પૃષ્ઠ:Gramonnati.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ : ૬૯
 


પડે છે. આમ જમીનનો એક વખતનો માલિક માલકીથી મુક્ત થઈ શાહુકારનો ગણોતિયો કે મજુર બની જાય છે, – અરે ! મજુરી જેટલો પણ તેને પોતાની પ્રિય જમીન સાથે સંબંધ રહેતો નથી.

શાહુકારો વિરૂદ્ધ ટીકા

શાહુકારી પદ્ધતિ વિરુદ્ધ ઘણું ઘણું બોલાયું છે, અને લખાયું છે. શાહુકારોને મૂડીવાદી લોહી ચૂસનારા રાક્ષસો તરીકે પણ ચિતરવામાં આવેલા છે. શાહુકારી પદ્ધતિએ જમીનની સાથે પ્રત્યક્ષ સંબંધ ન ધરાવનારા એવા શાહુકાર વર્ગના હાથમાં જમીનનો મોટો જથ્થો મૂકી દીધો છે, તથા કૃષિ તથા કૃષિકારનું તેણે સર્વથા કલ્યાણ સાધ્યું નથી, એટલું તો આપણે કહી શકીએ. છતાં શાહુકારો વિરુદ્ધ ટીકા કરનાર સમાજસેવકો, વકીલો, અને અમલદારોએ ખાસ કરીને સમજવું જોઈએ કે તેમના પોતાના અસ્તિત્વે પણ ખેડૂતોની ઓછી ખરાબી કરી નથી. હજાર, બે હજાર, ચાર હજારનો માસિક પગાર સરકારી કચેરીઓમાં, વ્યાપારી પેઢીઓમાં અગર શરાફી બેંકોમાં નિયમિત રીતે મેળવી, મૉજશોખનાં સર્વ સાધનો ભરેલી દુનિયા સાથે સાથે ફેરવી કોઇવાર ગામડે જવાનો ડૉળ કરી ખેડૂતોની સ્થિતિનાં હૃદયદ્રાવક વર્ણનો અને શાહુકારોનાં રાક્ષસી વર્તાનનાં બ્યાન કરનારો એ વર્તમાન અમલદાર કે વ્યાપારી વર્ગ ગામડાંના શાહુકારો કરતાં જરાય ઓછો રાક્ષસી નથી. એ વર્ગે પણ સમજવું જોઇએ કે જેમ શાહુકારની સંપત્તિ શાહુકારે ખેડૂતો પાસેથી ઝુંટવી લીધી છે, તેમ તેણે પણ પોતાની ઝાકઝમાળ સ્થિતિ ખેડૂતના પ્રસ્વેદ અને ખેડૂતનાં રુધિર ઉપર જ રચેલી છે. પ્રત્યેક માસે પગાર લેતો પગારદાર શાહુકારાનું ભૂંડું બોલવાનો જરા ય હક્ક મેળવતો નથી. શાહુકાર એક ઉપયોગી કાર્ય તો કરે જ છે, – ગ્રામની આર્થિક વ્યવસ્થા તે જીવતી રાખે છે, અને ખેડૂતની શાખ પહોંચે ત્યાં સુધી