પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
હિંદના શાકાહારીઓ

સહેજે અપેક્ષા રખાય તેમ તેને રાજાના મહેલમાં રાખવાનો હુકમ થયો. હકીકતમાં તો તે મોજશોખના ધામમાં પહોંચી ગઈ. ઉત્તમમાં ઉત્તમ ખાવાપીવાનું, ઉત્તમમાં ઉત્તમ કપડાંલત્તાં, ટૂંકમાં બધુંયે ઉત્તમમાં ઉત્તમ તેને સારુ આવી મળ્યું. પણ અરે ! જે પ્રમાણમાં મોજમજાની ચીજો તેને મળતી થઈ તે જ પ્રમાણમાં તેની તબિયત કથળવા માંડી. કોડીબંધ વૈદોને તેની તહેનાતમાં રજૂ કરવામાં આવ્યા પણ નિયમિતપણે આપવામાં આવેલી ઘણી ઔષધિમાંની એકે કામ ન આવી. દરમિયાન એક ચતુર વૈદ બાઈની માંદગીનું સાચું કારણ પામી ગયો. તેણે કહ્યું કે બાઈને વળગાડ છે. તેથી બાઈને વળગેલાં ભૂતપ્રેતને સંતોષવાને તેણે બાઈને રહેવાના આલીશાન ઓરડાઓમાંના દરેકમાં ફળફળાદિની સાથે વાસી રોટલાના કકડા રાખવાનું ફરમાન કાઢયું. યોજના એવી હતી કે જેટલા ઓરડા હતા તેટલા દિવસમાં પેલાં ભૂતપ્રેત નાસી જાય. અને તેણે કહ્યું કે એ બધાં નાસી જશે તેની સાથે માંદગી પણ ગઈ જાણો. અને બન્યુંયે તેવું જ. અલબત્ત, પેલા વાસી રોટલાના ટુકડા ગરીબ બિચારી રાણીને કામ લાગ્યા હતા.

હવે આ પરથી માણસો પર ટેવનો કાબૂ કેવો જબરો હોય છે તે જોવાનું મળે છે. તેથી મને લાગે છે કે ભરવાડ સ્નાન પૂરતાં કરતો નથી તેથી તેને ખાસ કશું નુકસાન થતું નથી.

છેલ્લા લેખમાં આપણે આ પ્રકારની રહેણીનું કેવું સારું પરિણામ આવે છે તે જોયું હતું. તે પરિણામ એ છે કે શાકાહારી ભરવાડ શરીરે સબધો હોય છે. તે આવરદા પણ લાંબું ભોગવે છે. ૧૮૮૮ની સાલમાં જેની ઉંમર સો વરસ વટાવી ગઈ હતી એવી એક ભરવાડણને હું ઓળખું છું. છેલ્લો હું તેને મળેલો ત્યારે તેની નજર સાબૂત હતી. તેની યાદદાસ્ત તાજી હતી. પોતાના બચપણમાં જે જોયેલું તેને તે બરાબર સંભારી શકતી. લાકડીને ટેકે તે ચાલતીયે ખરી. હું આશા રાખું છું કે તે હજી જીવતી હશે.

વળી, ભરવાડની શરીરાકૃતિ સપ્રમાણ સુંદર હોય છે. તેનામાં ખોડખાંપણ જવલ્લે જ જોવામાં આવે છે. વાઘના જેવો વિકરાળ નથી છતાં તે તેના જેટલો જ સશક્ત હોય છે, શૂરો હોય છે અને છતાં ઘેટાના લવારા જેટલો નરમ ને નિર્દોષ હોય છે. તેના કદથી ડર લાગતો નથી પણ તે પ્રભાવશાળી હોય છે. એકંદરે હિંદી ભરવાડ શાકાહારીના ઉત્તમ નમૂનો હોઈ શરીરબળની વાતને લાગેવળગે છે ત્યાં સુધી કોઈ પણ માંસાહારીની સરખામણીમાં પાર ઊતરે એવો છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૪–૩–૧૮૯૧