પુરાતન જ્યોત/'જેસલ જગનો ચોરટો'/૫. સજીવન કર્યાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪. પ્રકૃતિનો દ્રોહ પુરાતન જ્યોત
૫. સજીવન કર્યાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
૬. મુનિવર મળ્યા મુનિવરા →


૫. સજીવન કર્યાં

શિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર, એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યો. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે.

ઓરડામાં જ્યોત જલે છે. ચોપાસ મંડળ બેઠું છે. ભજનની ઝૂક મચી છે. અતિથિને ભાળતાં જ ભજન વિરમી ગયું. આદમી એકદમ ઓળખાયો નહીં.

સાંસતિયાજી ઊભા થઈને પરોણાની પાસે આવ્યા. ઓળખ્યા. "કોણ જેસલજી ? એકલા કેમ ? મોડું શાથી થયું ?”

જેસલના મોંમાંથી જવાબ ન નીકળ્યો. પ્રશાંત મુખમુદ્રા પર આંસુની ધારા જોર પકડવા લાગી.

"તોળાંદે કયાં છે ?”

જેસલે માથા પરની ગાંસડી ઉતારીને ધરતી પર તેની સામે મૂકી. ગાંઠ છોડી નાખી. તોળલનો બેભાન દેહ ધરતીને ઢાંકી ત્યાં પથરાઈ ગયો. છાતી તરબળ હતી. સ્તનમાંથી હજુય દૂધની ધારા ફૂટી રહી હતી. આખો દેહ કોઈ અજબ ઉશ્કેરાટથી હાંફી રહ્યો હતો. "જેસલજી, આ શું થયું ?”

જેસલની જબાન ઉપડી નહીં.

"ફકર નહીં.” સાંસતિયે કહ્યું. “જતિ જેસલ ! ધીરજ ધરો. જનમ-મરણના ઓરતા ન હોય.”

"મા ! મા ઓ મા !" જેસલના મોંમાંથી પોકાર નીકળ્યા.

“સંતજનો !” સાંસતિયાએ કહ્યું: “જેસલજીના હાથમાં કોઈ એકતારો આપો.”

એક મોટો તુંબડાનો તંબૂરો જેસલના ખોળામાં મુકાયો. જાણે બેપાંચ વરસનો એક બાળક આવીને અંકમાં બેઠો હોય ને, એવી લાગણીએ જેસલના અંતરમાં જગ્યા લીધી.

"કાંઈક ગાશો ને સંત ?”

“આવડતું નથી.”

“અજમાવી જુઓને બાપ. જેસલજીને કંઠેથી તો સંજીવનીની સરવાણિયું ફૂટશે.”

સાંસતિયાએ મંજીરાનો ઝીણો ઝીણો રવ કાઢવા માંડ્યો. જેસલનાં આંગળાંએ એકતારાને બોલતો કર્યો. સૂતેલી તોળલ સામે એક ધ્યાન બનીને જેસલે કલેજું ખોંખાર્યું. સાંસતિયાએ સહુને સંજ્ઞા કરી દીધી, કે કોઈ ઢોલક કે ઝાંઝ બજાવશો નહીં. ઓરડામાં શાંતિની સુરાવળ બંધાઈ ગઈ. હવાના તંતુએ તંતુ જીવતાં બન્યાં ને જેસલે આરાધ ઉપાડ્યો :

નહીં રે મેરુ ને નહીં મેદની
નો'તા તે દી ધરણી અંકાશ રે હાં,
ચાંદો ને સૂરજ જે દી દોઈ નો'તા,
ધણી મારો તે દી આપોઆપ રે હાં,
પીર રે પોકારે મુંજાં ભાવરાં રે
સતી તમારો ધરમ સંભારો રે હાં હાં હાં.પોતાના પુન્ય વન્યા પાર નૈ રે
ગરુ વન્યા મુગતી ન હોય રે હાં હાં હાં.
કંકુવરણો રે સૂરજ ઊગશે
તપશે કાંઈ બાળોબાળ રે હાં.

ધરતીના દોઈ પડ ધ્રૂજશે
હોશે કાંઈ હલહલકાર રે હાં.
હાં રે હાં હાં. — પીર રે પોકારે૦

હાડ ને ચામ રોમરાઈ નહીં
નહીં કાંઈ રુદર ને માંસ રે હાં.

પિંડ પડમાં અધર રિયું,
નો'તા કાંઈ સાસ ને ઉસાસ રે હાં.
હાં રે હાં હાં. — પીર રે પોકારે૦

નર રે મળ્યા હરિના નિજયાપંથી
એ જી મળ્યા મને સાંસતિયો સધીર રે હાં.

મૂવાં રે તોળલને સજીવન કર્યાં
એમ બોલ્યા જેસલ પીર રે
હાં રે હાં હાં. — પીર રે પોકારો૦

[પ્રભુના પ્રથમ પ્રાકટ્યનું આરાધન : ઓ ભજનિકો ! જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી, ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સરજાયો હતો. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા. શું પુત્ર ! શા સંબંધો ! પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી આ જન્મમરણના ફેરાનો?

ને ફરી પ્રભુ પ્રકટશે : તે દિને લાલચોળ સૂરજ ઊગીને બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીનાં પડ ધૂજશે. બ્રહ્માંડ હલબલી ઊઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે હું મારા જતિ ભાઈઓ ! હે સતી ! તમારો ધર્મ સંભાળો. પોતાનાં પુન્ય વગર પાર નથી.

આપોઆપ સરજાયેલા એ ખાવંદ ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે? નહોતાં હાડકાં, નહોતી ચામડી, રુધિર ને માંસ પણ નહોતાં. પંચમહાભૂતનું કોઈ કલેવર નહોતું પહેર્યું ઈશ્વરે. અધ્ધર રહ્યું હતું એનું રૂપ, એને તો શ્વાસોચ્છવાસ પણ નહોતા.]

સૃજનનું મહિમા ગીત જેસલજીના ગરવા સૂરે ગવાતું ગયું તેમ તેમ મૂર્છિત તોળલની રોમરાઈ સળવળવા લાગી. કલેવરમાં પ્રાણ પુરાતા થયા અને આંખો ઉઘાડી, આળસ મરડી, બેઠી થયેલી તોળલદેએ પોતાનાં વસ્ત્ર સંકોડડ્યાં ત્યારે ભજનિકે આ સાચા જીવનદાતા નર સાંસતિયાના ધન્યવાદ ગાયા. ઓ હરિના નિજપંથી નર સાંસતિયા ! તમારે પ્રતાપે મૂએલી તોળલ સજીવન થઈ.

ઝીણા ઝીણા તંબૂર-સ્વરો સાથે તાલ લેતા સાંસતિયાના હાથના મંજીરાના સ્વર, માનવીના સૂર શાંત પડ્યા પછી પણ જાણે કે જીવનનું સ્તોત્ર રટતા હતા.