પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સામાજિક ઉન્નતિ : ૧૩૭
 


મનુષ્ય અને તેનો અન્ય મનુષ્યો સાથેનો સંસર્ગ–સંબંધ એ સર્વ સામાજિક ઘટનામાં આવી જાય.

સામાજિક ઉન્નતિનો વિગતવાર ખ્યાલ આવે એ અર્થે આપણે આપણા ગ્રામસમાજનું સહજ પૃથઃકરણ કરીએ.

તંદુરસ્તી

ગ્રામસમાજ ગ્રામજનતાનો બનેલો હોય. ગામડામાં રહેતાં માનવીઓ એ આપણો સમાજ, એમાં પુરુષો પણ હોય અને સ્ત્રીઓ પણ હોય. કૂબા, ઝૂંપડી કે મકાનમાં એ માનવીઓ રહે છે. એમને પોષણ મેળવવું પડે છે, એમને તંદુરસ્તી સાચવવાની હોય છે, કામકાજ કરવાનાં હોય છે, પડોશી અને સગાંસંબંધીઓ સાથે વ્યવહાર કરવાના હોય છે, અને અરસપરસ શોક-આનંદના પ્રસંગોએ એક બીજાનો સાથ આપવાનો હોય છે.

કેળવણી

એ લોકોનાં ભણતર અને સંસ્કાર ઉપર ગ્રામજીવનની હૃદયસંપત્તિ રચાયેલી હોય છે. અતિથીસત્કાર, ઉદારતા, અજાણ્યાને પણ ઉપયોગી થઈ

પડવાની વૃત્તિ આપણે ગ્રામજીવનમાં કલ્પીએ છીએ એમાં આપણે ગ્રામજીવનના ઉચ્ચ સંસ્કારની જ કદર કરીએ છીએ.

ભણતરનો અભાવ તેમની વાણીમાં, પહેરવેશમાં, રીતરિવાજમાં એક પ્રકારનું બેડૉળપણું લાવે છે એ પણ ભૂલવા સરખું નથી. તેમના માનસમાં એક પ્રકારનું શિથિલપણું, ભય, આળસ, નવીનતા પ્રત્યે ઉદાસીનતા, સ્થિતિચુસ્તપણું પણ દાખલ કરી દે છે. કુદરત ઉપર આધાર રાખ્યા કરતી ગ્રામજનતા નસીબને દોષ આપવામાં પોતાના દોષને ન ઓળખવાની ભૂલ કરતી પણ થઈ જાય છે.

દેખાદેખીમાં ખર્ચાળપણું તે વધારી દે છે, અને વ્યસન તેની પાસે મૂકવામાં આવે તો તેનો ભોગ એ જલદી થઈ પડે છે. છક્કાપંજાની