પૃષ્ઠ:Gramonnati.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ : ગ્રા મો ન્ન તિ
 


તેનો મુખ્ય ધંધો ખેતી કે ખેતીના અંગની મજૂરી. એ કામ પણ અત્યંત નિરુત્સાહથી તે કરે છે, અને તેના બાપદાદા જે ચીલે ચાલ્યા હોય તે ચીલાથી રજ જેટલો પણ તે બહાર આવતો નથી.

તે ધર્મે હિંદુ છે, પરંતુ જતા આવતા સાધુ ફકીરને મૂઠી દાણો આપવો અગર કુરસદ હોય ત્યારે ગમે તે કઈ દેવને પગે લાગવું તે ઉપરાંત ધર્મ વિષે તેને કશી જ ખબર હોતી નથી.

આરોગ્યરક્ષણ અને સ્વછતાનું તેને ભાગ્યે જ ભાન હોય છે. મેળા, ઉજાણી અને ગરબા જેવાં આનંદનાં જૂનાં સાધનો તે ભૂલતો જાય છે અને નવા આનંદના પ્રકાર તેને જડતા નથી. સામાન્યતઃ તે મજબૂત હોય છે. અને કુદરત સાજો રાખે ત્યાં સુધી તે તંદુરસ્ત પણ હોય છે. પરંતુ જરૂર પડ્યે વૈદ્યકીય સારવાર તે મેળવી શકતો નથી. તેનું શરીરબળ તેના પૂર્વજ કરતાં ઓછું થતું જાય છે, એમ તે માન્યા કરે છે; પરંતુ તે સુધારવા માટે કશું જ કરતો નથી. સુધરેલી ઢબની ખેતી શું છે એ જાણતો નથી, અને ખેતી સુધરી શકે એ વાતને તે માનતો નથી. ગામમાં એક સહકારી મંડળી છે, પરંતુ તે કશું જ કામ કરતી નથી. સહકાર્યનો સિદ્ધાંત ગ્રામજીવનને સ્પર્શી શક્યો જ નથી, એમ કહીએ તો ચાલે. તે રોજ ખોરાક મેળવી શકે છે એટલી તેની સ્થિતિ સારી છે એમ કહી શકાય. એ ખોરાક પૂરતો અને પુષ્ટિકારક છે કે કેમ એ પ્રશ્ન જુદો જ અભ્યાસ માગી લે છે. ગામમાં સરકારી મહેસૂલની બાકી બિલકુલ રહેતી નથી એ જોતાં ઠાકરડાઓનાં અત્યંત નિર્ધન ગામ જેટલી અવદશાએ આ ગામ પહોંચ્યું નથી એટલું ખરું. તે ગુન્હાઇત વૃત્તિવાળો નથી. વર્ષો થયાં એકે ય ગુન્હો આ ગામે નોંધાયો નથી. તેને દાવાદુવીનો બહુ શોખ નથી—જોકે તેના શાહુકારો વખતો વખત તેને અદાલતમાં ઘસડે છે. સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયત સંસ્થામાં તેને કશો જ રસ