઈ દરખાસ્તને ટેકો આપવા જેટલું સભામાં બોલવાની પણ હિંમત કરતી.

વળી તેના શોખનો પાર નહોતો. કપડાંના રંગ તે જાતે જ પસંદ કરતી. પહેરવાની ઢબમાં હંમેશા કાંઈ અવનવું હોય જ. વાળ પણ જુદી જુદી લઢણના હોળતી. કબજાના કાપ પણ તેના દેહને ઓપે એવા પોતાની નવીનવી શૈલી પ્રમાણે તે કાઢતી. ઘરેણાં આછાં; પણ અતિશય મૂલ્યવાન અને જોનારની નજરે ચઢે એવી રીતે પહેરતી. રૂપગર્વિતાનાં સઘળાં લક્ષણો તેનામાં હતાં. પોતે સામા ઉપર પ્રભાવ પાડી શકતી હતી એમ તે બરાબર જાણતી હતી, અને ખરેખર સ્ત્રીઓ અને પુરુષો તેની છટાથી અંજાઈ જતાં.

વાતચીતમાં પણ તે એટલી જ દક્ષ હતી. તેનામાં સંકોચ ઘણો જ ઓછો થઈ ગયો હતો, અને જે કાંઈ સંકોચ તેનામાં દેખાતો તે તેની આકર્ષક શક્તિને વધારે છે એમ તે જાણતી ન હોત તો તે સંકોચ ભાગ્યે રહ્યો હોત. તે ઘણી વાચાળ હતી. તે હસી તેમજ હસાવી શકતી.

મોટરમાં તે નિયમિત ફરવા જતી. નાટક બધાં જ તેના જોયા વગર સફળ થતાં નહિ. સર્કસ અને સિનેમા તો જોયા વગર ચાલે જ નહિ. સાથે સાથે સારા સંગીતની પણ તે શોખીન હતી. તેને ગાતાં બહુ આવડતું નહિ, છતાં તે હારમોનિયમ વગાડતી અને પોતાને ખુશ કરે એવું ગાતી પણ ખરી.

મદનલાલ શેઠને ઘણાં કામો હતાં. તેમને ભાગ્યે જ ફુરસદ મળતી એટલે કુસુમ આખોય દિવસ એકલા જેવી જ રહેતી. મદનલાલ ઘેર આવે તો મિત્રો, આશ્રિતો અગર નોકરીથી વીંટળાયલા જ રહે. રાત્રે આવે ત્યારે થાકી ગયેલા હોય. કુસુમને મદનલાલના સૌંદર્ય ઉપર વારી જવાનું કારણ જરા પણ નહોતું, અને લગ્ન વખતે પોતાની નામરજી બતાવ્યા છતાં તેને લગ્નનો સ્વીકાર કરવો પડ્યો હતો. પરંતુ સહવાસને લીધે એક પ્રકારની સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે, અને એ સહવાસ ન તૂટે એવો છે એમ ખાતરી થયા પછી મન મનાવતાં મનુષ્યસ્વભાવ શીખી જાય છે. નોકર, પડોશી અને જાનવરને માટે પણ એક પ્રકારનું ખેંચાણ સહવાસને લઈને ઉત્પન્ન થાય છે તો પછી સાથે જીવતા સુધી ભાગ્ય જોડાયું હોય એને નભાવી લેવાની, તેના દોષો તરફ પડદો નાખવાની, સૌંદર્યરેખાઓ શોધી શોધી તેને વિચારવાની, અને સદ્ગુણોના જે કાંઈ રજકણો વેરાયેલાં પડ્યાં હોય તેમને મોટે રૂપે નીરખી આનંદ માનવાની ટેવ સ્ત્રી જાતિ ખીલવે તો તેમાં નવાઈ નથી.

એ ધોરણે મદનલાલને કુસુમ ચાહતી હતી. જોકે તેને કૌમારાવસ્થામાં જે પતિનાં સ્વપ્ન આવતાં તે સ્વપ્નાં મદનલાલે સાચાં પાડ્યાં નહોતાં; જે સંસ્કાર અને ઉચ્ચાભિલાષની કુસુમ પોતાના પતિમાં આશા રાખતી હતી તે તેને મદનલાલમાં જડ્યા નહિ; જે કુમળો, સોહામણો વિલાસ પતિમાં જોવાનો હક્ક દરેક પત્ની માગે છે તે તેને મદનલાલમાં દેખાયો નહિ, અને જે પત્નીઘેલાપણું પતિના હૃદયમાં ધડકતું સાંભળવા માટે પત્ની જીવ પણ કુરબાન કરી શકે છે તે ઘેલાપણું મદનલાલે કરી બતાવ્યું નહોતું.

છતાં કુસુમને મદનલાલ માટે પત્ની તરીકે સદૂભાવ હતો. ઘણી વખત તે મદનલાલને પજવતી. ઘણી વખત તેમના કામમાંથી રોકતી. વખતે બધાની અજાયબી વચ્ચે મદનલાલને તેમની મિલની ઑફિસમાંથી ઉપાડી જતી.

સનાતન આવ્યો ત્યારે મદનલાલની મોટર તૈયાર હતી. તેઓ કાંઈ જરૂરના કામે જવાના હતા. ચિતરંજનની ચિઠ્ઠી વાંચી સનાતન જેવો ગ્રેજ્યુએટ પોતાને ત્યાં નોકરી ખોળવા આવ્યો છે જાણી તેમને ક્ષમાયોગ્ય ગર્વ પણ થયો.

એટલામાં અંદરથી કુસુમ આવી. : 'અત્યારે કાંઈ જવું નથી. ગમે તેવું કામ હોય તોયે નહિ. કામ આપણા તાબામાં કે આપણે કામના તાબામાં ?' આમ બોલતી બોલતી અંદર પ્રવેશ કરતી કુસુમે જોયું તો શેઠ એક યુવકની સાથે વાતો કરતા બેઠા હતા. તે સહજ શરમાઈ. તેને ખાતરી જ હતી કે તેની શરમાવાની પદ્ધતિ અલૌકિક છે, અને તે સર્વનાં મન ખેંચે એવી છે. શેઠની પાસે મૂકેલી ખુરશી ઉપર તે બેસી ગઈ.

‘ચિતરંજન તરફથી ચિઠ્ઠી લઈ આ યુવાન ગૃહસ્થ આવેલા છે.' મદનલાલે કુસુમને કહ્યું. 'તેઓ ઊંચા પ્રકારના ગ્રેજ્યુએટ છે, અને ઘણાં સંસ્કારી છે એમ તેમનું લખવું છે.'

‘એમ કે?' કહી કુસુમે માત્ર સુંદર રીતે આંખ જ ફેરવી સનાતન સામું જોયું. સનાતને વિવેકથી નમસ્કાર કર્યા તે અત્યંત છટાથી કુસુમે ઝીલ્યા.

'મારે તો અત્યારે ગયા વગર ચાલે એમ નથી. ગવર્નર સાહેબે ખાસ મને બોલાવ્યો છે. માટે તું જ એમની સાથે વાતચીત કરી લે. મિ. સનાતન ! સેક્રેટરી મારે નથી જોઈતો, મારી પત્નીને જોઈએ છે. તેમની ભલામણ હશે તો હું જરૂર તમને મારે ત્યાં કામ કરવાની તક આપીશ. ચિતરંજને ભલામણ કરી છે એટલે વાંધો તો નથી જ.'

એમ કહી મદનલાલ જવા માટે ઊઠ્યા. કુસુમે ફરી કહ્યું :

'નહિ જાઓ તો નહિ ચાલે ?'

'ગવર્નરસાહેબે બોલાવ્યો છે પછી ચાલે ?' મદનલાલે જણાવ્યું.

'ગવર્નરને કોઈ ના પાડતું જ નહિ હોય ?' કુસુમે પૂછ્યું.

સનાતનને આશ્ચર્ય લાગ્યું. આવી ચબરાક સ્ત્રીને જોઈને તે વિસ્મય પામ્યો. પરંતુ મદનલાલ તો સહજ હસી ઊઠ્યા, અને તેમણે 'જલદી આવીશ' કહી ચાલવા માંડ્યું.

કુસુમ સહજ બેસી રહી. પછી તેણે સનાતન તરફ ફરી પૂછ્યું :

'આપનું નામ ?'

'જી, મારું નામ સનાતન !'

'આપને સાહિત્યનો શોખ છે ?' કુસુમે પૂછ્યું.

'કૉલેજમાં એ જ મારો વિષય હતો.'

'મારે ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનો આગળ અભ્યાસ કરવો છે.'

‘મારાથી બનશે તે સહાય કરીશ. આપ એક વખત મને જણાવો કે આપનો અભ્યાસ ક્યાં સુધી છે ?' સનાતને જણાવ્યું.

'અંગ્રેજી નૉવેલો વાંચું છે. ગુજરાતી પણ સારી રીતે વાંચું છે. પણ કોઈ હવે સાથે વાંચનાર હોય તો વધારે ગમે. કલાપી અને ખાસ કરીને નાનાલાલ બરાબર સમજાતા નથી. વળી હું કાંઈ લખું છું પણ ખરી; પરંતુ એ સુધારવાની જરૂર લાગે છે. તમે જો મને બરાબર સહાય કરો તો મારો અભ્યાસ આગળ વધે. આવો ને અંદર ?' કહી કુસુમાવલિ ઊભી થઈ. સનાતન પણ ઊભો થયો, અને અંદર જતી સુંદરીની પાછળ દોરાયો.

કુસુમાવલિનો ઓરડો બહુ જ સુંદર રીતે શણગારેલો હતો. એક સુશોભિત સૉફા ઉપર તેણે સનાતનને બેસાડ્યો, અને કબાટોમાંથી સારાં પૂંઠાવાળી ચોપડીઓ કાઢી સનાતનને બતાવવા લાગી.

'હૃદયવાણી તો મેં વાંચી નાખી છે. કલાપી વાંચવો બહુ ગમે છે, પણ એની ગઝલો જરા પણ સમજાતી નથી. અને નાનાલાલની શ્રાવણી અમાસ બધા બહુ વખાણે છે, પણ મને તો સમજાતું જ નથી. પેલા કોણ ઊડ્યા? અને બંધુનો પગ કેમ લપસ્યો ?' હસતાં હસતાં કુસુમે જણાવ્યું.

સનાતનને પણ હસવું આવ્યું. તેને પણ સમજતાં વાર લાગી હતી તે પણ તેને યાદ આવ્યું.

'મારાથી બનશે એટલું સમજાવીશ.' સનાતને કહ્યું.

થોડી વારમાં તેણે ચોપડીઓનો ઢગલો કર્યો. પછી તેણે કેટલાંક ચિત્રો લાવી સનાતનને બતાવ્યાં. આ યુવતીની રસિકતા જોઈ સનાતન ચકિત થઈ ગયો. ચિત્રકામમાં હિંદુસ્તાન કેટલું પછાત છે તે સનાતનના ધ્યાનમાં હતું જ. ચિતરંજનના સમાગમમાં આવ્યા પછી કલા સંબંધમાં તેના વિચારો જુદા જ થઈ ગયા. ચિત્રપટ ઉપર માત્ર મુખસૌન્દર્ય જ બતાવી શકાય એમ તે કૉલેજમાં ભણતો ત્યારે તેની માન્યતા હતી. શરીરનો કોઈ બીજો ભાગ ચિત્રમાં મહત્ત્વ પામ્યો હોય ત્યારે તે આંખ મીંચતો. જગતની નીતિ માટે તેનું હૃદય ચણચણી ઊઠતું અને જોકે કલા અને નીતિના સંબંધ વિષે તેની ઉદારતા વધતી જતી હતી, છતાં કલાની અમર્યાદા માટેનો પોતાનો જૂનો અણગમો તે પૂરેપૂરો દૂર કરી શક્યો નહોતો.

અને જ્યારે રોમન અને ગ્રીક કલાકારોનાં શરીર સૌન્દર્યની મસ્તીમાં મશગૂલ બનેલાં કલ્પનાચિત્રો આ ધમકભરી યુવતીએ એક પછી એક બતાવવા માંડ્યા ત્યારે તે ચમક્યો. તેને કુસુમનો સહજ ડર લાગ્યો, પરંતુ તે તેણે વ્યક્ત કર્યો નહિ, અને ચિત્રોનાં વખાણમાં તે એટલો બધો ઊતરી પડ્યો કે કુસુમને તેની વિદ્વતા અને રસિકતા માટે માન ઉત્પન્ન થયું.

સનાતન જાતે ઘણો જ સુંદર હતો તેની તેને બહુ ખબર નહોતી; બહુ પરવા પણ નહોતી. તેનો સ્વાભાવિક શરમાળ સ્વભાવ તેને ટાપટીપમાંથી મુક્ત રાખતો, અને જોકે વગર ટાપટીપે તેનું સૌન્દર્ય ધ્યાન ખેંચતું, છતાં પણ તેનો શરમાળ સ્વભાવ તેના આકર્ષણને તેના લક્ષ ઉપર લાવવા દેતો નહિ.

કુસુમે જાણે આજથી જ તેની પાસે શીખવા માંડ્યું હોય એવો દેખાવ કર્યો. સનાતને કેટલીક કવિતા સમજાવી, અને કુસુમને તેમાં નવીન રસ લાગ્યો. સનાતનની સાથે જૂનું ઓળખાણ હોય, જાતે તે ઘરનો માણસ હોય એમ તેની સાથે વાતો કરવા માંડી. લગભગ બે કલાક સુધી કુસુમની સાથે વાત કરી સનાતન જરા અસ્વસ્થ થયો. તેને લાગ્યું કે જરૂર કરતાં તે વધારે વાર બેઠો છે, અને પ્રથમ જ પરિચયમાં જોઈએ તે કરતાં વધારે સહવાસ બતાવ્યો છે. કદાચ પોતાને માટે ખરાબ અભિપ્રાય થાય એમ તેને શંકા ઊપજી અને તેણે કુસુમને પૂછ્યું :

‘ત્યારે હવે હું રજા લઉં?'

કુસુમને નવાઈ લાગી.

'કેમ ? તમે અહીં નહિ રહો ?' કુસુમે પૂછ્યું.

આર્થિક ભેદ મનુષ્ય વચ્ચે મહાસાગર જેટલાં છેટાં પાડી દે છે; માનવબંધુઓ વચ્ચે હિમાલય જેવડી દીવાલો ઊભી કરી દે છે. સરળતાથી, નિખાલસપણે વાત કર્યો જતી કુસુમ ભૂલી ગઈ હતી કે સનાતન તો એક ગરીબ ગ્રેજ્યુએટ તરીકે તેને ત્યાં નોકર રહેવા આવ્યો હતો. વિદ્વત્તા પણ વેચાઈ શકે છે, અને વિદ્વાનોને પણ ખરીદી લેનાર ધનવાનો જગતમાં વસે છે એ વાત કુસુમના ધ્યાન બહાર હતી. તેને એ વાત ધ્યાનમાં આવી હશે તોપણ તેમાં તેને નવાઈ લાગી નહોતી. શીખવવા આવે તે પગાર માગે જ એમાં નવાઈ લાગવાપણું કશું જ નહોતું. તથાપિ બુદ્ધિની હરાજી કરી વધારે માગણી કરનારને તે સોંપી દેવા તૈયાર થયેલા સનાતનને પોતાની લાચારી ડંખ્યા કરતી હતી.

‘આપને મારું શીખવવું પસંદ પડતું હોય તો આપ નક્કી કરો તે વખતે દરરોજ હું આવું.' સનાતને જણાવ્યું.

ભૂલી ગયેલી કુસુમને યાદ આવ્યું કે સનાતન તો નોકરી માટે આવ્યો હતો. તેના મુખ ઉપર એ દુઃખભરેલી લાગણી અંકાઈ રહી હતી તે કુસુમે નિહાળી. અભિમાની, સત્તાની શોખીન કુસુમ સનાતનના મુખ ઉપરના આ ભાવ પારખી ગઈ. પોતે માલિક છે, અને આ સંસ્કારી, રસિક અને રૂપવાન યુવક પોતાના નોકર તરીકે રહેવા માગે છે એમ જાણી તે બીજા કોઈ પ્રસંગે કદાચ રાજી થઈ હોત, પરંતુ સનાતનની બાબતમાં તેને એ ઠીક ન લાગ્યું. તેને અનુકંપા ઉત્પન્ન થઈ. અતિશય સમભાવની લાગણીથી પ્રેરાઈ. સનાતનને ખબર ન પડે એવી રીતે તેણે પોતાની લાગણી વ્યક્ત કરી. 'હુંયે મૂર્ખી છું ને? કેટલી વારથી હું ત્રાસ આપ્યા કરું છું? પણ તમારી શીખવવાની ઢબ મને એટલી બધી ગમી કે મને ભાન પણ રહ્યું નહિ કે તમારા ઘરનાં માણસો તમારે માટે ખોટી થતાં હશે !'

'નહિ જી ! એમાં કાંઈ નહિ. મારે માટે રાહ જોનાર કોઈ જ નથી એટલે તે વિષે હરકત નથી.' સનાતને જવાબ આપ્યો.

‘તમે અત્યારે એકલા જ રહો છો?' કુસુમે પૂછ્યું.

'હા, જી. હું એકલો જ રહું છું. ઘણી વખત ચિતરંજનની પાસે પણ રહું છું.' સનાતને જવાબ આપ્યો.

'ત્યારે બધાંને ક્યારે બોલાવશો ?’ વાતોડી કુસુમ અણધારી અંગત બાબત તરફ વળી.

સનાતન હસ્યો. કુસુમ સહજ ખમચી. સનાતનનું સુંદર હાસ્ય તે જોઈ રહી.

'કેમ હસો છો? હું ધારું છું કે તમારાં લગ્ન તો થયા જ હશે ?' કુસુમે પૂછ્યું. તેનાથી સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યા વગર રહેવાયું નહિ.