પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાજિતનું માન
295
 

નથી. એનું સ્થાન હજુ અમે નક્કી કર્યું નથી, પણ ખાતરી રાખજો મહારાજ, કે એ નારી નથી, નાગણી છે.” એમ કહી ચંદ્રપ્રભા વિશે ફોડ પાડ્યો.

"પણ પેલો ક્યાં ?” એમ પૂછતાં યાદવનાથ સચિંત દૃષ્ટિએ ચારેકોર કોઈકને શોધી રહ્યા હતા.

"કોનું પૂછો છો, પ્રભુ ?” સમજી ન શકેલા અનુચરો પૂછવા લાગ્યા.

“તેં મોકલ્યો હતો તે.” સિંઘણદેવે સુચરિતને પૂછ્યું.

“મેં ! ના મહારાજ, મેં કોઈને...!” એને કંઈક ગોટાળો થયો હોવાની ગંધ આવી.

“મહારાજ પોતાના નહીં પણ અમારા માણસને યાદ કરતા લાગે છે.” એમ કહીને વસ્તુપાલે વિનય કર્યો: “મહારાજ હવે એ બધી ગઈ ગુજરી કરે, શું બન્યું તે કોઈને ન પૂછે, અને આ એક બુદ્ધિવંતને સાચવી લે. હું તો એવા દિવસને ઝંખું છું કે જ્યારે ફરી વાર શસ્ત્રો અને સૈન્યોને બદલે, હિંસા અને હત્યાકાંડને બદલે માત્ર સામસામાં મોકલેલા નિપુણોની ચાતુરીના જ દાવ પર હારજીતનો નિર્ણય લેવાય, સામ્રાજ્યો જિતાય અને ગુમાવાય.”

લૂંટારો સિંઘણ ખૂબ ખૂબ પ્રસન્ન બનીને આ રીતે પાછો વળ્યો.

*

સિંઘણદેવને વળાવીને તેજપાલ સૈન્ય લઈ ભૃગુકચ્છને કબજે કરવા ગયો. બીજી બાજુ ખંભાત પાછા વળતા લવણપ્રસાદ અને વસ્તુપાલ વચ્ચે સમુદ્રમાં ઝઘડો જામી પડ્યો હતો. રાણા વીનવતા હતા: “ભલો થઈને તું પાટણનું મહામંત્રીપદ સ્વીકાર.”

વસ્તુપાલનો જવાબ નકારમાં હતોઃ “ના બાપુ, મારે ખંભાત ઘણુંબધું છે, મારા સાધુઓ, મારી સરસ્વતી અને મારો સાગર છોડું એવો કોઈ સ્વાદ મને પાટણમાં નથી.”

“કડવું કરીને ચાલ.”

"શીદને આગ્રહ કરો છો ?”

“પાટણને પાદર કરીને આપણે ધોળકા-ખંભાતને જમાવ્યાં છે એ મેણું મારે માથેથી ઉતાર. તારા સાધુઓને અને તારી સરસ્વતીને ત્યાં લઈ આવ.”

“મારો રત્નાકર ત્યાં નહીં આવેને ?”

“તો તું રત્નાકરને મળવા ખંભાત જતો આવતો રહેજે.”

“રહેવા દો, બાપુ !” વસ્તુપાલ કૂણો પડતો પડતો પણ પોતાની સ્થિતિને તપાસતો હોય તેમ બોલતો હતોઃ “ઝાડવાને જે ધરતી ભાવી ત્યાંથી એને ઉખેડો