પૃષ્ઠ:Gramonnati.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગામડું અને ઉન્નતિ પ્રકાર: ૧૫
 


સાધારણ સરાસરી સ્થિતિ ઉપરથી સહજ જણાઈ આવશે.

‘આ અવલોકનને પરિણામે … … … ગામનો રહીશ એટલે શું તેનું ચિત્ર આપણે સ્પષ્ટ સમજી લઈએ. એ ગામડાનો રહિશ ત્રણ વીઘાં જમીનનો માલિક અગર કબજેદાર છે. એ ત્રણ વીઘાંમાંથી બાર મહિને તે ત્રીસ રૂપીઆની કિંમતનો પાક ઉપજાવે છે, તેમાંથી સાડાચાર અગર પાંચ રૂપિયા સરકારધારાના તેને ભરવા પડે છે. તે અને તેનો પડોશી એ બે જણ મળી એક જાનવરની માલીકી ભાગદારીમાં ધરાવે છે. એ જ જાનવર ભેગો તે બીજા ત્રણ કુટુંબીઓ સાથે હવા અજવાળાથી રહિત ઘરમાં રહે છે. દર માસની તેની આવક પાંચ છ રૂપિયા થવા જાય છે. તેમાંથી પોતાના ખોરાક પાછળ તે દર મહિને અઢી રૂપિયા ખરચી શકે છે. રોજનું સવાશેરથી દોઢશેર અનાજ તેને મળે – મરચું મીઠું ન ગણીએ તો. ત્રીસવાર જાડું કાપડ એ તેનો વાર્ષિક પોષાક. એટલે દર માસે અડધા રૂપિયાનું તે વસ્ત્ર પહેરી શકે. મોટે ભાગે તો એ અભણ હોય છે. એકસો પાંસઠ રૂપિયાનું તેને માથે દેવું છે. પાંચ રૂપિયાની માસિક આવકમાં તેનો ખર્ચ છ રૂપિયાનો થાય છે એટલે આવક કરતાં દર માસે એક રૂપિયો વધારે ખર્ચ તે કરી નાખે છે. એટલે દેવું તો જેમનું તેમ રહે જ : અને વધ્યે જાય.

રૂા. ૧૬૫નું તેને માથે દેવું ગણાવ્યું તેમાંનું રૂા. ૯ર જેટલું એટલે અડધા ઉપરાંતનું દેવું લગ્ન અને મરણના કરાવરાને અંગે થયેલું હોય છે. શાહુકારો એકલા જ નહિ પરંતુ સામાજિક રૂઢિયો પણ તેને કેટલો બધો ચૂસે છે તે આ ઉપરથી સમજાશે.

બારમાંથી ત્રણ માસ તો તે નિરુદ્યમી જ રહે છે; તે દરમિયાન અંગમહેનત કે મનમહેનતનું કશું જ કામ તેને હોતું નથી. આ ત્રણ નિરુદ્યમના મહિનામાં તેની આર્થિક આવકમાં મીડું જ હોય છે.