પૃષ્ઠ:Gramonnati.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪ : ગ્રા મો ન્ન તિ
 

વધારે ઝાકઝમાળ બનાવી શકાય. લગ્નપ્રસંગનાં ગણેશકોબાં, નાગપંચમીનાં નાગચિત્ર, નવરાત્રીના કુંભજ્વારાની સ્થાપના, અને દીવાળીનાં કોડિયાં, એ આપણાં બિનખર્ચાળ કલાચિત્રો આજના યુગને અનુસરતાં બનાવી શકાય એમ છે.

આંગણાનો શૃંગાર

(૪) આંગણાનું સ્થળ એવું છે કે જ્યાં ઘરમાલિકની વ્યક્તિગત મમતા અને તેનું ગ્રામજન તરીકેનું સાર્વજનિક અભિમાન ભેગું મળે છે. બે ઘડા પાણી છાંટી, આંગણામાં એક સાથીઓ કે ચાર છીપાં પાડવાં એમાં ઉદ્યોગી ગૃહપત્નીને જરા ય વસમું નહિ લાગે.

ગ્રામશૃંગાર

પ્રસંગવશાત, ખાસ કરીને ઉત્સવોને ટાંકણે, શેરીઓ, ચોક, ખડકીઓ, પ્રવેશસ્થાનો કેળના થાંભલા, ખજુરીનાં ડાળાં, આંબા કે આસોપાલવનાં તોરણો વગેરેની ગોઠવણીથી એવાં સુંદર રીતે શણગારી શકાય છે કે શહેરોના ઉત્સવમાં પણ તેમનું અનુકરણ કરવું પડે છે. આવા ગ્રામશૃંગારને આપણે પ્રાસંગિક ગણીશું. તથાપિ બગીચા ઉપરાંત કેટલાંક નિત્યશૃંગારનાં પણ સાધનો હોઈ શકે. એમાં વૃક્ષારોપણ, ચોતરા, બેઠકો વગેરેનો સમાવેશ થાય, જેને આશ્રયે લોકો શાંતિ, આરામ અને આનંદ મેળવી શકે.

સૌન્દર્ય તત્ત્વો

આદર્શ ગામમાં ઉપર કહ્યાં તેવાં સૌન્દર્યતત્ત્વો હોવાં જ જોઇએ. એ બધાં ય શક્ય છે. શક્ય ન હોય તો ‘શક્ય’ બનાવવાં જોઈએ. રેડિયો, સિનેમા જેવાં આનંદનાં સાધનો, ટેનિસ બિલિયર્ડ જેવી રમતોની કલ્પના ગામડાને અંગે કરવાની હજી વાર છે. એટલે તે બાજુએ રાખી ઉપર કહેલા આનંદ–અંશો આદર્શ ગામમાં વિકસાવી શકાય એમ માનીશું તો પણ ઘણું છે.