પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીરમદેવ
193
 

લેશે, ફસાક કરતીકને પેટની ફાંદ ફોડી નાખશે! અં-હં ! ન જ જવા દઉં.”

એમ કહેતાં કહેતાં ગોરાણી પતિને પકડીને પતિના સુંવાળા પેટ પર હાથ ઢાંકીને રોકવા લાગ્યાં.

“અરે ગાંડી, છોડ છોડ, શિવ શિવ કર !” એમ કહીને સોમેશ્વરદેવ ખડકી તરફ આવવા લાગ્યા.

બહાર ઊભેલા વીરમદેવને સોમેશ્વરદેવની ચાખડીના ચટકારાએ ચમકાવ્યો. એણે એકબે કૂતરા ત્યાંથી નીકળ્યા તેના શરીર પર ઘા કરી લીધેલા. ગાય નીકળી હોત તો ગાયને પણ એ ગાંડપણના આવેશમાં ઝાટકી નાખત તેટલો ઉશ્કેરાઈ ગયો હતો. પણ સોમેશ્વરદેવની પાદુકા બોલતી તે એને સદા પ્રિય હતી. એણે શરમાઈને ઉતાવળે કૃપાણ સંતાડી. નિર્ભય ગુરુના ભર્યા ભર્યા ગૌર દેહ પર આડો પડેલો જનોઈનો ત્રાગ અંધારે પણ દેખાયો. ગુરુ ધીરે સાદે કોઈ શ્લોક રટતા આવતા હતા. તાડૂકનારાઓની સામે તાડૂકી ઊઠનાર સ્વભાવનો વીરમદેવ છેટેથી જ ગુરુની સૌમ્યતાને વશ બન્યો. અને પાછળના પોરવાડવાડેથી મંત્રીશ્વરના સૈનિકોની મશાલો દેખાઈ તે પૂર્વે જ સોમેશ્વરદેવે વીરમદેવને પોતાના ઘરની પાછલી પરસાળે લીધો. આવેલા મંત્રી-સૈનિકોને એણે કુંવર પાછા ચાલ્યા ગયાનું જણાવ્યું. રેવતીની બાએ માંડ માંડ શ્વાસ સમાવીને દીવો લાવીને પતિનું શરીર નિહાળ્યું. 'અરે ઘેલી. મને કંઈ નથી કર્યું' એમ કહેતા પતિ પર વિશ્વાસ ન હોય કે પછી પતિની ફાંદ પર અન્યના દેખતાં વારંવાર હાથ ફેરવવાની પ્રામાણિક ઉત્સુકતાને ક્વચિત જ મળતું આવું કારણ જવા ન દેવું હોય, તેમ ગોરાણીએ પતિ-ફાંદ ફરી વાર પંપાળી.

રાજગઢમાંથી કુમારની શોધે આવેલાઓને સોમેશ્વરદેવે સાચા ખબર સાથે પાછા વાળીને જેતલબાને કહેવરાવ્યું: "મેં જ તેડાવેલા, મારી પાસે ભણે છે. હું થોડી વારે એમને લઈને આવું છું."

સોમેશ્વરગુરુ પર વીરમદેવને આદર હતો તે આ પ્રસંગે વધ્યો. સુરમ્ય સ્વરાવલિઓમાં શ્લોકોની ધારા ગુરુકઠેથી વહેતી રહી. અંધકારના હૈયામાં લળક લળક થતા લાખ લાખ તારા શીતળતા વરસાવતા હતા. ગુરુઘરની તુલસી-મંજરીઓ પંખા ઢાળી સુગંધનો ઓળીપો કરતી હતી. એમાં સોમેશ્વરદેવે વીરમદેવને પૂરા શાંત પાડ્યા. વીરમદેવે પોતાની ખોપરીમાં ત્રણ દિવસથી ઘૂમરાતો પ્રશ્ન પોતાની મોઢા તોડી લેતી તોછડી રીતે કર્યો.

"ઘુઘૂલને સાડી કેમ પહેરવી? આટલા બધા હજારો લોકો એને એકને પૂરીને કેમ ઠઠા કરતા હતા?ને સેનાપતિ તેજપાલ એવા રણબંકા હતા તો ઘુઘૂલને બહાર કાઢી, છૂટો મૂકી, હથિયાર સોંપી દ્વંદ્વયુદ્ધ કેમ ન ખેલ્યા? જીભ કરડી મરી જનારો