પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંપી
135
 

મોં પર ભોળપણ ધારણ કરીને જવાબ દીધો, “તમને સૌને સદીકનો દોષ કેમ લાગે છે? તમે બધા જ એને અળખામણો કરો છો. સદીક ન હોત તો શું શંખ સ્તંભતીર્થ પર ક્યારેય ન ત્રાટક્યો હોત?”

એવો જવાબ સાંભળી સાંભળીને પાછા ફરનારા પ્રજાનાયકોએ આ વાતની ચર્ચા કરી. ને પવન એ ચર્ચાને છેક દરિયાકાંઠે ઉપાડી ગયો. સદીકને ખબર પડી કે આખા ખંભાતના લોકમતની સામે જઈને પણ મંત્રીએ પોતાને નિર્દોષ માન્યો છે. સદીકને પગલે પગલે પ્રતીતિ થઈ કે હવે પોતે સલામત છે. સદીકે મંત્રીની મૂર્ખાઈ પર મનમાં હસી લઈ, મંત્રીને આંજી દેવાના, અને પોતાના અપરાધો ઉપર ધૂળ વાળી દેવાના સંતલસ મનમાં ગોઠવી રાખ્યા.

પછી મંત્રીએ તો ભોળપણની અવધિ બતાવી. મંત્રી સદીક શેઠને વાજતેગાળે માનપાનથી ગામમાં લાવવા જાતે દરિયાકાંઠે ગયા. અને મંત્રીનું વલણ ફરેલું દેખ્યું કે લાગલી જ પ્રજા પાછી સદીકના સામૈયામાં શામિલ થઈ ગઈ. મંત્રી અક્લ વગરનો છે ને ભયાનક ભૂલ કરી રહ્યો છે, એવું અંદરખાનેથી બોલનારા પ્રજાનાયકોએ જ પ્રકટપણે સદીક શેઠના આ સન્માનકાર્યમાં સાથ દીધો અને સદીકની કૃપા મેળવવાના પ્રયત્નો પણ આદરી દીધા. એ બધો તમાશો જોતો-સમજતો. વસ્તુપાલ લોકસ્વભાવનું અલભ્ય આંતરજ્ઞાન મેળવતો મનમાં રમૂજ પામ્યો. એણે પોતાના વર્તનમાં વધુ ને વધુ બોઘાપણું જ બતાવવું ચાલુ રાખ્યું.

મંત્રી સદીક શેઠને પોતાને ઉતારે જ ભોજન લેવા તેડી ગયા. તે વખતે પણ કેટલાક શ્રેષ્ઠીઓએ મંત્રીને ગાડે ચડી બેસવા જેવું કર્યું – “સદીક શેઠને અમે ભોજન આપીએ.”

"હા, એ કાલ ઉપર રાખો. સદીક શેઠ તો આપણા જ છેને ?" મંત્રીએ જવાબ વાળ્યો.

ભોજનનો સમારંભ રાત્રિના ઠાઠમાઠ વચ્ચે સોએક જમનારાઓના સાથમાં સમાપ્ત થયો. જમનારા પોતપોતાને ઘેર પહોંચ્યા. સદીક શેઠને મંત્રીએ પોતાને ઉતારે જ શયનગૃહ કાઢી આપ્યું. અને સૂવાટાણે એની ચંપી માટે ચાર મલ્લો હાજર થયા.

મલ્લોએ સદીક શેઠના હૃષ્ટપુષ્ટ દેહની ખૂબીદાર ચંપી માંડી. ત્રણેક દિવસનો થાકેલો અને ચિંતાગ્રસ્ત એ ભીમકાય નીંદરે ઘેરાવા લાગ્યો. તે પછી ચંપીનો પ્રકાર બદલાયો. પ્રથમ તો સદીકને લાગ્યું કે શરીરના જડ બનેલા સાંધા ને સ્નાયુઓની આ શાસ્ત્રીય પ્રકારની કચ્ચર છે. પણ પછી એને એનો એક પછી એક સાંધો ખડી જતો, હાડકાંનો માળખો પીંખાઈ જતો અને અંગેઅંગ ખોટાં પડતાં લાગ્યાં. એણે વારવા છતાં ચંપી ચાલુ જ રહી. એણે ત્રાડ મારવા છતાં ચંપી અટકી નહીં. એને