પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ગાંધીજીનો અક્ષરદેહ

એકમાત્ર જવાબ એ હતો અને છે કે શાકાહારી ભરવાડ માંસાહારી ભરવાડથી શરીરબળમાં ચડિયાતો નહીં હોય તોયે તેનો બરોબરિયો તો હોય જ છે આમ એક વર્ગના શાકાહારી સાથે તે જ વર્ગના માંસાહારીની સરખામણી થાય. અને આ સરખામણી એક પ્રકારના અને બીજા પ્રકારના જોર વચ્ચેની અને નહીં કે એક બાજુ પર ખાલી જોર અને બીજી બાજુ પર બુદ્ધિબળ સમેતના જોર વચ્ચેની થાય છે કેમ કે અત્યારે મારો પ્રયાસ માત્ર હિંદી શાકાહારીઓ પોતાના શાકાહારને કારણે શરીરના કમજોર હોય છે એ વાતને ખોટી સાબિત કરવાનો છે.

ખોરાક તમે ફાવે તેવો લો પણ એમ લાગે છે કે કોઈક વિરલ દાખલાઓ બાદ કરતાં શરીરબળ અને બુદ્ધિબળ બન્ને સાથે સાથે કેળવવાનું અશકય છે. અવેજી વળતરના નિયમ મુજબ બુદ્ધિની શક્તિમાં જે મેળવાય તે શરીરની શક્તિથી ભરી કાઢવાનું થયા વગર રહે નહીં. સેમસન [૧]કદી ગલેડસ્ટન[૨] થઈ શકે નહીં.

હવે હિંદની લડાયક કહેવાતી ક્ષત્રિય કોમનો દાખલો લો. એ લોકો અલબત્ત માંસાહારી છે પણ તેમાંના તલવાર ચલાવનારા કેટલા થોડા છે! એક કોમ તરીકે તેઓ કમજોર લોકો છે એવું કહેવાનો મારો મુદ્દલ આશય નથી. પ્રાચીન જમાનાની વાત છોડી દઈ આજના જમાનાના પૃથ્વીરાજ અને ભીમ બાણાવળીની અને તેમના જેવા બીજા બધાની સ્મૃતિ કાયમ છે ત્યાં સુધી એ કોમ કમજોર છે એમ મનાવનારો મૂરખામાં ખપે. પણ હમણાંના એ લોકો ઊતરી ગયા છે એ દુ:ખદ હકીકત છે. બીજાઓની સાથે ખરેખર લડાયક ગણી શકાય એવી કોમ વાયવ્ય સરહદ પ્રાંતના ભૈયાઓની છે. તેમનો આહાર માત્ર ઘઉં, કઠોળ, અને સબ્જી છે. તેઓ શાંતિના રક્ષણહાર હોઈ તેમાંના મોટા ભાગનાની દેશી લશ્કરમાં ભરતી કરવામાં આવે છે.

ઉપરની હકીકતો પરથી સહેજે સ્પષ્ટ થાય છે કે શાકાહાર શરીરબળને નુકસાન કરનારો નથી એટલું જ નહીં, તેને પોષક છે અને શાકાહારને હિંદુઓની શારીરિક દુર્બળતાનું કારણ ગણાવનારી દલીલ તદ્દન ભ્રામક પાયા પર રચાયેલી છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૮–૨–૧૮૯૧

છેલ્લા લેખમાં આપણે જોઈ ગયા કે હિંદી શાકાહારીના શરીરના દુર્બળપણાનું કારણ તેમનો આહાર નથી, તેનાં કારણો બીજાં છે. વળી, આપણે એ પણ જોઈ ગયા કે ભરવાડો જે શાકાહારી છે તે માંસાહારીઓના જેટલા જ શરીરે સશક્ત હોય છે. આ ભરવાડ શાકાહારીનો ઉત્તમ નમૂનો હોઈ આપણે તેની દિનચર્યા અને તેનું જીવન નીરખી ઘણો લાભ મેળવી શકીએ; પણ એ વાતમાં આગળ વધતા પહેલાં વાચકને જણાવવું જોઈએ કે હવે પછી જે વર્ણન આવે છે તે હિંદી ભરવાડમાત્રને લાગુ પડતું નથી. હિંદના અમુક એક ભાગના ભરવાડોનું જ એ વર્ણન છે. જેમ સ્કૉટલેન્ડમાં રહેનારા લોકોની રહેણીકરણીની ટેવો ઇંગ્લંડમાં રહેનારા લોકોની રહેણીકરણીની ટેવોથી જુદી હોય તેવી જ રીતે હિંદના એક ભાગમાં રહેતા લોકોની રીતરસમો બીજા ભાગમાં રહેનારા લોકોની ટેવોથી જુદી હોય.

  1. ૧. પ્રચંડ શરીરબળના નમૂનાનું બાઈબલમાં આવતું એક પાત્ર.
  2. ૨. ઈગ્લંડનો એક વખતનો અત્યંત બુદ્ધિમાન લેખાયેલો વડો પ્રધાન.