પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુ ણ દો ષ : ૮૭
 


નથી અને તેનાથી પાણી લાવી શકાતું નથી. આપણે જાતે પાણી લાવીએ તો મજૂરના ટોળામાં ભળી જઈએ છીએ. આ ક્ષણે આપણને સમજાય એમ છે કે ધન કરતાં શ્રમ શ્રેષ્ઠ છે, કારણ ધનિક નહિ પણ શ્રમજીવી ઉત્પાદનનું કાર્ય કરે છે. શ્રમ ધનને ઉત્પન્ન કરે છે. શ્રમના અદલાબદલી તરીકે સ્વીકારેલું ચલણ શ્રમનું જ માલિક બની જાય એ સ્થિતિપરીવર્તન અકુદરતી છે. મજૂરને શ્રેષ્ઠ ગણવામાં લાગતી મૂર્ખાઈ હવે આપણને ડહાપણ લાગે છે.

મૂડીવાદનું ૫રિણામ

પશ્ચિમમાં યંત્રસર્જન થયું અને તેની સહાય વડે મૂડીવાદ અણઘટતી મોટાઈ મેળવી શ્રમજીવીને ગુલામીમાં નાખતો ચાલ્યો. સામે જબરદસ્ત પ્રત્યાઘાત શરૂ થયો. યંત્રે મૂડીમાં ન ધારેલું બળ અર્પણ કર્યું; મૂડીમાંથી વ્યાજ, ભાડું અને નફાના પાતાળકૂવા ફૂટી નીકળ્યા. મૂડી એક પતિવ્રતા સતીની માફક વ્યક્તિની સોડમાં જ ભરાતી ચાલી. રણવાસપ્રિય રાજા – બાદશાહની માફક મૂડીવાદીઓએ જેટલી લક્ષ્મી આવી તેટલી ભેગી કરી, અને એ જગતમાતા સમસ્ત માનવજાતનું પોષણ કરવું મૂકી વ્યક્તિની ભોજ્ય બનતી ચાલી. સુખનાં સાધનો અનેકગુણ વધ્યાં, પણું સુખ ઘટ્યું, કારણ ધનની અને ધનિકોની શક્તિ વિસ્તૃત, સ્વાર્થી, અને કાતીલ બનતી જતી હતી. એક પાસ ધનનો–સાધનનો–સુખનો ઢગલો ઊભો થવા માંડ્યો; બીજી પાસ ભૂખમરો, અનારોગ્ય, વિષાદ અને નિરાશાની ભયાનક આંખો ઉઘડવા માંડી. વિચારો, સુધારકો, જનહિતવાદીઓ – Humanitarians ચમકી ગયા. માનવહૃદય, માનવસંબંધ અને સમાજનાં અન્વેષણ શરૂ થયાં, અને યંત્ર સામે નહિ પણ યંત્રવાદ સામે–મૂડી સામે નહિ પણ મૂડીવ્યવસ્થા સામે જબરદસ્ત પ્રત્યાઘાત શરૂ થયો : જેનું એક પરિણામ સમાજવાદ અને બીજું પરિણામ તે સહકાર્ય. આમ