પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુ ણ દો ષ : ૮૫
 


પશ્ચિમના સિદ્ધાંતોને સ્વીકારતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે પશ્ચિમનું સંસ્કારબીબું આપણને ફાવશે કે આપણે તેની આકૃતિમાં કંઈ ફેરફાર કરવો પડશે. સંભવિત છે કે આપણા સંસ્કારબીબામાંનું એકાદ વધારે અનુકૂળ હોય અને તે આપણે જ કદાચ પશ્ચિમને આપવા સરખું હોય. જેમ આપણે સર્વજ્ઞ નથી તેમ પશ્ચિમ પણ સર્વજ્ઞ નથી–જોકે આપણો જ્ઞાનઝરો હમણાં તો પશ્ચિમથી જ વહી આવે છે. છતાં જેમ આપણે સર્વશક્ત નથી તેમ પશ્ચિમ પણ સર્વશક્ત નથી. પછી ભલે પશ્ચિમ આજ આપણા ઉપર રાજકીય અને આર્થિક સત્તાનાં બંધનો વીંટાળતું હોય. આજ આપણે એટલું તો સમજતા થયા જ છીએ કે કોટપાટલૂન પહેરેલો હિટલર કે ચેમ્બરલેન એકલો જ સુધરેલો મનુષ્ય નથી; હિંદનો અર્ધ નગ્ન ફકીર પણ પૂર્વપશ્ચિમની સંસ્કૃતિને પૂરતી રીતે ઝીલે અને ઝીલાવે એટલો સંસ્કારી તો છે જ.

મૂડી તથા મજૂરીની
તુલના

સહકાર્ય એ પશ્ચિમનો ફાલ. મૂડી અને મજુરીનાં વેરઝેર ઓછા ઓછાં તો ય જૂના કાળનાં છે. અર્થશાસ્ત્રનાં તત્ત્વોની ઘટમાળમાં આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. આપણે સામાન્ય દૃષ્ટિથી મૂડી અને મજૂરીનું મહત્ત્વ વિચારીએ. જગત સમગ્રની મૂડીનો અહીં ઢગલો કરીએ. સામે માત્ર એક જ મજૂર–સકળ શ્રમજીવીઓના પ્રતિનિધિ તરીકે–આપણે ઊભો રાખીએ. ચોવીસ કલાક સુધી આપણે અહીં સતત બેસીએ. ધનભંડારને અને શ્રમભંડારને જોઈએ, તપાસીએ, તોળીએ, આંકીએ અને તેમનાં મહત્ત્વ ઠરાવીએ. અલબત્ત, આપણે એવા મૂર્ખ નથી કે મજૂરના લાભમાં ચુકાદો આપીએ. ચોવીસ કલાકે આપણે નિર્ણય આપ્યો કે આ ધનભંડાર આગળ પેલા શ્રમજીવીના ખોખાની તુલના થઈ શકે જ નહિ. મૂડી પાસે મજૂરનો હિસાબ નથી.