પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦ : ગ્રા મો ન્ન તિ
 


જીવંત વિભાગ તરીકે ખીલવવાની ભાવના જાગ્રત થાય છે. ગામ પ્રત્યે આવા મમત્વ અને અભિમાનમાં નાગરિકપણાંનાં બીજ રહેલાં છે. આપણાં પરિવેષ્ટનો, આપણી બાહ્ય ઉપાધિ, આપણાં બાહ્ય સાધનો અને આપણને વીંટળાઈ વળેલી આપણી નાનકડી સૃષ્ટિ આપણા દેહને અને આપણા મનને ખૂબ ઘડે છે. શહેરની સંકડાશ આપણને પરોણાગતથી વિમુખ બનાવે છે એ આપણો સહજ અનુભવ છે. ગ્રામજીવનની નિષ્ક્રિય, ઊંઘરેટી અને ઉર્મિમંદ ઉદાસીનતા આપણામાં પણ નિષ્ક્રિયતા, સુસ્તી અને નિરુત્સાહની છાયા પાથરી દે છે એ આપણો ગામડાંનો અનુભવ સહજ છે. એ જ ગ્રામવાતાવરણમાં તંદુરસ્તી ઉભરાય, કેળવણીના પરિણામે બુદ્ધિના ચમકારા પ્રગટ થયા કરે, કલાયોજના અને સૌન્દર્યવૃદ્ધિના પ્રયોગો નિત્ય થાય તથા ગ્રામને જીવંત બનાવવામાં –અન્ય ગામો કરતાં આગળ વધારવામાં આપણું અભિમાન દોરાય ત્યારે ગ્રામજનતાનો સામાજિક વિકાસ થયો એમ આપણે કહી શકીએ.

એમ કહી શકાય કે આર્થિક ઉન્નતિ પણ સામાજિક ઉન્નતિનો એક વિભાગ છે. સામાજિક વિકાસ આર્થિક ઉન્નતિની અમુક અપેક્ષા રાખે પણ છે, અને સાથે સાથે સામાજિક ઉન્નતિનાં વિવિધ અંગોમાં તે પરિણામ પણ પામે છે. છતાં બંને અંગો વધારે વિસ્તૃત વિવરણથી વધારે સમજાય એ અર્થે સામાજિક ઉન્નતિને આર્થિક અંગોથી છૂટી પાડી જોવાનો પ્રયત્ન કર્યો છે.

નૈતિક ઉન્નતિ અને ધાર્મિક ઉન્નતિના વિભાગો પાડવાની જરૂર નથી. સ્વાર્થરહિત સંબંધ એ મોટામાં મોટી નીતિ છે, અને ધર્મ જો કે સામાજિક સ્વરૂપ જગતમાં ધારણ કરી રહ્યો છે, છતાં ધર્મભેદ પ્રગતિરોધક બને છે અને સર્વ ધર્મમાં રહેલું સત્ય જગતનો