પૃષ્ઠ:Gramonnati.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ : ગ્રા મો ન્ન તિ
 


મોટા પાયા ઉપરના
ઉદ્યોગોમાં પરવશતા

મોટા પાયા ઉપર રાષ્ટ્રઉદ્યોગો રચવામાં આવે અને ગામડાંના નાના ઉદ્યોગો નિરર્થક બની જાય એવી સ્થિતિ ઈચ્છવા યોગ્ય હોય તો પણ જ્યાં સુધી હિંદી સરકારે હિંદી રાષ્ટ્રિયતાને પોતાની કરી નથી અગર સમાજવાદીઓ પ્રચારની ભૂમિકામાંથી કાર્યની ભૂમિકા ઉપર હજી આવ્યા નથી ત્યાં સુધી આપણે બીજા મતને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. યાંત્રિક બળવાળાં મોટાં રાષ્ટ્રિય કારખાનાં ગામડાંની જરૂરિયાતો પૂરી પાડે એ જરૂર ઇચ્છવા યોગ્ય છે. પરંતુ હિંદુસ્તાનની ઔદ્યોગિક પરવશતા અને અવ્યવસ્થા જે રાજકીય પરતંત્રતાનો પડઘો છે, તે આપણને શીખવે છે કે ગામડાંની જરૂરિયાતો ઉપર જ આપણે લક્ષ આપી શકીએ એમ છે. બીજી રીતે હિંદુસ્તાનના હાથ બંધાએલા છે. આપણે હાથે કરી લઈએ એટલા જ ધંધામાં આપણે સ્વતંત્ર છીએ.

ગ્રામઉદ્યોગ એ
આજનો પ્રશ્ન

ગ્રામઉદ્યોગો આપણી ગામડાની મિલકત અગર મૂડીમાં ધ્યાન ખેંચવા જેવો વધારો નહિ કરી શકે. આંતરરાષ્ટ્રિય દૃષ્ટિએ વિચાર કરનારા મહાવિચારકોને ગામડું અને ગામડાના ઉદ્યોગો ક્ષુલ્લક, નજીવા અને લુપ્ત થાય તો આંસુના ટીપાંને યોગ્ય ન લાગે એ સહજ છે. પરંતુ ગામડાંનો પ્રશ્ન હિંદુસ્તાનને માટે તો આજનો થઈ પડ્યો છે. આજને માટે તો તે અત્યંત મહત્ત્વનો છે. આવતી કાલની પ્રજા આંતર–રાષ્ટ્રિય સંજોગો પૂલટાતાં મહેલમાં રહી શકશે એ સ્વપ્ન આજના તૂટેલી ઝૂંપડીઓમાં રહેતા ગામડિયાને બહુ ભાવી શકે એમ નથી. સમાજવાદ અગર સામ્યવાદની આવતી કાલની જાહોજલાલીમાં પ્રત્યેક ખેડૂત અને મજૂર ઓછી મજૂરી કરી પેટભર ખોરાક મેળવી સિનેમા, નાટક