પુરાતન જ્યોત/'જેસલ જગનો ચોરટો'/૪. પ્રકૃતિનો દ્રોહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩. નિદાનાં નીર પુરાતન જ્યોત
૪. પ્રકૃતિનો દ્રોહ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
૫. સજીવન કર્યાં →


૪. પ્રકૃતિનો દ્રોહ

વાયક આવ્યાં રે સંતો દો જણાં
ત્રીજું કેમ સમાય રે?

પંથ ઘણો ને જાવું એકલું,
પાળા કેમ ચલાય રે?
શબદુંના બાંધ્યા સંતો કેમ રે'વે હાં !

સાધ હોય ઈ સંતો કેમ રે'વે.
સોનલા-કટારી સતીએ કર ધરી,
પાળી માંડી છે પેટ,
કૂખ છેદી, કુંવર જલમિયો;
એ જી જનમ્યો માજમ રાત. — શબદુંના૦

હીરની દોરીમો બાંધ્યો હીંચકો,
બાંધ્યો આંબા કેરી ડાળ;
પવન-હીંચોળા હરિ મોકલે.
આતમ તારો ઓધાર. – શબદુંના૦

બાઈ પાડોશણ મારી બે'નડી !
રોતાં રાખ્યે નાનાં બાળ;
અમારે જાવું ધણીને માંડવે,
તારા કે' શું ઝાઝા રે જુવાર. — શબદુંના૦

ત્યાંથી તોળી રાણી ચાલિયાં,
આવ્યાં વનરા મોજાર,
વનમાં વસે એક વાંદરી,
ઠેકે મોટેરા ઠેક રે. — શબદુંના૦

ત્યારે તોળી રાણી બોલિયાં
સાંભળો વનરાના રાય !
ઉરે રે વળગાડી તારાં બચળાં
રખે રે ભૂલતી તું ચોટ. — શબદુંના૦

મારાં રે બચળાં મારી ઉરમાં,
તોળી રાણી, તારાં તો સંભાળ;
કોળિયા અન્નને કારણે
પૂતર મેલ્યો આંબાની ડાળ. — શબદુંના૦

પૂતર સંભાર્યો, પાનો ચડ્યો;
પ્રાણમાં વાધી છે પીડ,
થાન હતાં તે સતીનાં થરહર્યાં.
પડતાં છોડિયા છે પ્રાણ. — શબદુંના૦

મોટ બાંધીને માથે ધર્યો,
ચાલ્યા ધણીને દુવાર,
એકલડ પંથ ન ઊકલે,
બેદલ થિયો મારો બેલી. —શબદુના૦

ગતમાં ઉતારી ગાંસડી;
ગત કાંઈ કરે છે આરાધ;
સામા માહોલ મહારાજના
દીપક રચિયેલ ચાર. — શબદુંના૦

તમારે જાગ્યે જામો જામશે;
બોલિયા જેસલ રાય
સાસટિયા કાઠીની વિનતિઃ
જાગો તોળલદે નાર.— શબદુંના૦

*

સાંસતિયાનું ગામ તજ્યું ત્યારે જ તોળલને મહિના ચડતા હતા. નવ માસ પૂરા થવા આવ્યા છે. પ્રસવને ઝાઝી વાર નથી.

એવે ટાણે વાયક આવ્યાં. સંદેશો આવ્યો. પાંઉપટણથી ભક્ત સાંસતિયાનું તેડું આવ્યું : "જેસલજી ને તોળલદે, બેય જણાં ‘ગત્યમાં' હાજરી આપવા વખતસર આવજો.”

નોતરું બેને જ આવ્યું. ત્રીજા જીવને સાથે કેમ તેડી જવાય? એવી ગુપ્ત અને પવિત્ર એ ધર્મક્રિયા થવાની હતી. દીક્ષિતો સિવાયના કોઈથી દાખલ ન થવાય. તોળલ વિચારમાં પડ્યાં. મારા પેટમાં તો ત્રીજો જીવ સૂતો છે.

પછી છાનામાનાં —

'સોનલા-કટારી સતીએ કર ધરી’: પેટ પર કટાર ચલાવી, ગર્ભ ખોદીને પુત્રને બહાર કાઢ્યો. ઝાડની ડાળે ઘોડિયું બાંધીને બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી : “બહેન, બાળકને સાચવજે. અમારે તો ધણીને દ્વાર જવું છે. તારો આભાર નહીં ભૂલું. ત્યાં હું વિશ્વના ધણીને તારા પણ નમસ્કાર કહીશ.”

જેસલને લઈને તોળલ ચાલી નીકળી. માર્ગમાં કજલીવન નામનું મોટું જંગલ આવ્યું. જંગલમાં વાંદરાં ઠેકે છે. એમાં એક વાંદરી પોતાના નાના બાળને પટે વળગાડીને એક ઝાડ પરથી બીજે ઝાડે છલંગ મારી રહી છે.

"અરે ! અરે ! અરે વનરાઈની રાણી!” તોળલથી બોલાઈ ગયું. “આમ ઠેકડા મારી રહી છે, પણ ક્યાંક તારું છોકરું પડી જશે. બાઈ, બરાબર સાચવજે તારા બાળકને !”

ઝાડની ડાળેથી વાંદરી જોઈને હસીઃ “બાઈ, અમે તો જાનવરઃ અમારે અક્કલ નહીં, તોય મેં તો મારા બાળને મારી છાતીસરસું રાખ્યું છે. પણ તું માનવી, તું આટલું ડાહ્યું માનવી, તને તારા પેટના બાળકની કેવીક સાચવણ છે તે તો એક વાર વિચાર ! તેં તો તારા બાળકને અંતરિયાળ, અનાથ દશામાં, પારકાની દયા પર છોડ્યો છે, અને તે પણ શા માટે ? ઉત્સવમાં એક કોળિયો મીઠું અન્ન મળવાનું છે તને, તેટલા જ સ્વાર્થ માટેને !” એમ કહેતીક વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પછી ઝાડ વટાવી ગઈ. અને આંહી તોળલને એ મહેણું કલેજામાં ખૂંતી ગયું. એને પુત્ર યાદ આવ્યો. દેહમાં પાનો ચડ્યો. છાતીમાં થરાટ ચાલ્યા. સ્તનમાં ધાવણ ઊભરાયાં, છાતી ફાટફાટ થઈ રહી, તોળલને મૂર્છા આવી, મુડદા સરીખી બનીને એ ત્યાં પટકાઈ પડી.

જંગલમાં જેસલ મૂંઝાઈ ને ઊભા થઈ રહ્યો. કોઈ માનવી ત્યાં નહોતું. જેસલ તે દિવસ જીવન ધરીને બીજી વાર ડર પામ્યો. એક દિવસ ડાર્યો હતે ખાડીના તોફાનમાં ઓરાયેલા વહાણની અંદર–ત્યારે તો એ બાયલો બની ગયો હતા. આંહીં કજલીવનમાં તો એ બાવરો, અજ્ઞાન, માવિહોણા બાળક જેવો બનીને ડર્યો, એણે તોળલના શરીરને ઢંઢોળી જોયું. તોળલના કાન પર એણે સાદ પાડ્યાઃ

“સતી ! જાગો, આંહીં અંતરિયાળ કાં સૂતાં? તમ સરીખાં સમરથને આ શી નબળાઈ સતાવી રહી છે, સતી ! તમારામાંય શું સંસારી મોહમાયા સંતાઈ રહેલ છે. તોળલ?”

તોરલના મૂર્છિત દેહ પાસે ઘૂંટણભર બેઠેલા જેસલે ઊંચાં ઝાડવાં પર આંખો માંડી. સામે વાંદરાં બેઠાં બેઠાં મશ્કરીનાં દાંતિયાં કરી રહ્યાં છે. સંતપણાના કેવા કેવા કઠોર, પાષાણી, અને કેવા કાંટાળા ! જેસલને જેવું શરીરબળનું ગુમાન હતું, તેવું જ અભિમાન તોળલનેય અંધી કરી બેઠું હતું, પેટ ચીરીને ગર્ભ કાઢી નાખ્યે જાણે કે પોતે બંધનમાંથી મોકળી બની ગઈ એવો એ ગુપ્ત મદ હતો. નહીં, નહીં, એ બંધનો છૂરીથી છેદી શકાતાં નથી. પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે. સત્તા અને સામર્થ્યનો એ હુંકાટો હતો. તોળલે થાપ ખાધી હતી.

તોળલદેના દેહને પોતાની પછેડીમાં નાખી, ગાંસડી બાંધી, ગાંસડી પોતાના માથા પર ઉપાડી જેસલે સાંસતિયાના ગામ તરફનો પંથ કાપવા માંડ્યો.