પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરોગ્યરક્ષણ અને જીવજંતુ : ૧૮૯
 


તેમને અદૃશ્ય કરવાને માટે પશ્ચિમમાં તો લાખ્ખો અને કરોડો રૂપિયા ખર્ચાય છે. પનામાની સંયોગીભૂમિને ખાદી તેમાંથી સામુદ્રધુની બનાવી એ આપણી નજર આગળની વાત છે. એ ખોદતી વખતે દરિયાના મચ્છરમાખી જેવા જંતુઓએ અવર્ણનીય ત્રાસ આપેલો. માખીના સ્પર્શથી અને મચ્છરના ડંખથી લાખો મજૂરો માંદા પડતા અને મરી જતા. આગ્રહી, વિજયી માનસવાળી પશ્ચિમની પ્રજાએ એ અમાનુષી જંતુદુશ્મનીનો સામનો કર્યો અને તેમણે વિજય મેળવ્યો. આજ પનામાની નહેરમાં થઈને વહાણો જાય છે. એ જ સ્થળ જ્યારે જમીન હતું ત્યારે મચ્છર અને માખી માનવીને ઊભા પણ રહેવા દેતાં ન હતાં. રાખોડી, માટી, ધૂણી અને અગ્નિ એટલી જ વસ્તુઓ જો આપણને શાસ્ત્રીય ઢબે વાપરતાં આવડે તો આપણે ગ્રામજનતામાંથી માખી અને મચ્છરને દૂર કરી શકીએ. અલબત, એની સાથે આપણા હાથ, પાવડા, કોદાળા અને સાવરણા તો સાબીત રહેવા જોઈએ.

અન્ય જંતુઓ

માખી અને મચ્છરની સાથે જ, જુવા અને ચાંચડનો પણ વિચાર કરવા જેવો છે. જેથી વિષમજ્વર-ટાઇફોડ-નો ફેલાવો થાય છે અને ચાંચડના કૂદકા સાથે પ્લેગ-ગ્રંથિકજ્વર પણ આપણા ગ્રામજનોને મોતના મુખમાં ધકેલી દે છે. પ્લેગ વખતે ઉંદરોનો નાશ કરવા ઘોષણા જાગે છે અને સંખ્યાબંધ ઉંદરોને પકડી બાળી નાખવાની એક મહા ક્રૂર પ્રથા શરૂ થાય છે. તેનું કારણ એટલું જ કે ઉંદરનો દેહ પ્લેગનાં જંતુઓને ફેલાવતા ચાંચડનું નિવાસસ્થાન છે. ઉંદર ખેતીના પાકનું તો ભયંકર નુકસાન કરે છે જ, પરંતુ માખી અને મચ્છરની સાથે મેળ સાધી ચાંચડ દ્વારા ગ્રામજીવનનાં આરોગ્યને હણે છે એ ભૂલવા સરખું નથી.