પૃષ્ઠ:Gramonnati.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેતી સુધારણા : ૨૫
 


રાખે છે. આ દેવાં ઘટે, ખરેખર દેવાં નક્કી થાય, ખાટા હિસાબો પકડાય, અમાનુષી અને અસહ્ય વ્યાજભારણ ઘટાડી દેવાય, ખેડૂતની દેવું વાળવાની શક્તિનો વિચાર થાય, અને હિંદમાં ખરું ઉત્પાદન કાર્ય કરતો ખેડૂતવર્ગ ભાંગી ન જાય એ સઘળા વિચારોને પરિણામે શાહુકારોના ધીરાણના ધંધાને પણ કાયદા–દ્વારા અંકુશમાં મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે, અને આ અત્યંત મહત્ત્વના વર્ગને સામાન્ય કાયદાઓનું યંત્ર પીસી ન નાખે એ અર્થે તેને રક્ષણ આપે એવા વિશિષ્ઠ નિયમો અને કાયદાઓ ઘડવાની પણ જરૂર પડી છે.

ખેતી ઉન્નત કરવી હોય તો ખેતી કરનારને સહુએ સાચવી સંભાળી રાખવો પડશે. ગુલામી ઉપર રચાયલી સંસ્કૃતિ રેતીના પાયા ઉપર ઉભેલી છે એમ ઇતિહાસ કહી રહ્યો છે. નોકરો ઉપર રચાતી વર્તમાન સંસ્કૃતિ પણ ગુલામીનો જ એક પ્રકાર છે. ખેડૂતને, મજૂરને વેચાતો લેવાની પ્રથા ખેતીનાં મૂળ ખોદી નાખે છે.

કૃષિનો પ્રશ્ન બહુ વિકટ છે. છતાં તેને ઉકેલ્યે જ છૂટકો.

સારાંશ

ગામની આર્થિક ઉન્નતિમાં કૃષિ એ સહુથી પહેલો અને સહુથી મહત્ત્વનો ભાગ છે. તેમાં જમીનસુધારણાના અંગમાં નીચેની બાબતો વિચારવાની જરૂર છે.