પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ગાંધીજીનો અક્ષરદેહ


શાકાહારી મંડળીઓના સમવાયી સંઘનું અધિવેશન ભવિષ્યમાં હિંદમાં ભરાય તો સારું એવી પોતાની આશાનો પણ તેમણે નિર્દેશ કર્યો.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૩-૬-૧૮૯૧


૧૨. પોતે ઈંગ્લંડ શા સારુ ગયા

[વિદ્યાભ્યાસને સારુ ઇંગ્લાંડ જવાનો ઇરાદો રાખનારા હિંદુઓની સામે કેવી મુશ્કેલીઓ ખડી થાય છે તેનો અંગ્રેજોને ચોક્કસ ખ્યાલ મળે તે સારુ અને તે મુશ્કેલીઓ કેમ પાર કરી શકાય તે એવા હિંદુઓને બતાવવાને સારુ धि वेजिटेरियनના પ્રતિનિધિએ ગાંધીજીને એ વિષયને લગતા થોડા સવાલ પૂછેલા અને તેમના વિસ્તારથી જવાબ આપવાને તેમને વિનંતી કરેલી. તે સવાલ ને તેમના જવાબ નીચે આપ્યા છે.]

અહીં ઇંગ્લંડ આવી રહેવાનો વિચાર કરવાને અને વકીલાતનો ધંધો અખત્યાર કરવાને તમે પહેલવહેલા કયા કારણથી પ્રેરાયા એવો પહેલો સવાલ મિ. ગાંધીને પૂછવામાં આવ્યો.

એક શબ્દમાં કહું તો મહત્ત્વાકાંક્ષા. ૧૮૮૭ની સાલમાં મેં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા પાસ કરી. બાદ હું ભાવનગર કોલેજમાં જોડાયો કેમ કે મુંબઈ યુનિવર્સિટીના તમે ગ્રેજયુએટ ન થાઓ ત્યાં સુધી સમાજમાં તમને કોઈ આબરૂદાર દરજજો મળે નહીં. એ પહેલાં તમે કોઈ નોકરી લેવા નીકળો તો તમારા ટેકામાં ઘણી સારી લાગવગ હોય તે સિવાય સારા પગારની મોભાવાળી જગ્યા તમને મળે નહીં. 'પણ મેં જોયું કે ગ્રેજયુએટ થતાં મારે કંઈ નહીં તો ઓછામાં ઓછાં ત્રણ વરસ કાઢવાં પડે. વળી, મને કાયમનો માથાનો દુખાવો રહેતો અને હંમેશ નસકોરી ફૂટતી. આનું કારણ ગરમ આબોહવા મનાતું. અને અલબત્ત, આખરે ગ્રેજયુએટ થયા બાદ સુધ્ધાં મને ખાસ મોટી કમાણી થાય એવી આશા તો હતી જ નહીં. આ બધી વાતો કાયમ મારા મનમાં ઘોળાયા કરતી હતી તે દરમિયાન મારા પિતાના એક જૂના મિત્રને મારે મળવાનું થયું અને તેમણે મને વિલાયત જવાની અને બેરિસ્ટર થવાની સલાહ આપી, તેમણે જાણે કે મારી અંદર ધૂંધવાઈ રહેલી આગનો ફૂંક મારીને ભડકો કર્યો. મેં મનમાં વિચાર્યું, “હું ઈંગ્લંડ જાઉં તો બૅરિસ્ટર થઈ શકું એટલું જ નહીં, ફિલસૂફો અને કવિઓની ભૂમિ અને સંસ્કૃતિનું ખુદ કેન્દ્ર એવું ઇંગ્લંડ મને જોવાનું મળે.” આ ગૃહસ્થની મારા વડીલો પર ધણી સારી લાગવગ હતી અને તેથી મને વિલાયત મોકલવાનું તેમને સમજાવવામાં તે સફળ થયા.

ઈંગ્લંડ આવવાનું મારે કેમ થયું તે બતાવનારાં કારણોનું મારું આ બહુ ટૂંકમાં નિવેદન છે, પણ તે કારણોમાં મારા આજના વિચારોનું પ્રતિબિંબ પડે છે એવું જરાયે માનવાનું નથી.

બેશક, તમારું આવું મહત્ત્વાકાંક્ષી પ્રયોજન જાણીને તમારા બધા મિત્રો તો બહુ રાજી થયા હશે.

ના, બધા નહીં. મિત્રો મિત્રોમાંયે ફેર હોય કે નહીં? જે લગભગ મારી ઉમરના મારા સાચા મિત્રો હતા તે બધા મારા ઇંગ્લંડ જવાની વાત સાંભળીને બહુ ખુશી થયા. બીજા