પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮ : ગ્રા મો ન્ન તિ
 


તે સ્વીકાર કરે જ એમ આગ્રહ રાખી શકાય નહિ. તથાપિ નવીનતા તરફ તિરસ્કાર વૃત્તિ ન જાગે એવી ઉદારતા ભરી એ કેળવણી હોવી જોઈએ.

શરીરબળ

આગેવાન બનનારથી માંદગીની મૈત્રી સેવાય નહિ. આગેવાનને અંગમજૂરી તરફ સદ્‌ભાવ હોવો જોઇએ, અને અંગમહેનત માટે તેની સર્વદા તૈયારી હોવી જોઇએ. નવા યુગની નાજુકી, સફાઈ, આદતો, અને નબળાઈઓ મૂકીને તેણે ગ્રામપ્રવેશ કરવાનો છે. બપોરનો તાપ નહિ ખમાય; વરસતા વરસાદે બહાર નીકળતાં શરદી થશે; શિયાળાની મધરાતે ઠરી જવાશેઃ આવા આવા ભયથી જેનું શરીર ધ્રૂજી ઊઠે તેણે ગ્રામ–આગેવાનીનો ડોળ કરવાની જરૂર નથી.

સહનશક્તિ

આગેવાનની સહનશક્તિ બહુ ઊંચા પ્રકારની હોવી જોઈએ. આગેવાનીમાં દુઃખ પણ પડશે, અપમાન પણ મળશે, અને ડગલે પગલે નિષ્ફળતાના ભણકારા વાગ્યા કરશે. દુ:ખ, અપમાન અને નિષ્ફળતાથી હારી બેસે એ આગેવાન નહિ. ગ્રામઉન્નતિનો હેતુ પાર પડે ત્યાં સુધી તેણે દુઃખ સામે લઢવું પડશે, અપમાન ગળી જવાં પડશે અને નિષ્ફળતાઓને હસતે મુખે વધાવી લેવી પડશે.

યોજનાશક્તિ

ગામડાંના પ્રશ્ના નાના ખરા; છતાં એ પ્રશ્નોનો ઉકેલ યોજનાશક્તિ માગી લે છે. ગામડાના લોકો અજ્ઞાન અને અર્ધજ્ઞાનવાળા. તેમને ઉન્નતિના પ્રશ્નમાં રસ લેતા કરવા અને તેમની પાસે યોજનાઓ અમલમાં મુકાવવી એમાં કુનેહની જરૂર છે. ધમકી, રોફ, મહેણાં એ કશાથી કામ થાય નહિ. માત્ર ભાષણો ગામડાં માટે નિરુપયોગી છે. ગામડાના થઇને રહેવું, ગામડિયા બનવું, યુક્તિપુરઃસર તેમનું મન સંપાદન