પૃષ્ઠ:Gramonnati.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦ : ગ્રા મો ન્ન તિ
 


અગર ન કરીએ તો પણ શહેરી કે ગ્રામવાસીને પોતાનાં બે વસ્ત્રો જાતે ધોઈ સાફ રાખવામાં શરમ આવવી ન જોઇએ. એટલું તો હરકોઈ માણસ સહેલાઈથી કરી શકે.

ગૃહ સ્વચ્છતા

વ્યકિતગત સ્વચ્છતાનો સહજ વિસ્તાર સામુદાયિક સ્વચ્છતાને આપોઆપ ઊભી કરશે. સ્વચ્છ મનુષ્ય બીજા મનુષ્યોને દૃષ્ટાંત રૂપ બને છે. વ્યક્તિગત સ્વચ્છતા ઘરને પણ સ્વચ્છ બનાવશે – કારણ ઘર વ્યક્તિનું પ્રથમ સામાજીક વર્તુલ કહી શકાય. સ્વચ્છ મનુષ્યને ઘરમાં કચરો ન ગમે. એ ઘરની ભીંતો ડાઘાડુથી ન રહેવા દે. એના ઓરડામાં જાળાં ન હોય. ઘાસ, લાકડાં, છાણાં અને કાઠી જેવાં સાધનોનો નિત્ય સહવાસી ગામડિયો સ્વચ્છ હોય તો તે જેને તેને એવી રીતે ગોઠવે કે જેથી ઘર કે વાડો અવ્યવસ્થિત ન દેખાય. એનું રસોડું અને પાણિયારું પણ ચોખ્ખાં જ હોય. ગમે ત્યાં પાણી ઢોળાય એ તેને ન જ ગમે. એ પોતાનું સ્નાનગૃહ સ્વચ્છ રાખે. શૌચસ્થાન પણ ગમે ત્યાં ન જ હોય. પેટીપટારા, હાંલ્લાં ગાગર એ બધું યોગ્ય સ્થળે તેણે મૂકેલું હોય.

ગ્રામ સ્વચ્છતા

આમ વ્યક્તિગત સ્વછતા એક ડગલું આગળ ભરે એટલે ઘરને પણ સ્વચ્છ બનાવે. સ્વછતાનું વર્તુલ ઘરથી આગળ વધે એટલે આંગણા ઉપર ફરી વળે, આંગણા ઉપરથી તે શેરી ઉપર પ્રસરે અને શેરીમાંથી આગળ વધી તે આખા ગામને પોતાની અસર નીચે લાવી મૂકે. ઘર અને આંગણાં વ્યક્તિગત રીતે સ્વચ્છ રહે તો શેરી અને ગામની સ્વચ્છતા અતિશય સરળ બની જાય, કારણ પ્રત્યેક ઘરનું આંગણું સ્વચ્છ રહે એટલે આપોઆપ સ્વછતા વિસ્તાર પામે.