પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

28
બાળકો જેવાં!

દાનેશ્વરી અનોપ, વામનસ્થલી બેઠેલા સ્વામીનાં મનોમંથનોની દુનિયામાં ભૂલી પડેલી આજ ઘણા વખતે, ધોળકાને ઘરઆંગણે ઊભીઊભી ભૂખ્યાં દુખ્યાં અભ્યાગતોને સ્વહસ્તે ભોજન જમાડી રહી હતી ને વસ્ત્રો વહોરાવતી હતી. 'તું કોણ છે? તું લાયક છે કે નહીં?' એવો પ્રશ્ન કોઈને પૂછતી નહોતી; તું જૈન છે, શૈવ છે કે યવન છે, એવીય જિજ્ઞાસા દાખવતી નહોતી. એ તો બસ દેતી જ હતી. સ્વહસ્તે દેવા સિવાય કંઈ સમજતી નહોતી. એ જે હાથે દેતી હતી તે જ હાથના કંકણ પર કોતરેલું આ કાવ્ય હૃદયમાં રમાડતી હતી. સૌ અભ્યાગતોને જમાડ્યા પહેલાં, સર્વ સાધુસંતોને વહોરાવ્યા પહેલાં, એકાદ અતિથિ પણ બાકી હોય તે પહેલાં પોતે ભોજન લેતી નહીં. દેતાંદેતાં બપોર થઈ જતા છતાં પોતે ભૂખી સુકાતી હતી.

એક દિવસ ભોજન પીરસતાંપીરસતાં પંગતમાં એક છેલ્લા ચડી આવેલા યુવાનના મોં પર એની મીટ ઠરી ગઈ. એને ભોજન જમાડી લીધા પછી પોતાની પાસે બોલાવ્યો, પૂછ્યું: “કોણ છો, ભાઈ?”

“સૂત્રધાર (સલાટ) છું.”

“ક્યાં જાઓ છો?”

"શત્રુંજય પર પ્રભુ-બિમ્બ ઘડવા જાઉં છું.”

'પ્રભુ-બિમ્બ' શબ્દ કાને પડતાં જ અનોપની યાદદાસ્તનાં અંધારા ઉલેચાઈ ગયાં. એણે યુવાનની આંખો નિહાળી નિહાળીને પૂછ્યું: “કેટલાં વર્ષની વય છે તમારી?”

એણે જે વર્ષો બતાવ્યાં તે અનોપે મનમાં મનમાં ગણી જોયાં. તાળો મળી ગયો. બરાબર લુણિગના મૃત્યુને થયેલાં તેટલાં જ વર્ષ ! આંગણે જાણે એ જ આવી ચડ્યો ! એ જ શિલ્પીનો નવાવતારીઃ ચહેરોમોરો એ જ: એ જ – એ જ અણસાર.

“આબુજી ઉપર એક પ્રભુ-બિમ્બ મુકાવવું હોય તો કેટલો ખર્ચ પડે? પાછા ક્યારે વળવાના છો? આંહીં થઈને જજો.” એવા એવા અનેક પ્રશ્નો પૂછીને અનોપે એને વિદાય દીધી.