પૃષ્ઠ:Bansari.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
જ્યોતીન્દ્રની નોંધ

મધરાતની પહોરે અઘોર હતા,
અંધકારના દોર જ ઑર હતા.
ન્હાનાલાલ

"શૉફરે બતાવેલા બંગલાની બાજુમાં હું સંતાઈ રહ્યો અને હિંમતસિંગને ત્યાં આગળ હાજર રહેવા સૂચના મોકલી. રાતના નવ વાગે એક મોટર આવી પહોંચી. તેમાંથી એક ગૃહસ્થની સાથે સુરેશ ઊતર્યો તે મેં જોયો. રાતને વખતે હું મારા કૂતરાને સાથે રાખું છું. કૂતરો ભસી ઊઠ્યો. એક ઝાડીમાંથી ધીમે પગલે એક માણસ નીકળી આવ્યો. મેં તે માણસનું આકર્ષણ કરવા કૂતરાને વધારે ભસાવ્યો. એ માણસ ખરેખર તે બાજુએ વધીને આવ્યો. તે એકલો જ હતો. એટલે છલંગ મારી મેં તેને પકડી લીધો અને તેના મોં ઉપર હાથ દીધો. હિંમતસિંગે તેની સામે પિસ્તોલ ધરી. ગભરાઈ ગયેલા પેલા માણસે હાથ જોડ્યા.

'મેં કહ્યું: અંદર શું ચાલે છે તે એકદમ કહી દે, નહિ તો તારા ભુક્કા ઊડી જશે !'
'પેલો માણસ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો. મજબૂત હિંમતસિંગે જોરથી તેને એક લાત લગાવી. મારના ભયથી ગભરાયલા પેલા માણસે કહ્યું :
‘અંદર કોઈનું ખૂન થશે.'
‘કોનું ?' મેં પૂછ્યું.
'તે ખબર નથી.'

“હું એકદમ બંગલા તરફ દોડ્યો. મારી પાછળ હિંમતસિંગ અને તેના માણસ દોડ્યા. અજવાળામાં સુરેશને અને બીજા માણસોને એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતા જોયા. અને એકાએક અંધારું થઈ ગયું. મને લાગ્યું કે આ અંધારામાં જ કાંઈ બનાવ બનશે. હું અંદર ઘૂસ્યો; પરંતુ કોઈને ખબર પડી નહિ. આવા વખતે કોઈ પણ બનાવ બને તે અકસ્માતના રૂપમાં ફેરવી નાખવાનો ગુનેગારોનો પ્રયત્ન હોય છે તે હું જાણતો હતો.