પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
290
ગુજરાતનો જય
 

વાણિયાગત કરી. વીરધવલને પાવા પાણી લાવ્યા એટલે મેં તો ઝારોળા ચૌહાણોને યાદ દેવરાવ્યું કે, “નહીં, બાપ ! ગુજરાતનાં પાનબીડાં ચાવીને તમે રાતાં મોઢાં કરી ગયા છો, ગુજરાતે કરાવેલું શુકન તમને ભદ્રેશ્વરમાં ફળ્યું છે. તમારા મોં એ પાનબીડે આજે જેવાં શોભે છે તેવું જ શોભવા દો મારા ધવલનું રુધિરાળ મોં. મારો ધવલ ખાશે તો તમારા હાથનું બીડું જ ખાશે; પણ લાલ બનેલું મોં તમારે પાણીએ ધોશે તો નહીં જ ! આમ સંભળાવ્યું ત્યારે ત્રણેય વિમાસી રહ્યા, ધોળકે બીડાં ખાધાનું સાંભરી આવ્યું, પઢિયારને અને ચૌહાણોને જ શરમનો પાર ન રહ્યો. ચૌહાણોએ કહી દીધું ભીમસિંહને કે આ કસાઈવાડો હવે નથી જોવાતો. પતાવો આ કજિયો.”

પછી આપે કજિયો પતાવ્યો કઈ રીતે એ તો કહો?”

“કહું? ખિજાઈશ નહીંને?”

"નહીં ખિજાઉં.”

“કચ્છી માડુને લોભ એક જ હતો કે એને એનાં ડંકાનિશાન અને છત્રચામર આબાદ રહે. મેં કહ્યું કે, રાખને બચ્ચા જોટે ! પછી તો ગુજરાતનું સામંતપદ કબૂલ છેને? જોને, હું એકેય છત્રચામર નથી રાખતો, તું મારાથી મોટો: પાટણમાં આવ ત્યારેય તારાં છત્રચામર ઓઢીને આવજે. માત્ર ખંડણી ભરજે.”

"અને એ કબૂલ થયો?”

“અરે, રાજી રાજી થઈ ગયો. અને તુરક સેના કચ્છને સીમાડેથી તો એક ઊંટ પણ ન કાઢી શકે એવો જાપ્તો રાખવાના એણે કસુંબાની અંજલિ માથે સોગંદ લીધા.”

વસ્તુપાલ એની ઝીણી મૂછો નીચે એક હાસ્ય રમાડતો હતો. એણે પૂછ્યું “છત્રચામર કેમ રાખવા દીધાં, બાપુ?”

“તું જ કહેને? એ ચીંથરાં કેટલાંક ચોમાસાં ટકશે? આપણે તો ચોમાસું આવે એટલો જ વખત વેઠવાનો છેને? ભલેને દીકરો થોડા દી ઠઠારો માણે ! આપણેય માનશું કે નાટક જોઈએ છીએ.”

“હવે આપ ખરા જીત્યા, બાપુ” એમ કહીને વસ્તુપાલે લવણપ્રસાદના પગમાં માથું ઢાળ્યું, “આપે રાજપૂતોનાં લીલાંકાંચ નેત્રોમાંથી ઝેરને ચૂસીને પી લીધું.”

“તને એમ લાગે છે કે આજે જ પીધું?” એમ બોલતા લવણપ્રસાદની આંખોમાં અને ચહેરા ઉપર કાળી વાદળીઓ ચાલી ગઈ.