પૃષ્ઠ:Gramonnati.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખોરાક, બાળઉછેર અને કેળવણી : ૨૦૫
 


યુગપુરુષપણાની સાબિતી આપે છે. એમની દૃષ્ટિમાં શું નહિ આવ્યું હોય એ જ એક પ્રશ્ન છે. સદ્‌ગત શ્રીમંત સયાજીરાવ પણ અદ્‌ભુત પ્રયોગશીલ પુરુષ હતા. સોયાબીન વિષે તેમણે પણ સરસ અભ્યાસો કરાવ્યા છે. એકંદરમાં ખોરાક પ્રત્યે શાસ્ત્રીય દૃષ્ટિ ફેંકાવા માંડી છે અને આપણે આશા રાખીશું કે હવામાન પ્રદેશ વગેરેને અનુકૂળ થઈ પડે એવી રસોઈરચનાનું આપણું જ્ઞાન વધતું જશે. એ બધું ખૂબ ઉપયોગી છે. પરંતુ એથી યે વધારે ઉપયોગી તો એ છે કે ગ્રામજનતાને પૂરતો ખોરાક પહોંચાડવો. ઘઉંમાં પ્રજીવનક કેટલાં છે એ જાણવું જરૂરી છે. પરંતુ વધારે જરૂરી તો એ છે કે ગ્રામજનતાને પૂરતા ઘઉં કેમ કરીને મળે.

માંસાહાર

માંસાહાર અને વનસ્પતિ–આહારનો પ્રશ્ન અહીં બહુ મહત્વનો નથી. ગુજરાત તો મોટે ભાગે વનસ્પતિનો આહાર લે છે. ગ્રામજનતામાં અનાજ, કઠોળ અને શાક એ જ મુખ્ય ખોરાક. માંસનો બાધ ન માનનાર વર્ગોનું પણ નિત્ય ખાણું તો વનસ્પતિ જ.

જમવાનું મહત્ત્વ

જમવું એ અતિ મહત્ત્વની ક્રિયા છે. જીવવા માટે જમવું તો જોઇએ જ જગતના મોટા ભાગને એને યજ્ઞનું, ધાર્મિક ક્રિયાનું, આનંદવિધિનું, સમારંભનું સ્વરૂપ આપી સમાજે તેનું મહત્ત્વ સ્વીકાર્યું છે, અને એ મહત્ત્વ ચાલુ જ રહેશે. માત્ર ધનિકો, બ્રાહ્મણો કે શોખીનોનો નિરુપયોગી હાનિકારક વ્યવસાય એ ન બની રહે, અને સામાન્ય ગ્રામજનતા પણ તેનું મહત્ત્વ સમજતી થાય એમ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવી જોઇએ. ખોરાક પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પૂરતો હોવો જોઇએ. ગ્રામજનતાને એ ન મળતો હોય તો ગ્રામોદ્ધારમાં એનું અગ્રસ્થાન જોઈએ.