પૃષ્ઠ:Bansari.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રનો બંદીવાન

ગહન સત્યો સુખદુ:ખ બની આવે:
વિતક-જાપો જપું કે ન જપું તો યે શું?
મહાતત્ત્વો અશિથિલ ગૂંથાઈ બેઠા:
હવે આંખો ભરું કે ન ભરું તો યે શું?
ન્હાનાલાલ

હું આમ મારા વિચારમાં મશગુલ હતો. જ્યોતીન્દ્ર મને શકદાર કહીને ફસાવવા માગતો હતો કે કેમ તેનો પણ એક ક્ષણ વિચાર આવ્યો. એટલામાં કમિશનર સાહેબે કહ્યું :

‘આ ગૃહસ્થ જો આપણા શકદાર હોય તો તેમને આપણી સાથે બેસાડી શકાશે નહિ. આપણી ચર્ચા ખોટે માર્ગે ચડી જશે. એમનું નામ શું?'

'સુરેશ !’ જ્યોતીન્દ્રે જવાબ આપ્યો. તેના મુખ ઉપર ન સમજાય એવું સ્મિત રમી રહ્યું. મને તેમાં ભયંકરતા લાગી. હિંદી અને યુરોપિયન અમલદારો એકદમ મારી સામે જોઈ રહ્યા, અને એક ગુનેગારને બારીકીથી નિહાળે તેમ મને નિહાળવા લાગ્યા. કમિશનર સાહેબે મેજ ઉપરનું બટન દાબ્યું અને બહારના ખંડમાં ઘંટડી વાગી. તુરત પેલો સાર્જન્ટ બારણું ઉઘાડીને અંદર આવ્યો અને કમિશનરને સલામ કરી ઊભો રહ્યો.

'આ ગૃહસ્થને બહારના ખંડમાં તમારી પાસે બેસાડો. તેમને કશી હરકત ન પડે તેની કાળજી રાખજો.' મને ઉદ્દેશીને કમિશનરે સાર્જન્ટને હુકમ કર્યો. અજાણ્યા સ્થળે અજાણી મંડળીમાં મારે શું કરવું ? મને અહીં લાવનાર જ્યોતીન્દ્ર અને શકદાર તરીકે ઓળખાવનાર પણ જ્યોતીન્દ્ર ! છતાં તે મારો અંગત મિત્ર તો હતો જ. મેં તેની સામે જોયું. તેણે તો મને કહી દીધું :

'સુરેશ ! બધાની ઈચ્છા છે તો તું બહાર બેસ ને ?’

'તો પછી હું ઘેર જાઉં તો શું ?' જરા ચિડાયલે અવાજે મેં કહ્યું.

‘પણ તને મારા વગર જવા નહિ દે ને !’ જ્યોતીન્દ્રે કહ્યું.

હું સમજ્યો. હું અત્યારથી જ બંદીવાન હતો. અત્યારથી જ કેમ ? જ્યોતીન્દ્રે મને તેની મોટરમાં બેસાડ્યો ત્યારથી જ હું બંદીવાન બન્યો હતો !