પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કર્યું હોય તો આપ પણ મને માફી આપશો. ” અને તેઓ બંનેએ જોયું કે દેવદૂતના શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો.

નથુ તુરતજ ઉભો થયો, દેવદૂતને નમન કર્યું અને બોલ્યો “ભાઈ દેવદૂત, હું જોઉં છું કે આપ કંઈ સાધારણ માણસ નથી. આપને હું રહેવાની ફરજ પાડતો નથી યા કંઈ સવાલ પૂછતો નથી. છતાં એટલું તો ફક્ત મને કહોજ કે જ્યારે હું આપને મળ્યો અને મારે ઘેર બોલાવી લાવ્યો ત્યારે દિલગીર હતા. અને મારી સ્ત્રીએ ખાવાનું આપ્યું ત્યારે હસી પડ્યા; અને આપ તેજસ્વી દેખાવા લાગ્યા. વળી પાછું જ્યારે તે શેઠીઓ આવ્યો ત્યારે પણ આપ બીજી વખત હસ્યા અને વધુ પ્રકાશમાન દેખાવા લાગ્યા. અને હવે જ્યારે આ સ્ત્રી નાની છોકરીઓને લઇને આવી ત્યારે ત્રીજી વખત શામાટે હસ્યા ? અને હવે આટલા બધા તેજસ્વી કેમ લાગો છો ? ભાઈ દેવદૂત, આપ મને કહો કે આપનામાંથી આટલુ બધું તેજ કેમ પ્રકાશે છે ? અને આપ શા માટે ત્રણ વાર હસ્યા ?”

દેવદૂતે કહ્યું:–“હાલમાં મારામાંથી તેજ પ્રકાશે છે તેનું કારણ એટલું જ કે મને જે શિક્ષા થઈ હતી તેની હવે ઈશ્વરે મને માફી બક્ષી છે. અને હું ત્રણ વખત એટલા માટે હસ્યો કે ઈશ્વરના ત્રણ શબ્દો મારે શીખવા જોઈએ, એવી આજ્ઞા મને થઈ હતી. અને હવે એ ત્રણ શબ્દો હું જાણું છું. પહેલો શબ્દ જ્યારે આપની સ્ત્રીએ મારા પર દયા કરી ત્યારે હું શિખ્યો; અને તેથી તે વખતે પહેલી વાર હસ્યો. બીજો શબ્દ જયારે પેલો પૈસાદાર શેઠીઓ જોડા બનાવવાનો હુકમ આપી ગયો ત્યારે હું શિખ્યો. અને તેથી બીજી વાર હસ્યો. અને હવે જ્યારે મેં આ છોડીઓને જોઈ ત્યારે ત્રીજો શબ્દ શિખ્યો. અને તે છેલ્લો હતો. અને તેથી ત્રીજી વખતે હસ્યો.”