પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
284
ગુજરાતનો જય
 

હજુ આપણે આ કાગળમાં બતાવેલા ધોળા ઘોડાનો પત્તો મેળવવો છે. દરમ્યાન બે કામ કરવાનાં છે. એક તો સંગ્રામસિંહને વધારે ને વધારે વિશ્વાસમાં લેવાનું અને બીજું આ હાથ આવેલા મહાત્માને અભયદાન આપીને વધુ બાતમીઓ મેળવવાનું.”

"પણ આટલી બાતમી શું બસ નથી ? દેવગિરિના યાદવોની સબૂરીને આથી વધુ હદ હોતી નથી, દૂત !”

"એટલે જ મહારાજ, આપણું દેવગિરિ ઘરઆંગણે ચાહે તેટલું વિદ્યાને માન દેતું છતાં બહારનાં રાજ્યોમાં ફક્ત લૂંટારાનું જ પદ પામ્યું છે. શસ્ત્રમાં જે સર્વોપરિતા આપણે ભોગવીએ છીએ તે સંસ્કારની સર્વોપરિતા વિના નિંદાય છે. ગુર્જર દેશ અને માલવ દેશ સંસ્કારે ઊંચા ગણાય છે, કેમ કે તેની સબૂરીને સીમા નથી.”

સાંભળીને સિંઘણદેવની મુખરેખાઓ સુકુમાર બની. સંસ્કારિતા શબ્દ એ લૂંટારાને માટે પણ લોભામણો બન્યો.

“હવે તો મહારાજ –” સુવેગે વખતસર જડ મજબૂત કરી, “આપણા સુચરિતજીની અક્કલ ઉપર આપને વિશ્વાસ બેઠોને ! એમણે મને વખતસર આપણા સૈન્યનું પ્રયાણ અટકાવવા ન મોકલ્યો હોત તો આજે માળવા અને લાટ આપણી સેનાના બૂકડા ભરી ગયા હોત. હું તો રોજેરોજ એમના સૌરાષ્ટ્રથી મળતા સંદેશા ઉપર જ મારી બુદ્ધિની દોરવણી કરું છું. આપ જ કહો કે એ સંદેશાઓ કેટલા ગુપ્ત રહેવા જોઈએ. આપણો સાંધિવિગ્રહિક મારા સંદેશવહેવારની વચ્ચે પડવાની જે હઠ કરે છે તેનો હું આટલા માટે જ વિરોધ કરતો આવ્યો છું.”

“હવે તું અને તારા સંદેશાઓની વચ્ચે એ તો શું પણ હુંયે ન આવું, પછી છે કાંઈ ?”

સિંઘણદેવે સુવેગનો ખભો થાબડતે થાબડતે આટલો નિઃસીમ અધિકાર આપી દીધો.

છાવણીમાં બેઉ જણા પાછા વળ્યા અને સુવેગ પેલા કેદી મહાત્માની મુલાકાતે બંદીશાળામાં ચાલ્યો.

બંદીગૃહમાં પ્રવેશીને એણે એકલાએ જ બંદીવાનની મુલાકાત કરી.

"આપને ક્યાંક મારી પાડશે, બહુ ઉશ્કેરાયેલો છે.” એવી કાળજી કરનારા સૈન્ય-નાયકોને એણે હળવા એક સ્મિતથી જ ચૂપ કરી દીધા.

એ કેદી તેમ જ આ જાસૂસ બેઉની મુલાકાતનું મંગલાચરણ કોઈ ન કલ્પી શકે તેવું થયું.

પહેલાં તો બેઉ સામસામા પેટ ભરીને હસ્યા.