પૃષ્ઠ:Gramonnati.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ : ગ્રા મો ન્ન તિ
 


પૈસો વધે એમાં ઉન્નતિ દેખાય; કોઈને તેમાં ધર્મભાવના જાગે તો ઉન્નતિ દેખાય; ગામડાંની અનિષ્ટ રૂઢિયો દૂર થાય એમાં કોઈને ગ્રામોન્નતિ થતી લાગે; અને ગામડાંનું અભણપણું નાબૂદ થાય એને જ કોઈ ગ્રામોન્નિતિનું મૂળબીજ માને. અત્રે એ સર્વ પ્રકારની ઉન્નતિને બે વિભાગમાં વહેંચી નાખી ગ્રામોન્નતિનાં જુદાં જુદાં મહત્ત્વનાં તત્ત્વોનો સહજ સ્પર્શ કરવા પ્રયત્ન થઈ શકે એમ છે.

ગ્રામોન્નતિ
આર્થિકસામાજિક.

આમ ગ્રામોન્નતિના પ્રશ્નને (૧) આર્થિક અને (૨) સામાજીક ઉન્નતિમાં વહેંચી નાખવાથી તેનાં જુદાં જુદાં અંગો સમજવાં સહેલાં થઈ પડશે, જો કે ગ્રામોન્નતિના બંને પ્રકાર પરસ્પરનું અવલંબન લઈ જ રહ્યા છે એ ન ભૂલવું જોઈએ. આર્થિક ઉન્નતિ સામાજિક વિકાસને સાધવામાં સહાયભૂત છે, અને સામાજિક ઉન્નતિના પ્રયાસોમાં આર્થિક સુખ પણ સમાયલું છે, એટલે આ બંને વિભાગો પરસ્પર ઉપકારક છે જ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.

મૂડીવાદ અને
સામ્યવાદ

ગામડાંની દરિદ્રાવસ્થા આપણે જોઈ. માનવીને પેટપૂર ખાવાનું ન મળે અગર તાત્કાલિક ક્ષુધા તૃપ્ત થાય એટલું જ મહામુશીબતે મળે એ જગતને શરમાવનારી સ્થિતિ ટાળવાના પ્રયત્નો અતિ આવશ્યક છે. માનવજાતની ગરીબી મૂડીવાદને આભારી છે કે નહિ એ અર્થશાસ્ત્રના મહાપ્રશ્નની ચર્ચા અહીં આપણે નહિ કરીએ; છતાં એટલું તો ખરું જ કે માનવજાતની એકેએક વ્યક્તિને માટે પૂરતો ખોરાક