પાયાની કેળવણી/૨૧. નવી કેળવણીનું નવાપણું

વિકિસ્રોતમાંથી
← ૨૦. યોજનાના ભીતરમાં પાયાની કેળવણી
૨૧. નવી કેળવણીનું નવાપણું
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૨. એક પ્રધાનનું સ્વપ્ન →


૨૧
નવી કેળવણીનું નવાપણું

[નવા સ્થપાયેલા હિંદુસ્તાની તાલીમી સંધની બેઠક વર્ધામાં ૧૯૩૯ના મે માસના પહેલા અઠવાડિયામાં મળી હતી. તેની આગળ ગાંધીજીએ નવી કેળાવણીનું રહસ્ય અને તેનું ધ્યેય સમજાવતાં કરેલા પ્રવચનના શ્રી મહાદેવવભાઈએ આપેલા હેવાલમાંથી નીચેનું છે. —સંo]

નવી કેળવણીનીયોજનાનો આરંભ કર્યો ત્યારે મારામાં જે આત્મવિશ્વાસ ભરેલો હતો તે અત્યારે ઊડી ગયેલો લાગે છે. મારા શબ્દોમાં જે શક્તિ હતી તે આજે ક્ષીણ થઈ ગઈ લાગે છે. આ આત્મવિશ્વાસનો અભાવ એ બાહ્ય કારણોને લીધે નહીં પણ આંતરિક કારણોને લીધે છે. મારી ઈંદ્રિયો જડ થઈ ગઈ છે એમ નથી. મારી ઉંમરના પ્રમાણમાં મારી બુધ્ધિ મને સારું કામ આપે છે. તેમ અહિંસા ઉપરનો મારો વિશ્વાસ ઊઠી ગયો છે એવું પણ નથી. એ શ્રધ્ધા પહેલાનાં કરતાં ઘણી વધારે સબળ બનેલી છે. પણ આ ક્ષણે મારો આત્મવિશ્વાસ ઊઠી ગયેલો છે. એટલે મારી કહેલી એકે વાત તમે શ્રધ્ધાથી સ્વીકારી ન લેશો. જેટલું તમારે ગળે ઊતરે તેટલું જ કબૂલ રાખજો. પણ મારી ખાતરી છે કે આપણે ફક્ત બે નિશાળ પણ સાચી ઢબે ચલાવીએ તો હું આનંદથી નાચીશ.

[સાચી ઢબ કઈ એ એમણે આ પ્રવચનના આરંભમાં સમજાવ્યું હતુઃ]

આપણે આ અધ્યાપન મંદિરને સ્વાતંત્ર્ય અપાવનારી ને આપણાં સર્વ અનિષ્ટો દૂર કરનારી નિશાળ બનાવવાનુ છે. એ અનિષ્ટોમાં સૌથી મોટું તે આપણા કોમી કલહો છે. એને સારુ આપણે અહિંસા પર જ આપણી સર્વ શક્તિ એકાગ્ર કરવી પડશે. હિટલર અને મુસોલિનીની નિશાળો હિંસાને પોતાનો મૂળ સિધ્ધાંત માન છે. આપણો મૂળ સિધ્ધાંત મહાસભાના આદેશ અનુસાર અહિંસા છે. એટલે આપણા સમગ્ર પ્રશ્નોનો નિકાલ આપણે અહિંસક રીતે આણવાનો છે. આપણું ગણિત, આપણું વિજ્ઞાન, આપણો ઇતિહાસ એ સર્વમાં અહિંસા ઓતપ્રોત હશે અને એ વિષયના પ્રશ્નો અહિંસાના રંગથી રંગાશે. શ્રીમતી hhh હાનુમે જ્યારે તુર્કી વિષે દિલ્હીમાં જામિયા મીલિયા ઇસ્લામિયામાં વ્યાખ્યાન આપ્યું ત્યારે મેં કહ્યું હતું કે, સામાન્ય રીતે ઇતિહાસ રાજાઓ અને યુધ્ધની તવારીખ હોય છે, પણ ભવિષ્યનો ઇતિહાસ એ મનુષ્યની તવારીખ હશે; એ તો અહિંસક જ હોઈ શકે અથવા છે. વળી આપણે આપણી સર્વ શક્તિ શહેરી ઉદ્યોગો પાછળ નહીં, પણ ગામઠી ઉદ્યોગો પાછળ વાપરવી રહેશે. એટલે કે જો આપણાં સાત લાખ ગામડાંમાંથી થોડાં જ નહીં પણ બધાંને જીવતાં રાખવાં હોય, તો આપણે ગામઠી હાથઉદ્યોગોને સજીવન કરવા પડશે. અને તમે ખાતરી રાખજો કે, જો તો નિશાળની કેળવણી એ હાથઉદ્યોગ વડે આપી શકીએ તો આપણે ક્રાંતિ કરી શકીશું. આપણાં પાઠ્યપુસ્તકો પણ એ જ ઉદ્દેશથી તૈયાર કરેલાં હશે.

હું જે કહું છું તેના પર તમે ઊંડો વિચાર કરજો ને તમને વાત ગળે ન ઊતરે તો તે પડતી મૂકજો. હું કહું છું તે આપણા મુસલમાનભાઈઓને ગળે ન ઊતરે તો તેઓ તેને તરત જ નાકબૂલ રાખે. મારે જે અહિંસા જોઈએ છે તે અંગ્રેજોની સાથેની લડાઈ પૂરતી નથી, પણ આપણા સર્વ આંતરિક વ્યવહારો ને પ્રશ્નોને લાગુ પડે છે. એ સાચી સક્રિય અહિંસા હશે, ને એમંથી પરસ્પર ભય પર રચાયેલો, હિટલર નેમુસોલિની વચ્ચે થયો છે, એવો કરાર નહીં નીપજે, પણ સાચી જીવતીજાગતી હિંદુમુસલમાન એકતા નીપજશે.

ह.बं. , ૮-૫-'૩૮


[વર્ધાથી પ્રગટ થયેલા હિંદુસ્તાની તાલીમી સંધના માસિક 'નઈ તાલીમ' પર મોકલેલો સંદેશો આ છે. —સં']

નઈ તાલીમકા નયાપન સમઝના જરૂરી હૈ. પુરાની તાલીમમેં જિતના અચ્છા હૈ વહ સબ નઈ તાલીમમેં રહેગા, લેકિન ઉસમેં નયાપન કાફી હોગા. નઈ તાલીમ અગર સચમુચ નઈ હોગી, તો ઉસકા નતીજા (પરિણામ) યહ હોના ચાહિયે કિ, હમારે અન્દર માયૂસી (નિરાશા) હૈ ઉસકી જગહ ઉમ્મીદ હોગી, કંગાલીયતકી જગહ રોટીકા સામાન તૈયાર હોગા, બેકારીકી જગહ ધંધા હોગા, ઝઘડોંકી જગહ એકા હોગા ઔર હમારે લડકે લડકિયાં લિખનાપઢના જાનેંગે ઔર સાથ સાથ હુનર ભી જાનેંગે જિસકે મારફત વે અક્ષરજ્ઞાન હાસિલ કરેંગે.

ઉતમાનઝાઈ, ૧૪-૧૦-'૩૮

ह૦बं૦, ૨૯-૧-'૩૯

[પૂનામાં ઑક્ટોબર, ૧૯૩૯, માં ભરાયેલી બુનિયાદી તાલીમ પરિષદને [૧] મોકલેલો સંદેશો આ છે. —સં.]

મને આશા છે કે, પૂનાની પરિષદ જે કંઈ કરશે તેમાં નઈ તાલીમ (જે બુનિયાદી તાલીમ કે પાયાની કેળવણીને નામે ઓળખાય છે)નું નવાપણું હંમેશાં ધ્યાનમાં રાખશે. જેમ કોઈ સાસાયણિક પ્રયોગમાં આપણે એક પણ દ્રવ્ય ઘટાડતા કે વધારતા નથી, તે જ પ્રમાણે આપણે વર્ધા યોજનાનાં આવશ્યક અંગોમાં એકે ઉમેરવું કે એમાંથી એકે છોડવું ન જોઈએ. આ યોજનાની નવીનતા એમાં રહેલી છે કે, કેળવણી કોઈ ગ્રામઉદ્યોગ મારફતે આપવાની છે. એ હેતુ કેવળ ચાલુ ભણતરમાં એકાદ ગ્રામઉદ્યોગ ઉમેરવાથી સધાવાનો નથી.

સેગાંવ, ૨૮-૧૦-'૩૯

ह૦बं૦, , પ-૧૧-'૩૯

[‘રચનાત્મક કામ શોટે ?’ એ લેખમાંથી]

નવી (એટલે કે, પાયાની) કેળવણી વિના હિંદુસ્તાનનાં કરોડો બાળકોની કેળવણી લગભગ અસંભવિત છે એમ સર્વમાન્ય થયું ગણી શકાય. એટલે ગ્રામસેવકને તેનું જ્ઞાન હોવું જોઈએ. તે નવી કેળવણીનો શિક્ષક હોવો જોઈએ.

આ કેળવણીની પાછળ પ્રૌઢશિક્ષણ એની મેળે ચાલવાનું. જ્યાં નવી કેળવણીએ ઘર કર્યું હશે ત્યાંનાં બાળકો જ પોતાનાં માબાપનાં શિક્ષક બનવાનાં છે. ગમે તેમ હો, ગ્રામસેવકમાં પ્રૌઢશિક્ષણ આપવાની ધગશ હોવી જોઈએ.

સેવાગ્રામ, ૧૩-૮-'૪૦

ह૦ बं૦, ૧૭-૮-'૪૦

  1. * આ પરિષદના કામનો વિસ્તૃત હેવાલ હિંદી તથા અંગ્રેજીમાં 'One Step Forward' 'एक कदम आगे' નામે પ્રસિદ્ધ થયો છે. દરેકની કિં. ૧.૨૫ તાલીમી સંધ, વર્ધા, પાસેથી મળી શકશે. તેની સમાલોચનાની નોંધ ગાંધીજીએ ह૦ बं૦ (૨૪–૮–'૪૦) માં લખતાં કહેલું, “જેમને કેળવણીમાં રસ છે તેમણે આ પુસ્તકની નકલ મેળવવાનું ચૂકવું ન જોઈએ. મારે માટે એ આશ્વાસનની વાત છે કે, મારા આ તાજેતરના—છેલ્લા એમ કદાચ ન કહી શકાય — પ્રયત્નને લગભગ સર્વ દિશાએથી સંમતિ મળી રહી છે. ગયા વર્ષમાં જે પ્રગતિ થઈ છે તે આ પ્રયોગને માટે ઉજ્જવળ ભાવીની સૂચક છે.” —સં.