પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
ગુજરાતનો જય
 

ફાંદા પર સાળુ ઢાંક્યો, પાછલો પાલવ જરા નીચે કરી પાની પણ એણે ઢાંકી વાળી.

"છોકરીઓ ! તમારા બાપનું નામ?” લવણપ્રસાદે બાળકોને પૂછ્યું.

“આસરાજ.”

“આસરાજ ! પાટણના આસરાજ ને? માલાસણના આભૂ શેઠ તમારા માતામહ – માના બાપ – થાય ને?”

“હા.”

લવણપ્રસાદને અજાયબી થઈ. આ પોરવાડ વણિકના પરિવારના દેહ પર એણે ગરીબીની ચાડી ખાતાં થીગડાં દીઠાં. પણ એકેયના મોં પર ગરીબી નહોતી. પેઢાનપેઢીની ભદ્રિક ખાનદાનીના દર્પણ સમા એ ચહેરા ચમકતા હતા.

"આસરાજ શેઠ...” પૂછતાં પૂછતાં બાઈનાં વિધવાવેશે એને થંભાવી દીધો.

“અમારા બાપુ બે વર્ષ પર જ દેવ થયા,” વયજૂએ જવાબ દીધો.

"છોકરાઓને કેમ પાટણ મોકલો છો? મોસાળમાં ?”

“ના, કટુકેશ્વરની પાઠશાળામાં ભણવા.”

દરમિયાનમાં બાળકોની માતાએ અસવારને પૂરેપૂરો ઓળખ્યો હતો. ઓળખાણ પડતાંની વાર જ એણે ધીમે ધીમે હાથણી-ચાલે ત્યાંથી ગામ તરફ સરકવા માંડ્યું, એ થીગડાવાળું ઓઢણું પીઠ પરથી પાની સુધી ઢાંકી લેવા મહેનત કરતી કરતી ચાલી ગઈ.

શણગારેલી સાંઢણી અને તેનો બેડોળ મોંવાળો ક્ષત્રિય અસવાર, માંડલિકપુરને પાદર ગામલોકોના અજબ આકર્ષણનાં પાત્રો બન્યાં હતાં. ભેગાં થયેલાં લોકોમાંથી એકબે જણાં એ વિધવા બાઈના ચાલ્યા જવા પછી લવણપ્રસાદને કહેવા લાગ્યા: “અમારા ગામમાં ડાહ્યું માણસ છે કુંઅર શેઠાણી; પૂછવા ઠેકાણું છે; પેટ અવતાર લેવા જોગ જોગમાયા છે.”

"આટલાં બધાં ઘાસી ગયાં શી રીતે ?"

"આસરાજનો વહેવાર મોળો પડ્યો હતો. પોરવાડની વાતમાં કહેવાપણું થયું હતું ખરું ને?”

“કેમ?”

“રંડવાળને પરણ્યા હતા ખરા ને?”

"હા, હા, યાદ આવ્યું,” એમ કહીને લવણપ્રસાદ અઢારેક વર્ષ પૂર્વેનાં જૂનાં સ્મરણ-પાનાં ઉથલાવી રહ્યો, પણ વધુ કાંઈ બોલ્યો નહીં.

“અને પછી તો,” એક બીજાએ કહ્યું, “ખંભાતવાળા આરબ વહાણવટી સદીક શેઠે કાંઈ દગો કરીને આસરાજ શેઠનાં વહાણ લૂંટાવ્યાં.”