પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ : ગ્રા મો ન્ન તિ
 


અને કપાસ જેવા Commercial crops–નાણાં આપતા પાકની મંડળીઓએ વ્યાપારી જીનીંગ ફેક્ટરીઓનો સામનો કરી ભાવ મુકરર કરવાની ફરજ પાડી, એટલું જ નહિ પણ જીનીંગ ફેક્ટરીઓ ઉઘાડવાની શક્તિ મેળવી.

નગર સહકાર્ય

વળી સહકાર્યનો લાભ ખેડૂતને અગર ગામડાંને જ મળી શકે એવો ખ્યાલ બદલાઈ ગયો, અને શહેરો તથા કસ્બાના વ્યવહારમાં પણ સહકાર્યનો ઉપયોગ થઇ શકે એમ સ્પષ્ટ થયું. ઉત્પાદન, વહેંચણી અને ભોક્તૃત્વના નાના મોટા પ્રકારમાં સહકાર્યનો સિદ્ધાંત અમલમાં મૂકાવા માંડ્યો. દૂધ પૂરું પાડનારી મંડળીઓ, શિક્ષકોની મંડળીઓ, જ્ઞાતિની મંડળીઓ, જમીન એક જથે કરનારી મંડળીઓ, સ્ટોર્સ, વખારો, વિમા મંડળીઓ, શાળા વગેરે સંસ્થાઓ સહકાર્ય ઉપર અવલંબન રાખીને રચવામાં આવે છે, એટલું જ નહિ પણ ઘરની સગવડ થાય એ અર્થે ઘર બાંધનારી સહકારી મંડળીઓ પણ શહેરમાં સ્થપાયે જાય છે.

પ્રકારો

આમ સહકાર્યનું ક્ષેત્ર ઘણું વિસ્તૃત બન્યું છે. સહકાર્યના પ્રકારો ચોકસાઇ પામતા ચાલ્યા છે. શરાફી અને બિન–શરાફી, ગ્રામ્ય સહકાર અને નગર સહકાર, ખેતી અને બિન-ખેતી સહકાર, ઉત્પાદન માટે અને ભોક્તૃત્વ માટે સહકાર : આવા આવા વિભાગો નીચે સહકાર્યનું વર્ગીકરણ કરવાની જરૂર ઊભી થઈ. હજારો મંડળીઓ, લાખો સભાસદો અને કરોડોનીં મૂડી સહકાર્યના નિયંત્રણ તળે મૂકાઈ ગઈ છે. તેની સેવામાં માસિકો પણ મૂકાય છે, અનેક પુસ્તકો સહકાર્ય વિષે લખાય છે, સભાઓ ભરાય છે, અને યોજનાઓ વિચારાય છે.