પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

યોજનાનું નહીં.' 'રાઈનો પર્વત' નાટક વિશેનો લેખ આમ તો 'રાઈનો પર્વત' એ સંપાદનની પ્રસ્તાવનામાં પણ જોવા મળશે. આ સમીક્ષામાં તેમણે 'રાઈનો પર્વત' લખાય છે તે સમય અને તેની પૂર્વેની નાટકોની સ્થિતિ વિશે તથ્યપરક ચર્ચા કરી 'રાઈનો પર્વત'નું યોગ્ય મૂલ્યાંકન કર્યું છે. રમણભાઈ નીલકંઠની નાટ્યપ્રતિભા ને રહસ્યોને તેમણે ખોલી આપ્યાં છે. અલબત્ત અહીં 'રાઈનો પર્વત'ની કૃતિલક્ષી સમીક્ષા મહદંશે છે. પ્રત વસ્તુસંકલના, પાત્રાલેખન આદિ બાબતોની યોગ્યતા – ઔચિત્ય વિશે વિશદ છણાવટ કરી છે. નાટકના સંવાદો વિશે તેમણે નોંધ્યું છે કે 'જાલકા'નો ડારતો પ્રભાવ નિરૂપવો હોય, શીતલસિંહની ભીરુતા ઉપસાવવી હોય, રાઈનું મનોમંથન આલેખવું હોય કે લીલાવતીની પતિમિલનની અધીરતા દર્શાવવી હોય, રમણભાઈ અત્યંત સહજતાથી પોતાની ભાષા દ્વારા જે તે પાત્રોના મનોભાવોને પ્રસ્થાપિત કરી શકે છે.'૭૧ 'રાઈનો પર્વત' અનેક રીતે નાટકની ભોંયભાંગતું નાટક છે તેમ સતીશ વ્યાસ માને છે. નાટકમાં આવતાં કાવ્યો, પદ્યો, છંદો આદિના ઔચિત્ય ને સંવાદોની તાર્કિકતા ને દૃશ્યાત્મકતા આદિને વિશે તેમણે ચર્ચા અવશ્ય કરી છે. ને સાથે 'મંચન ક્ષમતાનો અભાવ' એ આ નાટકની મર્યાદા છે. સતીશ વ્યાસ પોતે જ ભજવાય તેને જ નાટક માનવાનો મત ધરાવે છે. અલબત્ત અહીં 'રાઈનો પર્વત' બધી રીતે બરાબર છે, માત્ર ભજવી શકાય તેમ નથી (!) એમ કહ્યા પછી 'ભોંયભાંગતું' કે 'વિશિષ્ટ નાટક' છે એ વિધાનોની અર્થવત્તા કેટલી? આવા બધા પ્રશ્નો થાય છે.

'રાઈનો દર્પણરાય' 'રાઈનો પર્વત'ના કથાવસ્તુમાં રહેલી નાટ્યાત્મક શક્યતાનો ઉપયોગ કરી લખાયેલું નાટક છે. ભવાઈની દૃશ્યછટાઓનો વિનિયોગ કરી ક્રિયાના વિવિધ રૂપ દ્વારા નાટ્યાત્મકતા સંસિદ્ધ કરી છે. સતીશ વ્યાસ આ નાટકની કૃતિલક્ષી સમીક્ષા સાથે તેની મંચનની શક્યતાઓ વિશે વિચાર કરે છે. 'રાઈનો દર્પણરાય' નાટક આપણાં નવાં નાટકની ગતિવિધિનું એક અદકું નિદર્શન છે. એ વાતમાં તથ્ય છે. ધનંજય વૈરાગીના 'ધૃતરાષ્ટ્ર'ની કૃતિલક્ષી સમીક્ષા કરે છે. શિવકુમાર જોષીની એકાંકીકલામાં શિવકુમારનાં એકાંકીઓ વિશેની ચર્ચા છે. તેમાં શિવકુમાર જોષીની એકાંકીકાર તરીકેની વિશેષતા અને મર્યાદાઓને તેમણે શોધી આપી. ખરેખર તો એકાંકી સાહિત્યમાં તેમની સેવાનું મૂલ્યાંકન કર્યું છે. 'શિવકુમારે અવિરતપણે ગુજરાતી એકાંકી સાહિત્યની સેવા કરી છે. એક સમયના આપણા સૌથી વધારે ભજવાતા એકાંકીકાર તરીકે શિવકુમારનું સામયિકી મૂલ્ય છે.' શિવકુમાર જોષીના દીર્ઘનાટક ‘અમર અમર મર'ના અવલોકનમાં તેમણે નોંધ્યું છે, 'કૃતિમાં સાદ્યન્ત રંગભૂમિક્ષમતા પણ નથી.... ભર્તુહરિ સાથે અપૂર્ણ સંભોગથી રત્નગર્ભાનો અસંતોષ વધે છે. એવી જ અસંતોષ આ નાટક સાથેના