લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮. કેટલાક હિંદી તહેવારો

આ ઈસ્ટરના ઉત્સવ[] વખતે મારો વિચાર ઈસ્ટરના ગાળામાં આવતા તહેવારોને વિષે લખવાનો હતો; પણ એ તહેવારોની સાથે સંકળાયેલાં સ્મરણો દુ:ખદ હોઈ તેમ જ તે હિંદુઓનો સૌથી મોટો ઉત્સવ ન હોઈ તેના કરતાં મહત્ત્વમાં અને ઉજવણીની ભવ્યતામાં કયાંયે ચડિયાતા દિવાળીના તહેવારોનું વર્ણન તેમના વર્ણનને બદલે કરું એ વધારે ઉચિત છે.

દિવાળીને હિંદુઓની નાતાલ કહી શકાય. તે હિંદુ વિક્રમ સંવત્સરને અંતે એટલે કે નવેમ્બર માસ દરમિયાન આવે છે. એ સામાજિક તેમ જ ધાર્મિક એમ બન્ને પ્રકારનો તહેવાર છે. એ લગભગ એક આખા મહિના પર ફેલાયેલો હોય છે. હિંદુ વિક્રમ સંવત્સરના બારમા આસો માસની પહેલી તિથિએ એ ભવ્ય ઉત્સવ આવી પહોંચ્યાની જાહેરાત બાળકો પહેલવહેલા ફટાકડા ફોડીને કરે છે. પહેલા નવ દિવસો નવરાત્રી એ નામે ઓળખાય છે. એ નવ દિવસો મુખ્યત્વે ગરબીઓથી વરતાઈ આવે છે. વીસ, ત્રીસ કે તેથીયે વધારે માણસો મોટાં કૂંડાળાં બનાવે છે. તેમની વચ્ચે એક મોટો થાંભલો રોપી સુંદર રીતે શણગારી તેના પર ચારે બાજુ દીવા ગોઠવવામાં આવે છે અને ત્યાં જ તે કુંડાળાની વચ્ચે લોકરુચિને અનુકૂળ ગીતો ગાતો એક આદમી બેસીને ઢોલક વગાડે છે. કુંડાળે વળેલા માણસો તાળીથી તાલ આપી એ ગીતો ઝીલે છે. ગીતની કડીઓ ઝીલતાં ઝીલતાં તે બધાયે દીપમાળની આસપાસ ફરે છે અને સાથે તાલ આપતાં આપતાં કેડમાંથી વાંકા વળી પાછા ટટાર થતા જાય છે. આ ગરબીઓ સાંભળવામાં ઘણી વાર બહુ આનંદ આવે છે.

અહીં જણાવવું જોઈએ કે છોકરીઓ અને તેમાંય મોટી ઉમરની સ્ત્રીઓ આ ગરબી રમવામાં કદી સામેલ થતી નથી. અલબત્ત, તેઓ પોતાની અલગ ગરબી રાખે છે અને તેમાંથી પુરુષોને બાદ રાખવામાં આવે છે. કેટલાંક કુટુંબોમાં આ દિવસોમાં અર્ધો ઉપવાસ કરવાનો રિવાજ હોય છે આખા કુટુંબમાંથી એક જણ એવું વ્રત કરે તો ચાલે. એ ઉપવાસ કરનાર માણસ દિવસમાં એક જ વાર અને તે પણ સાંજે જ જમે છે. વળી તે અનાજ કે કઠોળ નહીં પણ માત્ર ફળફળાદિ, દૂધ અને બટાટા જેવાં કંદમૂળ લઈ શકે છે.

દસમા દિવસને દસેરો કહે છે .અને તે દિવસે મિત્રો ભેગા મળી એકબીજાને જાફતો આપે છે. એ દિવસે મિત્રોને અને તેમાંયે આશ્રયદાતાઓને કે ઉપરી અમલદારોને મીઠાઈઓ ભેટ તરીકે મોકલવાનો પણ રિવાજ છે. એક દસેરાનો દિવસ બાદ કરતાં નવરાત્રીમાં બધી આનંદપ્રમોદની પ્રવૃત્તિ રાતને વખતે ચાલે છે અને રોજેરોજની સામાન્ય નિત્ય પ્રવૃત્તિ દિવસે પૂરી કરવામાં આવે છે. દસેરા પછી એક પખવાડિયા સુધી બધું પ્રમાણમાં શાંત થઈ જાય છે. માત્ર સ્ત્રીઓ તે દરમિયાન આવી રહેલા મોટા તહેવારની ઉજવણી સારુ મીઠાઈની અને બીજી ખાવાની વાનગીઓ રાંધવામાં ને તૈયાર કરવામાં રોકાય છે કેમ કે હિંદુસ્તાનમાં ઊંચામાં ઊંચા


  1. ઈશુ કબરમાંથી ઊઠયા તે દિવસની ઉજવણીને ખ્રિસ્તી ધર્મને તહેવાર. દર વર્ષે માર્ચ માસની ૨૧મી અને એપ્રિલ માસની ૨૬મી તારીખ વચ્ચેના રવિવારે આવે છે,