પૃષ્ઠ:Gramonnati.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બજાર : ૫૫
 


ફરવા માટે, ઉજાણીઓ માટે અને વાતાવરણનો ફેરફાર કરી મનને આનંદ આપવા માટેના સાધનરૂપ પણ બને છે. એટલે તે હળવા મળવાનાં તથા આનંદના ગ્રામસ્થાનો અગર ગ્રામ્યસ્થાનો તરીકે પણ ગણી શકાય.

જૂની વેચાણ
વ્યવસ્થા.

ગામડાંની માલ વેચાણપદ્ધતિ બહુ જ પ્રાથમિક ભૂમિકામાં હજુ રહેલી છે. ખેતીમાં ઉત્પન્ન થતો માલ મોટે ભાગે ગામડાંમાં વસતા અગર કેટલાંક ગામડાંને હાથ કરી બેઠેલા વ્યાપારીઓને વેચી દેવામાં આવે છે. આ વેચાણ ઘણી વખત તો માલ પાકતા પહેલાં જ થઈ ગએલું હોય છે. કૃષિકાર દેવામાં દટાઈ ગએલો માનવી છે. પૈસાની તેને વારંવાર જરૂર પડ્યા કરે છે, એટલે કોઈ બુદ્ધિશાળી શાહુકાર ખેડૂતનો લેણદાર બની બહુ ઝડપથી ખેડૂતના માલને પણ પોતાને બનાવી દે છે. એટલે ઘણી વખત ખેડૂત જાણે પોતાનું દેવું ભરવાને માટે જ ખેતી કરતો ન હોય એવી સ્થિતિ બની રહે છે. શાહુકારને અપાયલો માલ શાહુકાર ગામડામાં ભેગો કરી એક જથ્થે રાલી બ્રધર્સ અગર એવી જ બીજી કોઈ મોટી વ્યાપારી નફા ઉપર રચાએલી દેશી પરદેશી કંપનીઓને વેચી દે છે. મોટા જથ્થામાં માલ વેચાય એમાં જેટલો ફાયદો મળે એના કરતાં વ્યકિતગત ખેડૂત પૃથક્‌ પૃથક્ માલ વેચે તેમાં માલની કિંમત ઘણી ઓછી મળે છે.

વળી પોતાના જ શાહુકારને માલ આપવાનો હોય એટલે ખેડૂત સ્વાભાવિક રીતે શરમ અને દબાણને વશ થાય છે. પ્રચલિત ભાવ કરતાં સહજ ઓછે ભાવે માલ વેચી દે છે, અને તોલની વિચિત્રતાને વશ થઈ તોલમાં પણ વધારે માલ આપી દે છે. આમ ભાવ તેમજ તોલમાં પણ ખેડૂતને સહન કરવું પડે છે.