લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૨૨. એક પ્રધાનનું સ્વપ્ન

વિકિસ્રોતમાંથી
← ૨૧. નવી કેળવણીનું નવાપણું પાયાની કેળવણી
૨૧. નવી કેળવણીનું નવાપણું
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૨. તકલી વિ૦ રમકડાં →



૨૨
એક પ્રધાનનું સ્વપ્ન

“તમામ નિશાળમાં છોકરા અને છોકરીઓ માટે કાંતણ અને વણાટ ફરજિયાત કરવાં જોઈ એ એવો સંદેશો અથવા સૂચના આપ પ્રાંતિક સરકારને અને લોકોને આપી શકે તો મારી ખાતરી છે કે ટૂંકા વખતમાં નિશાળાનાં બાળકો જાતે બનાવેલું કાપડ પહેરતાં થઈ જાય. એ પ્રથમ પગલું હશે. મેં આપના આદર્શો વિષેની શ્રદ્ધા ગુમાવી નથી, અને હું એ દિવસ જોવાની આશા સેવું છું, જ્યારે દરેક ઘર પોતાનું ખપ પૂરતું કપડું બનાવી લેતું હોય અને દરેક ગામડું પણ આપની ગ્રામોદ્યોગની તેમ જ કેળવણીની યોજનાઓ અનુસાર કાપડની જ નહીં પણ દરેક આવશ્યક ચીજ બાબતમાં સ્વાવલંબી બનેલું હોય. આપની પેઠે હું પણ માનું છું કે આ દેશમાં સાચું સ્વરાજ ત્યારે જ સ્થપાઈ શકે જ્યારે પ્રાંતિક સરકારના અથવા હિંદુસ્તાન સરકારના અંદાજપત્રનાં પાસાં મળવાની સાથે – જે મેળવતાં અનેક ચાલાકીઓ ને કરામત કરવી પડે છે — ગ્રામવાસી પ્રજાના અંદાજપત્રમાં પણ પાસાં મળી રહે.”

એક મહાસભાવાદી પ્રધાન ઉપર પ્રમાણે લખે છે. મારી પાસે આપખુદ માણસની સત્તા હોય તો હું ઓછામાં ઓછું પ્રાથમિક નિશાળોમાં તો હાથકાંતણ અવશ્ય ફરજિયાત કરું. જે પ્રધાનમાં શ્રદ્ધા હોય તેણે એમ કરવું જોઈએ. આપણી નિશાળોમાં કેટલીયે નકામી ચીજોને ફરજ્યિાત બનાવવામાં આવે છે. તો આ અતિઉપયોગી કળાને ફરજિયાત શા માટે ન બનાવવી જોઈએ ? પણ લોકશાસનવાળા તંત્રમાં કોઈ વસ્તુ બહોળા પ્રમાણમાં લોકપ્રિય ન હોય તો તેને ફરજિયાત કરી શકાય નહીં. આમ લોકશાસનમાં ફરજિયાતપણું નામનું જ હોય છે. તે આળસને ઉડાડે છે, પણ લોકોની ઈચ્છા પર બળજબરી નથી કરતું. એવું ફરજિયાતપણું એ એક શિક્ષણની ક્રિયા છે. હું એના કરતાં હળવો એક પ્રારંભિક માર્ગ સૂચવું છું. સૌથી સારું કાંતનાર બાળક કે બાળાને ઈનામ અપાવાં જોઈએ. આ હરીફાઈથી બધાં નહીં તો ઘણાંખરાં તેમાં ભાગ લેવા પ્રેરાશે. કોઈ પણ યોજનામાં જો શિક્ષકોને પોતાને આસ્થા ન હોય તો તે સફળ થવાની નથી. પ્રાંતિક સરકારો જો પાયાની કેળવણીનો સ્વીકાર કરે તો હાથકાંતણ વગેરે અભ્યાસક્રમમાં કેવળ અંગ જ નહીં પણ શિક્ષણનું વાહન બને. પાયાની કેળવણી જો જડ ઘાલે તો આપણી આ પીડિત ભૂમિમાં ખાદી જરૂર સાર્વત્રિક અને પ્રમાણમાં સોંઘી થાય.

સેગાંવ, ૯-૧૦-'૩૯

ह० बं०, ૧૫-૧૦-'૩૯