પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
હિંદના શાકાહારીઓ

હવે હિંદી ભરવાડની વાત આગળ ચલાવીએ. તે ઘણુંખરું સવારના પાંચ વાગ્યે ઊઠે છે. તે જો ધાર્મિક વૃત્તિનો હોય તો ઊઠીને પહેલી પોતાના દેવની પ્રાર્થના કરશે. પછી શરીરની સ્વચ્છતા સંભાળશે, તેમાં તે પોતાનું મોં અંદરથી અને બહારથી બરાબર ધુએ છે. અહીં વાચકની પરવાનગીથી થોડું વિષયાન્તર કરી હું એક હિંદી પોતાના દાંત સાફ કરવાને જે બ્રશ એટલે કે પીંછી વાપરે છે તેનો તેને પરિચય કરાવું. એ બ્રશ માત્ર બાવળ નામના કાંટાળા ઝાડની ડાંખળી હોય છે અને તે દાતણ કહેવાય છે. એક ડાંખળીના દસથી બાર આંગળના માપના કાપીને કકડા કરવામાં આવે છે. અલબત્ત, તેમ કરતાં પહેલાં ડાંખળી પરના બધા કાંટા ઉતારી લેવામાં આવે છે. પછી આપણો હિંદી એ દાતણની લાકડીનો એક છેડો ચાવી દાંત પર ઘસવાને કામ આવે એટલો નરમ કૂચો બનાવે છે. આમ તે રોજ રોજ નવું ઘરનું તૈયાર કરેલું બ્રશ બનાવી લે છે. પોતાના દાંતને બરાબર ઘસી મોતી જેવા ચકચકતા સફેદ બનાવી પછી તે દાતણની એટલે કે પેલા બ્રશની બે ચીરી કરે છે અને તેમાંની એકને વચ્ચેથી વાળી તેનાથી જીભ પરથી ઓલ ઉતારી લે છે. સામાન્ય હિંદી માણસના મજબૂત સુંદર દાંત ઘણુંખરું દાતણ કરવાની આ ક્રિયાને આભારી છે તે દંતમંજનની કોઈ ભૂકી વાપરતો નથી એટલું ઉમેરવું કદાચ બિનજરૂરી હોય. દાતણનો છેડો ચાવી નરમ કૂચો કરવા જેટલા પોતાના દાંત મજબૂત રહ્યા નહીં હોય ત્યારે વૃદ્ધ હિંદીઓ તે માટે નાની હથોડી વાપરે છે. આ આખી ક્રિયામાં વીસ કે પચીસ મિનિટથી વધારે વખત જતો નથી.

આપણા ભરવાડની વાત પર પાછા આવીએ. પછી તે સવારનો નાસ્તો અથવા શિરામણ કરે છે. તેમાં મિલેટ જે બાજરીનું ઍંગ્લો-ઈન્ડિયન નામ છે તેનો એક જાડો રોટલો હોય છે. આ બાજરી હિંદમાં મોટે ભાગે ઘઉંની સાથે વધારામાં અગર તેને બદલે વપરાય છે. રોટલા સાથે નાસ્તામાં ઘી અને ગોળ હોય છે. સવારના આઠથી નવ વાગ્યાના અરસામાં તે તેની સંભાળમાં રાખવામાં આવેલાં ઢોર ચરાવવાને ચરણમાં જાય છે. ચરણનું સ્થળ ઘણુંખરું તેના કસબાથી બે કે ત્રણ માઈલને અંતરે હોય છે એ ડુંગરાળ જમીનનો ભાગ હોઈ તેના પર હરિયાળી વનસ્પતિ પૂરા બહારમાં પથરાયેલી હોય છે. આમ તેને તાજામાં તાજી હવાની સાથે કુદરતી રળિયામણા દૃશ્યનો ઉપભોગ કરવાનો અનન્ય લાભ મળે છે. ઢોર આજુબાજુ ચરતાં ફરતાં હોય ત્યારે તે પોતાનો વખત ગાવામાં અથવા પોતાના સોબતી કે જે તેની વહુ, ભાઈ અગર બીજું સગું હોય તેની સાથે વાતો કરવામાં ગાળે છે. બાર વાગ્યાના અરસામાં તે સાથે આણેલું બપોરનું ભોજન લે છે. આ ભોજન ઢોર ચરાવવા આવતી વખતે સાથે લેતા આવવાનો તેનો રિવાજ છે. આ ભોજનમાં હમેશના રોટલા, ઘી, એક શાક અથવા કઠોળ, તેની સાથે વધારામાં અથવાં તેની અવેજીમાં કંઈક અથાણું અને ગાયનું ત્યાં જ તાજું દોહેલું દૂધ હોય છે. ત્યાર બાદ તે ઘણુંખરું હમેશા બે કે ત્રણ વાગ્યાના અરસામાં અર્ધોએક કલાક સુધી કોઈ ઘેરી છાયાવાળા ઝાડ નીચે ઊંઘ કાઢી લે છે. બપોરના આકરા તડકામાંથી આ ઊંઘમાં તેને રાહત મળે છે. છ વાગ્યે તે ઘેર પાછો વળે છે. સાત વાગ્યે વાળુ કરે છે, તેમાં ગરમ રોટલા, કઠોળ અથવા શાક જમે છે અને છેવટે ભાત અને દૂધ અથવા ભાત અને છાશથી પૂરું કરે છે અને થોડું ઘરનું કામકાજ જે સામાન્યપણે પોતાના કુટુંબની સાથેની હસીખુશીની વાતો હોય છે તે પતાવીને દશ વાગ્યે સૂઈ જાય છે. તે કાં તો ખુલ્લી હવામાં આકાશ નીચે અથવા કેટલીક વાર ભીડથી ભરેલા છાપરામાં સૂવાનું રાખે છે. શિયાળાની ઠંડીની અથવા વરસાદની મોસમમાં તે છાપરાનો આશ્રય લે' છે. અહીં એટલું જણાવી લેવું જોઈએ કે આ છાપરાં