પત્રલાલસા/પૈસાની શોધ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← મંજરીનું લગ્ન પત્રલાલસા
પૈસાની શોધ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
કુસુમાવલિ →
૧૮
પૈસાની શોધ

સોનું ધન, ધન રૂપું હો અબધૂત !
હીરા મોતી ઝવેર !
નાનાલાલ

લક્ષાધિપતિ થવાનો નિશ્ચય કરી મુંબઈ રહેવા ગયેલા સનાતનને પતિત સ્ત્રીઓ માટે સ્થાપેલા આશ્રમને સેવવો પડશે એમ કોણે ધાર્યું હશે ? પોતાની વિદ્વત્તા અને બુદ્ધિની ભારે કિંમત આપીને પણ તેમનો ઉપયોગ કરવા માટે જગત આતુરતાથી રાહ જોતું બેઠું હશે એમ દ્રઢતાથી માનતા સનાતને જોયું કે તેની વિદ્વત્તા અને બુદ્ધિની માગણી કર્યા સિવાય જગત બહુ જ આનંદથી પોતાનો માર્ગ કાપ્યે જતું હતું. લાખો રૂપિયા મંજરીને ચરણે ધરી તેને લાયક નીવડવાનો નિશ્ચય કરનાર સનાતન લફંગા અને વિષયી સ્ત્રી-પુરુષોના મહોલ્લામાં એક અજાણ્યા બદમાશનો ઘા સહન કરવાને સર્જાયો હશે એમ તેના સ્વપ્નમાં પણ નહિ આવ્યું હોય.

મંજરી તેને હવે ઘણી યાદ આવવા લાગી. બુલબુલનું ગાન તેને મંજરીના અવાજનું ભાન કરાવતું. તે જાતે અંધ બુલબુલની પાસે બેસી ગાન શીખતો; સંગીતનો આનંદ અનુભવતો; અને ધીમે ધીમે રાગતાલની બારીકી અને ઝીણવટભરેલી ખૂબીઓ સમજવા મથતો.

તેનો ઘા હવે તદન રુઝાઈ ગયો હતો. બુલબુલ પાસેથી પૂર્વ રાગની એક ચીજ શીખી તેને રટતો તે એકલો એક દિવસ બેઠો હતો, અને અચાનક ચિતરંજને આવી અંદર પ્રવેશ કર્યો.

ચિતરંજને સહજ નિઃશ્વાસ નાખ્યો. ભાગ્યે જ દિલગીરીને વશ થતા આ મહાઆનંદી પુરુષે તરત જ સનાતનને ખભે હાથ મૂક્યો અને એકાએક તેના તરફ જોતાં સનાતને ગાવું બંધ કરી દીધું.

'કેમ બંધ પડી ગયો ? હવે તને સમજાય છે કે ભૈરવીની કિંમત વધારે કે રોમન સામ્રાજ્યની પડતીની કિંમત વધારે ? માલકૌંસ સુંદર કે ભૂમિતિનો સિદ્ધાન્ત વધારે સુંદર ?' ચિતરંજને પૂછ્યું. 'સરખામણી ન થાય એવી વસ્તુઓને આપ સરખાવવા માગો છો ?' સનાતને જવાબ આપ્યો. સંગીતનો તે એટલો બધો અંધભક્ત નહોતો થઈ ગયો કે પોતાના ભણતર અને સંસ્કારને સંગીત સાથે સરખાવી તે વખોડી કાઢે.

'હું બરાબર સરખામણી કરું છું.’ વાદવિવાદમાં કદી પણ પોતાનો પરાજય ન સ્વીકારનાર વૃદ્ધે જણાવ્યું. 'જો, હવે તને પૂછીશ એટલે સરખામણી તનેય સમજાશે. ઈશ્વર તને બેમાંથી એક વસ્તુ પસંદ કરવા હુકમ કરે અને જણાવે કે કાં તો સોહિણી રાગ પસંદ કર, અગર તર્કશાસ્ત્રનો એક સિદ્ધાંત પસંદ કર. બેમાંથી એક મળશે; બંને નહિ મળે. તો કહે, તું શું પસંદ કરીશ ? સોહિણી કે સિદ્ધાંત ?'

સનાતન આ વિચિત્ર દલીલ સાંભળી હસ્યો, તેણે કબૂલ કર્યું કે તે સિદ્ધાંતનો ભોગ આપી સોહિણીને જરૂર પસંદ કરે.

ચિતરંજને ફરી તેની પીઠ થાબડી.

‘શાબાશ ! હવે તું દુનિયા બરાબર જોઈ શકશે. તમારી શાળાઓ અને પાઠશાળાઓમાં સંગિતરહિત અપાતું જ્ઞાન કેવું શુષ્ક અને જીવ વગરનું છે એ તું સમજ્યો ?' ચિંતરંજને પૂછ્યું.

અલબત્ત, વર્તમાન શિક્ષણની આ ખામી સનાતનને કબૂલ કર્યા સિવાય ચાલે એમ જ નહોતું.

‘હવે ત્યારે તું દુનિયામાં ઝુકાવ.' ચિતરંજને કહ્યું. 'તારે અઢળક પૈસો જોઈએ છે, નહિ ?'

'હા, હા. હાલ તો એ જ મારી મનોકામના છે.' સનાતને જવાબ આપ્યો.

'જો, તારી મનોકામના સફળ થાય એવો રસ્તો મેં ખોળ્યો છે. આ ચિઠ્ઠી લઈ તું દરિયા પરના બંગલા ઉપર જા. તારી બુદ્ધિ અને તારા સંગીત ઉપર વિશ્વાસ રાખજે. તને પોતાને નવાઈ લાગે એટલી મુદતમાં તું લાખો રૂપિયા કમાઈશ.'

સનાતનને તેણે કામઠેકાણું બતાવ્યું, ચિઠ્ઠી આપી, અને સાથે સાથે સૂચના આપી :

'સનાતન ! જોજે. સ્ત્રીઓથી સંભાળજે. દુનિયામાં ભારેમાં ભારે લાભ પણ સ્ત્રીની લતથી થાય છે અને તેવા જ ગેરલાભ પણ સ્ત્રીની લતથી થાય છે.'

સનાતન ખુશ થતો બતાવેલી જગાએ ગયો. ભારે બંગલાનો ઠાઠ જોઈ સનાતનને હસવું આવ્યું. તેને વિચાર આવ્યો કે ચિતરંજનને આ બધું ઓળખાણ ક્યાંથી હશે ? એ વિચિત્ર માણસની વિચિત્રતામાં તેને ઘણો જ વધારો થતો લાગ્યો.

બંગલામાં જઈ તેણે ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીનું માન પણ ઘણું જ હોય એમ જણાયું. સનાતનને તરત જ અંદર બોલાવવામાં આવ્યો.

માલિકને જોઈ સનાતનને લાગ્યું કે પૈસો સાથેસાથે આવું કદરૂપાપણું લાવતો હોય તો તે બિલકુલ ન જોઈએ.

‘તમને ચિતરંજને મોકલ્યા ?' બંગલાના માલિકે પૂછ્યું.

'હા. જી.'

'તમે ગ્રેજ્યુએટ છો, ખરું ?' તેમણે પૂછ્યું. તેના પૂછવા પાછળ રહેલો દમામ સનાતનને ગમ્યો નહિ. એટલે તેણે હા કહી પતાવ્યું.

શેઠ પોતે ગ્રેજ્યુએટ નહોતો, છતાં ગ્રેજ્યુએટો તેની પાસે નોકરી અર્થે આવે છે એ ગૌરવ તેઓ કદી ભૂલી શકતા નહિ. મદનલાલ શેઠ પાસે અઢળક પૈસો હતો. તેમના દાદાએ મુંબઈ આવી, પોતાની આવડત અને અક્કલનો ઉપયોગ કરી, નાની સરખી ગુમાસ્તાગીરીમાંથી આગળ વધી, સારી આબરૂ અને મિલકત સંપાદન કર્યા હતાં. મદનલાલના પિતાએ પણ, પોતાના પિતાને પગલે ચાલી મિલકત અને આબરૂ સાચવી રાખ્યાં; એટલું જ નહિ પણ તેમાં ઘણો વધારો કર્યો. ચાર મિલો ધમધોકાર ચાલતી હતી. બીજી આવડતોમાં અને લેણદેણમાં પોતાની શાહુકારીને બાધ ન આવે એવી રીતે પ્રમાણિક ગણાઈ તેઓ મિલકત વધાર્યે ગયા.

છતાં એક વાતનું તેમને ઓછું આવતું. શેઠશાહુકારો અને વેપારી મંડળમાં તેમનું માન અતિશય સચવાતું, પરંતુ સરકારી નોકરો આગળ તેમનું જોઈએ તેવું માન રહેતું નહિ એમ તેમને લાગ્યા કરતું. ગવર્નર પાર્ટીઓમાં તેમને આમંત્રણ થતાં, પરંતુ અંગ્રેજ કાઉન્સીલરો અને ન્યાયાધીશો આગળ તેમને દબાઈ જવું પડતું. કોઈ પણ સારા કામમાં ફાળો ભરાવવો હોય ત્યારે બહુ જ મીઠાશથી અમલદારો તેમને ઘેર જઈ, અતિશય વિવેક વાપરી, તેમની પાસેથી સારી રકમ કઢાવતા; પરંતુ કોઈ સભામાં અમલદારને આગળ બેસાડવા માટે પોતાની ખુરશી ખાલી કરી આપવાનો વિવેક કરવો પડતો ત્યારે તેમના જીવને ઘણું જ દુઃખ થતું. પોતે ધારે તો એક અમલદારને પણ પોતાનો પગારદાર નોકર બનાવી શકે એટલું ધન તેમની પાસે હતું. પરંતુ તેમ છતાં કોઈ બસો-પાંચસોનો પગાર પામતા પોલીસ અમલદારના ઉપયોગ માટે પોતાનાં વાહનો મોકલવા પડતાં ત્યારે તેમને એમ થઈ આવતું કે પોતે આટલા ધનના માલિક ન હોત અને આવા અમલદાર હોત તો કેવું સારું ? તેઓ બની શકે તો પોતાની સ્થિતિની અદલાબદલી પણ કરવા તૈયાર થાય. પરંતુ પોલીસ કમિશનર કે ન્યાયાધીશ થવું અને ધનવાન શેઠ બનવું એ બેમાં જુદા પ્રકારની જ આવડતનો ખપ છે.

તેમની ખાસ ઈચ્છા એ હતી કે પોતાનો મદનલાલ વિલાયત જઈ ખૂબ ભણી આવે, સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી કોઈ કલેક્ટરનો અધિકાર ભોગવે. બેરિસ્ટર થઈ ન્યાયાસન ઉપર વિરાજમાન થાય. અગર છેવટે બીજું કાંઈ નહિ તો સારો ઝભ્ભો પહેરી કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર છાપ પાડતો પ્રોફેસર પણ થાય તો પોતાની મિલકત સફળ થઈ ગણાય.

પરંતુ મદનલાલથી પોતાના પિતાની એ ઇચ્છા સફળ કરી શકાઈ નહિ. બેત્રણ પેઢીથી સુખ-વૈભવમાં ઊછરેલાં કુટુંબો વિદ્યાભ્યાસને પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરે છે. પૈસાદારોને સામાન્યવર્ગ કરતાં ગરમી વધારે લાગે છે તેમ શરદી પણ વધારે લાગે છે. મહેનત અને થાક તેમની સામે એટલાં અથડાયાં કરે છે કે આરામની ઝંખના વધી જાય છે, અને આરામની શોધખોળમાં વિદ્યાભ્યાસ વીસરાઈ જાય છે.

મદનલાલને તૈયાર કરવા માટે એક નિશાળ ચલાવી શકાય એટલા શિક્ષકો રાખવામાં આવ્યા હતા; વિલાયત મોકલી બહુ જ બાહોશ રક્ષકના હાથતળે તાલીમ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ બેરિસ્ટર કે બી.એ. તો ન થયા, પરંતુ સિગાર-ચિરૂટની આદત ઉમેરતા ચાલ્યા. કપડાં વખત વખતનાં કેવી સફાઈથી પહેરવાં જોઈએ તેનો એમને અંગ્રેજો કરતાં પણ વધારે સારો ખ્યાલ હતો, સભ્ય સમાજમાં કેમ બોલવું બેસવું વગેરે શિષ્ટાચાર તેઓ ઘણો જાણી લાવ્યા. વિલાયતથી આવ્યા બાદ તેઓ અમુક ઢબે હસતા. અમુક પ્રકારની મશ્કરી વખતે હસતા હોઠનો ડાબો ભાગ અમુક હદ સુધી જ વધવો જોઈએ, જમણી બાજુએ હસવું હોય તો કટાક્ષનો પ્રકાર જુદો જ હોવો જોઈએ, અને બંને બાજુથી હોઠને વિકસાવવા માટેની બોલી કઈ હશે તે તેઓ જ્યારે તેવા પ્રકારનું હાસ્ય કરે ત્યારે જ સમજાતું. જમતી વખતે હોઠના ખૂણા અમુક ડિગ્રી સુધી જ દોરી શકાય એમ તેમણે ભૂમિતિ ભણીને સિદ્ધાંત સ્થાપ્યો હતો. આમ તેઓ કોઈ વિષયમાં પ્રવીણ તો ન થઈ શક્યા, પરંતુ સારી રીતભાત, સભ્યતા અને શિષ્ટાચારનો સુંદર ઓપ તેમના ઉપર ઓપાયો. તેઓ શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી બોલતા થયા, અને સારા અમલદારો સાથે છટાથી વાત કરતા થયા એટલો જ સંતોષ વાળી મદનલાલના પિતા ગુજરી ગયા.

ધન અને સ્થૂલતાને કોણ જાણે કેમ પણ કાંઈ ગાઢ સંબંધ હોય એમ જણાય છે. સ્થૂલ માનવોની વસ્તીગણતરી કરી, આંકડા તારવી કાઢી હજી કોઈએ કે આ વિષયનો શાસ્ત્રીય રીતે અભ્યાસ નથી કર્યો, પરંતુ વૈદક અને સમાજશાસ્ત્રના અભ્યાસીઓએ આ પ્રશ્નનો ખાસ વિચાર કરવા જેવો છે.

મદનલાલના પિતા પણ સ્થૂલ હતા અને માતા પણ તેવાં જ હતાં. મદનલાલે પોતાનાં માતાપિતાનો એ ગુણ પ્રથમથી જ ગ્રહણ કર્યો હતો. અને તેમાંયે પિતાના ગુજરી ગયા પછી બાપના કરતાં સવાઈ કરનાર ભાગ્યશાળી પુત્રનું માન પામવા તેમની ઇચ્છા હોય એમ તેમનું શરીર તેમણે ઘણું જ વધારી દીધું. અસલથી બહુ સુંદર તો હતા જ નહિ, શ્યામ રંગમાં ઘણા મનુષ્યો સોહામણા લાગે છે. પરંતુ મદનલાલની ચપળ અને ચાલાક આંખો સિવાય તેમના મુખને આકર્ષક બનાવે એવું સમપ્રમાણ તેમના ઘડતરમાં ઘડાયું નહોતું, અને જે કાંઈ સમપ્રમાણ રહ્યું હશે તે પાછલા ભાગમાં ઘસાઈ ગયું.

અત્યારે ચાળીસેક વર્ષની તેમની ઉમર હતી. તેમનાં બે પત્ની તેમની ત્રીસ વર્ષની ઉંમર થતામાં ગુજરી ગયાં હતાં અને એક વર્ષથી તેમણે ત્રીજી વારનું લગ્ન કર્યું હતું. તેમનાં ત્રીજી વારનાં પત્ની કુસુમાવલિ તેમને ગમ્મતમાં જણાવતાં કે ચોથી વારનાં લગ્નનો લહાવો હવે તેમને મળવાનો નથી.